Connection-Rooh se rooh tak - 1 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 1

પ્રસ્તાવના

ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવે આ બધું કેમ થાય છે? એ આપણે નથી જાણતાં. એને આકર્ષણ કહેવું કે પ્રેમ? એ સમજમાં નથી આવતું. પરંતુ, એવાં બધાં લોકો માત્ર બીજાનાં જીવનમાં અમુક બદલાવો લાવવાં માટે જ આવતાં હોય છે. એમનો સાથ જીવનભર રહેશે જ, એવું કહેવું થોડું અઘરું છે.
આ કહાની કંઈક એવાં જ બે વ્યક્તિઓની છે. જેનું એક ખાસ સફર છે. જેમાં બંનેનાં જીવનનાં અમુક મહત્વનાં સત્યો એ બંનેની સામે આવે છે. આ કહાનીની નાયિકા અને નાયક બંને કદાચ એટલે જ એકબીજાને મળે છે. જેનાં લીધે એ એકબીજાને એકબીજાનાં જીવનનાં સત્યો જણાવી શકે. આવાં પાત્રોને આપણે સોલમેટ કનેક્શન કહી શકીએ. મતલબ કે, આત્માનાં સાથી! જે માત્ર એકબીજાની મદદ માટે જ એકબીજાનાં જીવનનાં આવતાં હોય છે.
તો આવો જોઈએ આપણી કહાનીના નાયક અને નાયિકા જીવનભર એક સાથે રહી શકે છે, કે પછી એકબીજાની મદદ કર્યા બાદ, એકબીજાનાં જીવનનાં સત્યો જાણ્યાં બાદ એકબીજાથી અલગ થઈ જાય છે? ખરેખર કહું તો હું આ કહાની લખવા માટે બહું ઉત્સુક છું. કોઈનું અચાનક જીવનમાં આવવું, અને આપણાં જીવનને સંપૂર્ણપણે બદલી નાખવું. આવું બધું લખવું, વાંચવું, જોવું અને ખાસ કરીને અનુભવવું મને પણ ખૂબ પસંદ છે.
આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે. આથી કહાનીના પાત્રો, ઘટનાં કે સ્થળને કોઈપણ વ્યક્તિએ કોઈ પણ અન્ય વ્યક્તિના જીવન સાથે સરખાવવાની કોશિશ નાં કરવી.
તો શરૂ કરીએ પ્રસ્તાવના મુજબની એક નવી જ કહાની, કનેક્શન-રૂહ સે રૂહ તક!



૧.અણધારી મુલાકાત

મુંબઈનાં ફિલ્મ સીટી રોડ પર એક હ્યુન્ડાઈ i20 ફુલ સ્પીડમાં આગળ વધી રહી હતી. એ કારને ચલાવતી છોકરી થોડી ગુસ્સામાં જણાતી હતી. જેનાં લીધે કારની સ્પીડ પણ એ મુજબ જ હતી. ગુસ્સાનો પારો હાઈ હોવાથી કાર પણ એવી જ ગતિથી આગળ વધી રહી હતી. અચાનક જ કાર સામે એક છોકરો આવી જવાથી એણે કારને ઝડપથી બ્રેક લગાવી. કાર ટાયર ઘસાવાની ચિચિયારી સાથે એક ઝટકા સાથે રોકાઈ. છોકરી પણ ઝટકો લાગતાં હચમચી ગઈ. એનાં બધાં વાળ એનાં ગોરાં ચહેરાં પર આવી ગયાં.
"એ બેવડા! મારી કાર જ અથડાવા માટે મળી?" એ છોકરી કારની વિન્ડો ખોલીને એમાંથી ચહેરો બહાર કાઢીને બરાડી ઉઠી. ત્યાં જ છોકરો તો એની કાર આગળ જ બેભાન થઈને પડી ગયો હતો. છોકરીનો ચહેરો તંગ થયો. એણે સ્ટેરીંગ વ્હીલ પર બંને હાથની કોણી ટેકવીને, બંને હાથે પોતાનું માથું પકડી લીધું. એક ઉંડો શ્વાસ લીધો અને છોડીને, કારનો દરવાજો ખોલીને, એ બહાર નીકળીને છોકરાં તરફ આગળ વધી ગઈ. પાક્કી સડક પર એનાં હાઈ હીલના સેંડલનો ટક..ટક..નો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી રહ્યો. રાતનાં બે વાગી ગયાં હતાં. આમ તો મુંબઈ હજું જાગતું હતું. છતાંય દિવસ કરતાં ભીડ થોડી ઓછી હતી. પરિણામે વાતાવરણ થોડું શાંત હતું.
એ છોકરી છોકરાંની પાસે જઈને ઉભી રહી. છોકરો સડક પર બેભાન હાલતમાં પડ્યો હતો. એનાં એક હાથમાં દારૂની ખાલી બોટલ હતી. જેને એણે હજું પણ કસીને પકડી રાખી હતી. બીજામાં હાથમાં એક કોટ હતો. છોકરી પોતાનાં ખંભે રહેલું એક ગોલ્ડન ચેઈનમાં લટકતું પર્સ સરખું કરીને, ઘુંટણ પર નીચે બેઠી. એણે છોકરાનું માથું પકડીને ઉંચુ કર્યું. એનાં ડાબા હાથમાં રહેલી બ્રાન્ડેડ વૉચ, ડોકમાં પહેરેલી પતલી સોનાની ચેઈન અને કપડાં જોતાં તો એ ખાનદાની કુટુંબમાંથી આવતો હોય એવું જણાતું હતું. કોઈનો સ્પર્શ થયો એવું માલૂમ પડતાં જ છોકરાએ એની આંખો ખોલી. એ છોકરીને એની આંખોમાં એક ખુમારી અને ગજબનો આત્મવિશ્વાસ નજર આવ્યો. પોતે કોની સાથે છે? એ જોવાં જ છોકરાએ આંખ ખોલી હોય એમ તરત જ એણે ફરી આંખ બંધ કરી દીધી. એ છોકરીએ એને તરત જ સહારો આપીને ઉભો કર્યો અને પોતાની કારમાં બેસાડીને ફરી કાર આગળ ચલાવી મૂકી. આ વખતે સ્પીડ થોડી ઓછી હતી.
કાર હાઉસિંગ કૉમ્પલેક્ષ ઈન મુંબઈનાં સેટેલાઈટ ઈલેજન્સની સામે ઉભી રહી. બહુમાળી ઈમારત ધરાવતાં એ કૉમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરીને છોકરી કારનો દરવાજો ખોલીને બહાર નીકળી પછી છોકરાંને બહાર કાઢીને એણે એનો હાથ પોતાની ગરદનની ફરતે વીંટાળી દીધો અને લિફ્ટ તરફ આગળ વધી ગઈ. લિફ્ટની અંદર પ્રવેશીને એણે પાંચમા માળે જવાનું બટન દબાવ્યું. લિફ્ટ પાંચમાં માળે આવીને રોકાઈ. લિફ્ટ ખુલતાં જ એ છોકરી પર્સને અને છોકરાંને સંભાળતી રૂમનાં દરવાજા તરફ આગળ વધી. એક હાથે છોકરાંને સંભાળતાં એણે પર્સમાંથી રૂમની ચાવી કાઢીને દરવાજો ખોલ્યો. છોકરો એનાં ખંભે માથું ઢાળીને ઉભો હતો. એ એનો હાથ ફરી પોતાની ગરદન ફરતે વીંટાળીને એને અંદર ગઈ અને અંદર આવીને એણે 2BHK ફ્લેટનાં ડબલ બેડ પર એ છોકરાંને સુવાડી દીધો. છોકરાનાં સફેદ શર્ટનાં ઉપરનાં ખિસ્સામાં રહેલો મોબાઈલ કાઢીને એણે ટેબલ પર મૂક્યો અને દારૂની ખાલી બોટલ પણ એ ટેબલ પર જ મૂકી દીધી. એ છોકરો પોતાનાં જ કોટને બાથમાં લઈને સુઈ ગયો.
છોકરાંનો હાથ પોતાની ગરદન ફરતે વીંટાળીને, એને અહીં સુધી લાવીને એ છોકરીની ગરદન અકળાઈ ગઈ હતી. એણે સોફા પર બેસીને એનાં હાઈ હીલના સેંડલ ઉતાર્યા અને ગરદન પકડીને એને આમતેમ ઘુમાવીને સોફા પર આડી પડી. રાતનાં બે વાગે સંપૂર્ણ સૂનકારમાં, સખત થાકી જવાનાં કારણે એને તરત જ ઉંઘ આવી ગઈ.
મુંબઈની માયાનગરીમાં કોઈને કોઈની પડી ન હતી. બધાં પોતાનામાં જ મસ્ત રહેતાં. એમાં આ છોકરી બધાંથી અલગ તરી આવતી હતી. બાકી અડધી રાતે દારૂ પીધેલા અજાણ્યાં છોકરાંને કોઈ છોકરી પોતાની ઘરે શાં માટે લાવે? જ્યારે એ છોકરીએ અજાણ્યાં છોકરાંને પોતાની ઘરે લાવતાં પહેલાં એકવાર પણ વિચાર કર્યો ન હતો. ઉપરથી એનાં રૂમમાં કોઈ અજાણ્યો છોકરો દારૂ પીને સૂતો છે. એવી કોઈ એને ખબર જ નાં હોય. એમ એ ઘસઘસાટ ઉંઘી ગઈ. આ જ વાત એને મુંબઈની પ્રજાતિથી અલગ બનાવતી હતી.
2BHK ફ્લેટની સંપૂર્ણ કાચની બનેલી બારીમાંથી સુરજનું અજવાળું અંદર રેલાતા જ છોકરાંની આંખો ખુલી. છોકરી તો હજું પણ ઉંઘી જ રહી હતી. છોકરો આંખો ચોળતો ઓશીકાને પોતાની પીઠ સાથે ટેકવીને બેઠો. એણે આખાં રૂમમાં પોતાની નજર દોડાવી. બધું જોતાં જ પોતે કોઈ અજાણી જગ્યાએ હોય એવી એને જાણ થઈ. સુરજનો પ્રકાશ કાચની પારદર્શક બારીમાંથી છોકરાંની આંખો પર પડતો હતો. એ આંખ આડો હાથ કરીને બેસી રહ્યો. ત્યાં જ એની નજર સામે પડેલાં સોફા પર ઉંઘી રહેલી છોકરી પર પડી. એ સફાળો બેઠો થઈ ગયો. અચાનક એક ઝટકા સાથે ઉભાં થવાથી એનો હાથ ટેબલ પર પડેલાં કાચનાં ગ્લાસ સાથે અથડાયો અને ગ્લાસ નીચે પડીને તૂટી ગયો. હજું સવારનાં સાત જ વાગ્યા હતાં. મુંબઈ શહેર પૂરી રીતે જાગ્યું ન હતું. પોતાનાં રૂમમાં કંઈક તૂટ્યું. એવો અવાજ કાને પડતાં જ છોકરી આંખો ચોળતી ઉભી થઈ.
"સવાર સવારમાં કોને શાંતિ નથી?" એ હજું પણ ઉંઘમાં હતી. એણે ઉંઘરેટા અવાજે જ કહ્યું. છોકરો કંઈ બોલી નાં શક્યો. એ પત્થરની બનેલી મૂર્તિની માફક ઉભો રહ્યો. જાણે એ છોકરી કોઈ ચુડેલ હોય. એમ એ ડરી રહ્યો હતો. મુંબઈ શહેરમાં કોઈ છોકરો છોકરીને જોઈને ડરે. એ વ્યાજબી તો નાં જ ગણાય.
"મને અહીં કોણ લાવ્યું?" છોકરાએ થોથવાતા અવાજે પૂછ્યું. એનાં એ સવાલથી છોકરીની ઉંઘ ઉડી ગઈ. એની આંખો પણ પૂરી રીતે ખુલવા લાગી. એણે પોતાની સામે ઉભેલાં છોકરાંને ઉપરથી નીચે સુધી સ્કેન કર્યો. પછી એ જોરજોરથી હસવા લાગી. છોકરો વધું મુંઝાયો. એની એવી હાલત જોઈને એ છોકરી સોફા પરથી ઉભી થઈને કમર મટકાવતી એ છોકરાં તરફ આગળ વધી. જીન્સનાં બ્લૂ શોર્ટ્સ ઉપર વ્હાઈટ શર્ટ, જેને નીચેથી ગાંઠ વાળી હતી. એનાં કારણે એની નાભિ સ્પષ્ટ રીતે દેખાતી હતી. એકદમ ગોરી ત્વચા, બહું જાડી પણ નહીં ને પાતળી પણ નહીં. એવો એનાં શરીરનો બાંધો કહી શકાય. આંખો જાણે કે કટારી અને ધનુષ આકારનાં હોંઠો પર સ્મિત રેલાવતી એ એકદમ છોકરાંની લગોલગ જઈને ઉભી રહી ગઈ.
"હું તને ચુડેલ લાગું છું?" એ મરક મરક હસી. છોકરાએ માત્ર નકારમાં ડોક હલાવી. એ જોરજોરથી હસવા લાગી, "બચ્ચું! આ મુંબઈ છે. અહીં એકલી છોકરી છોકરાં માટે ખુલ્લું આમંત્રણ હોય છે. જ્યારે તને જોઈને તો તું ડરતો હોય એવું લાગે છે. જાણે કોઈ ચુડેલ જોઈ લીધી હોય." એણે એક કદમ પાછળ હટીને પોતાનાં જ પગ જોયાં, "મારાં પગ તને ઉલ્ટા દેખાય છે?" એ છોકરાંની આંખોમાં જોવાં લાગી. છોકરાંને તો જાણે એક કટારી એનાં દિલમાં ખૂંપી ગયાનો અહેસાસ થયો. એણે તરત પોતાની નજર ઘુમાવી લીધી, "રિલેકસ! બાય ધ વે આઈ એમ અપર્ણા શાહ, એન્ડ યૂ?" એણે પોતાનો જમણો હાથ છોકરાંની તરફ આગળ ધર્યો.
"શિવ..." એણે હાથ મિલાવ્યો. પછી તરત જ પાછળ ખેંચી લીધો. જાણે એ હજું પણ એક પ્રકારનો ખચકાટ અનુભવતો હતો કે કોઈ છોકરી એક અજાણ્યાં છોકરાંને પોતાની ઘરે લાવીને પણ આટલી રિલેકસ કેવી રીતે રહી શકે? આની પાછળ કોઈ તો કારણ હોવું જોઈએ ને.! પણ ખરેખર એવું કોઈ કારણ ન હતું.
અપર્ણા શાહ... છ મહિના પહેલાં મુંબઈ એક્ટર બનવાનું સપનું લઈને આવી હતી. જ્યાં લોકો એક રોલ માટે પ્રોડ્યુસરની ઓફિસનાં ચક્કર કાંપી કાંપીને થાકી જતાં હોય છે. ત્યાં અપર્ણાને પહેલી જ મિટીંગમાં એક હિન્દી સિરિયલ માટે મુખ્ય પાત્રની ભૂમિકા મળી ગઈ હતી. જેની પાછળ અપર્ણા છેલ્લાં છ મહિનાથી મહેનત કરી રહી હતી. એનાં શૂટિંગનાં કારણે જ એને રાતે ઘરે આવવામાં મોડું થતું. એમાંય કાલે રાતે સિરિયલનાં ડિરેક્ટર સાથે કોઈ બાબતે ઝઘડો થઈ જવાથી અપર્ણાનો મૂડ ખરાબ હતો.
શિવનાં લીધે અપર્ણાની ઉંઘ વહેલી જ ઉડી ગઈ હતી. એણે એક નજર ઘડિયાળ તરફ કરી, "ચા લઈશ કે કૉફી?" અપર્ણાએ બેડ પર બેસીને આંખો ચોળતા ચોળતા પૂછ્યું.
અપર્ણાનો અવાજ સાંભળીને છોકરો જાણે ઉંઘમાંથી જાગ્યો, "મારે હવે નીકળવું જોઈએ." એ હજું પણ અસમજની સ્થિતિમાં હતો. જેને ડર તો નાં જ કહી શકાય, "હું કાલ રાતથી અહીં છું. મારે ઓફિસે જવામાં મોડું થાશે." એ શબ્દો શોધી શોધીને બોલી રહ્યો હતો.
શિવની હાલત જોઈને અપર્ણા ફરી હસવા લાગી, "જો પહેલાં તો આ શબ્દોની શોધખોળ કરવાનું બંધ કર." એ થોડી નોર્મલ થઈ, "આમ પણ તું ઘરે જઈને પણ ચા કે કૉફી પીધાં વગર ઓફિસે નહીં જાય. તો અહીં જ પી લે. પછી ઘરે જઈને સીધો ઓફિસે જતો રહેજે." એ બેડ પરથી ઉભી થઈને શિવની સામે ઉભી રહી ગઈ, "પણ હું કંઈ બનાવીશ નહીં. બનાવવું તો તારે જ પડશે. હું ચા પીવ છું. તું જે પીતો હોય એ તું તારી રીતે જોઈ લેજે." એ ફરી બેડ પર બેસી ગઈ.
"બનાવવાનું મારે જ છે તો અહીં બનાવું કે મારી ઘરે જઈને, શું ફેર પડવાનો?" શિવે પૂછ્યું, "મારે મોડું થાય છે. તું સમજતી કેમ નથી?" એ થોડો અકળાયો.
"મેં તારી મદદ કરી. તને સડક પરથી ઉઠાવીને મારાં ઘરે લાવી અને તું મને થેંક્યૂ કહેવાને બદલે મારી સાથે આવું વર્તન કરે છે!" અપર્ણા ફરી ઉભી થઈને પોતાનાં બંને હાથ કમર પર રાખીને શિવની સામે ઉભી રહી ગઈ, "મને આમ પણ થેંક્યૂ સાંભળવું પસંદ નથી. હું એ એક શબ્દ સાંભળવાં કોઈની મદદ નથી કરતી. બટ નાઉ યૂ લિસન, તારે મારાં માટે ચા તો બનાવની જ પડશે." એ જિદ્દ પકડીને બેસી ગઈ, "થેંક્યૂ નાં સહી ઈતના તો કર હી સકતે હો. પછી તને તારાં ઘર સુધી છોડવાની જવાબદારી મારી."
"કમાલની છોકરી છે તું." શિવે કહ્યું, "હવે કિચન બતાવી દે એટલે ચા બનાવીને હું અહીંથી નીકળું." અપર્ણાનાં વર્તનથી શિવ હવે બરાબરનો ચિડાયો હતો. હવે એ કોઈ અસમંજસમાં પણ ન હતો અને એને કોઈ ડર પણ લાગી રહ્યો ન હતો. એ સારી રીતે સમજી ગયો હતો કે અપર્ણા એક નંબરની જીદ્દી છોકરી છે. જેનાં વર્તનથી માંડીને ટેવ કુટેવ બધું જ વિચિત્ર પ્રકારનું છે.
શિવ આખરે માની ગયો એ જોઈને અપર્ણાના ચહેરાં પર સ્મિત આવી ગયું. બહાર આવીને એણે શિવને કિચન બતાવ્યું. શિવ કિચનમાં ચા બનાવવા લાગ્યો. અપર્ણા એની બાજુમાં જ ઉભી રહીને એક સ્મિત સાથે એને જોઈ રહી હતી. જ્યારે શિવ પરેશાન થઈ રહ્યો હતો. ચા માટેની બધી વસ્તુઓ પ્લેટફોર્મ ઉપર જ પડી હોવાથી એને કોઈ તકલીફ નાં થઈ. એણે ચા બનાવીને એક કપમાં ઠાલવી અને એ કપ અર્પણા આગળ લંબાવી દીધો, "આ લે તારી ચા!"
"તે તારાં માટે કંઈ નાં બનાવ્યું?" અપર્ણાએ માત્ર ચા જોઈને પૂછયું, "મેં તારાં માટે પણ બનાવવા કહ્યું હતું."
"આ બે વ્યક્તિની ચા જ છે." શિવે તપેલી તરફ ઈશારો કર્યો, "તને દેખાતું નથી કે પછી ક્યારેય ચા બનાવી જ નથી?"
"સાચું સમજ્યો! મને કશું જ બનાવતાં નથી આવડતું." અપર્ણાએ ચાનો એક ઘૂંટ ભરીને કહ્યું, "સાચું કહું તો આજે મારી કામવાળી બાઈ રજા ઉપર છે. તે સવાર સવારમાં મને વહેલી જગાડી અને મારે સવારે ચા પહેલાં જોઈએ. હવે મેં તો કિચનમાં ક્યારેય એક કપ પાણી પણ ગરમ કર્યું નથી. તો ચા કેમની બનાવું?" એ એકદમ માસૂમ ચહેરો બનાવીને શિવ સામે જોવાં લાગી, "સવારે ચા નાં મળે તો મારો દિવસ ખરાબ જાય. એટલે મેં તારી પાસે ચા બનાવડાવી." એણે એક શરારતી સ્મિત કરતાં ઉમેર્યું, "પહેલાં મને થયું તને પણ કંઈ આવડતું નહીં હોય. પણ જ્યારે તે કહ્યું કે 'બનાવવાનું મારે જ છે તો અહીં બનાવું કે ઘરે જઈને, શું ફેર પડવાનો?' એટલે મને ખાતરી થઈ ગઈ કે તને ચા બનાવતાં આવડે છે. તો હું જિદ્દે ચડી. પછીની કહાની તો તું જાણે જ છે." કહીને એ ખડખડાટ હસવા લાગી.
"તો તે મને તારો નોકર સમજી લીધો?" શિવની આંખો અચાનક જ મોટી થઈ ગઈ, "તારાં ઘરની કામવાળી નાં આવી તો તે મારી પાસે ચા બનાવડાવી. કમાલ છે હો તું!" એ થોડો ટાઢો પડ્યો.
અપર્ણાને હાશકારો થયો, "હવે તું ઠંડો પડી ગયો છે તો ચા ઠંડી થઈ જાય એ પહેલાં તું પણ ચા પી લે." અપર્ણાએ ચા તરફ ઈશારો કર્યો.
હવે શિવે પોતાનાં માટે પણ ચા બનાવી જ લીધી હતી. તો પીવા સિવાય છૂટકારો ન હતો. એણે બીજી વાતો પરથી ધ્યાન હટાવીને એક કપમાં ચા ઠાલવી અને ત્યાં જ ઉભાં ઉભાં પીવાં લાગ્યો. અપર્ણા પણ હોંશેહોંશે ચા પી રહી હતી, "તું ચા સારી બનાવી લે છે." અપર્ણાએ ચા પીતાં પીતાં કહ્યું.
"થેંક્યૂ." શિવે કહ્યું.
એ ચાનો ખાલી કપ પ્લેટફોર્મ પર મૂકીને ચાલતો થયો. અપર્ણાએ પણ પોતાનો ખાલી કપ પ્લેટફોર્મ પર મૂક્યો અને એની પાછળ પાછળ કિચનની બહાર આવી ગઈ. શિવ સડસડાટ દરવાજા તરફ આગળ વધી ગયો. એ દરવાજો ખોલે એ પહેલાં જ અપર્ણા એની સામે આવીને ઉભી રહી ગઈ. શિવ કંઈ સમજી નાં શક્યો, "હવે શું છે?" એણે પરેશાન અવાજે પૂછ્યું.
"મેં તને તારાં ઘર સુધી છોડવાની જવાબદારી લીધી છે. તો હું જ તને મૂકવાં આવીશ ને!" અપર્ણા અલગ જ નજરોથી શિવને જોઈ રહી, "તું મને પૂછ્યાં વગર કેવી રીતે જઈ શકે? તું વેઈટ કર હું મારી કારની ચાવી લઈને આવું." એ શિવ આગળથી હટીને પોતાનાં રૂમ તરફ આગળ વધી ગઈ.
શિવ કંઈ સમજે એ પહેલાં એને એનાં મોબાઈલની રિંગ વાગવાનો અવાજ સંભળાયો. જે અપર્ણાનાં રૂમમાંથી આવી રહ્યો હતો. શિવ તરત જ રૂમ તરફ આગળ વધી ગયો. એ રૂમમાં પહોંચ્યો ત્યાં જ અપર્ણા શિવનો મોબાઈલ હાથમાં લઈને ઉભી હતી. જેની સ્ક્રીન પર 'બાપુ' નામ ફ્લેશ થઈ રહ્યું હતું. અપર્ણા કંઈ સમજે કે પૂછે એ પહેલાં જ શિવે એનાં હાથમાંથી મોબાઇલ રીતસરનો આંચકી લીધો, "આ મારો મોબાઈલ છે અને તારે હવે કોઈ તકલીફ ઉઠાવવાની જરૂર નથી. હું મારી રીતે જતો રહીશ." કહીને એ અપર્ણાનાં રૂમનો દરવાજો ચીરીને બહાર નીકળી ગયો.
અપર્ણા માત્ર એને જતો જોઈ રહી, "અજીબ છોકરો છે. જોતાં જ ઉતાવળીયો લાગે છે." અપર્ણા એકલાં જ બોલી ઉઠી. ત્યાં જ એનાં મોબાઈલની રિંગ વાગી. એ સોફાની સામે પડેલાં ટેબલ તરફ આગળ વધી ગઈ. એણે ટેબલ પર પડેલો મોબાઈલ ઉઠાવીને કાને લગાવ્યો, "જી સર, સવાર સવારમાં મને યાદ કરી. કોઈ ખાસ કામ હતું?"
"આજે રાતે એક પાર્ટી છે. એ યાદ અપાવવા જ કોલ કરેલો." સામે છેડેથી એક ભારે ભરખમ પણ અનુભવી અવાજ અપર્ણાના કાને પડ્યો, "તને સમય ઉપર નાં આવવાની આદત પડી છે એટલે આજની પાર્ટીમાં તું સમયસર પહોંચે એ માટેની ખાસ ટકોર કરવાં જ મારે અત્યારે કોલ કરવો પડ્યો."
"ઓકે સર! આજે હું સમયસર આવી જઈશ." અપર્ણાએ કહ્યું અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો. એ મોબાઈલ ફરી ટેબલ પર મૂકીને વૉર્ડરોબ તરફ આગળ વધી ગઈ. એમાંથી એણે કપડાં કાઢ્યાં અને બાથરૂમનો દરવાજો ખોલીને એમાં ઘુસી ગઈ. થોડીવાર થતાં જ એ ભીનાં વાળમાં ટુવાલ વીંટાળીને બહાર આવી અને રૂમની બારી તરફ આગળ વધી ગઈ. એણે કાચની બનેલી બારી ખોલી અને ત્યાં જ બારી સામે ઉભાં રહીને એ પોતાનાં વાળમાં ટુવાલ ઘસવા લાગી. પછી એક ઝટકા સાથે વાળને પાછળ ધકેલીને ડ્રેસિંગ તરફ આગળ વધી ગઈ અને ત્યાં પડેલું હેર ડ્રાયર લઈને એનાંથી વાળને સુકવવા લાગી. એનાં કમરથી નીચે સુધી ઝુલતાં વાળમાં એ કોઈપણ શ્રુંગાર વગર પણ બેહદ ખુબસુરત લાગી રહી હતી. ડ્રેસિંગ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યાં પછી એ પોતાનાં સ્ટડી ટેબલ પર પડેલાં લેપટૉપ તરફ આવી અને ખુરશી સરકાવીને, એનાં પર બેસી ગઈ. એની આગળીઓ લેપટૉપનાં કીબોર્ડ પર ફરવા લાગી. જે વાતાવરણમાં ટપટપનો અવાજ ઉત્પન્ન કરવાં લાગી. આખાં ફ્લેટમાં અપર્ણા એકલી જ હોવાથી માત્ર કીબોર્ડનો અવાજ જ ફ્લેટમાં ગુંજી રહ્યો હતો. જે સાંભળીને એને અકળામણ થવા લાગી. અચાનક જ એની આંગળીઓ રોકાઈ ગઈ અને એ આંખો બંધ કરીને ખુરશી સાથે માથું ટેકવીને બેસી ગઈ.
છ મહિનાની અંદર અપર્ણાની કામવાળી બાઈ આજે પહેલીવાર રજા પર હતી. જેનાં લીધે એને ઘરમાં એકલું એકલું લાગતું હતું. એને હંમેશા વાતો કરવાં માટે કોઈને કોઈ જોઈતું. એને ચુપ રહેવું પસંદ ન હતું. અપર્ણાએ જ્યારે છ મહિના પહેલાં અમદાવાદ છોડીને મુંબઈ આવવાં માટે ઘરમાં બધાંને જણાવ્યું હતું. ત્યારે પણ આ જ મુદ્દો ઉઠ્યો હતો. 'તને રસોઈ નથી આવડતી. તને એકલાં રહેવું પસંદ નથી. તો તું એકલાં મુંબઈમાં બધું કેવી રીતે મેનેજ કરીશ?' એ સમયે આ સવાલનો જવાબ આપવો અપર્ણા માટે થોડું અઘરું રહ્યું હતું. છતાંય એ જીદ્દ કરીને મુંબઈ આવી ગઈ હતી. છ મહિના સુધી તો એને કોઈ તકલીફ નાં થઈ. પણ આજે એ ઘરમાં એકલી હોવાથી અંદર અંદર જ ઘૂંટાઈ રહી હતી. એણે એક ઉંડો શ્વાસ ભરતાં પોતાની આંખો ખોલી. એની નજર આખાં રૂમમાં ફરી વળી. જ્યાં એનાં સિવાય બીજું કોઈ ન હતું. અચાનક જ એની નજર મોબાઈલ પર જઈને અટકી. એ ઉભી થઈને એની તરફ આગળ વધી ગઈ. મોબાઈલ હાથમાં લઈને એણે એક નંબર ડાયલ કર્યો. પછી તરત જ રિંગ જતાં પહેલાં જ કાંપી નાંખ્યો.
"તારે મુંબઈ જવું હોય તો તું જઈ શકે છે. પણ ત્યાં ગયાં પછી જ્યાં સુધી તારું સપનું પૂરું નાં થાય. ત્યાં સુધી મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. જો તે સપનું પૂરું કર્યા વગર જ કોલ કર્યો અને મને તારાં અવાજમાં જરાં પણ પાછળ હટવાની ઈચ્છા દેખાઈ. તો તરત જ તારે અમદાવાદ આવતાં રહેવું પડશે." અપર્ણાનાં કાનમાં આવાં અવાજો ગુંજવા લાગ્યાં. જે છ મહિના પહેલાં એનાં પપ્પાએ એને કહ્યાં હતાં. આજે છ મહિનાની અંદર કાલે રાતે જે બનાવ બન્યો એ પછી અપર્ણાને પહેલીવાર એમની સાથે વાત કરવાની ઈચ્છા થઈ હતી. પણ એ એમને કોલ નાં કરી શકી. એનાં સપનાંએ એને રોકી લીધી.


(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"