Connection-Rooh se rooh tak - 7 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 7

૭.રાઝ

શિવ અપર્ણાને એનાં ફ્લેટ સુધી મૂકવાં આવ્યો હતો. એણે સેટેલાઈટ ઈલેજન્સની સામે પોતાની જીપ ઉભી રાખી. અપર્ણા પોતાનાં વિચારોમાં ખોવાયેલી હતી. જીપ ઉભી રહેવા છતાંય એને કોઈ જાતની ખબર નાં રહી. શિવે એનાં તરફ નજર કરી. પરંતુ એનીયે સમજમાં નાં આવ્યું, કે એ અપર્ણાને નીચે ઉતરવાનું કેવી રીતે કહે?
આખરે શિવે હિંમત કરીને અપર્ણાના ખંભે હાથ મૂક્યો, "અપર્ણા! તારો ફલેટ આવી ગયો."
"હં હાં, સોરી, મને ખબર જ નાં રહી." અપર્ણાએ થોથવાતી જીભે કહ્યું.
"ઇટ્સ ઓકે." શિવે શાંત અવાજે કહ્યું.
અપર્ણા તરત જ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતરી, અને ચાલતી થઈ ગઈ. શિવ એને જતી જોઈ રહ્યો. જ્યાં સુધી એ એની આંખો સામેથી ઓઝલ નાં થઈ ગઈ. ત્યાં સુધી એ એને જતી જોઈ રહ્યો. જ્યારે અપર્ણા એને સંપૂર્ણપણે દેખાતી બંધ થઈ ગઈ. ત્યારે અચાનક જ એને કંઈક યાદ આવ્યું. એ તરત જ જીપમાંથી ઉતરીને અંદરની તરફ ભાગ્યો. અપર્ણા લિફ્ટમાં જતી રહી હતી. શિવ સીડીઓ ચડીને જ અપર્ણાના ફ્લેટ સુધી પહોંચી ગયો. એ સમયે જ ફ્લેટની સામેની લિફ્ટ ખુલી, અને અપર્ણા લિફ્ટમાંથી બહાર આવી.
"તું અહીં?" શિવને ફ્લેટના દરવાજે ઉભેલો જોઈને અપર્ણા ચોંકી ગઈ.
"હાં, રોજ જીમ જાવ છું. તો લિફ્ટની પણ પહેલાં કોઈપણ જગ્યાએ પહોંચી શકું છું." શિવે જરાં એવાં સ્મિત સાથે કહ્યું. જે એનાં ચહેરાં પર સુંદર લાગતું હતું.
"મેં તું કેવી રીતે આવ્યો? એ નથી પૂછ્યું." અપર્ણાનું વર્તન અચાનક જ બદલી ગયું, "મારી પાછળ પાછળ શાં માટે આવ્યો? એ જણાવ."
"તને હજું પણ એવું લાગે છે, કે હું તારો પીછો કરી રહ્યો છું?" શિવે પોતાની આંખો ઝીણી કરી, "આવાં ખોટાં વ્હેમ નાં પાળવા, મેં પહેલાં જ કહ્યું હતું. હું અહીં મારો કોટ લેવાં આવ્યો છે."
"કેટલાં મોટાં બંગલામાં રહે છે. છતાંય એક કોટ છોડી નથી શકતો." અપર્ણાએ પોતાની જાત સાથે વાતો કરતાં કરતાં જ ડોર બેલ વગાડી. જે શિવે સાંભળી લીધી હતી. એ સાંભળતાં જ એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. શાંતિબાઈએ દરવાજો ખોલ્યો, એટલે બંને અંદર આવ્યાં. અપર્ણાએ પોતાનાં પર્સને રીતસરનું લિવિંગ રૂમનાં સોફા પર ફેંક્યું, અને પોતાનાં રૂમ તરફ આગળ વધી ગઈ. શિવ પણ એની પાછળ પાછળ આવ્યો. રૂમમાં આવીને અપર્ણાએ શિવનો કોટ લીધો, અને શિવનાં હાથમાં આપીને કહ્યું, "પકડ તારો કોટ, અને જા અહીંથી."
"હાઉ રૂડ, કોઈ સાથે આવું વર્તન કરાતું હશે કંઈ?" શિવે મોઢું બગાડીને કહ્યું.
"તું કોઈ મોટો સેલિબ્રિટી છે, કે તારી જોડે આવું વર્તન નાં કરી શકાય?" અપર્ણાએ પોતાનાં બંને હાથ કમર પર રાખીને કહ્યું, "કેટલાં દિવસથી કોટ કોટ કરે છે. કેટલો મોટો બંગલો છે, તારી પર્સનાલિટી જોઈને તું પણ કમાતો હોય એવું લાગે છે. તો શું થોડાં એવાં રૂપિયાનાં કોટ પાછળ પડ્યો છે?"
"ઓ હેલ્લો, એ બંગલો અને આ પર્સનાલિટી એમ જ નથી મળી. એની પાછળ ઘણું બધું ગુમાવવું પડ્યું છે, ઘણી મહેનત કરવી પડી છે." શિવે અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું, "આમ પણ આ કોટ મારાં મમ્મીએ મને ગિફ્ટ કર્યો છે. આ મારાં માટે બહું સ્પેશિયલ છે, અને મહેનતથી મેળવેલી બધી વસ્તુ મારાં માટે સ્પેશિયલ છે. કારણ કે, એ મહેનત હું કરું છું, મારાં બાપુ કરે છે, મારી માઁ કરે છે."
"તારાં બાપુ મહેનત નહીં, ગુંડાગર્દી કરે છે." અપર્ણાએ થોડાં ઉંચા અવાજે કહ્યું.
"ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ." શિવે ગુસ્સે થઈને કહ્યું, "જે વ્યક્તિ વિશે પૂરી જાણકારી નાં હોય. એવાં લોકો વિશે કંઈ પણ કહેવાનો તને કોઈ અધિકાર નથી. આ તો મારાં બાપુએ નાં કહ્યું હોત, તો હું તારી સાથે વાત પણ નાં કરતો. એ તો તે રાતે તું મને તારાં ઘર સુધી લાવી, મારી મદદ કરી, એટલે મારાં બાપુનાં કહેવાથી હું તારી મદદ કરી રહ્યો હતો, તને મુના બાપુ અને એમનાં આદમીઓથી બચાવી રહ્યો હતો. તારાં લીધે જ હું અજયની પાર્ટીમાં આવ્યો હતો. બાકી મને પાર્ટી કરવાનો કે પાર્ટીમાં જવાનો કોઈ શોખ નથી. પણ, તને એ બધું નહીં સમજાય. તને તો કોઈપણ વ્યક્તિને જોતાં જ ધારણાઓ બાંધી લેવાની આદત છે." શિવ એકસાથે કેટલુંય બોલી ગયો. જેનું માત્ર એક જ કારણ હતું. એનાંથી એનાં બાપુ કે માઁ અંગે એક પણ ખરાબ શબ્દ સાંભળી નાં શકાતો.
"તારાં બાપુ એટલાં પણ મહાન નથી. તો મને કંઈ નહીં સમજાય, એવું કહેવાનું રહેવા દે." અપર્ણાએ ઉંચા અવાજે કહ્યું, "તારાં બાપુએ મને ખોટું કહ્યું. મારો ભાઈ એમની પાસે જ છે. પણ, ત્યારે હું કંઈ કહી નાં શકી. જો મારાં ભાઈને એમણે કિડનેપ નાં કર્યો હોત. તો મારાં પપ્પા તારાં બાપુનું નામ જ નાં લેતાં."
"મારાં બાપુએ કંઈ ખોટું નથી કહ્યું. તારો ભાઈ મુના બાપુ પાસે જ છે." શિવે આવેશમાં આવીને, અપર્ણાના બંને ખંભા કસીને પકડી લીધાં, "તને મારાં બાપુની વાતો પર વિશ્વાસ નાં હોય. તો તું ખુદ જ તારાં પપ્પા સાથે વાત કરી લે. અત્યાર સુધીમાં તો મુના બાપુએ પોતાની માંગણી વિશે એમને કોલ પણ કરી દીધો હશે." કહીને એણે અચાનક જ અપર્ણાને પોતાનાથી દૂર હડસેલી દીધી.
"મારે કોઈને કોલ નથી કરવો. જો તારાં બાપુ સાચું કહેતાં હતાં. તો તું મને અત્યારે જ મુના બાપુ પાસે લઈ જા." અપર્ણાએ ખુદને સંભાળીને, સરખી ઉભી રહીને કહ્યું, "જો મારો ભાઈ મુના બાપુ પાસે હશે. તો એ મને ત્યાં મળી જાશે. પછી હું એને છોડાવવા માટે પણ કોઈ ઉપાય શોધી લઈશ."
અપર્ણાની વાત સાંભળીને શિવ જોરજોરથી હસવા લાગ્યો. એનું એ રીતે હસવું અપર્ણાની સમજમાં નાં આવ્યું. થોડીવાર પહેલાં ગુસ્સે ભરાયેલ વ્યક્તિ અચાનક જ હસવા લાગે, તો એની પાછળનું કારણ કોઈપણ વ્યક્તિ માટે જાણવું અઘરું પડે. અપર્ણાને અચાનક મૌન જોઈને, શિવે પોતાનાં હસવા ઉપર કંટ્રોલ કર્યો.
"છોકરીઓને સમજવી ખરેખર અઘરી છે, એ વાત આજે મને સમજાઈ." શિવે અચાનક જ અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું, "એમાંય તને સમજવી તો બહું જ અઘરી છે. તને થઈ શું ગયું છે? જે મુના બાપુ તને કિડનેપ કરવાં માંગતા હતાં. તારે એમની જ પાસે જવું છે. આ તો એમનાં માટે બંને હાથમાં લાડવા જેવી વાત થશે. પણ હાં, મને ફાયદો થશે. એમને ખબર પડી, કે જાગા બાપુનો છોકરો તને પકડી લાવ્યો છે. તો એ મને જરૂર કોઈ ઈનામ આપશે." એ સહેજ ખુશ થયો, "પાગલ છોકરી! કંઈ સમજતી જ નથી. આ લડાઈ તારાં પપ્પા અને મુના બાપુ વચ્ચેની છે. એમને લડવા દે ને."
"એય, હું કોઈ પાગલ નથી." અપર્ણાએ શિવને આંગળી બતાવીને કહ્યું, "લડાઈ ગમે તેની હોય. મુસીબતમાં મારો ભાઈ મૂકાયો છે, અને જો તું મારી સાથે નહીં આવે, તો હું સમજીશ, કે મારો ભાઈ મુના બાપુ પાસે નહીં, પણ તારાં બાપુ પાસે જ છે."
"એય બસ હો હવે, બહું થયું. તને મરવાનો જ શોખ છે ને!? તો ચાલ." શિવે દાંત પીસીને કહ્યું, "હું તને મુના બાપુ પાસે લઈ જઈશ. પણ, ત્યાં જે થાય એની જવાબદાર તું પોતે હોઈશ. આ વાત સરખી રીતે યાદ રાખજે, અને સમજી પણ લેજે." શિવે ગુસ્સે થઈને કહ્યું, અને તરત જ રૂમની બહાર નીકળી ગયો.
શિવનાં ગયાં પછી અપર્ણા બેડ પર ફસડાઈ પડી. એણે ઘણો વિચાર કર્યો. ઘરે ફોન કરવાનો કોઈ મતલબ ન હતો. કોઈ એને કંઈ જણાવવાનું ન હતું. જણાવે તો પણ એની મદદ લેવાની નાં પાડી દેવામાં આવત. એની પાસે હાલ મુના બાપુ પાસે જઈને, પોતાનો ભાઈ સુરક્ષિત છે કે નહીં? એ જોવાં સિવાય કોઈ ઉપાય ન હતો. એક જ દિવસમાં એની સામે જે જે રાઝ ખુલ્યાં હતાં. એ પછી એ કોઈ ઉપર વિશ્વાસ કરી શકવાની હાલતમાં ન હતી. છતાંય પોતે જાગા બાપુને ત્યાંથી સહી સલામત આવી ગઈ. એમ જ મુના બાપુને ત્યાંથી પણ પોતાનાં ભાઇને લઈને સુરક્ષિત રીતે આવી જાશે. એમ વિચારીને એ બેડ પરથી ઉભી થઈ. પણ, એનો આ વિચાર કેટલી હદે સાચો સાબિત થશે? એ વાતથી એ પોતે પણ અજાણ હતી.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"