Shree Meldi Maa Temple - 2 books and stories free download online pdf in Gujarati

શ્રી મેલડી મા મંદિર - 2

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા

ભાગ-૨       

          પછી મેલડી મા એ વિચાર કર્યો કે, લાવ મલ્હાર રાવને સપને જઇને વાત કરું. મલ્હાર રાવના સપનામાં આવીને મેલડી મા બોલ્યા કે, ‘‘મૂકી દે મારી વાવના પથ્થરો. નહીતો તું કયાંય ગોત્યો નઇ જડે.’’ ત્યાં મલ્હાર રાવ કહે,‘‘ તું કોણ છે?’’ ,‘‘ હું મેલડી છું.’’ ‘‘તું મેલડી હોય તો શું કરી લેવાની છે? ’’ ‘‘તો તું બાંધી લે મહેલ હું જોઉં છું તેમાં કોણ રહે છે હું કે તું.’’ સવાર થયું ને રાજા જાગ્યો. પણ અહંકરમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મૂહુરત જોવડાવવા અનેક ગામના જયોતીષોઓ તેડાવ્યા. બધા જયોતીષોઓએ આમતેમ ચોપડા ફેરવ્યા. પણ કઇ જવાબ જડતો નથી. જયોતીષો બોલ્યા, ‘‘બાપુ આ આમારું કામ નઇ.’’ આ સાંભળી રાજાએ બધા જયોતીષોઓને જેલમાં પૂરી દીધા. પછી એક કાર્યભારી બોલ્યો કે,‘‘બાપુ આ જયોતીષોથી કઇ નહિ વળે. સાંભળ્યું છે કે, માતાજીના ભૂવા ધૂણે અને સાચો જવાબ આપે.’’ તો બોલાવો ભૂવાને અનેક ગામડાઓમાંથી ૧૫૧ ભૂવાઓ તેડાવ્યા અને ડાકલાં વગાડ્યા અને ભૂવાઓ ધૂણવા લાગ્યા. એટલે મલ્હાર રાવ કહે,‘‘ બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મૂહુરત જોવે.’’ પણ ભૂવા કઇ મૂહુરત આપી શકતા નથી. કારણ કે, તેને મેલડી આડે આવે છે. મલ્હાર રાવે આ બધા ભૂવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભૂવાને મરચાનો ધૂમાડો આપે અને બોલે કે, ‘‘તમારી માતાજીને ગૂગળનો ધૂપ ના હોઇ મરચાનો ધૂમાડો લો.’’ બધા ભૂવાને લોઢાની સાંકળથી માર મારે છે અને બોલે છે કે,‘‘ કયાં છે તમારી દેવી. ’’ ત્યાં એક ભૂવા બોલ્યા,‘‘ મલ્હાર રાવ તમે અમને ભલે રંજાડ્યા પણ તું મેલડીને ઓળખતો નથી.’’ ‘‘અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની.’’  ત્યાં એક ભૂવા કહે છે કે, ‘‘ બેરૂઆ ગામમાં એક જીવણ રબારી કરીને વિહત મેલડીનો માનો ભૂવો છે. જે તે દેવીને પૂજે છે.’’ મલ્હાર રાવ જીવણ ભૂવાને તેડાવે છે. મલ્હાર રાવે જીવણ ભૂવાને સાડા ત્રણ મણ તેલના તાવામાં બેસીને તેમાંથી રૂપિયાના સીક્કા કાઢવાનું કહે છે. જીવણ ભૂવાતો મા વિહત મેલડીનું નામ લઇને તાવામાં જેમ તળાવમાં નાહવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા. ખોબો ભરીને ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરીને ભરીને ઉકળતા તેલથી નાહવા લાગ્યા. ત્યાં મલ્હાર રાવ બોલ્યા કે, ‘‘લાગે છે કે તું કોઇ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે.’’ જીવણ ભૂવા ધૂળીને બોલ્યા કે, ‘‘મલ્હાર રાવ હું વિહત મેલડી બોલું. હવે તો તું માન.’’ ‘‘ના એમ હું ના માનું. તું મને નિશાની આપ.’’ ‘‘શું નિશાની જોઇએ છે તારે બોલ.’’ ત્યારે મલ્હાર રાવ બોલ્યા,‘‘ મારા મહેલના સાતમા માળે મે કઇ વસ્તુ મૂકી છે તે કહે.’’ ‘‘તો સાંભળ મલ્હાર રાવ સાતમા માળે એક માટલમાં કોળું રાખ્યું છે.’’ મલ્હાર રાવ કહે, ‘‘એમ હું ના માનું. એ માટલામાંથી કોળું માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું કે તું મેલડી મા સાચી.’’ પછી તો જીવણ ભૂવો માટલામાંથી કોળું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે. એ જોઇ મલ્હાર રાવ સમજી ગયો અને કરગરવા લાગ્યો કે, માડી મારાથી બહુ મોટી ભૂલ થઇ છે. મને માફ કરો. મલ્હાર રાવ કહે છે કે, ‘‘હે મા તું જે મોતે મારે એ મોતે હું મરવા તૈયાર છું. પણ મા એક વચન દે.’’ મા બોલ્યા,‘‘બોલ શું વચન જોઇએ છે.’’ ‘‘મા હું વાંજીયો છુ. મને એકાદ દીકરો દે તો હું માનું કે મને મા મળી હતી.’’ ‘‘જા આજથી નવ માસે તારે ઘેર બે દીકરા જન્મે તો માનજે મા વિહત મેલડી બોલ્યા હતા અને આજ પછી તું આ મહેલમાં નહિ રહી શકે. કેમ કે મે એક હિરુડીને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ.’’ મા મેલડીએ મલ્હાર રાવને માફ કરી દીધો અને મલ્હાર રાવ મહેલ છોડીને ચાલ્યા ગયા અને મહેલના સાતમા માળે મા વિહત મેલડી માનું સ્થાપન થયું.

આગળના ભાગમાં આપણે તે જ મહેલમાં આવેલ શ્રી મેલડી માતાજીના મંદિરની મુલાકાત લઇશું.........................

(વધુ આવતા ભાગ-૩માં)

 

    પાયલ ચાવડા પાલોદરા