Talash 2 - 14 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 14

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

 નીતાનું દિલ ધકધક થતું હતું ફાઈવસ્ટાર હોટલ કે જે સેન્ટ્રલી એસી હતી એમાં એને પરસેવો ફૂટી નીકળ્યો હતો. 'ડેમ ઈટ મને કાલ રાતથી જ થતું હતું કે નિનાદ કોઈ મુશીબત માં છે હવે શું કરવું. લંડન એમ કઈ રેઢું નથી પડ્યું અને અને..ન જાઉં તો નિનાદને તો પપ્પાજી હજી 8-10 દિવસ શોધવાનો પ્રયાસ નહીં કરે.શું કરું? જાઉં તો મારી ઈજ્જત. ઓહ મારા જ મનમાં આ વિચાર આવતા હું ઉતરી ગઈ છું હું સમાજને શું મોં બતાવીશ. પપ્પાજી, જીજુ, દીદી, છોકરાઓની સામે કેમ નજર મેળવી શકીશ.અને નિનાદ... નિનાદની સામે જવા કરતા હું આપઘાત કરી નાખીશ. પણ નિનાદ ક્યાં છે. હે ભગવાન આવી મુશ્કેલી તો જીવનમાં ક્યારેય નથી આવી. પપ્પાજી રાત્રે સાચું જ કહેતા હતા. કે એમને આંતરસ્ફૂર્ણા થઈ છે કે મુશ્કેલીઓ તો હજી શરૂ થઇ છે.’ સ્વગત વિચારતા એ માથું ઢાળીને બેસી રહી. એને અનોપચંદે સવારેજ કહેલી વાત યાદ આવતી હતી. 'જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે જયારે નિર્ણય લેવો કપરો થઇ પડે. એ વખતે એક સાવ સાદો નિયમ યાદ રાખજે જયારે બધું ડુબતું હોય ત્યારે બચાવી શકાય એટલું બચાવી લેવું. અને બીજી વાત જીવનમાં કઈ વસ્તુ ને કેટલી પ્રાથમિકતા આપવી એ આપણા મગજમાં બહુ સ્પષ્ટ હોવું જોઈએ.' એ જ વખતે કોન્ફરન્સ રૂમનું બારણું ખુલ્યું અને એના 2 મેનેજર અને લાન્સની ટીમ બહાર આવી નીતા નજરે પડતા જ એ લોકો ને એની અવસ્થાનો ખ્યાલ આવ્યો. નજીક આવી એક મેનેજરે પૂછ્યું "શું થયું મેમ,"

એ લોકોને જોઈ અને નીતા વર્તમાન માં આવી અને કહ્યું. "કંઈ નહીં રાત્રે કોમ્પ્યુટર પર પેપર વર્ક કરવામાં સુવામાં મોડું થયું હતું. એટલે થોડું આળસ આવતું હતું."

"ઓલા ફોનથી કઈ પરેશાન છે નીતા?" લાન્સે એની નજીક આવીને કહ્યું એ 5-7 વર્ષથી નીતા-નિનાદના કોન્ટેક્ટ માં હતો અને વ્યાપારિક અને દોસ્તીનો સંબંધ હતા.  

"નારે લાન્સ, શું નક્કી કર્યું તે પછી."

"અમે એ વાત કરવા જ બહાર આવ્યા હતા. જો નીતા હું તને 28 ટકા આપીશ અને અમારા ભાઈ બહેન વચ્ચે 72% દરેકના 24 % રહેશે. હવે ના ન કહેતી પ્લીઝ મને ફંડની સખ્ત જરૂર છે."

"ઓ.કે. મિસ્ટર સિંહ તમે બેંકની ફોર્માલિટી આગળ વધારો અને મિસ્ટર મહેતા કોન્ટ્રાક્ટના કાગળ તૈયાર કરાવો મિસ્ટર લાન્સ ના કહેવા મુજબ. અને 5 વાગ્યે મને હેડક્વાર્ટરમાં એ પેપર મોકલી આપો મારી સાઈન માટે મોડું ન થાય મારે બીજી ઘણી એપોઇન્ટમેન્ટ છે એને કદાચ હું 2 દિવસ બહાર જવાની છું" નીતાએ કહ્યું. એના મનમાં એના જીવનની પ્રાથમિકતા એ સ્પષ્ટ કરી ચુકી હતી કે કોઈ પણ ભોગે નિનાદના ખબર મેળવવા જ છે.

xxx

"હું.. હું.." લાલ શર્ટ વાળો પબ્લિકના મારના ડરથી અને ઈજ્જત જવાના ભયથી કાંપતો  હતો. મને મને સુભાષ સાહેબે આ કામ સોંપ્યું હતું. તમારા પર વોચ રાખવાનું" 

"કોણ સુભાષ સાહેબ? અને તારું નામ શું છે." મોહિનીએ પૂછ્યું. 

"મારુ નામ પવાર સૂર્યવંશી છે. અને સુભાષ અંકલને આ સોનલ મેડમ ઓળખે છે. ઓલા પંકજ ભાઈ ટૂર વાળાના પપ્પા. એમને મોહનલાલે કહ્યું હતું."

"હા એ સુભાષ અંકલને તો હું ઓળખું છું પણ આ મોહન લાલ કોણ છે સાચું બોલ,  નહીં તો..."

"લો હું ફોન લગાવી આપું છું તમે જ મોહન લાલ સાથે વાત કરો. અને જો હું ગુનેગાર હોત તો તમને ચેતવણી શું કામ આપત? અને હું છેલ્લા 15 દિવસથી તમારી પાછળ ફરું છું મેં કદી તમને હેરાન કર્યા?" કહી પવારે મોહનલાલનો નંબર ડાયલ કર્યો સુભાષ અંકલે એને તાકીદ કરી હતી કે બહુ અરજન્સી હોય કે સાવ અટવાય જા તો જ મોહનલાલ ને ફોન કરજે. સામેથી ફોન ઉંચકાયો એટલે પવારે કહ્યું.

"મોહનલાલ જી હું સૂર્યકાંત પવાર મને સુભાષ અંકલે, હા એ વરલીમાં રહે છે એ જ એમણે આ સોનલ અને મોહિની મેડમની વોચ રાખવાનું કહ્યું હતું. કે જેથી એ લોકો અચાનક ક્યાંય મુસીબત માં ન ફસાઈ જાય. પણ..." કહી ને બધી વાત કરી એટલે મોહનલાલે એને ધરપત આપતા કહ્યું તું સોનલ કે મોહિની ને ફોન આપ હું વાત કરું છું. સોનલે ફોન હાથમાં લઇ અને પૂછ્યું "તમે મોહનલાલ એ તો બરાબર પણ અમારી જાસૂસી કરવાનો શું મકસદ છે. જુઓ મારો માનેલો ભાઈ સબ ઇન્સ્પેકટર છે અને મારો ભાઈ પ્રાઇવેટ જાસૂસ.."

'હું મોહિતને પણ ઓળખું છું અને જીતુભા તો અમારી કંપનીના કામે જ અત્યારે યુરોપમાં છે. હું અનોપચંદ એન્ડ કંપનીનો મેનેજર છું અને આ વોચ તમારા લોકોની સુરક્ષા માટે હતી. કેમ કે અમને મળેલા ન્યુઝ મુજબ તમારા બન્નેનું અપહરણ થવાની શક્યતા હતી. હવે ખાતરી થઇ ગઈ હોય તો ઓલા પવારને જવા દો અને આજ પછી તમારી કોલેજ પુરી ન થાય ત્યાં સુધી એને શાંતિથી તમારો પીછો કરવા દેજો. હજી  ખાતરી કરવી હોય તો જીતુભા પાસે કે પૃથ્વી પાસે વાત કરાવું  નહીં તો સુરેન્દ્ર સિંહને મારા વિશે પૂછી લો એ જાણે જ છે."

"ઓ કે મોહનલાલજી થેંક્યુ. અને પવાર તારો પણ ખુબ ખુબ આભાર,"

"સોનલ મેડમ હવે એક વાત નું ધ્યાન રાખજો શોર્ટ કટ ક્યારેક જીવનમાં બહુ લાંબો પડી જતો હોય છે. અને અજાણી અને સુમસામ ગલીઓમાં ટ્રાવેલ ન કરતા. એ ગલી બીએમસીએ ખાલી કરાવી છે ત્યાં કંઈક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે ખાલી નશેડી લોકો અને આવારા તત્વો સિવાય કોઈ નથી રહેતું."

"થેંક્યુ, પવાર હવે અમે ધ્યાન રાખીશું " કહી સોનલે સ્કૂટી ચાલુ કરી એને ઘરે પહોંચવામાં મોડું થતું હતું, કેમ કે મોહિતના લગ્નની કંકોત્રી દેવા મોહિત અને એની માં આવવાના હતા. 

xxx

દિલ્હીની ફાઇવસ્ટાર હોટેલમાં ધૂમધામ ચાલુ હતી લગભગ દરેક પોલિટિકલ પાર્ટીના દિગ્ગજો એમાં સામેલ થયા હતા. અમુક લોકોના પહેલેથી નક્કી થયેલ પ્રોગ્રામમાં જવા માટે હાજરી પુરાવી નીકળી ગયા હતા.તો અમુક સાવ ફાલતુ કારણોથી પોતાને માથે આખી પાર્ટીની જવાબદારી હોય એમ ફરી રહ્યા હતા. એક ખૂણામાં 3 સન્નારીઓ બેઠી હતી જયારે ચોથા એક સન્નારીને કંઈક અગત્યનું કામ હોવાથી 10 મિનિટમાં નીકળી ગયા હતા. "અમ્મા હવે શું કરવું છે આગળ." બહેનજી એ પૂછ્યું.

"બહેનજી તમારો પૂરો સાથ જોઈએ છે મને. તમે હવે ટસ થી મસ નહીં થતા. બધ્ધી ગેમ માંડ મેં સેટ કરી છે. "

" ઠીક છે. પણ પછી મને મહત્વનું...." 

"આપણે બધા બેસીને એ ગોઠવણ કરીશું. ચિંતા ન કરો. દીદી તમારું શું કહેવું છે?"

"મને કોઈ વાંધો નથી પણ .. એ આંકડો આવશે?"

"હા રાણી પાસે એક એવું પત્તુ છે  જે વિષે કોઈ નથી જાણતું. પણ બહેનજી તમારા 5..?

"એ હું કહીશ ત્યાં ઉભા રહેશે."

"ઓકે તો ફાઇનલ. 8-10 દિવસ રાહ જુઓ."

xxx

"હેલો અનોપચંદ જી કેપ્ટન સાહેબનો મેસેજ છે કે તમે સંભાળજો. રાજકારણ તો આગ જેવું છે એ પોતાના પારકા કઈ જોતું નથી રસ્તામાં આવે એ બધું જ ભસ્મ કરી નાખે છે" સાંભળીને અનોપચંદ વિચારમાં પડી ગયો અને પછી એણે નીતાને ફોન લગાવ્યો. ફોન ઉંચકાયો એટલે કહ્યું. "નીતા, બેટા મારી એક વાત માનીશ? બંને છોકરાઓને તારા ભાઈની સાથે અમેરિકા વેકેશન માટે મોકલી આપ અને તું લંડન જા થોડા દિવસ અને નાસાને સંભાળ, જીતુભા કાલે પાછો આવે છે. નિનાદ ક્યારે પાછો આવશે એ નક્કી નથી. ત્યાં બ્રિટન ટુડે ના ઓનર પોતાનો શેર હિસ્સો આપણ ને વેચવા માંગે છે એ ડીલ ફાઈનલ કર.  સ્નેહા સુમિત કાલે સાંજ સુધી ઘરે આવી જશે. અને મારે કદાચ 10-12 દિવસ વિદેશ જવું પડશે. તો લંડન ઓફિસ સાંભળી લે. "

"ઓકે. પપ્પાજી" એક હાશકારો નાખતા નીતાએ કહ્યું. પોતને લંડન જવું છે એ અનોપચંદ ને કેમ ગળે ઉતારવું એવી મથામણ જે છેલ્લા દોઢ કલાકથી એ કરતી હતી એનો આસાનીથી અંત આવ્યો હતો. 

xxx

"હેલો ચાર્લી, કેમ છે તું. મજામાં?" જીતુભાએ પૂછ્યું.

"જીતુભા, સર મને બચાવી લો આ કોણ લોકો છે હું નથી જાણતો. અને ક્યારથી એ લોકો મને ટોર્ચર કરે છે, કહે છે કે નાસા પર હુમલો મેં કરાવ્યો હતો"

"હા તો એ વાત સાચી જ છે ને?" સિન્થીયા એ પૂછ્યું. 

"ના એના પાછળ માર્શા  જવાબદાર છે. એ ભાગી ગઈ છે તમે એને શોધો. બધી સાચી વાતની ખબર તમને પડી જશે."

 "આ જો ચાર્લી આ શું છે" કહી ને ભૂરાએ એને એનો ફોન બતાવ્યો. આમાંથી તારી કોલ ડિટેલ મળી છે. હજી વધુ સબૂત તને જોઈએ છે?"

"સિંથી તું તો મને 5 વર્ષથી ઓળખે છે. તને શું લાગે છે હું માઈકલ સાથે આવું શું કામ કરું. એ તો મારા મોટા ભાઈ જેવો.." "ચટ્ટાક' કરતી સિન્થિયા ની એક અવળા હાથની ઝાપટાથી ચાર્લીનું વાક્ય અધૂરું રહી ગયું. "સા .. કુતરા તું માઈકલ ને પોતાનો ભાઈ મને છે હરામખોર. અને મને પામવા અને નાસાનો સર્વેસર્વા બનાવવા તે આ હુમલો કરાવ્યો છે. હું જ મૂર્ખ હતી કે તારી વાતો માં ફસાઈ" 

"આ. આ ખોટી વાત છે. મારા બંધન ખોલો હું તમને લોકોને સમજાવી શકીશ કે હકીકત શું છે અને આ દાઢી વાળો કોણ છે આપણી કંપનીની વાતોમાં દખલ દેનાર" 

"હું  નાસાનો ઇન્ચાર્જ છું નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અને હા એક ખુશખબર તને આપું. માર્શા મળી ગઈ છે અને એણે કહ્યું છે કે, તે જ એને ગેટ ખોલાવી આપવા માટે કહેલું. આમેય બ્રિટિશ પોલીસ તને શોધે છે. અને ઓલો સાર્જન્ટ વિલિયમ તો તારું એન્કાઉન્ટર કરવા તડપી રહ્યો છે." ભુરાએ કહ્યું. અને ચાર્લી જેવું સાંભળ્યું કે માર્શા  મળી ગઈ છે એ ભાંગી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

"હવે તારે કઈ કહેવું છે કે પછી હું વિલિ  ને કોલ કરું. ચાર્લી આપણે સાથે ઘણા ઓપરેશન કર્યા છે અને અંગત પળો પણ વિતાવી છે  પણ માત્ર મને પામવા તો આવું કઈ કરે એવો મૂર્ખ તું નથી સાચું કહે કોણ હતા એ લોકો નહીં તો અહીં જ તને શૂટ કરી નાખીશ." કહી સિન્થીયાએ પોતાની ગન કાઢી. ભૂરો એને રોકવા જતો હતો પણ જીતુભાએ એને અટકાવ્યો. 

ચાર્લીએ એક ક્ષણ સિન્થિયાની સામે જોયું એને સમજાઈ ગયું કે મોત તો આમેય આવવાનું જ છે. એને પોતાનું મન મક્કમ કરીને કહ્યું. " એ બે લોકો પાકિસ્તાની જાસૂસી સંસ્થાના માણસો હતા. શરૂમાં તો બારમાં સામાન્ય મુલાકાત થઇ. પછી મને થયું કે પાકિસ્તાનના કોઈ કેસમાં આ લોકો મદદગાર બની શકે છે ત્યાં સુધી મારા મનમાં કોઈ પાપ ન હતું. પણ 3જી મુલાકાતમાં એ લોકોએ એની એક સાથીદાર છોકરી સાથે મારી ઓળખ કરાવી અને પછી એ બે જણા કોઈ બહાને ત્યાંથી સરકી ગયા. હું એના રૂપમાં આંધળો થઈને એ છોકરી સાથે ફ્લર્ટ કરવા લાગ્યો પછી એ છોકરી સાથે મેં ગજા બહારનું ડ્રિક કર્યું. સવારે જયારે હોશમાં આવ્યો તો એ 2 છોકરાઓ અને એક છોકરી સાથે હું એમની હોટલના રૂમમાં હતો. અને મેં કીડલિંગટનના ઓપરેશન ડેઝર્ટ વિષે બધ્ધું કહી દીધું હતું. એમણે મને ધમકાવ્યો કે એ લોકો મને પોલીસને સોંપી દેશે. એમને બદલો લેવો હતો ઉપરાંત મને 3 લાખ પાઉન્ડની લાલચ આપી મેં વિચાર્યું કે નાસાતો ચાલતી રહેશે અને માઈકલ નો કાટો." એક ક્ષણ એ અટક્યો અને સિન્થિયા ની સામે જોયું સિન્થિયા ની આંખોમાં અંગાર વરસતા હતા.જીતુભાએ એનો ખભો દબાવીને રોકી નહીં તો એ જ વખતે એ ચાર્લીને શૂટ કરી નાખત. ચાર્લી ફરી બોલવાનું શરૂ કર્યું. "વાત માત્ર માઈકલ નેજ મારવાની હતી મને બાનમાં લઇને એ લોકો માઈકલ સુધી પહોંચે એવો પ્લાન હતો પણ એ લોકો એ છેલ્લી 5 મિનિટમાં પ્લાન બદલ્યો એ વખતે હું કોઈને રોકી શકવાની સ્થિતિમાં ન હતો."

"સાલા કૂતરા ઓલી બિચારી લોલા અને બીજા લોકોને કતલ કરાવ્યા, માર્શાને કિડનેપ કરાવી. હલકટ તને નિનાદે ક્યારેય કોઈ વસ્તુનો હિસાબ પૂછ્યો હતો" ભુરાએ કહ્યું. 

"મેં વિચાર્યું એ માઈકલ મરી જશે તો નાસામાં સેકન્ડ રેન્ક મળી જશે અને સિન્થિયા તો મારી મુઠ્ઠીમાંજ છે. ઉપરાંત 3 લાખ પાઉન્ડ. ઓ ઓ ઓ.."એનું વાક્ય અધૂરું રહ્યું. સિન્થિયાએ મારેલ એક લાતથી એ બંધાયેલ ખુરશી સાથે ઉથલી પડ્યો.   

 

 

 

 

 

ક્રમશ:        

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.