Dil-will, love-vyar - is this love! books and stories free download online pdf in Gujarati

દિલ-વિલ, પ્યાર-વ્યાર - શું આ પ્રેમ છે!

શું વાતચીત નામની દવા સમયસર ન મળતા સબંધ બિમાર પડી જતો હોય ???

તે મારા માટે શું છે, એ મને નથી ખબર !
પરંતુ બીજા બધા કરતા મારી જિંદગીમાં એનું મહત્વ થોડુંક વધારે...

હું જ્યારથી તેને ઓળખું છું, ત્યારથી લઈને આજ સુધીમાં અમુક એક-બે દિવસને બાદ કરતાં અમારી વાતચીતનો હજી સુધી અંત જ નથી આવ્યો. નોનસ્ટોપ ગપ્પાબાજીનું વાવાઝોડું ક્યારેય શાંત જ નથી પડ્યું. બધા સંબંધોની જેમ નાની-મોટી નોક્ઝોક થતી હોય, પણ ક્યારેય કોઈ ઝઘડો બે દિવસથી વધારે ચાલ્યો હોય, એવું મને યાદ નથી આવતું. ક્યારેક એની કોઈ વાતનું મને બહુ ખોટું લાગ્યું હોય અને હું નક્કી કરી લઉં કે હવે તો વાત જ નહીં કરું, ત્યારે એ સામેથી પહેલ કરે અને હું બધું જ ભૂલી જઉં. ક્યારેક મારી કોઈ વાતથી એ નારાજ હોય, તો હું એને મનાવી લઉં. ઈનફેક્ટ બે ત્રણ વાર તો બ્લોક-અનબ્લોકની રમત પણ રમી લીધી. ટૂંકમાં મારી કે એની સમજણ સામે એવી કોઈ ગેરસમજણ લાંબો સમય ટકતી જ નથી જે અમારા સબંધમાં કચાશ લાવી શકે.

સવારના ગુડ મોર્નિંગ લઈને રાત્રીના ગુડનાઈટ વચ્ચે એકબીજાનું કામ અને થોડીક મજાક મસ્તી. મોડી સાંજે એકબીજાનો દિવસ કેવો પસાર થયો અને અન્ય થોડીક ગપ્પાબાજી. આવું કંઈક હતું અમારું ડેઈલી રૂટિન.

આ રૂટિનથી અમારી વચ્ચેનું બૉન્ડિંગ દિવસેને દિવસે વધુને વધુ સ્ટ્રોંગ થઈ રહ્યું હોય, તેવું મને લાગતું હતું. રસાયણ વિજ્ઞાનમાં બે તત્વો વચ્ચેનું બૉન્ડિંગ ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે હોય છે. અમારી વચ્ચેના આ બૉન્ડિંગમાં શેની ભાગીદારી હતી ? ડેઇલી ગપ્પાબાજી, એકબીજા પ્રત્યેની સમજણ કે કઈ બીજું ???
શુ જવાબદાર હતું અમારા બૉન્ડિંગ પાછળ એ મને નહોતી ખબર...

વાતચીતનો સિલસિલો ઓછો થઈ જાય, તો બૉન્ડિંગ નબળું તો નહીં પડી જાય ને ?? ક્યારેક વચ્ચે વાતચીત બંધ થઈ જાય, તો શું એકબીજાની યાદ નહિ આવે ? અને યાદ આવશે તો કેટલી ??? એકબીજાને કેટલા મિસ કરીશું ? મારી પાસે ફિલહાલ આ સવાલોના કોઈ જવાબ નથી.

જવાબ મેળવવા માટે એ પરિસ્થિતિ અનુભવવી જરૂરી હતી. જે મારા માટે કોઈ પણ વાતે શક્ય નહોતું. એની સાથે ગપ્પાબાજી ના કરવી એટલે શ્વાસ ના લેવો. કદાચ એક દિવસ સરખું ના જમું તો ચાલે પરંતુ એ મોડી સાંજનો ગપ્પાબાજીનો ટાઈમ તો હું મિસ કરી જ ના શકું.

કોઈ ખેલાડી માટે જેટલું મહત્વ એનર્જી ડ્રિન્કનું હોય, એટલું જ મહત્વ મારા માટે એ મોડી સાંજની થોડીક મીઠાશવાળી, થોડીક નોક્ઝોક વાળી અને ભરપૂર મજાક મસ્તીવાળી એની વાતોનું છે. આખો દિવસ કામમાં વ્યસ્ત રહીને થાક લાગે તેમ છતાં, સાંજે સુતા પહેલા ફ્રેશનઅપ થઈ જતો હોય તો એની પાછળ માત્રને માત્ર એ ગપ્પાબાજી જ જવાબદાર છે.

મેં તેને મેસેજ કર્યો
" આજથી એક વીક સુધી બિલકુલ વાત નહિ કરીએ, હવે ગુડ મોર્નિંગ સીધું નેક્સ્ટ મન્ડે જ "

આ મેસેજ મેં તેને સેન્ડ કરીને ડીલીટ કરી નાખ્યો. આવું લગભગ મેં બે ત્રણ વાર કર્યું. પરંતુ પરિસ્થિતિનો અનુભવ કરવા હિંમત ભેગી કરીને ફાઈનલી મેસેજ સેન્ડ કરી દીધો.

એનો રીપ્લાય આવ્યો, થોડીક વાતચીત થઈ અને આજથી એક વીક બિલકુલ વાત ન કરવાનો નિર્ણય લેવાય ગયો.

વોટ્સએપ કરતા ઇન્સ્ટાગ્રામમાં વાત કરવી વધારે અનુકૂળ લાગે કારણ કે કોઈ પણ પોસ્ટ કે રીલ્સ એકબીજાને વચ્ચે વચ્ચે Share કરવાનો તેમાં ઓપ્શન મળે જેથી માહોલ સતત બનેલો રહે. તેથી અમારી વાતચીતનું માધ્યમ મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ જ રહેતું.

પરંતુ આજે સાંજ તો પડશે, પણ એની વાતો નહિ હોય. આ એક ખ્યાલના લીધે મને ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું મન જ ના થયું. મેં ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન ઓફ કરી દીધી અને દિવસભર તેને હાથ જ ના લગાવ્યો.

આખા દિવસ દરમિયાન દુનિયાભરની ચિંતાઓને સાઈડમાં મૂકીને મોડી સાંજના સમયને હું ભરપૂર એન્જોય કરું છું. આજે પણ એ સમય આવ્યો. કોઈ અન્ય સાથે વાત કરવાનો મારી પાસે ઓપ્શન હંમેશા રહેતો અને આજે પણ હતો. પરંતુ એની સાથેની વાતોની ખોટ કોઈ અન્ય સાથે વાતો કરીને પુરી તો ના જ થઈ શકે. કદાચ એટલે જ મને ફોન હાથમાં લેવાનું પણ મન ના થયું.

આખો દિવસ એના વિચારોના વાવાઝોડામાં હું વ્યસ્ત રહેતો જ, પણ આજે એ વાવઝોડાની ગતિ વધારે તીવ્ર હતી. ખેર એની સાથે વાત નહિ પણ એની યાદોના સહારે આખરે મને નીંદર આવી જ ગઈ.

આંખ ચોળતા ચોળતાં મેં ઘડિયાળમાં નજર કરી તો સવારના નવ વાગ્યા હતા. આળસ ભર્યું બગાસું ખાઈને મેં ફોન હાથમાં લીધો કે તરત જ યાદ આવ્યું કે " દિવસની સારી શરૂઆત કરવા માટે આજે તેનું ગુડ મોર્નિંગ નહીં હોય. આમ તો વોટ્સએપ ફોરવડ વાળા ઘણા ગુડમોર્નિંગ મળતા રહે પણ મારા માટે તો એક તાજગી ભરેલી અને ખુશનુમા સવારની શરૂઆત કરવા એનું ગુડમોર્નિંગ જ જરૂરી હતું. ખેર આજે તો મનને મનાવી લીધું. જોઈએ હવે કેવી થાય છે દિવસની શરૂઆત એના ગુડમોર્નિંગ વગર...

ન્યુઝપેપર, એક કપ ચા અને બેકગ્રાઉન્ડમાં કોઈ પણ સોન્ગ. કંઈક આવી રીતે હું મારું રૂટિન શરૂ કરું. આજે મારુ ધ્યાન ન્યૂઝપેપર કે ચા કરતા એ બેકગ્રાઉન્ડ સોન્ગ પર વધારે હતું.

" યે તેરા મેરા રીસ્તા , ખુદાને બનાયા હૈ ના....!
તભી તો યહી પે મિલાયા હૈ ના.......

ન્યૂઝપેપર વાંચવાનો ઢોંગ કરતા કરતા એ સોન્ગના લિરિકસને હું ઊંડાઈપૂર્વક ફિલ કરી રહ્યો હતો.
સાવ અચાનક કઈ રીતે એ મારી લાઈફમાં આવી અને આટલા ટૂંકા સમયગાળામાં કઈ રીતે એ ફેવરિટ પર્સનની લિસ્ટમાં નંબર વન પર પહોંચી ગઈ. એ બધું હું યાદ કરી રહ્યો હતો. અંતે મારી ચા ઠંડી થઈ ગઈ પણ એ યાદનો સિલસિલો ઠંડો પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો.

જેમ-તેમ દિવસ પસાર થઈ રહ્યો હતો. પરંતુ મારુ મન ભરાતું જ નથી એના વિચારો કરીને. મગજ પણ થાકતું નથી એને યાદ કરીને. વાતચીતનો સિલસિલો થોડા સમય માટે શાંત શુ પડી ગયો, દિલને પણ આદત થઈ ગઈ એને યાદ કરીને ખુશ રહેવાની. કદાચ એટલે જ ચહેરા ઉપર મંદ મંદ મુસ્કુરાહટ ઓછી પડવાનું નામ જ નહોતી લઈ રહી. એકલમાં હોઈ ત્યાં સુધી તો વાંધો નહિ, પણ અન્ય કોઈ મારી આ મંદ મુસ્કુરાહટ જોઈને મને કારણ વગર હસાવવાવાળો પાગલ જ સમજી બેસે.

I miss her daily Snaps...

I miss the way she called me by my Nickname...

I miss the way she gets irritated on my bad jokes...

I miss the way she shutting me up...

આ બધું હમણાં એક અઠવાડિયું તો મિસ જ કરવાનું છે એ વાત વિચારીને મને ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ચાલુ કરવાનું પણ મન નહોતું થઈ રહ્યું. એની સાથે ગપ્પાબાજી ના કરાવી શકે એ ઇન્ટરનેટ પણ શું કામનું !!!

આખો દિવસ તો ગમે તેમ પસાર કરી લીધો. પણ હવે આવ્યો મોડી સાંજનો દસ વાગ્યા પછીનો એ સમય. નોર્મલ દિવસોમાં આ મોડી સાંજનું મહત્વ મારા માટે શું છે એ શબ્દોમાં વર્ણવવું શક્ય જ નથી. પરંતુ આજે કંટાળો આવી રહ્યો હતો. એની વાતો વગરના સાત દિવસો સાત વર્ષ જેવા લાગી રહ્યા હતા. રેલવે સ્ટેશન પર પહોંચીને ખબર પડે કે ટ્રેન બે કલાક મોડી છે, ત્યારે તેની રાહ જોવામાં જે કંટાળો આવે તેવો કંટાળો મને અત્યારે આવી રહ્યો હતો. એની યાદોમાં મસ્ત અને વિચારોમાં વ્યસ્ત રહીને દિવસ તો પસાર થઈ ગયો પણ સાંજ એક વાતથી સતાવી રહી હતી. હું એને યાદ કરતો રહીશ, પણ આ એક વીકમાં એ મને ભૂલી જશે તો ? આજે તો હજી બીજો દિવસ છે, શુ વાતચીત વગર એક અઠવાડિયું માત્ર હું જ તેને યાદ કરતો રહીશ ? આવા ખ્યાલો મને સતત ડરાવી રહ્યા હતા.

પરંતુ મેં ક્યાંક વાંચેલું કે સાંભળેલું હતું કે " આપણે કોઈને તીવ્ર યાદ કરતા હોઈએ ત્યારે સામે છેડેથી તે પણ આપણને યાદ કરતા જ હોય "

બસ આવી રીતે દિલને સમજાવીને સાંત્વના આપી રહ્યો હતો. નીંદર આવતી નહોતી પણ સુઈ જવાના મારા વ્યર્થ પ્રયત્નો ચાલુ જ હતા. ત્યાં અચાનક ફોનમાં એક નોટિફિકેશન આવી. એનો જ ટેક્સ્ટ મેસેજ હતો...

" Where are you ? "

" તારા ખ્યાલોના શહેરમાં " મેં રીપ્લાય કર્યો

" શટ અપ....,
બંધ કરને તારી આ ગેમ... "

અને પછી

" તુમશે જુદા હોકર મુજે દૂર જાના હૈ,
પલભર કી જુદાઈ, ફીર લૌટ આના હૈ.
સાથિયા, સંગ રહેગા તેરા પ્યાર,
રંગ લાયેગા ઇન્તઝાર...."

આ સોન્ગ સાંભળતા સાંભળતા મને મારા સવાલનો જવાબ મળી ગયો કે, લાગણીથી લોથપોથ સબંધ ક્યારેય માંદો નથી પડતો. ભલે પછી વાતચીત નામની દવા સમયસર મળે કે ના મળે.........

-sK's ink