love at first sight books and stories free download online pdf in Gujarati

પહેલી નજરનો પ્રેમ

મહેન્દ્ર પટેલે એક નામચિહ્ન ફોટોગ્રાફર તરીકે શહેરમાં ખૂબ નામ કમાયું હતું. મહેન્દ્રભાઈનો પુત્ર જય અને અભિષેક બંને પાકા મિત્રો. અભિષેકને હમણાંથી ફોટોગ્રાફીનો કીડો જાગ્યો હતો અને તેને ફોરેન પણ જવાનું હતું. એટલે ત્યાં જઈને પોતાનો શોખ વધુ સારી રીતે પૂરો કરી શકે એ માટે જય અભિષેકને પોતાની ઘરે રોકાવા બોલાવે છે, જેથી તે થોડાક દિવસ મહેન્દ્રભાઈ સાથે રહીને ફોટોગ્રાફીનો અનુભવ મેળવી શકે.

અભિષેકે પણ આમંત્રણ સ્વીકારી લીધું અને જયની ફેમિલી સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયો. આમ તો તેનું વ્યક્તિત્વ બહુ જિંદાદિલ અને સ્વભાવે પણ બહુ વતોડિયો એટલે અજાણ્યા માણસો સાથે પણ તે ક્ષણભરમાં ભળી જાય. મહેન્દ્રભાઈ પણ ખૂબ રમુજી માણસ એટલે બંનેનું બોન્ડિંગ જામી ગયું. મહેન્દ્રભાઈએ અભિષેકને બે-ત્રણ હાઈ-પ્રોફાઈલ વેડિંગનો અનુભવ કરાવ્યો શાનદાર ઇવેન્ટને કેમેરામાં કઈ રીતે કેદ કરવી એ અભિષેકે ખૂબ બારીકાઈથી સમજયું. આ દરમિયાન મહેન્દ્રભાઈ અભિષેકની 'hidden Photography' થી ખૂબ પ્રભાવિત થયા.

જનરલી બધા કેમેરા સામે તો પોઝ આપતાં જ હોય પણ કોઈ ખાસ પ્રસંગે હર્ષલ્લાસમાં રંગાયેલ વ્યક્તિની અંદર રહેલા હાવભાવ જ્યારે તેના ચહેરા પર આવે તે ક્ષણને તેની જાણ બહાર કેમેરામાં કેદ કરવાની કળા એક જ 'Hidden Photography '

દરરોજની જેમ આજે પણ અભિષેકને એક હાઈ-પ્રોફાઈલ વેડિંગમાં મહેન્દ્રભાઈસાથે જવાનું થયું.નક્કી કરેલી જગ્યાએ તે જાન આગમનના દ્શ્યો કેપ્ચર કરવા રાહ જોઈ રહ્યા હતા.

ફટાકડાનો અવાજ હવે વધુ તીવ્રતાથી સંભળાઈ રહ્યો હતો. જાન હવે નજીક જ હતી. વરરાજો કારની સનરુફ પરથી જિંદગીની એ ક્ષણ જીવી રહ્યો હતો જે કદાચ ક્યારેય પાછી નહીં આવે. DJ પરનું એ સોંગ જાણે તેના ચહેરા પરની મુસ્કુરાહટ થમવા જ નહોતું દેતું.

જિસકા મુજે થા ઇન્તેઝાર,
જીસકે લીયે દિલ થા બેકરાર,
વો ઘડી આ ગઈ.... આ ગઈ....
આજ પ્યાર મેં હદ સે ગુજર જાના હૈ...

અભિષેક આ તમામ મોમેન્ટસ્ કેપચર કરી રહ્યો હતો એવામાં તેની નજર એક જગ્યા પર અટકી.

આમ તો બધા જાનૈયા મન મૂકીને નાચતા હતા. પણ એક અનામીકા એ ઘેરામાં બીજા બધા કરતાં અભિષેકને મન થોડી અલગ તરી આવી.

સંગીતના સૂરોને અનુસરીને તેના મરોડદાર અંગો જે એક પછી એક લચક લઇ રહ્યા હતા, રેશમી અને કમર સુધી પહોંચતા એના વાળ પણ જાણે એ લચકનું અનુસરણ કરી રહ્યા હતા. અનામિકાની આવી અદાથી અભિષેકનું સતત એની તરફ ધ્યાનઆકર્ષણ થઈ રહ્યું હતું. તેને કેમેરામાં કેદ કરવી એ ક્ષણે અભિષેક માટે મુશ્કેલ હતું. વચ્ચે અંતર પણ ઘણું હતું અને બીજા જાનૈયા પણ સાથે નાચી રહ્યા હતા. પરંતુ તેને કૅમેરાને ઝૂમ-આઉટ કરીને એક પ્રયત્ન જરૂર કર્યો. ફોટામાં તેનો સંપૂર્ણ ચહેરો નહોતો દેખાતો પરંતુ કાજુની ઉપસેલા તેના ગાલ પરની એક નાનકડી લટ જોઈને અભિષેકને તેની સુંદરતાનો ખ્યાલ જરૂર આવી ગયો.

પરંતુ બીજી જ ક્ષણે તેને ભાનમાં ભાન આવ્યું અને મનમાં આવેલા આવેગોને શાંત પાડીને તે વરરાજા અને જાનના દ્રશ્યો લેવામાં વ્યસ્ત થઈ ગયો.

જાનનું આગમન થઇ ગયું હતું. મેઈન ફંકશનની હજી થોડી વાર હતી. મહેન્દ્રભાઈ અને અભિષેકને હવે મેઈન ફંકશન માટે તૈયારી કરવાની હતી. લાઈટસ્, કેમેરા, ટ્રાયપોડ્સ...વગર બધો સામાન તેને ફાળવવામાં આવેલ રૂમમાં રાખ્યો હતો. હજુ થોડી વાર હોવાથી મહેન્દ્રભાઈ અને અભિષેક રૂમની બહારના એન્ટ્રન્સમાં ગપ્પા મારી રહ્યા હતા. મહેન્દ્રભાઈ અભિષેકને પોતાના નવા કેમેરાના અમુક ફંકશન સમજાવી રહ્યા હતા...

હોટલના તમામ ગેસ્ટરૂમ જાનપક્ષની લેડીઝોએ સાજ-શણગાર માટે રોકી લીધા હતા. નિયતિ અને શ્રેયા પણ ચેન્જ કરવા માટે એક રૂમ શોધી રહ્યા હતા. એવામાં એક ખાલી રૂમ તેને મળ્યો, જેમાં કૅમેરા અને ટ્રાયપોડ્સ સિવાય કશું નહોતું. બંનેને લાગ્યું કે ફોટોગ્રાફરનો જ રૂમ હશે.પરંતુ ઉતાવળ હોવાથી રૂમનો ઉપયોગ કરી લેવાનું તેમને ઉચિત લાગ્યું. તેથી વારાફરતી બાથરૂમનો ઉપયોગ કરીને ફટાફટ પોતાનું કામ પતાવી લેશે અને કોઈ આવે તો પાંચ મિનિટ તેને વેઇટ કરવા વિનંતી કરશે એવું બંનેનએ નક્કી કર્યું.

નિયતિ બાથરૂમમાં ચેન્જ કરવા ગઇ અને શ્રેયા બહાર તેનો વેઇટ કરી રહી હતી. ત્યાં અચાનક કોઈ લેડીઝ હેર-સ્ટાઇલ માટે શ્રેયાને પોતાની સાથે લઈ ગઈ. તેને બાથરૂમમાં રહેલ નિયતિને જાણ કરવા કોશિશ કરી, પરંતુ લેડીઝ દ્વારા એનો હાથ એટલો જોરથી ખેંચાયો કે તેનો અવાજ નિયતિ સુધી પહોંચે એ પહેલા જ તે રૂમની બહાર નીકળી ગઈ.

એવામાં બહાર એન્ટ્રન્સમાં રહેલા મહેન્દ્રભાઇને કોઈ અગત્યનો કોલ આવ્યો. કોલ ઉપાડતા પહેલા તેને અભિષેકને રૂમમાં જઈ લાઈટિંગ વગેરે સેટ કરવા સૂચવ્યું અને પોતે પણ કોલ પતાવીને હમણાં આવે છે તેમ ઉમેર્યુ. અભિષેક રૂમમાં જઈને ટ્રાયપોડની હાઈટ સેટ કરી રહ્યો હતો. તે જ રૂમના બાથરૂમમાં નિયતિ ચેન્જ કરી રહી છે જેની અભિષેકને બિલકુલ જાણ નથી.ત્યાં અચાનક બાથરૂમના દરવાજાનો લોક ખુલવાનો અવાજ આવે છે. માત્ર એક હાથ બહાર નીકળી શકે એટલો દરવાજો ખૂલ્યો અને નિયતિએ અવાજ લગાવ્યો...

" પ્લીઝ યાર, કમ હીયર..."

અભિષેકને કંઈક અજુગતું લાગ્યું, પરંતુ અવાજમાં રહેલ મધુરતાએ ક્ષણભર માટે તો તેના હદયની એકાદ બીટ્સ ચૂકવી દીધી.છતા તેને કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં.

અહીં નિયતિ બાથરૂમમાં પોતાની કામણગારી કમર મરોડિને નજર અને હાથને પીઠ સુધી પહોંચાડવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. તેને ફરી એકવાર બહાર અવાજ લગાવ્યો....

"જલ્દી પ્લીઝ,
આ દોરી બાંધી આપને મને,
યાર લેટ થાય છે કમ ઓન...."

અભિષેકનો સંયમ હવે તૂટ્યો, એ કંઈ પણ વિચારે એ પહેલા તેના મનમાં શૂન્યતા છવાય ગઇ અને તે છુપા ડગલે બાથરૂમ તરફ આગળ વધ્યો. અડધાથી વધારે બંધ રહેલ બાથરૂમનો દરવાજો તેને ખોલ્યો.

કોઈ આદર્શ શિલ્પકારે પોતાની મૂર્તિમાં કંડારેલ હોય તેવા સિમેટ્રીકલ દેહનો પાછળનો ભાગ અને તેની પીઠ અભિષેકની નજર સામે હતી...
ફોરેસ્ટ ગ્રીન, મીડીયમ સ્લીવ બ્લાઉઝ જેની દોરી પીઠ પાછળ ખુલી લટકી રહી હતી. પાતળી અને કામણગારી કમરથી સહેજ નીચે પહેરેલ લાઇટ યલો લહેંગાની દોરી બંધાયેલી હતી. તે એટલો ઘેરાવદાર હતો કે બધી બાજુએથી નીચે જમીનને સ્પર્શ કરી રહ્યો હતો. તેની કિનારીઓ બાથરૂમના પાણીથી થોડી અમથી ભીંજાઈ ગઈ હતી. પીઠનો અડધો ભાગ તેના સિલ્કી, સાઈની અને એકદમ પાતળા વાળથી ઢંકાયેલ હતો, જેના પર હાથ ફેરવતા જ લસરી જાય...
આ બધું નિયતિને વધારે આકર્ષક બનાવી રહ્યું હતું. અભિષેક થોડીક સેકન્ડો માટે તેનું આ રૂપ જોવામાં મગ્ન થઈ ગયો. એવામાં નિયતિ બોલી ઉઠી...

" એ ડમ્ફોસ, ચાલ જલ્દી કરને હવે..."

અભિષેકે કઈ પણ બોલ્યા વગર લટકણીયા વાળી એ બન્ને દોરીના છેડા હાથમાં લીધા. તેનો હાથ નિયતિના વાળને સ્પર્શવા જતો જ હતો, ત્યાં નિયતિએ વાળા આગળ તરફ કરવા પ્રયત્ન કર્યો. ગતિમાં આવેલ વાળની વચ્ચે લસરતા લસરતા અભિષેકની આંગળીઓનો તેણીની પીઠને સ્પર્શ થયો આ વખતે અભિષેકની નસોમાં લોહીનું ઝડપથી વહન થવા લાગ્યું, જેથી સહેજ ધ્રુજતા હાથે તેને બંને દોરીઓ વચ્ચે આટી મારી જેવી ગાંઠ સરકાવી એવામાં બહારથી અવાજ આવ્યો,
'અભિષેક.....'

મહેન્દ્રભાઈ રૂમમાં પ્રવેશવા લાગ્યા, તેને અભિષેકને અવાજ લગાવ્યો. ખભા અને કાનની વચ્ચે મોબાઇલને ગોઠવીને ફોનમાં વાત કરતા કરતા તે બન્ને હાથે કેમેરો સેટ કરી રહ્યા હતા. પરંતુ રૂમમાં પ્રવેશતી વખતે તેનું ધ્યાન બીજે ક્યાંય જાય તે પહેલાં તેના પગમાં લાઈટિંગનું વાયર આવતા જ તે જમીન પર પટકાયા. આ વખતે તેનો ફોન રૂમની બહાર પડ્યો એટલે તરત જ ફોનને લેવા માટે તે રૂમની બહાર જતા રહ્યા.
આટલી ટકોર થતા નિયતિએ પાછળ ફરીને જોયું કે તે જેને શ્રેયા સમજી રહી હતી એ કોઈક બીજું છે. તે જ ક્ષણે અભિષેક જેવો બાથરૂમની બહાર નીકળ્યો, નિયતિએ ફરીથી પોતાને બાથરૂમની અંદર લોક કરી દીધી. અભિષેક શરમનો માર્યો બહાર ચાલ્યો ગયો અને મહેન્દ્રભાઇની સંભાળ લેવાનો ઢોંગ કરવા લાગ્યો કે 'ઠીક છે કે કેમ !' અભિષેકને મહેન્દ્રભાઈની વાત પરથી ખ્યાલ આવ્યો કે તેને કશું જોયું નથી, એટલે તેને હાશકારો અનુભવ્યો. ત્યાં મહેન્દ્રભાઈને યાદ આવ્યું કે ફોનની સાથે હાથમાંથી કેમેરો પણ પડી ગયો હતો, જે રૂમની અંદર હશે જેને લેવા તે રૂમ તરફ જેવા આગળ વધ્યા એવા અભિષેકે તેને રોકીને પોતે રૂમમાં ગયો અને કેમેરો બહાર લાવ્યો. તથા અન્ય સામાન પણ બહાર કાઢ્યો અને રૂમ ખુલ્લો છોડીને બંને લગ્નમંડપ તરફ ચાલ્યા ગયા.

થોડીવાર પછી નિયતિ પણ તૈયાર થઈને રૂમમાંથી નિકળી ગઈ.

પરંતુ એ ક્ષણે એક વાત એવી બની ગઈ, જેની કોઇને જાણ ન રહી. જે વખતે મહેન્દ્રભાઇના પગમાં વાયર આવ્યું અને કેમેરો તેના હાથમાંથી છૂટ્યો ત્યારે તેનું બટન પ્રેસ થઈ ગયું હતું. કેમેરો 'બ્રસ્ટ મોડ'માં હોવાથી અભિષેક અને નિયતિ વચ્ચેની એ ક્ષણ તેમાં કેદ થઈ ગઈ.

આમ, બે વાર સામે આવ્યા છતાં નિયતિને સ્પષ્ટ ચહેરો અભિષેકે જોયો નહોતો. પણ તેણીના આઉટફિટ્સ પરથી તો અભિષેક તેને ઓળખી જ જવાનો હતો. અભિષેકની આંખો પણ જાણે નિયતિનો ચ્હેરો જોવા માટે તલપાપડ થઈ રહી હોય, એમ તેને શોધી રહ્યો હતો. એવામાં તેની નજર એક ચહેરા પર પડી....

સિલ્કી, રેશમી અને કમર સુધી પહોંચતા એ અનામિકાના વાળ, વાળમાંથી એક લટ છૂટી પડીને ગાલનો સ્પર્શ કરી રહી હતી. જેને તે કાન પાછળ સરકાવવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. માછલી જેવી આંખ અને આંખોને વધારે સુંદર બનાવતા મોરના પીંછા જેવા એના નેણ, નેણની વચ્ચે નાની અમથી બિંદી, મધપૂડો પણ નીરસ લાગે એવા એના હોઠ, હોઠની નીચેના ભાગને દાડમ જેવા દાંતથી સહેજ દબાવેલા હતા.
હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક, કાને લટકાવેલ લટકણ, કાજુની જેમ ઉપસેલા એના ગાલ ઉપર પડતા છીછરાં ખંજન સાથે હળવી મુસ્કુરાહટ અને શરમાતા શરમાતા જાણે કોઈકને કશુંક કઈ રહી હતી.
શરીરના બધા વણાંકો એકદમ સ્પષ્ટ, આકર્ષક અને કામણગારા. ફોરેસ્ટ ગ્રીન બ્લાઉઝથી નીચે લાઈટ યલો લેહેંગાની સહેજ ઉપર દેખાતી એની ઊંડી નાભિ...
સાવ એવું નહિ હોય કે અભિષેકે તેનાથી વધારે સુંદર છોકરી જોઈ જ નહિ હોય, પણ અત્યારે આ સમયે બન્ને વચ્ચે જે બની ગયું હતું તેના પરથી અભિષેકની હાર્ટ બીટ્સ અનિયંત્રિત થઈ જવી અને તેને પહેલી નજરમાં પ્રેમ થઈ જવો એ સ્વાભાવિક હતું. પરંતુ નિયતિ હજી તેના માટે અનામિકા જ હતી. એક ફોટોગ્રાફર તરીકે અનામિકા તરફ પહેલ કરીને તેનું નામ વગેરે પૂછવું તો શક્ય નહોતું અને અભિષેકનું વ્યક્તિત્વ પણ એવું નહોતું કે તે આમ આવી રીતે પહેલ કરે. માટે તે દિવસે તો વેડિંગ સમાપ્ત થયા અને તે ક્ષણનો પણ અંત આવ્યો. અભિષેકને બે - ત્રણ દિવસમાં પોતાના ઘરે જવાનું થયું. મહેન્દ્રભાઈ પણ પોતાના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઇ ગયા.

તે દિવસે મહેન્દ્રભાઇના પગમાં વાયર ન આવ્યું હોત, તે જમીન પર પટકાયા ન હોત અને તેના હાથમાં રહેલ કેમેરામાં 'બ્રસ્ટ મોડ' ઓન ન હોત, તો આ વાત કદાચ અહી જ સમાપ્ત થઈ ગઇ હોત. પણ ઉપરવાળને કઈક અલગ જ મંજૂર હતું.

મેરેજના થોડા અઠવાડિયાઓમાં ફોટોઝ અને વિડિયોઝ તૈયાર થઇ ગયા હોવાથી બધા નજીકના ફેમિલી મેમ્બર્સ તે ક્ષણોને ફરીથી તાજી કરવા માટે એકઠા થયા. તેમાં એક વસ્તુ બધાને અજુગતી લાગી. આલ્બમ નિયતિના ' નેચરલ કલોઝ-અપ ' વાળા ફોટોઝથી છલકાઈ રહ્યો હતો. તેમ છતાં કોઈએ કંઈ શંકા ન કરી, પરંતુ અચાનક અભિષેક અને નિયતિની તે ક્ષણવાળો ફોટો સામે આવ્યો. તેમાં બન્નેમાંથી કોઈનો ચ્હેરો દેખાતો નહોતો કારણ કે ફોટો પાછળથી ક્લિક થયો હતો. પરંતું આઉટફિટસ પરથી નિયતિ ઓળખાઇ ગઇ અને એ પણ સાફ દેખાતું હતું કે કોઈ છોકરો નિયતિના બ્લાઉઝની દોરી બાંધી આપે છે.
પછી નિયતિએ સ્પષ્ટતા કરી કે તે તેણે ઓળખતી નથી. પોતે તો શ્રેયાને દોરી બાંધી આપવા કહ્યું હતું, પણ ખબર નહિ કેમ આ બધું કઈ રીતે બન્યું ! શ્રેયાએ પણ સ્પષ્ટતા કરી કે બન્ને સાથે જ રૂમમાં હતા, પરંતુ તે નિયતિને જણાવ્યાં વગર પોતે બહાર ગઈ એટલે કદાચ નિયતિને મિસ-અંડરસ્ટેન્ડિંગ થઈ ગઇ હશે.
નિયતિના મમ્મીએ મોકો મળતા જ તેને ખૂણામાં લઇ જઇને ઠપકો આપતાં કહ્યું,
" તું કોઈ અજાણ્યા છોકરાનો સ્પર્શ કેમ ના ઓળખી શકી ?
કે તેને પણ મજા આવતી હતી "

" હા,
અરે મતલબ ના.... ના..ના...
મજા?....મજા થોડી આવે, ના મને મજા નહોતી આવતી, સોરી ! "
( નિયતિએ અચકાતા અચકાતા જવાબ આપ્યો )

નિયતિના પપ્પા પ્રશાંતભાઇ માટે હવે તે છોકરાને શોધવો જરૂરી હતો. હોટેલના રૂમની માહિતી પરથી તેના ભાઈ રાજે શોધી કાઢ્યું કે તે રૂમ ફોટોગ્રાફરને ફાળવવામાં આવ્યો હતો. તેથી શંકા ગઇ કે તે જરૂર ફોટોગ્રાફર હોવો જોઇએ. નિયતિના ફૉટ્ઝથી છલકાતો આલ્બમ પણ એ તરફ જ આંગળી ચીંધી રહ્યોહતો.

તેથી પ્રશાંતભાઈ ફોટોગ્રાફરનું એડ્રેસ મેળવીને મહેન્દ્રભાઈની ઓફિસે પહોંચી ગયા. મહેન્દ્રભાઇને અન્ય પ્રોજેક્ટ માટે શહેરની બહાર જવાનું થયું હોવાથી તેનો એડિટર ત્યાં હાજર હતો. પ્રશાંતભાઈએ એડિટરને પેલો ફોટો બતાવીને પૂછ્યું કે તે છોકરો કોણ છે. એડિટર અને અભિષેકની અગાઉ ક્યારેય મુલાકાત થઈ ન હોવાથી તે અભિષેકને ઓળખી ન શક્યો. તેથી તેને ફોટો મહેન્દ્રભાઈને મોકલાવીને પૂછ્યું તો મહેન્દ્રભાઈએ અભિષેક હોવાનું પ્રશાંતભાઈને જણાવ્યું. પછી વધારે વાત સાંભળ્યા વગર તેને અભિષેકનું એડ્રેસ મેળવીને ફોન કટ કરી નાખ્યો.
પછી એડિટરે સ્પષ્ટતા કરી કે,

" માફ કરજો ભાઈ, ભૂલ મારી છે. હું અભિષેકને ઓળખતો નહોતો એટલે મેં આ બધા ફોટોઝ એડીટ્સમાં જવા દીધા "

પ્રશાંતભાઈએ ગુસ્સે થઈને તેને કહ્યું,
"તમને ખબર ન પડે? સાવ આવી રીતે કોઈ પણના ફોટોઝને એડિટ કરીને ઓરીજનલ આલ્બમ સાથે જોડી દ્યો છો ! "

એડિટરે સ્પષ્ટતા કરી,
" જનરલી વેડિંગઝમાં આજકાલ વર-વધુ સિવાય અન્ય કપલ્સ પણ રોમેન્ટિક ફોટોગ્રાફી કરાવતા હોય છે. એટલે મને લાગ્યું કે તે બન્ને પણ..."

"શટ અપ..."

આગળ વધુ મગજમારી કરવાને બદલે પ્રશાંતભાઇ અને રાજ મહેન્દ્રભાઈએ આપેલ એડ્રેસના આધારે અભિષેકના ઘરે પહોંચે છે.
લકઝરિયસ બંગલોની બહાર ઊભેલી 'BMW Series -5' જોઈને રાજ પ્રશાંતભાઇ ને કહે છે, કે અભિષેકની ફેમિલી રિચ એન્ડ વેલસેટલડ લાગે છે. પ્રશાંતભાઈ તેને પ્રત્યુતર આપે છે કે એવું જરૂરી નથી કે ઘરની બહાર ઊભેલી મોંઘીકાર આપણી જ હોય. એવામાં બન્ને અંદર પ્રવેશે છે.
અભિષેક તો હાજર નહોતો, પણ એના મમ્મી અને દીદી બન્નેને સારી રીતે આવકાર આપે છે.
પ્રશાંભાઈએ અભિષેક વિશે પૂછતાં તેની દીદીએ જણાવ્યું કે તે બહાર છે. વધુ કંઈ પણ સાંભળ્યા વગર પ્રશાંતભાઇ ગુસ્સામાં ઉતેજીત થઈને બોલ્યા
" બહાર ક્યાં?,
કોઈ માસૂમ છોકરીને પોતાની જાળમાં ફસાવવા ગયો હશે ને ! "

પોતાના દીકરા પર આવો તુચ્છ ઇલઝામ લગાવાયો એ અભિષેકના મમ્મીથી ન સહેવાયું , તેને સહેજ ઊંચા અવાજે કહ્યું,
" એક્સક્યુઝ મી, તમે કહેવા શું માંગો છો ? "

પ્રશાંભાઈએ પેલો ફોટો બતાવીને સમગ્ર વાત રજૂ કરી. અભિષેકના મમ્મીએ પણ સામો ખુલાસો આપ્યો,
" જરૂર કઈક મિસ-અન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. મારો દીકરો એવો નથી. એને તો સારી સારી છોકરીઓના ઘણા બધા માગા આવે છે, તેમ છતાં..."

"તમારા છોકરાને લગ્ન વગર જ મજા કરવી હોય, તો ક્યાંથી લગ્ન કરે. અમીર લોકોના સંતાન આવા જ હોય છે "

પોતાના સંતાન વિશે આવું અપમાન સાંભળ્યા પછી તેના મમ્મી કાબૂમાં રહેતા નથી,
" બસ હવે બહુ સાંભળી લીધું તમારું,
મારો દીકરો Indian Foreign Service (IFS)માં ક્લાસ વન ઓફિસર છે. તેની પાસે આવો ફાલતુ સમય પણ હોતો નથી. આ'તો વેકેશનમાં તેના ફોટોગ્રાફિના શોખના કારણે મહેન્દ્રભાઈને ત્યાં ગયો હતો. ત્યાં ખબર નહિ કેમ આ બધું બન્યું. તમે કીધું એમ તમારી દીકરીનો કોઈ વાંક નથી તો મારો દીકરો પણ સાવ એવું તુચ્છ કામ ન જ કરી શકે "

હવે પ્રશાંતભાઇ થોડા શાંત પડ્યા અને ફરીથી પૂછ્યું,
" પણ, અભિષેક છે ક્યાં અત્યારે ? "

તેની દીદીએ જણાવ્યું કે,
" તે અત્યારે એમ્સ્ટર્ડમ છે, કામ પતાવીને થોડા મહિનઓમાં જલદી પાછો આવશે. "

પ્રશાંતભાઈ સમજ્યા ન હોવાથી ફરી પૂછ્યું
" ક્યાં ? "

(રાજે ધીમા અવાજે કાનમાં તેને કહ્યું કે પપ્પા તે નેધરલેન્ડ છે, મતલબ આઉટ ઓફ કન્ટ્રી અને સાથે એ પણ જણાવ્યું કે તે ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેને અલગ અલગ દેશોમાં રહેવાનું તથા આવવા-જવાનું થતું રહે છે વગેરે...
સાથે રાજે ધીમેકથી એ પણ ટોન્ટ મારી દીધો કે,હવે તો પાક્કું થઈ ગયુંને કે પેલી મોંઘી કાર પણ તેની જ છે)

પ્રશાંભાઈએ સ્વીકાર્યું કે જરૂર કોઈ ગેરસમજ થઈ હશે. એને અભિષેકના મમ્મીને કહ્યું,
" જી, માફ કરશો, હું એકવાર મહેન્દ્રભાઈ સાથે વાત કરી લઉં "

મહેન્દ્રભાઈએ અભિષેકના બેકગ્રાઉન્ડ વિશે પ્રશાંતભાઇને તમામ જાણ કરી. એ પણ જણાવ્યું કે કઈ રીતે એક મિડલક્લાસ ફેમેલીમાંથી સંઘર્ષ કરીને અભિષેકે આ બધું મેળવ્યું છે. આ જાણીને પ્રશાંતભાઇનું અભિષેક એન્ડ ફેમિલી પ્રત્યે થોડું માન વધ્યું. એવામાં રાજે પ્રશાંતભાઇ સમક્ષ પોતાનો મત રજૂ કર્યો કે પેલી ફોટોગ્રાફ વાળી ઘટનાથી નિયતિને કદાચ કોઈ પ્રોબ્લેમ નહિ હોય, ઇન્ફેક્ટ એ પછી કદાચ અભિષેક તેને પસંદ આવવા લાગ્યો હોય એવું પણ બની શકે.

આટલું જાણીને પ્રશાંતભાઇએ નિયતિના મમ્મીને કોલ કરીને અત્યાર સુધીની બધી હકીકત જણાવી. તેના મમ્મીએ નિયતિને પૂછ્યું કે, ' શું એ છોકરો તને પસંદ તો નથી ને ? "
નિયતિએ આંખો ઝુકાવીને એકદમ પાતળી સ્માઈલ સાથે પોતાની લટ કાન પાછળ સરકવતા સરકાવતા જવાબ આપ્યો...
" ના, મતલબ એવું કંઈ તો નથી..."
તેના આટલાં ઇશારાથી નિયતિના મમ્મી સમજી ગયા અને પ્રશાંતભાઇને નિયતિના મનની વાત જણાવી.

પ્રશાંતભાઈએ કોલ કટ કરીને તરત જ અભિષેકના મમ્મીની માફી માગી અને નિયતિના ઇમોશન્સ વિશે પણ જણાવ્યું.
એક દીકરીના પ્રેરેન્ટ્સ તરીકે પ્રશાંતભાઇની પરિસ્થિતિને સમજીને અભિષેકના મમ્મીએ તેને માફ કરી દીધા અને કહ્યું કે,
" પ્રશાંભાઈ, હું એ બાબતથી બિલકુલ અજાણ છું. મને અત્યારે તો નથી ખબર કે અભિષેક પણ નિયતિને પસંદ કરે છે કે...."

ત્યાં વચ્ચેથી અટકાવીને તેની દીદી કહે છે,
" મમ્મી, ભાઈએ મને થોડા દિવસો પહેલાં જ આ બનાવ વિશે વાત કરી અને અફસોસ પણ વ્યક્ત કર્યો કે, ખબર નહિ તે હવે ક્યારેય નિયતિને મળી પણ શકશે કે નહિ ! એ તો હજી સુધી નિયતીનું નામ પણ નથી જાણતો "

ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ અભિષેકના પપ્પાને કરવામાં આવી. અંતે બંને ફેમિલી વચ્ચે નિયતિ અને અભિષેકના લગ્નનો નિર્ણય લેવાયો, જેની જાણ હજી સુધી અભિષેકને નથી.
તરત બીજે જ દિવસે બન્ને ફેમિલી મળે છે. નિયતિ પોતાની આગવી શૈલી અને સંસ્કારોથી અભિષેકની ફેમેલીને પ્રભાવિત કરી દ્યે છે.

હવે તેની દીદી દ્વારા અભિષેકને સરપ્રાઇઝ આપવાનો પ્લાન બનાવવામાં આવે છે....
નિયતિ અજાણ્યા નંબરમાંથી અભિષેકને ફોન કરે છે.
(ફોન રિસિવ કરીને અભિષેક)
" Hello, who is this ? "

" જી, નિયતિ..."

નિયતિ તેના માટે હજી અનામિકા જ હતી. પણ એ મધુર અવાજ ફોનમાંથી પણ તેના હૃદય સુધી પહોંચી ગયો. તે તરત જ ઓળખી ગયો, પણ આવું કંઈ રીતે બને !!! એ તેને ના સમજાયું. તેને ફોન કટ કરીને પોતાની દીદીને જણાવ્યું.
દીદીએ થોડીવાર તો તેની મજા લીધી, પણ અંતે જણાવી દીધું કે તેને નિયતિના રૂપમાં જિંદગીની સૌથી મોટી સરપ્રાઇઝ મળી છે.
આ સાંભળીને તેની નિયતિને મળવાની આતુરતા, આનંદ અને આશ્ચર્યનું શબ્દમાં વર્ણન કરવું શક્ય નથી.

થોડા જ મહિનાઓમાં અભિષેક ઇન્ડિયા આવે છે, ત્યારે બંને પેલી વખત એકાંતમાં મળે છે. એ એકાંતની ક્ષણ અને આ એકાંતની ક્ષણ બંને અલગ હતી.

વાત વાતમાં નિયતિ અભિષેકને પૂછે છે,
" તારા માટે તો ઘણા સારા સારા માગા આવતા હતા, તેમ છતાંયે કેમ તે મને જ પસંદ કરી "

" At this moment I haven't any answer...
I...I don't know...
Maybe I deserve you..."

" પણ એ ' તો મારો જવાબ હોવો જોઈએ "

"That's not important, આપણે સાથે છીએ એ મહત્વનું છે. પણ એક વાત હું જરૂર જાણવા માગીશ, કે શું તે દિવસે તને ખબર હતી કે પાછળ તારી ફ્રેન્ડ નહિ કોઈ બીજું છે "

" હું શ્યોર નહોતી,
પણ મને એવું જરૂર લાગ્યું કે something is not right, એ જ ક્ષણે મેં પાછું વળીને જોયું હોત તો કદાચ....
ખબર નહિ કેમ પણ હું પાછી ના વળી,
નહિતર ચાલ એમ જ માની લેને કે હું પાછી વળવા જ નહોતી માંગતી. તું જ્યારે બ્લાઉઝની દોરી બાંધી રહ્યો હતો ત્યારે તારો સ્પર્શ, તારા શ્વાસોશ્વાસની ગરમાહટને હું મહેસૂસ કરી રહી હતી "

" અચ્છા મતલબ,
મહેન્દ્ર અંકલ આવ્યા અને રંગમાં ભંગ પડ્યો, ત્યારે તું નિશ્ચિત થઈ ગઈ કે એ હું હતો, પણ એ વિશે તે કોઈને કંઈ કીધું નહિ, કારણ કે એ અહેસાસ હતો જ કંઈક ખાસ !!!
પણ યાર....,
એ ક્ષણ તો અધૂરી જ રહી ગઈને "

નિયતિએ નજર ઝુકાવીને શરમાતા શરમાતા નીચે જોઈને જવાબ આપ્યો,
" તે એક ક્ષણ અધૂરી રહી ગઈ એટલે જ આજે એવી હજારો ક્ષણોને જીવવા આપણે સાથે છીએ......."

તો કંઇક આવા હતા એ લવ-મેરેજ જેને ફેમિલીએ જ અરેંજડ કરાવ્યાં

-SK's ink (સચિન)