Adhuru Sapnu Amdavadnu - 3 in Gujarati Fiction Stories by बिट्टू श्री दार्शनिक books and stories PDF | અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 3

અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 3

બસ ચલાવવા વાળા બસમાં પેસેન્જર ચડી જાય ત્યાં સુધી પુરી રાહ જોતા નથી એટલે હું બીજું બધું બાજુ પર રાખી એની બોટલ અને મારું રેગ્યુલર ટ્રેકિંગ બેગ જોડે લઈ બસમાં ઘૂસી ગયો. મારું ધ્યાન નતું. પણ બસમાં બેસવાની જગ્યા શોધતી નજરે મેં એ જ છોકરીને મારી જ સામે જોતી જોઈ. જાણે એ ઈશારામાં જ કહેતી હતી કે એને મારી જગ્યા એની બાજુમાં રાખી છે. હું અંદર અંદર જ એને આભાર કહેતો એની તરફ ગયો. એણે મારી જગ્યા બારી પાસે રાખી હતી. મને બારી પાસે બેસવાનો કોઈ શોખ તો નથી પણ કદાચ એને મન મને બારી પાસે બેસવું ગમતું હશે. મારે મન એને કદાચ બહુ દુર જવાનું નહિ હોય અને પહેલા ઉતરી જવાનું હશે. અત્યાર સુધીમાં બસ નીકળી ગઈ હતી.

પણ હું ત્યાં એની બાજુમાં જઈને બેઠો. મારું બેગ બાજુમાં મૂક્યું અને આગળની સીટ પર હાથ મૂકીને માથું ટેકવીને હું થાક ઉતારતો હતો. લગભગ પાંચ મિનિટ પછી મારા હાથ દુખ્યા અને રસ્તામાં આવેલા ખાડાનો ધક્કો વાગ્યો એટલે હું ત્યાંથી હટી અને પાછળ ટેકો લેવા ગયો. મે પાછળ ટેકો લીધો કે તરત જ મને મારા ડાબા ખભા પર એના ખભાનો એક સામાન્ય અને અતિનાજુક સ્પર્શ અનુભવાયો. બસમાં મે ખૂબ મુસાફરી કરી છે એટલે આવું થાય એ ખૂબ સામાન્ય છે એમ ગણી મે એ વાત ધ્યાનમાં લીધી નહીં. મને ઊંઘ આવતી ન હતી એટલે હું બસની છતને જોતો સીટ ના ટેકે બેઠો હતો. મને એ સ્પષ્ટ અનુભવાતું હતું કે એનો જે ખભો મને સ્પર્શ માત્રથી જણાતો હતો એ હવે ખૂબ ધીરે ધીરે ટેકામાં ફેરવાતો હતો. લગભગ ત્રણ થી ચાર જ મિનિટમાં એના ખભાનો ટેકો મને સાફ સાફ અનુભવાતો હતો. એના એ ટેકાની સાથે એણે જાણે મને એના નાજુક ઝરણાના પ્રવાહ જેવા વાળની ચાદર ઓઢાડી દીધી હતી. ટેકાનો એ આધાર અને અવાજ વગરનો એ નાજુક ખળખળતો સ્પર્શ મને એટલી હદે પોતાનો લાગ્યો કે હું ના ના પાડી શક્યો. હું સીટના અને એના ખભાના ટેકે અને એ ચાદરની આડમાં હવે લગભગ સૂઈ જ જવાનો હતો અને એક પંજાનો ખૂબ જ નાજુક અને હૂંફાળો સ્પર્શ મને મારા ડાબા ખભા પર થયો.

હું તરત જ સભાન થયો અને એની સામે જોયું. હું લગભગ ઊંઘમાંથી જ ઊભો થયો હતો છતાં આ વખતે મને એની આંખો સ્પષ્ટ દેખાતી હતી. એણે એના ગોગલ્સ માથાના વાળ સુધી ઉપર ચડાવી દીધા હતા. એણે એના ચહેરે કોઈ મેકઅપ કર્યો નતો. છતાં એના આંખના પોપચા પર ઘાટી કાળી અને ગાઢ પાંપણો સ્પષ્ટ દેખાતી હતી. એના એ નાજુક પોપચાં ની અંદર દૂધથી બનેલી સફેદ આંખોમાં ભૂરાશ પડતી કાળી આંખોની નજર જાણે દુનિયાની બધી ઘડિયાળના કાંટા રોકીને પૂરી નિરાંત લઈને જ આવી છે. એની નિરાંતની નજર અને હોઠ પરનું નાજુક ગુલાબી સ્મિત જાણે મારી બધી થકાન ખેંચી ગયા. અત્યાર સુધી એ ઘણું બોલી ચૂકી હતી પણ મારું એના સામું જોયા પછી અંગ્રેજીમાં બોલેલું એ " યૂ આર સો સેન્સિટિવ ! " નો આશ્ચર્યનો સ્મિત પૂર્વક, હૂંફ સાથેનો અવાજ હૃદય સોંસરવો ઉતરી ગયો.

આ અનુભવ મને હજુ સુધી યાદ છે. મને સાથે એ પણ આશ્ચર્ય હતું કે આ કોઈ અજાણ છોકરી મારી સાથે આમ કેમ વર્તતી હશે? એ મને કૈ રીતે ઓળખે છે? હું એને પેલા ક્યાં મળેલો? કે હું જ ભુલવા લાગ્યો છું!? આ કોઈ ફ્રોડ તો નથી ને!? જો આ કોઈ ફ્રોડ હશે તો મને ખબર કઈ રીતે પડશે? પણ બસ સ્ટેન્ડ પર કરેલા વર્તનથી તો એમ લાગતું નથી !
હું આમ ગભરાયેલો, સતર્ક અને થાકેલો હતો. આમ મને ચિંતા થતી હતી પણ ચિંતા કરવાની તાકાત હતી ને. એટલે જે થાય છે એ થવા દેવું એમ નક્કી કર્યું.

પછી તો જે થવાનું હતું એ જાણ્યા જેવું છે.---------------------------------------------------


જો તમને આ વાર્તા રસપ્રદ જણાતી હોય તો તમારા મિત્રોને જરૂર જણાવો અને પ્રતિભાવ અચૂક આપજો.

ઈન્સ્ટાગ્રામ : @bittishreedarshanik