Adhuru Sapnu Amdavadnu - 4 books and stories free download online pdf in Gujarati

અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 4

પછી તો એણે મને " આચાર્ય " શબ્દથી પણ સંબોધિત કર્યો. હવે હું ગભરાયો. એને જાણે મારા વિશે બધી જ જાણ પેહલેથી જ હતી. હું પેહલેથી જ પેલી આગળની ઘટનાથી ગભરાયેલો હતો અને એમાં પણ આને મારા વિશે લગભગ એવી વાતની ખબર હતી જે કોઈ કાગળમાં તો મેં લખાવી જ ન હતી અને કોઈને કીધી પણ ન હતી. છતાં પણ એની મારા પ્રત્યેની એ હૂંફ, પ્રેમાળ લાગણી અને નાજુક વર્તન, સમજુ અને સ્થિર અવાજ જાણે મને એનો જ બનાવી ચૂક્યા હતા. એક ક્ષણે તો વિચાર પણ આવી ગયો કે આ સપનું જ છે. પણ હવે તો એણે મારી સાથે વાત કરવાની ચાલુ કરી નાખી હતી. હું હવે આ સપનું છે એ વિચારવાના બદલે એની વાતોમાં જ ખેંચાઈ ગયો હતો. એની વાતોમાં હું તો હતો જ નહિ પણ એણે જાણે એની જાતને જ ખુલ્લી મૂકી દીધી હતી. એ મન મૂકીને બસ બોલ્યા જ કરતી હતી અને હું થાકેલો, ગભરાયેલો કે કંટાળેલો હતાં છતાં ખબર નઈ કેમ પણ હું એના દરેક શબ્દોને મારી સ્મૃતિમાં એક - એક કરીને ગોઠવતો હતો. એણે મને એના એડ્રેસ અને એના નામ સિવાય લગભગ બધી જ વાત એક એક કરીને રેલાવી નાખી હતી. હું બસ એની દરેક વાત જાણે મારી માટે જ હોય એમ હા પાડીને એ વાતોની ફરતે પાળ બાંધતો ગયો. હવે એને એ પણ કેહવા માંડયું કે એ ક્યાંથી આવી રહી છે અને ક્યાં જઈ રહી છે. એ અમદાવાદમાં કોઈ આયુર્વેદ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપીને પરત જતી હતી. હવે મારી ગભરાહટ કંઇક ઓછી થઈ. પણ અત્યાર સુધી તો મને એના પ્રત્યે પોતીકાપણું કંઇક એ હદે લાગતું હતું કે મને બસ કે એના મુસાફરો કે બસ ચાલુ લાઈટો વિશે કંઈ ભાન જ ન રહ્યું. મારી નજરમાં હવે ફક્ત એનો ચેહરો અને સાંભળવામાં એનો જ અવાજ હતો. આમ છતાં એક વિચાર તો હું લાવી જ ચૂક્યો હતો કે જો આ સપનું હોય તો બસ હવે આમ જ ચાલ્યા કરે. એની વાતો તો પૂરી થતી જ ન હતી. છતાં એ થોડી ધીમી પડી ત્યારે મને થયું કે વાત બહુ વખતથી ચાલે છે એટલે હવે મારું સ્ટેન્ડ આવવામાં હશે અને એ એક ડોક્ટર પણ હતી એટલે મેં એનો કોન્ટેક્ટ નંબર બઉ નમ્રતાથી માંગ્યો. એ જાણે બસ આની જ રાહ જોતી હતી. એણે મને એનો નંબર લખવા કહ્યું અને અચાનક જ ખબર નહિ કેમ પણ એણે મારો ફોન મારા હાથમાંથી જ ખેંચી લીધો અને જાણે મારા ફોન મા કોઈ ખાસ ચિઠ્ઠી મૂકતી હોય એમ ત્રાંસી નજર મારી સામે રાખી, મંદ મંદ હસતાં હસતાં એનો નંબર ટાઇપ કરી સેવ કરી નાખ્યો. પછી એજ ત્રાંસી નજરે એણે મારો ફોન મારી તરફ કર્યો. હું એ લેવા ગયો કે તરત જ એણે ફોન પાછો ખેંચ્યો અને પાછું જાણે કોઈ ખાસ ચિઠ્ઠી મૂકતી હોય એમ એનો લેન્ડ - લાઈન નંબર લખ્યો અને કીધું કે હું મારો લેન્ડ - લાઈન નંબર પણ સેવ કરી દઉં છું, રાત્રે વાત કરવી હોય તો આના પર વાત થાય. હું આગળ કઈ બોલ્યો જ નહિ.

થોડી વાર પછી એણે મારો નંબર પણ માંગ્યો. મને બોલવાની ઈચ્છા થઈ નહિ એટલે મેં એના ફોનમાં મીસકોલ કરવાનું વિચારી એને કીધું કે હું તમારા નંબર પર કોલ કરું છું. એને જાણે વાત બઉ જ ગમી હોય એમ મલકાતા ચેહરે હા પાડી. હું પણ અંદર ખૂબ હરખાયો અને ફોન ચાલુ કરી, જાણે એનું નામ અને નંબર મને ખબર જ હતી એમ નામ ટાઈપ કરવા ગયો. ત્યાં પહોંચ્યા પછી જાણ થઈ કે એનું નામ મને ખબર નથી. મને એનું નામ સીધે સીધું પૂછવું ઠીક ના લાગ્યું, એટલે " શું નામે સેવ કર્યો છે તમારો નંબર ? " એમ પૂછ્યું. એનો ફક્ત એક શબ્દનો એ જવાબ " જીનલ ! " તો આખી જિંદગી નહિ ભુલાય ! છતાં પણ હજી તો વાતો બાકી હતી એમ એણે વાતો ચાલુ કરી નાખી.

---------------------------------------------------
ઈન્સ્ટાગ્રામ @bittushreedarshanik પર ફોલો કરી શકો છો અને વાર્તા કે અન્ય શોર્ટ સ્ટોરી વિશે તમારો અભિપ્રાય પણ જણાવી શકો છો.