Vargkhandni vaato - 2 books and stories free download online pdf in Gujarati

વર્ગખંડની વાતો - ભાગ -2

વર્ગના વિધ્યાર્થીઓમાં જયવીર એક એવો વિધ્યાર્થી હતો કે, બધા શિક્ષકો તેના વખાણ કરતા. દરરોજ સમયસર શાળાએ આવવું, પુર્ણ ગણવેશમાં આવવું, બધા વિષયોનું લેસન લઈને આવવું, શિસ્તમાં રહેવું, અન્ય વિધ્યાર્થીઓ સાથે હળીમળીને રહેવું જેવી બાબતો જયવીરના વર્તનમાં જોવા મળતી.

એક દિવસ ..........ખબર નથી પડતી .....તને....આકૃતિ આ રીતે દોરાતી હશે? .......ગુસ્સાભર્યા અવાજમાં વિજ્ઞાનના ટીચરે જયવીરને ધમકાવ્યો. જયવીર બધા વિષયમાં પારંગત હતો પણ વિજ્ઞાનની આકૃતિ દોરવામાં ફેં ફેં થઈ જતો હતો. બધા વિધ્યાર્થીઓ જયવીરની આકૃતિઓ પર હસી મજાક કરતા હતા. એટલામાં ઓછું હોય તો વળી, વિજ્ઞાનના ટીચરે એક દિવસ વર્ગમાં જયવીરને ઉંચા અવાજે કહીં દીધું કે, તે આ માનવ હદય ની જગ્યાએ ભેંસનું હદય દોર્યુ છે....... આખો વર્ગ ખડખડાટ હસવા લાગ્યો. વિજ્ઞાનના ટીચર પણ એ હાસ્યમાં જોડાયા. જયવીરને બાદ કરતા વર્ગની તમામ વ્યક્તિઓ હસી રહી હતી. તે સમયે જયવીરની મનોસ્થિતિ અલગ પ્રકારની હતી. તેની જાણ વિજ્ઞાન ટીચરને ના થઈ અને બીજા વિધ્યાર્થીઓને પણ નહીં.

વિજ્ઞાન પછીના અંગ્રેજીના પ્રિયડમાં શિક્ષકે અંગ્રેજી ગ્રામરમાં વિવિધ બાર પ્રકારના કાળ ભણાવ્યા પછી વર્ગમાં પુછ્યું કે, અંગ્રેજીમાં એક વાક્ય એવું બોલો કે જે, સાદા વર્તમાનકાળનું હોય. વર્ગમાં એકમાત્ર જયવીરની આંગળી ઉંચી થઈ. અંગ્રેજીના શિક્ષકની અનુમતિ મળતાં..... જયવીરે સાચો જવાબ આપ્યો. અંગ્રેજીના શિક્ષકે કહ્યું, હવે આ વાક્યને બાકીના અગિયાર કાળમાં ફેરવી બતાવ........ જયવીરના મોમાંથી કડકડાટ જવાબ નીકળવા લાગ્યા....... અંગ્રેજીના શિક્ષકે જયવીરને શાબાશી આપી સાથે સાથે અન્ય વિધ્યાર્થીઓને જણાવ્યું કે, જુઓ હું જ્યારે વિવિધ પ્રકારના કાળ ભણાવતો હતો ત્યારે જયવીર એકાગ્રચિત્તે ભણી રહ્યો હતો તેનું આ પરિણામ છે. તમે બધા પણ આ રીતે અભ્યાસ કરશો તો તમને ગ્રામર એકદમ સહેલું લાગશે.

ગણિતમાં, ગુજરાતીમાં, સામાજીક વિજ્ઞાનમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં એમ વિજ્ઞાનને બાદ કરતા દરેક વિષયમાં જયવીર રસપુર્વક અભ્યાસ કરતો. જયવીરની સારી બાબતોની જાણ આચાર્યને હતી જ. જયવીર શરૂઆતમાં વિજ્ઞાન સારી રીતે ભણતો પરંતુ આકૃતિઓના લીધે વર્ગમાં બધા વિધ્યાર્થીઓની હાજરીમાં વિજ્ઞાનના ટીચર એને ઉતારી પાડતા તેથી તે વિજ્ઞાનના તાસમાં ઉદાસ રહેતો. વિજ્ઞાનમાં આકૃતિઓ શિવાય બધું જ એને આવડતું હતું.

બીજા દિવસે શાળા છુટ્યા પછી આચાર્યશ્રીની ઓફિસમાં વિજ્ઞાન ટીચર ફરિયાદ કરતા હતા કે, મારા એક્ટિવાની સીટ પર કોઈ છોકરાએ બ્લેડ મારી છે. દસ દિવસ પહેલાં જ મેં નવું સીટકવર નંખાવ્યું હતું. છોકરાઓમાં અશિસ્તનું પ્રમાણ દિવસે દિવસે વધતું
જાય છે, કંઈક કરો સાહેબ....!

આચાર્ય સાહેબે તેમના રાઉન્ડમાં નોંધ્યું કે વિજ્ઞાનના પ્રિયડમાં જયવીરના વર્ગમાં ચાલું શિક્ષણકાર્યમાં વિધ્યાર્થીઓ ભણવાને બદલે અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. વર્ગમાંથી સતત ગણગણાટ ચાલું રહે છે. આચાર્યશ્રીએ રીશેષ દરમિયાન વિજ્ઞાનના ટીચરને બોલાવી પુચ્છા કરી. વિજ્ઞાનના ટીચરે જણાવ્યું કે, વર્ગના વિધ્યાર્થીઓને ભણવું નથી.......લેસન લાવવું નથી.....આકૃતિઓ દોરવી નથીં...... વર્ગનો હોશિયાર વિધ્યાર્થી જયવીર પણ ચાલું શિક્ષણકાર્યમાં વાતો કર્યા કરે છે........આકૃતિઓ દોરે છે એ પણ ઠેકાણાં વગરની.......હું શું કરું સાહેબ?

આચાર્યશ્રીએ કહ્યું જુઓ બેન મારા રાઉન્ડ દરમિયાન મેં નોંધ્યું છે કે, અન્ય વિષયમાં વિધ્યાર્થીઓ શાંત ચિત્તે ભણતા હોય છે, પરંતુ તમારા પ્રિયડમાં વિધ્યાર્થીઓ સતત વાતો કરતા હોય છે, એટલે તમને પુછવું પડ્યું. તમારી ફરિયાદના અનુસંધાને હવે પછીના તાસમાં હું તે વર્ગમાં જઈને વિધ્યાર્થીઓને સમજાવું છું. લો આ વિજ્ઞાનમેળાનો પરિપત્ર આવી ગયો છે. આપણી શાળાના વિધ્યાર્થીઓને એટલી સરસ તૈયારી કરાવો કે, સારામાં સારું પ્રદર્શન કરીને આપણી શાળાને ગૌરવ અપાવે.

રીશેષ પછીના તાસમાં આચાર્યશ્રી જયવીરના વર્ગમાં ગયા. વિધ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું મહત્વ સમજાવ્યું, બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવવાની કેટલીક ટેકનિક આપી તેમજ ચાલું શિક્ષણકાર્ય દરમિયાન બીજી કોઈ પ્રવૃતિ નહીં કરતા ભણવામાં જ ધ્યાન આપવા અભિપ્રેરિત કર્યા. વિજ્ઞાનનું લેસન અને આકૃતિઓ તપાસવા પાંચ વિધ્યાર્થીઓની નોટબુક લીધી, એમાં જયવીરની નોટબુક પણ લીધી અને બીજા વર્ગ તરફ રાઉન્ડ મારવા ગયા.

ઓફિસમાં બેસીને આચાર્યશ્રીને વિજ્ઞાનની નોટબુક તપાસતા માલુમ પડ્યું કે, જયવીરનું લખાણ સરસ હતું પરંતુ આકૃતિઓ બરાબર નહોતી. આચાર્યશ્રીએ જયવીરને ઓફિસમાં બોલાવી, પહેલાં તો સુંદર લખાણ બદલ અભિનંદન આપ્યા....... પછી કહ્યું જો બેટા વિજ્ઞાનમાં આકૃતિવાળા પ્રશ્નમાં પેપર તપાસનારની પહેલી નજર આકૃતિ પર પડે છે. તેથી તારી આકૃતિઓ સારી દોરાય એવો પ્રયત્ન તું કરે, તો તું સારામાં સારી આકૃતિ દોરી શકીશ એવો મને વિશ્વાસ છે. જેના માટે તારે આકૃતિથી ડરવાનું નહી. એક આકૃતિ તું પહેલી વાર દોર, પછીથી તે જ આકૃતિ બીજીવાર દોર તને ખ્યાલ આવી જશે કે, પહેલી વાર કરતા બીજીવારની આકૃતિ સારી દોરાઈ છે. આમ એકના એક આકૃતિ વારંવાર દોરીશ તો તે આકૃતિ ખુબ સુંદર દોરાતી જશે.......ખરેખર સર....હવે હું આજે ઘરે જઈને રસપુર્વક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશ.

બીજા દિવસે જયવીર વિજ્ઞાનની નોટબુક લઈને સીધો આચાર્યશ્રીની ઓફિસમાં.......આચાર્યશ્રીએ આકૃતિઓ જોઈ અભિનંદન આપ્યા અને કહ્યું, વિજ્ઞાનના પ્રિયડમાં વિજ્ઞાન ટીચરને બતાવજે. વિજ્ઞાનનો પ્રિયડ આવતા જયવીર એક અલગ પ્રકારનો આનંદ અનુભવતો હતો...ક્યારે ટીચર આવે અને આકૃતિઓ બતાવું......ટીચર આવ્યા....ગુડ મોર્નિગ ટીચર....બોલવાનું પુરું થાય એ પહેલા તો આત્મવિશ્વાસથી છલકાતો જયવીર વિજ્ઞાનની નોટબુક સાથે ટીચર સમક્ષ પહોંચી ગયો......જુઓ ટીચર કહેતાંક આકૃતિઓ એમાંય માનવહદયની આકૃતિવાળું પાનું ખોલી ટીચર સામે ધર્યુ........

વિજ્ઞાનના ટીચર કહે, આ શું છે?.....બીજા વિધ્યાર્થીની નોટબુક કેમ બતાવે છે?.......જુઓ જુઓ ટીચર.....નામવાળું પહેલું પાનું બતાવીને કહ્યું....મારી નોટ છે........તો પછી આકૃતિઓ કોણે દોરી આપી?.....જયવીર કહે, મેં દોરી છે......તને અચાનક આવડી ગઈ?.....ના ના ટીચર......પ્રયત્ન....રાતના બાર વાગ્યા સુધી આકૃતિઓ દોરી, ....વારંવાર દોરી.....એટલે આવડી ગઈ........જયવીરના જવાબમાં મક્કમતા હતી.....સચ્ચાઈ હતી.....જે વિજ્ઞાનના ટીચરે અનુભવી.... શું વાત છે?......શાબાશ....નોટબુકમાં very good લખી ટીચરે સહીં કરી.....જયવીરના ચહેરા પરનો આનંદ અલૌકિક હતો.

-કનુભાઈ પટેલ(કનુ શેઢાવી)