DHOTIYU ZAKAMZOL in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય્લાહરી - ૨૨

હાસ્ય્લાહરી - ૨૨

ધોતિયું ઝાકમઝોળ..!

                                કોઈપણ ધોતીધારક ગુજરાતીને વ્હાલો  બહુ. ધોતિયું પહેરવું પણ એક કળા છે. મતલબ કે , ધોતિયું કાઢવું ભલે હોય, સહેલું પણ પહેરવા માટે ગાઈડ ભાડે કરવો પડે. કોના ઘરમાં ધોતિયાધારીની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું  નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ વિચાર એ વાતનો આવે કે, સાલું હાસ્ય-લેખક થયા એટલે, જુદાં-જુદા વિષયોને શોધવા માટે મગજમાંથી કેટલાં ધુમાડા કાઢવાના..? બટાકામાં સુગર કેટલી છે, એ શોધી આપનારને વૈજ્ઞાનિક કહેવાય, પણ હાસ્ય માટે વિષય શોધનારને  વૈજ્ઞાનિક તો ઠીક, કોઈ આધુનિક પણ કહેતું નથી. એના કપાળમાં કાંદા ફોડું ઉપરથી ‘નવરો’  કહે તે બોનસ..! અથાગ પ્રયત્નો પછી, મારે આ હાસ્યલેખ લખવા માટે ધોતીયાના મુકામ સુધી જવું પડ્યું. ભગવાન કહે, ‘દોસ્ત..! એમાં હતાશ નહિ થવાનું. મારે પણ ભગવાન મટીને લોક ઉદ્ધાર કરવા કેવાં-કેવા અવતાર ધારણ કરવા પડેલાં..! યાદ આવે છે કંસ, હિરણ્ય કશ્યપ, રાવણ વગેરે..! 
                                ધોતિયું માત્ર પહેરવેશ નથી, માનવજાતનો ઈતિહાસ છે. બાળોતિયા થી ધોતિયા સુધીની સફર કરવામાં તો માણસ ટેસ્ટી થઇ ગયો.  ઘરના મસાલા કરતા એને બહારના મસાલા જ વધારે ફાવે. વળી માણસને એકાદ જ ટેસ્ટ ફાવે એવું નહિ. જેમ કપાળે કપાળે જુદી બુદ્ધિ, એમ જીભે જીભે અલગ ચટાકા..! જેટલો ખાવાનો ટેસ્ટી, એટલો જ ઓઢવા-પાથરવા-પહેરવા-ફરવા- ને વાહન વ્યવસ્થા સાથે મોજમઝા કરવાનો પણ ટેસ્ટી..!   એક જ ખુમારી, પાડોશી કરતાં આપણી જાહોજલાલીની ઊંચાઈ ઉંચી જોઈએ. પછી ભલે એના બંગલાની ટોચ ઉપર મોરના ટહુકાને બદલે કાગડા કેકારવ કરતા હોય..! ખોટું માનતા હોય તો પૂછો રતનજીને..! ( હવે આ રતનજી કોણ, એવું નહિ પૂછતાં, હું પણ એને જ શોધું છું..!) માણસ લુંગીમાં પણ ફરે, ધોતિયામાં ફરે, ઢીંચણથી ફાટેલા જીન્સમાં ફરે, કે બરમૂડામાં ફરે, પસંદ અપની-અપની  ઔર ખયાલ અપના-અપના..!  આપણે તો એટલું જ જોવાનું કે, ઉઘાડો નહિ ફરવો જોઈએ..! પછી તો જેવાં જેના સંસ્કાર, ને જેવાં જેનાં હવામાન..! ભૂલી જવાનું કે ગાંધી થી માંડી મોદી સુધીની જીવનયાત્રા મેં ખેડી નાંખી. એટલામાં તો જાતજાતના બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ માણસ  પણ બદલાય ગયા ને પહેરવેશ પણ બદલાયા..! પહેરવેશની કુંડળી ચકાસીએ તો, મોટાં-મોટા નેતાઓ કે અભિનેતાઓ, ધોતિયામાં પણ વધારે ખીલેલા. બાકી  આજની પેઢી તો ‘કાઉબોય’ ફિલ્મમાંથી ઉતરી આવેલી ‘લો-વેસ્ટ’ પેન્ટ અને તે પણ ઢીંચણથી ફાટેલી..!  જાંઘ ઉપર હાથ પછાડે પણ, વાઈ-ફાઈ વગર પાવર આવે નહિ..! 
                                અંગ્રેજીમાં સાચું જ કહેવાયું છે કે,  “ A person can become famous by breaking pots, tearing ones cloths in public, or by riding a donkey..!”  અહીં ઈન્સ્ટન્ટ વિખ્યાતી માટે ઉડાન છે. પેલી મેગી બે મીનીટમાં ભલે તૈયાર થતી હોય, પણ ટીનોપાલની એક પડીકીમાં બાલદી ભરેલા ગંદા કપડામાં સફેદી લાવવા બાવડાં ફૂલાવવાની કસરત ચાલે. જેના ઉપર જૂતા ફેંકાયા હોય, શ્રી લંકાના નેતાની માફક ધક્કે ચડાવ્યા હોય, કે કાળી શાહીથી શરીર ઉપર  રંગકામ થયું હોઉં, એ રાતોરાત પ્રખ્યાત થઇ જાય તો એની બળતરા થાય. પણ એ નહિ વિચારે કે, પ્રમાણિક માણસોને વિખ્યાત થવા માટે કેટલાંય વર્ષોને  શહીદ કરવા પડે..! પહેરવેશનું પણ એવું જ..! પ્રસિદ્ધિનો જ એક મહિમા..! મોંઘવારી ઘટી નથી, પણ ધોતિયા ઘટી ગયા. ધોતિયા બિચારા વિસરાતા સૂર જેવાં થઇ ગયાં. રંગભૂમિ અને જંગભૂમિ ઉપરથી પણ નાબુદ થવા માંડ્યા. પણ ધોતિયાવાળા મહાનુભાવોની જગતે નોંધ લીધી છે, એટલે નમુના પૂરતા ધોતિયાધારી ટક્યા છે..!   ઘણાને તો પેટમાં દુખાવો ઉપડશે કે, મોંઘવારી સાથે ધોતિયાને શું લેવા દેવા.?  અરે ભઈલા.! દેખીતી વાત છે ને, જેટલી મોંઘવારી વધી, એટલાં ધોતિયાં કે ધોતિયાધારી ક્યાં વધ્યા છે..?  ઉમર લાયક દેખાવા કોઈ તૈયાર જ નથી, બધાને લાયક જ દેખાવું છે.  બાપુએ તો ધોતિયાની પણ અડધી ટીકીટ કઢાવેલી હોય એમ, પોતડી જ પહેરેલી..! ભારતની આન, ભારતની શાન, અને ભારતના સન્માન માટે પોતડીનું સ્થાન  ઊંચું છે..! સિલાઈ વગરના ઘણા ધોતીયાએ અંગ્રેજોના ટાંકાવાળા પેન્ટના પટ્ટા છોડાવી નાંખેલા, એ કંઈ ભૂલી જવાની વાત થોડી છે?  ધોતિયું એટલે ૧૦૦ ટકા સમાજવાદી.! ઓઢવા, પાથરવા- ઢાંકવા ને લગનની પંગતમાં પાથરીને બેસવા કે ઘરના છોકરાઓ માટે મોહનથાળ બાંધીને લઇ જવા પણ કામ આવે..! ત્યારે બરમૂડા તો પાપડ-પાપડીને તડકે નાંખવા પણ કામ નહિ આવે..!
                 કહેવું તો ના જોઈએ પણ, શ્રીશ્રી ભગાને તો તમે ઓળખો જ છો ને..? ભગવાને એને ભરેલા ભીંડા જેવું ‘ટેસ્ટી’ ભેજું આપેલું. નવરો પડે ત્યારે જાહેરાતના પાટિયામાંથી પણ ઠળિયા કાઢે. એક દુકાને બોર્ડ લગાવેલું કે,’ ‘લગનનો તૈયાર સામાન મળશે..!’ બંદો ત્યાં જઈને કહે, ‘ તમારે ત્યાં લગન કરવા માટે સરસ કન્યા મળતી હોય તો બતાવો, મારે ઈન્સ્ટન્ટ લગન કરવા છે..! પેલો કહે, કન્યા તમારે ગોતવાની, અહી તો માત્ર લગનનો સામાન મળે.  દુકાનદારે લગનનો સામાન વેચવાનું બંધ કરીને, મરણનો સામાન વેચવાનું ચાલુ કર્યું, બહાર બોર્ડ મુકાવ્યું કે ‘મરણનો તૈયાર સામાન મળશે..!’  તો જઈને કહે, મારો સામાન બાંધી રાખજે, હું ગમે ત્યારે લેવા આવીશ..! કોઈપણ વાતમાં માથું નહિ મારે તો, જાણે કુંડળી બદલાય જાય..!  મગજનું રાયતું કરી નાંખે યાર..! મને કહે, ’રમેશિયા..! પુરુષના જેટલાં આભુષણો છે, તેને ચકાશો તો બધાં આભૂષણો નારી જાતિના છે, ને સ્ત્રીના બધાં આભૂષણો નર જાતિના છે. જેમ કે, ‘ટોપી કેવી, કફની કેવી, બંડી કેવી, જટા કેવી, દાઢી કેવી, મુછ કેવી, ઘડિયાળ કેવી, લાકડી કેવી, મોજડી કેવી, ચંપલ કેવી..!’ એ બધાં પુરુષના આભુષણ કહેવાય. અને સ્ત્રીના જોઈએ તો, ‘અંબોડો કેવો, ચોટલો કેવો, સેંથો કેવો, ચાંદલો કેવો, નેકલેશ કેવો, સાડલો કેવો, પાલવ કેવો, કબજો કેવો, ચણિયો કેવો, મેંદીનો રંગ કેવો, નખરો કેવો. લટકો કેવો, ને એનો ધાક પણ કેવો..? આ બધામાં નોંધારું પેલું ધોતિયું..! એના કપાળમાં કાંદા ફોડું. જેના ઉપર શરીરનો આખો મલાજો, એ જ નાન્યતર જાતિમાં..! છતાં ગમે તે કાળમાં પણ ધોતિયું નોંધપાત્ર રહ્યું છે.  શું એનો જમાનો હતો, ને શું એનો મલાજો હતો ..? અસ્સલ કોઈના પણ ઘરના છાપરે પથ્થર નાંખીએ તો, એક ધોતિયાવાળો સેમ્પલ બહાર નીકળતો..! આજે બરમૂડાવાળો નીકળે..! ગુજરાતીનું ધોતિયું જે દિશામાં ફરકતું, એ પ્રમાણે શેરબજાર ના ભાવ ‘ઊંચાનીચા’ થતાં. ધોતીવાલેકો કભી કમજોર મત સમજના..! ધોતિયું એટલે બાળોતિયાની વૃદ્ધાવસ્થા, ને બાળોતિયું એટલે બાલ્યાવસ્થા..! બાળોતિયામાં કોઈ પસંદગી આવતી નથી. પણ ધોતિયામાં તો 'branded choice' આવે..! એક વાત છે, ધોતિયાવાળા ચીવટ તો ખરા..! પોતે ભલે ઉડી જાય, પણ પોતાનું ધોતિયું ઉડી નહિ જાય, એની કાળજી ખાસ રાખતા..!  
-    લાસ્ટ ધ બોલ –

શ્રીશ્રી ભગાને એક દિવસ યમરાજનો ભેટો થઇ ગયો.

યમરાજે કહ્યું, ‘દોસ્ત..! તું ભગો હોય કે ભગવાન હોય, હું તને લેવા આવ્યો છું. ચાલ ઉપર આવવા તૈયાર થઇ જા..!
ભગો કહે ‘પણ હું તો તંદુરસ્ત છું..! મને તો નખમાં પણ રોગ નથી.  

યમરાજ કહે, ‘એ બધી વાત બરાબર..! પણ તું તારો મોબાઈલ લોક કર્યા વગર ઘરે ભૂલી આવ્યો છે. અને તારી ભગી મોબાઈલ ખોલીને તારા મેસેજ વાંચી રહી છે..!

ઓહહહ..! એમ વાત છે, તો અમળાવ તારા પાડાનું પુંછડું..! જીવવા જેવું હવે રહેશે જ નહિ. આપણે નીકળી જ જઈએ..!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- 

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 11 months ago