BAALKO MOL MAA MALTA HOT TO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૨૮

હાસ્ય લહરી - ૨૮

બાળકો મોલમાં મળતા  હોય તો..?

                      અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે.  એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ ઉપર દેડકીએ આસન ગ્રહણ કર્યું હોય તેવી થાય નહિ. બાકી ‘ફ્રેન્ચાઈસી’ માંગવાવાળા તો વાડકા લઈને ઘણા નીકળે..! આપી હોત તો, પ્લાસ્ટિકના હવાવાળા માણસ બનાવીને, ચંદ્ર ઉપર ચઢાઈ કરવા મોકલ્યા હોત..! લોકસભા ને રાજસભા વગર એકલા હાથે ભગવાન બધો કારભાર ચલાવે, પણ એક ભૂલ નહિ કરે. વર્ષોથી અબજો માણસ ઘડી કાઢ્યા હશે, પણ એક બીબું બીજા મોડલ માટે વાપરે નહિ. ને કોઈના ઉપર એમનું નામ નહિ કે, આ ધંધો મેં કર્યો છે..! એના કપાળમાં કાંદા ફોડું, જેવો માણસ પ્રગટે એવો એટલે ધીરે-ધીરે ચહેરો બદલવા માંડે..! નામ અને જાતીય પરિવર્તન કરી નાંખે તો ચહેરાની ક્યાં પત્તર ફાડવાની..? વાંહળી વગાડવા સિવાય રઘુનાથ  બીજું કરી પણ શું શકે..? તેથી જે કંઈ હવાલો એમની પાસે છે તે ઠીક છે. રૂદિયામાંથી પણ રામ વિલીન થયો હોત, ને ઘરમાં મંદિરીયાને બદલે ઉંદરડા પકડવાના પાંજરા આવ્યા હોત..! 

                                  ઘણા લોકોને છુટ્ટા મોંઢે  બોલતા સાંભળું કે, ‘બાળકો તો ભગવાનની માયા છે’ ત્યારે એ દિવસે હસવા માટે, મારે કોઈ ટુચકો શોધવાની જરૂર નહિ પડે. વઘારવા બગરના મગ જેવી એવી વાત કરે કે, એના ઘરે ઘોડિયું કે ઘોડિયા બાંધવાની ચિંતા પણ મારા રઘુનાથે કરવાની..! યાર...બ્રહ્મદેવતા  લગન કરી આપે, પારણું નહિ બાંધી આપે..!  અમુકને ત્યાં તો ભગવાનની માયાનો (બાળકોનો) સ્ટોક એટલો હોય કે, કોઈપણ પ્રકારની લાઈનમાં ઉભા રાખો, સ્ટોક ઘટે જ નહિ..! પછી એ રેશનની લાઈન હોય, ટીકીટબારીની લાઈન હોય, નોટબંધી કે રસીકરણની લાઈન હોય..! માયાજાળ વગર ઘરમાં રમકડાં આવતા નથી. ને દીકરીનું પારણું બંધાયા વગર ઘરમાં ઝાંઝરનો અવાજ રણકતો નથી..! પ્રભુની કેવી વ્યવસ્થા કે, બાળકો દરેકના ઘરે સીધાં જ ઘર બેઠાં જ પાર્સલ થાય..! બાળકો વસાવવા મોલમાં જવું પડતું નથી, એ પણ ભગવાનની જ માયા છે ને મામૂ..? આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની કે, કોઈપણ દુકાન કે મોલમાં ‘ચાઈલ્ડ શોપિંગ સેન્ટર’ ના પાટિયાં નહિ લાગે..! ધારો કે આવાં હલેળા ચાલુ થાય તો, દુકાનવાળાને તો હોલસેલ ગ્રહોની દશા બેસે..! ઘરવખરીનો માલ કાઢવામાં તો ઝભ્ભા જ ભિન્ના થાય, બાકી ‘ચાઈલ્ડ શોપિંગ સેન્ટર’ જેવું આવે તો ધોતિયાં પણ ભીના થઇ જાય. મોલમાં ગીત-સંગીતની જરૂર જ નહિ પડે, ટેણીયાઓના રડારોળથી જ મોલ ઉભરાય જાય..! 

                                  પેટ છૂટી વાત કરું તો, નવરો ધણી પાપડી છોલે એમ મને આજે  આ વિષય છેડીને ‘બાળ-ચિંતન’ કરવાની ખંજવાળ ઉપડી છે. આ તો એક તુક્કો આવ્યો કે, વિદેશીઓ ને માલેતુજારના હાથમાં જેમ કેટલુક જવા માંડ્યું, એમ મફતમાં ઘર-ઘર સપ્લાય થતાં, છોકરાઓની વ્યવસ્થા માટે ભગવાન જો હાથ ઊંચા કરી દે તો..? છોકરાઓ પણ મોલમાં વેચાતા થઇ જાય..! કાંદા-બટાકા-ચીઝ-બટરને બુસકોટની માફક બાળકો પણ મોલમાંથી ખરીદવાના હોય તો તો કલિયુગ જ આવે..? પેલી કહેવતનું તો પડીકું જ વળી જાય કે, ‘બાપ તેવાં બેટા ને વડ તેવા તેવાં ટેટા..!’  એને  બદલે ‘મોલ તેવા માણીગર  ને પાલક તેવાં કારીગર..!’ એવી કહેવત પ્રગટે..! આ તો ધારવાની એક વાત છે..! બાકી, જે દયાસાગર એક પણ અરજી કે ભલામણ-ઓળખાણ વગર પરણેલાના ઘરમાં મફત ઘોડિયાં બાંધી આપે, એવું કરે તો નહિ, પણ આ તો કળીયુગ છે બાપલા..! એવો કૃપાનિધાન કે, કોઈ વાતે ભેદ નહિ, કોઈ ભરમ નહિ, કે નહિ કોઈ ગરીબ તવંગરની ભેદરેખા..! આદ્ય કવિ નરસિંહ મહેતા કહે એમ,  ‘ જેહના ભાગ્યમાં જે સમે જે લખાણું, તેહને તે સમે તે જ પહોંચે..! સોનાનું ઘોડિયુંનો આસામી હોય, તેને ત્યાં બે-ત્રણ હૃદય અને મગજવાળું બાળક મોકલ્યું હોય એવું બન્યું નથી. એમનો સમાજવાદ આપણા જેવો નહિ, ઉંચોઓઓ..! એવું પણ બન્યું નથી કે, મ્યુંનીસીપાલીટી વાળા પાણીનો સ્ટોક ઓછો કરી નાંખે એમ ‘ચાઈલ્ડ પ્રોડક્શન’ ઓછું કર્યું હોય..! ખુદા દેતા હૈ તો, છપ્પર ફાડકે દેતા હૈ એમ, અમુકને ત્યાં તો નંગને બદલે હોલસેલ બાળકો પણ આપે.  કેરળનું મલ્લપૂરમ જીલ્લાનું ૨૦૦૦ ની વસ્તી ધરાવતું  ‘કોદીનહી’ ગામ, ૩૦૦ થી પણ વધારે જોડકાં બાળકોનો રેકર્ડ ધરાવે છે બોલ્લો..! સાલું એક પણ ઘર જોડિયાં બાળક વગરનું નહિ..! આ ગામ જોડિયાં બાળકોમાં વિશ્વમાં અવલ્લ નંબર ધરાવી ચુક્યું છે..! જેને ત્યાં સવાશેર માટીની ખોટ હોય, એને કેવી વેદના થતી હશે..?  

                            માની લો કે, બાળકો પણ મોલમાં વેચાતા થઇ ગયા, તો ગ્રાહક, માલ અને મોલવાળાને કેવી ફોડચી કરડે, એનું જરા વિશ્લેષણ કરીએ. પહેલાં તો ‘ચાઈલ્ડસેલ’ ક્યારે આવવાનું છે, એની પૂછપરછ અને બુકિંગ ચાલુ થઇ જાય..! ‘ચાઈલ્ડ’ નું કાઉન્ટર શોધવામાં વાર તો લાગે જ નહિ. રડારોળ ચાલતી હોય ત્યાં જ એનું કાઉન્ટર હોય, એમ સમજી જવાનું. વેચવા કાઢેલા બાળકો  પ્લાસ્ટિકના ઘોડિયામાં ઝૂલતા હોય, ક્યાં તો ઘૂઘરા ખખડાવતા હોય.  કોઈ રડતું હોય તો કોઈ ખીખીખીખી કરીને હસતું હોય. જેમ રડતો વર કોઈને ગમતો ના હોય, એમ રડતુંને જોઇને તો દુર જ ભાગે..! ને  જે હસતું હોય એ ઝાપટમાં આવી જાય. કદાચ તે એટલા માટે પણ હસતું હોય કે, આ મને ખરીદીને ભારોભાર પસ્તાવાની છે..! પણ તે પહેલા એની હાલત એવી કરી નાંખે કે, કાંદા-બટાકા ખરીદવા નીકળી હોય એમ, ખેંચી-ખેંચીને એના ગાલ લાલ કરી નાંખે. ફેરવી-ફેરવીને પાછી ચકાશે કે, તાજો છે કે વાસી..? ક્યાંકથી સડેલો તો નથી ને..?  આખેઆખો પીસ ઉબડો-ચત્તો કરીને એ પણ જોઈ લે કે, કંપનીએ આપેલી જાહેરાત મુજબનો જ છે કે પછી એમાં કોઈ ફ્રોડ છે..? બકરી ઇદનો બકરો ખરીદવા નીકળ્યા હોય એમ, બધી પરીક્ષા મોલમાં જ લેવા માંડે...! નાક,કાન, ગાલ, હાથ-પગ વગેરે એવાં ખેંચી-ખેંચીને જુએ કે, છોકરું બોલતું હોય તો એમ પણ કહી દે, ‘ તારી મા ને, ધીમે ખેંચ ને, તેં તો મારું બધું દુખતું કરી નાંખ્યું..!’ બધું ઓકે થાય, પછી ભાવ પૂછે. ભાવ વ્યાજબો લાગે તો તો ઠીક છે. નહિ તો એમ કહીને ચાલતી પકડે કે, બાબો તો પસંદ છે, પણ એના બાપા સાથે મેચિંગ થતો નથી. એના કપાળમાં કાંદા ફોડું..! 

                         આ તો બધી હસવા હસાવવાની વાત છે .! આવું બધું થતું નથી, પણ આ તો એક ગમ્મત..! સારું છે કે, ભગવાન ‘હોમ-ડીલવરી’ કરે છે, જે આવે તે ખપે, ની માફક મેચીંગની ઝંઝટ આવતી જ નથી. સત્યનારાયણ ભગવાનના પ્રસાદની માફક, જે પ્રસાદ આવે તે શ્રદ્ધાથી ઝાપટી લેવાનો..! પછી તો જેવાં જેના નસીબ. કોઈ  બાબો પાવરફુલ પણ હોય, ને કોઈને ત્યાં ડીમલાઈટવાળો પણ પ્રગટ થાય..! ચલાવીએ જ છીએ ને..?  

              

                                             

-----------------------------------------------------------------------------------------------------------------------------