Ajukt - 5 books and stories free download online pdf in Gujarati

અજુક્ત (ભાગ ૫)

એમણે ગાડીનું પાછળનું બારણું ખોલી એમાં બધા રમકડાં મૂકી દીધા. આગળનું બારણું ખોલી મને અંદર બેસવા કહ્યું. હું અંદર બેઠી અને તેમણે બારણું બધ કર્યું. પોતે ડ્રાઈવર સીટ પર બેઠા. ગાડી રસ્તા પર ચાલવા લાગી. મેં રોડ પરથી નાની મોટી ઘણી ગાડીઓ જોઈ હતી પણ પહેલીવાર હું કોઈ ગાડીમાં બેઠી હતી. મારી ખુશી સમાતી ન હતી. રસ્તામાં એક કપડાની દુકાનમાંથી એમણે મને કપડાં અપાવ્યાં. રસ્તામાંથી એક પીઝાની દુકાનમાંથી પીઝા લીધો. ગાડી એક બંગલા આગળ આવી રોકાઈ. અમે બંગલામાં દાખલ થયા. મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલો મોટો બંગલો અંદરથી જોયો હતો. હું ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેણે આમ અચાનક મારું નસીબ બદલી નાખ્યું. મારા પપ્પાના રૂપમાં પોતે સાક્ષાત આવ્યા હોય એવું લાગી રહ્યું હતું.


ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. મારા પપ્પા મારો સારી રીતે ખ્યાલ રાખતા હતા. મારી બધી જરૂરિયાતો પૂરી કરતાં. અમે બંને એકલા જ આટલા મોટા ઘરમાં રહેતા હતા. અમારા ઘરમાં સંગીતના મોટાભાગના તમામ ઈન્સટ્રુમેન્ટ હતા. મારા પપ્પા સંગીતકાર હતા. તે ઘણીવાર કોન્સર્ટ માટે બહાર જતા, ત્યારે મને એવું લાગતું જાણે આખું ઘર મને ખાવા દોડે છે.


મને મારી જન્મ તારીખ ખબર ન હતી, પણ ૧૨ મે ના દિવસે દરવર્ષે તેઓ મારી બર્થડે ઉજવતા, કારણ કે એ દિવસે હું એમને મળી હતી. ગઈસાલ મારો ૧૮મો બર્થડે એમણે બહુ જ ધૂમધામથી ઉજવ્યો હતો. ઘરમાં પાર્ટી હતી. એમણે એમના ઘણા મિત્રોને પણ બોલાવ્યા હતા. એ રાત્રે બધાએ બહુ જ મજ્જા કરી. મેં પણ.


એક દિવસ હું સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરીને બહાર નીકળતી હતી, ત્યારે મેં એક છોકરાને જોયો. અમારી બંનેની નજર એક થઈ. એ મારી સામે હસ્યો. મેં પણ સ્માઈલ આપી. એણે આંખનો પલકારો માર્યો. મારાથી જોરથી હસી પડાયું. મને એ પહેલી નજરે જ ગમી ગયો હતો.


અમારી પહેલી મુલાકાત પછી અમારો મળવાનો દોર ચાલુ થયો. એ મારા કરતાં બે વર્ષ નાનો હતો. હું ૧૮ની હતી અને એ ૧૬ વર્ષનો જ હતો. એનું નામ કરન. જીયાએ કરનની સામે જોયું. પણ પ્રેમને ક્યાં ઉંમર નડે છે. અમે દરિયાકિનારે, મોલમાં, ફિલ્મો જોવામાં અને ફરવામાં અમારો સમય પસાર કરવા લાગ્યા. હું બહુ ખુશ હતી. હું એને જયારે જયારે મળતી ત્યારે મારા આખું શરીર ઉમંગથી ભરાઈ જતું. એ મારો ખ્યાલ પણ એવી રીતે રાખતો, કે હું દુનિયાની પરવા કરવાનું ભૂલી જતી.


અમે એક દિવસ તાજ હોટેલની સામે ફરતાં હતા. કરન મારી સામે જોઈ એકીટશે રહ્યો હતો.


મેં એની સામે જોયું અને પૂછ્યું, “શું જુએ છે?”


એણે કહ્યું, “તને.” એના અવાજમાં અનહદ પ્રેમ વરતાતો હતો, છતાં મને ડર લાગ્યો.


એને કહ્યું, “એક વાત પૂછું. સાચું સાચું કહીશ?” એના અવાજમાં આવેલો બદલાવ મારાથી છૂપો ન રહ્યો.


મેં ડરતાં ડરતાં પૂછ્યું, “શું?”


એણે કહ્યું, “તું ખુશ દેખાવાનો પ્રયત્ન કરે છે, પણ ખરેખર અંદરથી ખુશ નથી. મને તારી આંખોમાં તું મારાથી કઈંક છુપાવી રહી હોય એમ લાગે છે?”


મેં વાત ટાળતા કહ્યું, “શું? કંઈ નથી. બધા પ્રેમીઓને લાગે છે કે એમનો સાથી દુઃખી છે. પણ એવું કંઈ નથી.”


એ મારી સામે ધારીને જોઈ રહ્યો હતો. મેં નજર ફેરવી લીધી. મને ડર લાગ્યો કે આજે મારી હું પકડાઈ જઈશ. મેં વાત બદલવાનો બહુ પ્રયાસ કર્યો, પણ એ પોતાની વાત પર અડગ રહ્યો.


એણે મારો હાથ એના માથે મૂકી કહ્યું, “જો ના કહે તો તને મારા સમ.”


હું ભાંગી પડી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે મને બાથમાં ભરી લીધી. મારાથી આંસુ રોકવા મુશ્કેલ બન્યા ને હું ચોધાર આંસુએ રડી પડી.


મેં કહ્યું, “તું સાચું કહે છે, હું જેને મારું નસીબ સમજતી હતી એ મારું કનસીબ બનશે એની મને ખબર ન હતી.”


એણે અને પાણી આપ્યું. મેં આંસુ લુછી પાણી પીધું. હું શાંત થઇ એટલે એણે પૂછ્યું, “શું થયું છે?”


મેં કહેવાનું ચાલુ કર્યું, “કરન, તું મળ્યો પછી મેં ખરા અર્થમાં જીન્દગી માણી. તારી સાથે જેટલો સમય હોઉં છું ત્યારે મને મારા દુઃખનો પણ અહેસાસ નથી થતો. હું તને પહેલાં બધું કહી દેવાની હતી. ઘણીવાર કોશિશ પણ કરી પણ તારો મારા પ્રત્યેનો પ્રેમ જોઈ હું ડરી જતી કે કદાચ તું મારી વાત સંભાળીને મને છોડી દઈશ તો. હું તારાથી દૂર નહોતી થવા માંગતી. મારે તારી સાથે આ બધાથી દૂર જતા રહેવું છે.”


મારી આંખમાં ફરી આંસુ આવી ગયા. મારા આંસુનો જાણે કે એને ચેપ લાગ્યો હોય એમ એની આંખો પણ ભીની થઇ ગઈ. મેં એની સામે જોયું. વાત આગળ ચલાવી. હું મારા પપ્પા સાથે અમારા ઘરમાં આવી એ દિવસે મને એવું લાગ્યું કે ભગવાન ખરેખર છે. રસ્તા પર રખડતી હતી ત્યારે મને ભગવાનમાં ભરોસો ન હતો. હું પપ્પામાંથી ડેડ બોલતા શીખી. એમણે મારી બધી જરૂરિયાતો પૂરી કરી. એમણે મને ઘણું બધું શીખવ્યું. એ મને બહુ પ્રેમ કરે છે.


મારા ૧૮માં જન્મદિવસની રાત્રે પાર્ટી પૂરી થઇ પછી મોટાભાગના મહેમાનો ચાલ્યા ગયા હતા. હું મારા રૂમમાં આવી ગઈ. મારા ડેડ અને એમના ખાસ દોસ્તો હજી ડ્રીંક કરી રહ્યા હતા. એમના વાતોના અવાજો મને સંભળાઈ રહ્યા હતા. હું મોબાઈલ જોતા જોતા ક્યારે સુઈ ગઈ ખબર જ ન પડી.


અચાનક ઊંઘમાં મારા શરીર પર કોઈનો હાથ ફરી રહ્યો હોય એમ લાગ્યું. હું ઝબકીને જાગી. અંધારામાં કોઈ મારા શરીરને પડકી મારા ઉપર ઝૂકવાની કોશિશ કરી રહ્યું હતું. મને શરાબની દુર્ગંધ આવી. મેં ધક્કો મારી પેલા અજાણ્યા શક્ષ્સને દૂર કર્યો અને લાઈટની સ્વીચ પાડી. મારી સામે ઊભેલા શક્ષ્સને જોઈને મારા શરીરમાં કંપારી છૂટી ગઈ.


મારા મોંમાંથી નીકળી ગયું, “ડેડ, તમે.”


મારા ડેડ નશામાં હતા. એમણે મને કહ્યું, “સોરી, ડાર્લિંગ.” એ મને ઘણીવાર પ્રેમથી ડાર્લિંગ કહેતા એટલે મારા માટે એ નવું ન હતું.


મેં કહ્યું, “ડેડ તમે ભૂલથી મારા રૂમમાં આવી ગયા છો.”


એ હસ્યા. મારી સામે જોઈ રહ્યા અને બોલ્યા, “ભૂલથી નથી આવ્યો.”


મેં કહ્યું, “તો.”


એમણે લથડતા અવાજે કહ્યું, “મારું ઘર છે. હું ગમે ત્યાં આવું.”


મેં એમની પાસે જઈને કહ્યું, “ હા, એતો છે જ. પણ અત્યારે મોડી રાત થઇ ગઈ છે. સુઈ જાવ.”


એમણે મને પકડીને કહ્યું, “સુવા જ તો આવ્યો છું. તારી સાથે.” એ હસ્યા.


પહેલીવાર મને એમનું હસવું ખટક્યું. મને ડર લાગ્યો.


એમણે વાત આગળ વધારી, “આજના દિવસની હું બે વર્ષથી રાહ જોઉં છું. તારા અઢાર વર્ષની થવાની રાહ.”


એમણે બંને હાથે પકડી પોતાની તરફ ખેંચી. મારું આખું શરીર થરથરવા માંડ્યું. મારા માટે આ અકલ્પનીય ઘટના હતી. શું થઇ રહ્યું છે એ હું સમજી શકું એ પહેલાં એમણે મને પલંગ પર નાંખી ને એ મારી ઉપર આવ્યા. મેં બુમ પાડવાની કોશિશ કરી પણ વ્યર્થ. એમણે મારા મોં પર જોરથી હાથ ડાબી દીધો અને કહ્યું, “જો બુમો પાડીશ તો પણ આ બંગલાની બહાર નહીં જાય.” એમના ભારથી મારું આખું શરીર તૂટી રહ્યું હતું. મારી બધી કોશિશો નિષ્ફળ રહી અને હું જેને ભગવાન સમજી એ શેતાને મારા શરીરને તોડી નાખ્યું. હું કણસતી હતી પણ એને કોઈ પરવાહ ન હતી.


હવસ ઠંડી પડી એટલે એ ઉભો થયો અને મને ચેતવણી આપતાં કહતો ગયો કે જો હું બહાર કોઈને આ વાત કરી તો એ મને ફરી રસ્તે રખડતી કરી દેશે. હું આખી રાત કણસતી રહી. પછી તો આ વારંવાર થવા લાગ્યું.


એક દિવસ હું તને મળી. તારો પ્રેમ મને જીવવાની નવી હિંમત આપતો હતો એટલે હું એ બધું ભૂલી જતી. કરનની આંખોમાં ગુસ્સો તગતગી રહ્યો હતો. એનો ચેહરો લાલઘુમ થઇ ગયો, એ બોલ્યો, “હું એને ખતમ કરી નાંખીશ.”


હું ડરી ગઈ. મેં કહ્યું, “એટલે જ હું તને ન હતી કહેતી.”


એને ગુસ્સામાં હતો એટલે મને ડર લાગતો હતો કે જો એ કંઇક આડુંઅવળું પગલું ભરશે તો હું એને ગુમાવી દઈશ.” વારંવાર મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એ એક વાત જ બોલ્યે જતો હતો કે હું એને ખતમ કરી નાંખીશ. મેં એને મારી કસમ આપી તો પણ એ માનવા તૈયાર ન હતો. મને ખબર હતી કે આ તેનો મારા પ્રત્યેનો પ્રેમ છે, પણ કોઈનું ખૂન કરવાનું હું સ્વપ્ને પણ વિચારી શકતી ન હતી.


મેં એને સાંત્વના આપતા કહ્યું, “ઠીક છે મારી નાખીશું, પણ પ્લાનીંગ વગર કંઈ કરીશું તો આપણે ફસાઈ જઈશું.” અને જુઓ આજે અમે અહીં છીએ. પ્લાનીંગ કર્યું તો પણ.


મિશ્રા વાત અટકાવતા કહ્યું, “પછી.”


મેં કહેતા તો કહી નાખ્યું પણ અમે જયારે પણ મળતા ત્યારે એક જ વાત રટ્યા કરતો કે હું એને ખતમ કરી નાંખીશ. આવા શેતાનને જીવવાનો કોઈ હક્ક નથી. હું પણ મારા ડેડની રોજની આ હરકતથી ત્રાસી ચુકી હતી. મારાથી હવે સહન નહતું થતું. છેવટે અમે મારા ડેડને મારી નાખવાનું નક્કી કર્યું. ૧૨ તારીખ નક્કી કરી.


પણ ૧૨ તારીખે એ ઘરે જ ન આવ્યા અને અમારી યોજનાને ત્રણ દિવસ પછી ૧૫ તારીખે અંજામ આપવાનું નક્કી કર્યું.


૧૫ તારીખે હું અને કરન મારા ઘરે હતા. મારા ડેડ ઘરમાં દાખલ થયા. કરન એમને જોઇને ભડક્યો. મારા ડેડે પણ એને જોયો એટલે એમને પણ ગુસ્સો આવ્યો.


કરને એમની તરફ આગળ વધતાં રાડ પાડી, “તું તો બાપ છે કે રાક્ષસ?” એ કંઇક કરે એ પહેલાં મારા ડેડે એને ધક્કો માર્યો. એ ગબડી પડ્યો. મારા ડેડે બાજુમાં પડેલું ગીટાર ઉઠાવ્યું અને કરન તરફ આગળ વધ્યા. એ કરનને મારે એ પહેલાં મેં રોડ ઉઠાવી એમના માથામાં માર્યો. એમના હાથમાંથી ગીટાર પડી ગયું અને એ પણ માથું પકડીને બેસી ગયા. મેં ઉપરાઉપરી એમના માથામાં એક પછી એક સાત ફટકા માર્યા. મારા ડેડ ત્યાં ફસડાઈ પડયા. પણ હજી એમના શ્વાસ ચાલુ હતા. અમને ડર હતો કે જો એ જીવતા રહી જશે તો અમારે મરવું પડશે. હવે જો અમે પાછા પડીએ તો અમારે માટે મુસીબત ઊભી થઈ શકે એમ હતી. હું રસોડામાંથી વંદા મારવાનો સ્પ્રે લઈ આવી અને તેમના મોંમાં લગાવી આખો ખાલી કરી દીધો. આટલું કર્યા છતાં એમના શ્વાસ ચાલતાં હતા.


કરને મારી સામે જોયું અને કહ્યું, “ જો આ બચી જશે તો આપણું બચવું ભારે થઇ જશે.” એની વાત સાચી હતી. એણે ઉમેર્યું, “ચલ આને બાથરૂમમાં લઈ જઈએ.” મેં પ્રશ્નાર્થ નજરે કરનની સામે જોયું. એ મારા સવાલને સમજી ગયો હતો એટલે એણે મને કહ્યું, “છરી કે ચપ્પુથી જ આને મારવો પડશે. બાથરૂમમાં લઈ જઈએ એટલે લોહી સાફ ન કરવું પડે.”


અમે બંને મારા ડેડને ઘસડીને બાથરૂમમાં લઈ ગયા. પછી અમે બંને રસોડામાં ગયા અને બે ચપ્પા શોધ્યા. અમે એ ચપ્પા લઈને બાથરૂમમાં ગયા. હજી મારા ડેડ બેહોશ હતા. કરને ચપ્પુના ઘા મારવાના શરૂ કર્યા. મેં પણ એનો સાથ આપ્યો. થોડીવારમાં તરફડીને શ્વાસ છોડી દીધો. કરને ચેક કર્યું કે શ્વાસ ચાલુ છે કે બંધ. એને ખાતરી થઇ એટલે એટલે એણે મને ઈશારોથી કહ્યું કે એ મરી ગયો છે. મારા હાથમાંથી ચપ્પુ પડી ગયું અને હું ત્યાંજ ફસડાઈ પડી. મારા મોંમાંથી ડુસકા શરૂ થઇ ગયા. કરને મારી પાસે આવી મને જકડી લીધી. મને ઉભી કરીને બહાર સોફા પર લઈ આવ્યો.


એણે મને કહ્યું કે હવે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી, એ મારી સાથે જ રહેશે. ખાસ્સીવાર સુધી અમે એમ જ ગુમસુમ બેસી રહ્યા. કરન ઉભો થયો અને રસોડામાંથી પાણી લાવી મને આપ્યું. અમે બંનેએ પાણી પીધું એટલે થોડીક રાહત થઇ. મને કશું સુજતુ ન હતું કે શું કરવું. મેં કરનની સામે જોયું એ પણ ગુમસુમ હતો.


મેં ધીમેથી કરનને પૂછ્યું, “હવે?”


કરને કહ્યું, “આપણે લાશને ઠેકાણે કરવી પડશે.”


મેં પૂછ્યું, “કેવી રીતે?” હું એકદમ ડરી ગઈ હતી. શબ્દો પણ મોંમાંથી માંડ માંડ નીકળતા હતા.


એણે મને આખી યોજના જણાવી. મને પણ યોગ્ય લાગ્યું. અમે ત્યાં જ સોફા પર બેઠા બેઠા સુઈ ગયા અને સવાર પડી ગઈ એની ખબર પણ પડી નહીં.


સવારે ઉઠીને મેં ઈન્ટરનેટ પર લાશને ઠેકાણે લાગવવાના માટેના આઈડિયા જોયા. અમે બજાર ગયા. બજારમાંથી મોટી મોટી પોલીથીન બેગ ખરીદી અને ત્રણ સુટકેસ ખરીદી ઘરે પાછા આવ્યા. બહારથી અમે નાસ્તો લાવ્યા હતા એ ખાધો. પછી યોજના પ્રમાણે કામ શરૂ કર્યું.


હું રસોડામાંથી પેલા બંને ચપ્પુ લઈ આવી. અમે બાથરૂમમાં ગયા. બાથરૂમમાં લોહીનું ખાબોચિયું જોઇને મને ચક્કર આવી ગયા. કરન મને પકડીને બહાર લઈ આવ્યો. એણે મને ત્યાં જ બેસવા કહ્યું અને એ પાછો બાથરૂમમાં ગયો. પાંચેક મીનીટમાં જ એ પાછો આવ્યો. એના ચેહરા પર પરસેવો હતો.


મેં પૂછ્યું, “શું થયું?”


એણે પરસેવો લૂછતાં કહ્યું, “આપણે ફરી બજારમાં જવું પડશે.”


મેં આશ્ચર્યથી એની સામે જોઇને પૂછ્યું, “શું થયું?” અમે એટલા ધીમા અવાજે વાત કરતાં હતા કે અમારા સિવાય કોઈ સાંભળી ન શકે.


એણે સ્પષ્ટતા કરતાં કહ્યું, “આ ચપ્પુથી શરીરના ટુકડા નથી થતા?”


ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં હાજર બધા સ્તબ્ધ થઈને આ જીયાની વાત સાંભળી રહ્યા હતા. તેમને સમજાતું ના હતું કે આખી ઘટનાને કેવી રીતે જોવી. થોડીવાર આખા ઓરડામાં શાંતિ છવાયેલી રહી.


મિશ્રાએ શાંતિ ભંગ કરતાં સવાલ કર્યો, “પછી.”


જીયાએ વાત આગળ વધારતા કહ્યું, “અમે બજારમાંથી મોટા ધારદાર મટન કાપવાના છરા લઈ આવ્યા. કરને એના એક દોસ્ત સીરાજને બોલાવ્યો હતો. તે પણ અમારી સાથે ઘરે આવ્યો. લાશને કાપવાની કોશિશ કરી પણ ટુકડા થતા ન હતા એટલે છરાને ગરમ કરીને કરીને લાશના છ ટુકડા કર્યા. એમાંથી લોહી જામી જાય એ માટે એને બાથરૂમમાં એક દિવસ માટે છોડી દીધા. બીજે દિવસે અમે બેગો અને પોલીથીન લઈને બાથરૂમમાં ગયા. પાણી નાખીને લોહી સાફ કર્યું. હજી પણ એક હાથના અને પગના ટુકડામાંથી લોહી જમતું હતું. હું મારા ડેડના રૂમમાંથી એક પેન્ટ શર્ટ અને સ્વેટર લઈ આવી. ધડ એક પોલીથીનમાં પેક કરી બેગમાં મૂકી બેગને તાળું મારી દીધું. એક હાથ અને પગનો ટુકડો અલગ અલગ પોલીથીનમાં ભરી બેગમાં પેક કરી તાળું માર્યું. અને જે હાથ અને પગમાંથી લોહી જમતું હતું તેમને શર્ટ અને પેન્ટમાં પેક કરી બેગમાં મુક્યું. તેના પર સ્વેટર ગોઠવી બેગ બંધ કરી. ત્રણેય બેગો રીક્ષામાં લઈને સમી સાંજે અમે ત્રણેય જણાએ એ બેગોને મીઠી નદીમાં નાંખી દીધી. ઘરે આવી નાહીને, જમીને અમે સુઈ ગયા અને બીજે દિવસે સવારે વહેલા કરન અને સિરાજ એમના ઘરે જતા રહ્યા. હું દસેક વાગ્યે ઘરને તાળું મારીને મારા ફ્રેન્ડ્સને ત્યાં રહેવા જતી રહી.


મિશ્રાએ ઊંડો શ્વાસ લઈને છોડ્યો. તેમનું મગજ બહેર મારી ગયું હતું. ચા મંગાવી. બધાએ ચા લીધી. કરન અને જીયાને પણ આપી.


ચા પીતાપીતા મિશ્રા બોલ્યા, “આ બેગોમાંથી એક બેગ મીઠી નદીમાંથી દરિયામાં આવી ગઈ અને દરિયાએ કિનારે છોડી દીધી.”


થોડીવાર શાંતિ છવાયેલી રહી. મિશ્રાએ શાંતિને ચીરતો સવાલ કર્યો, “આટલું સાહસ કરતાં ડર ન લાગ્યો?”


બધા કરન અને જીયાની સામે જોઈ રહ્યા હતા. એમના જવાબની રાહ જોઈ રહ્યા હતા. જીયાએ કરનની સામે જોયું. કરને પણ જીયાની સામે જોયું. એ બંને એકબીજાની આંખોથી એકબીજાના હૃદયની વાત સમજી રહ્યા હતા.