DNA. - 12 books and stories free download online pdf in Gujarati

ડીએનએ (ભાગ ૧૨)

રેશ્માએ શ્રેયાને માહિતી આપી કે અમે ગુજરાત વિદ્યાપીઠની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા. એક સફેદ ટેમ્પો ગાડી કેમેરામાં દેખાય છે. પણ તેની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નથી. એ ગાડી જુદાજુદા ચાર કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ ડોગ જ્યાં આવીને ઊભી થઈ ગઈ હતી એ રસ્તો આગળ મુખ્ય રસ્તાને મળતો હતો. એ રસ્તો જે રસ્તાને મળતો હતો તે રસ્તાને અડીને અન્ડર ગ્રાઉન્ડ પુલ હતો.


ગાડી એ પુલના છેડે રહેલી એક દવાની દુકાનની બહાર લગાડેલા સીસીટીવી કેમેરામાં આશ્રમ રોડ તરફ જતી દેખાતી હતી. પણ આશ્રમ રોડ પાસેના મોટાભાગના બધા કેમેરામાં એ સમયની ફૂટેજમાં એ ગાડી દેખાતી ન હતી. એટલે પોલીસને ખાતરી થઈ ગઈ કે ગાડી આશ્રમ રોડ તરફ ગઈ નથી. એક રસ્તો નારણપુરા તરફ જતો હતો તેના સીસીટીવી કેમેરામાં પણ ગાડી દેખાતી ન હતી. ત્યારબાદ પોલીસે પુલના છેડે આવેલી દુકાનના કેમેરામાં ગાડી જોઈ.


એક પછી એક સીસીટીવી કેમેરા જોતા જોતા પોલીસ આગળ વધતી ગઈ. એ ગાડી રાણીપ તરફ ગઈ હતી. આગળ જતા પોલીસને સીસીટીવી કેમેરા ન મળ્યા અને એ ગાડી પોલીસના હાથમાંથી જતી રહી.


મીડિયાને ખબર ચલાવવા માટે ફક્ત ઘટનાની જરૂર હોય છે. મૃત શરીર જોઇને જેમ ગીધ ઉમટી પડે તેમ મીડિયા કોઈ ઘટના જોઇને ઉમટી પડે છે. તેમના માટે ટીઆરપી વધે એમાં જ રસ હોય છે. લાગણી સાથે તેમને કોઈ નિસ્બત નથી હોતો. જેમ લાગણી એ અન્યો માટે સંવેદના છે તેમ મીડિયા માટે લાગણી એ વેપાર છે. તેઓ ઘણીવાર તો એ પણ ભૂલી જાય છે કે પોતે જે બતાવે છે એ હકીકત પણ છે કે નહીં. તેનાથી સમાજ પર કેવી અસર થશે. જેના વિશે ખબર ચલાવી રહ્યા છે તેનાથી તે માણસોની સંવેદનાઓને ઠેસ પહોંચી શકે છે એ પણ મીડિયા ભૂલી જાય છે. સમાચારને રસપ્રદ બનાવવાની ફિરાકમાં એવું જુઠ્ઠાણું ફેલાવે છે કે જેને હકીકત સાથે કશો સંબંધ હોતો નથી.


એકની એક વાત જુદી જુદી રીતે વારંવાર બતાવવામાં આવે તો ખોટું પણ સાચું લાગવા લાગે છે. મીડીયાએ નિરામયભાઈ જેવા સજ્જન માણસને પણ છોડ્યા નહિ અને પોતાના વેપાર માટે આખા પરિવારને એટલો માનસિક ત્રાસ આપ્યો કે જોશી પરિવારે ઘરની બહાર નીકળવાનું છોડી દીધું.


બે અઠવાડિયા ઉપર સમય થઈ ગયો હતો મૈત્રીને ગુમ થયાને, પણ હજી સુધી પોલીસને કોઈ પુરાવા કે કડી મળી ન હતી કે જેનાથી ખબર પડે કે મૈત્રી ખરેખર ગઈ ક્યાં? જયારે બીજીબાજુ અવનવા સવાલો સાથે જુદીજુદી ચેનલોના રિપોર્ટરો મૈત્રી વિશે જાણવા દરરોજ નિરામયભાઈ પાસે આવી જતા હતા. આડોશીપાડોશીઓમાંથી અમુક માટે આ આખો પ્રસંગ પંચાત માટેનો મુદ્દો હતો.


રફતાર સમાચારનો એક રિપોર્ટર ક્યાંકથી એવી ખબર લઈ આવ્યો હતો કે નિરામયભાઈએ એમની કોલેજના કેટલાક ડ્રગ્સના રવાડે ચડેલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને કદાચ આ ડ્રગ્સના ગીરોના કોઈ માફિયાએ નિરામયભાઈ સાથે બદલો લેવા મૈત્રીને ગુમ કરી છે.


વારંવાર આ ખબર દરેક ચેનલો ચલાવી રહી હતી. પણ હકીકત તો એવી હતી કે નિરામયભાઈએ ફક્ત ડ્રગ્સનું સેવન કરનારા અમુક વિધ્યાર્થીઓને ડ્રગ્સ છોડવા માટે સમજાવ્યા હતા. એનાથી વિશેષ કંઈ જ બન્યું ન હતું અને વિદ્યાર્થીઓ પણ નિરામયભાઈની વાત માની ગયા હતા. વાત આટલે જ પતી ગઈ હતી.


કમિશ્નર દેસાઈએ શ્રેયાને તેમની ઓફિસમાં મળવા બોલાવી હતી. કમિશ્નર અને શ્રેયા સામસામે ટેબલ પર બેઠા હતા. કમિશ્નરની પાછળની દીવાલ પર ત્રણ સિંહોની મુખાકૃતિવાળો અશોકનો શિલાલેખ લગાડેલો હતો. ટેબલ એકદમ સાફ અને દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ મુકેલી હતી. એસીની ઠંડક શરીરને ગરમીથી રાહત આપી રહી હતી.


કમિશ્નરે શ્રેયાને પૂછ્યું, “મૈત્રી જોશી કેસમાં શું પ્રોગ્રેસ છે? કોઈ કડી મળી?”


શ્રેયાએ જવાબ આપતા કહ્યું, “સર, અમે એક તારીક નામના વ્યક્તિને પકડ્યો હતો. એની પૂછપરછ પણ કરી. ઇન્સ્પેકટર મનોજને તારીકના ઘરની તપાસ કરતાં એક ચાદર મળી હતી અને તેને ફોરેન્સિકમાં મોકલી હતી. પણ તેના પરથી મળેલો ડીએનએ તારીકનો પોતાનો જ હતો. એણે કહ્યું કે શાકભાજી સમારતાં એને ચપ્પુ વાગ્યું હતું. અમે તપાસ કરી તો એ સાચું બોલતો હતો.”


કમિશ્નરે પૂછ્યું, “અને તેનું રેકોર્ડીંગ મળ્યું હતું તેનું શું હતું?”


શ્રેયાએ કહ્યું, “સર એમાં આખી ઘટના જ જુદી હતી. એ જે જગ્યાએ રહે છે ત્યાં કોઈની સાથે એને ઝગડો થયો હતો અને ત્યાં કોઈએ એની પર આરોપ લગાડ્યો હતો કે તેની નવ વર્ષની છોકરીને તારીકે મારી છે. એટલે એ તારીક એની ઝૂપડપટ્ટીમાં રહેતા તેના મિત્રને ફોન પર કહેતો હતો કે ખુદા મને માફ કરે, મેં એ છોકરીને નથી મારી.”


કમિશ્નરે પોતાના હાથમાં રહેલી પેન રમાડતા પૂછ્યું, “પેલા ટેમ્પો વિષે કંઈ જાણકારી મળી?”


શ્રેયાએ કહ્યું, “સર, એ ગાડી રાણીપ તરફ ગઈ હતી, પણ રાણીપના પેલા છેડે કોઈ સીસીટીવી કેમેરા હતા નહીં, એટલે ત્યાંથી આગળની ફૂટેજ મળી નથી. અમે ગાડીના ફોટા લોકોને બતાવી જોયા પણ કોઈને તેના વિશે ખબર નથી. અમારી તપાસ ચાલુ છે. મારી ટીમ તેની પાછળ લાગેલી છે. કંઈ પણ અપડેટ મળશે એટલે હું તમને રીપોર્ટ આપીશ.”


કમિશ્નરે ગંભીર થતાં કહ્યું, “શ્રેયા મને તારા પર ભરોસો છે એટલે તને કેસ સોંપ્યો છે. આગળ તેં ઘણા પેચીદા કેસ ઉકેલ્યા છે. સુરતમાં તેં દારૂના બુટલેગરોને ઠેકાણે લગાવી દીધા હતા. તો પછી આ તો મામુલી કેસ છે.”


શ્રેયાએ સ્મિત આપતા કહ્યું, “સર બુટલેગરો પ્રત્યક્ષ હતા, પણ સર અહીં તો કોઈ કડી જ મળતી નથી. ના તો કોઈ કિડનેપરનો ફોન, ના તો કોઈ બોયફ્રેન્ડ. એને કે એના પરિવારને કોઈની સાથે ઝઘડો નથી. અને હજી...”


કમિશ્નરે શ્રેયાની સામે પ્રશ્નાર્થભાવે જોયું અને અધુરી વાત જોડી, “લાશ નથી મળી”


શ્રેયાએ કહ્યું, “હું પણ એક દીકરીની માં છું. ભલે પોલીસમાં છું છતાંય કોઈ છોકરીની લાશ વિશેની કલ્પના પણ ડરાવી મુકે છે.”


કમિશ્નરે વાત ટૂંકાવતા કહ્યું, “હું સમજી શકું છું. શ્રેયા એવું નથી કે અમે પુરુષો પોલીસમાં હોઈએ એટલે લાગણીહીન હોઈએ છીએ. પણ આ આપણું રોજનું કામ છે અને આપણે તેનો સામનો તો કરવો જ પડે.”


શ્રેયાએ ફક્ત “હા સર” કહ્યું અને જવા માટે રજા લીધી.


થોડી થોડી વારે કૂતરાનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. દૂર કોઈ મંદિરમાં ભજનનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. શ્રેયાના રસોડામાં નાનો વીજળીનો બલ્બ આછો પ્રકાશ પાથરી રહ્યો હતો. ટીવી પર ન્યૂઝનો અવાજ સંભળાઈ રહ્યો હતો. શ્રેયા સોફામાં બેઠા બેઠા ટીવી પર ન્યુઝ જોઈ રહી હતી. રુચિ તેના ખોળામાં સુઈ ગઈ હતી.


ટીવી પર એન્કરનો અવાજ આવ્યો, “હું અત્યારે છું નીરામયભાઈ જોશી અને તેમના પરીવાર સાથે. નિરામયભાઈ મૈત્રી જોશીના પિતા છે. અને આપને જણાવી દઉં કે મૈત્રી જોશી એટલે એ છોકરી કે જે તારીખ ૨૨ જુલાઈના રોજ ઘરેથી તેની સ્વીમીંગ પ્રક્ટિસ મારે ગુજરાત વિદ્યાપીઠ જવા નીકળી, પણ પાછી ઘરે પરત ન આવી. અને આજ દિન સુધી તેના કોઈ ખબર મળ્યા નથી. શ્રેયાએ રુચિ સામે જોયું.


ખેર એ બધી તો આપને ખબર જ છે, પણ આજે હું અહીં આવ્યો છું કારણકે નિરામયભાઈ આમારા માધ્યમથી શહેરના નાગરિકોને એક અપીલ કરવા માંગે છે. તો સમય ન બગાડતા તેઓ શું કહેવા માંગે છે તે જાણીએ.


એન્કરે માઈક નિરામયભાઈ આગળ મુક્યું. નિરામયભાઈના ઘરના સોફામાં નિરામયભાઈ, તેમના પત્ની કુમુદબેન અને તેમની નાની દિકરી હેલી બેઠા હતા. કુમુદબેનની આંખો હજી સૂજેલી દેખાતી હતી. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. નિરામયભાઈએ થોડીકવાર મૌન રહી માઈક સામે જોયું. આંખોના પોપચાં પર ભાર હોય એમ ધીમેથી આંખો ઉઠાવી કેમરા સામે સ્થિર કરી. તેમણે મનને મજબૂત રાખવાની કોશિશ કરી છતાં આંખમાં આંસુ તગતગી આવ્યા. તેમણે જમણા હાથની પહેલી બે આંગળી અને અંગુઠાની મદદથી આંખો મસળી સ્વસ્થ થતા




બોલવાનું શરૂ કર્યું. તેમનો અવાજ રડમસ થઈ ગયો, “ અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને શાંતિથી રહેવા દો. અમારે અમારી મૈત્રી પાછી જોઈએ છે.” કુમુદબેનનું ડૂસકું સંભળાયું. “અમે શાંતિપ્રિય ફેમીલી છીએ. અમે બધા સાથે હંમેશા પ્રેમપૂર્વક વર્તન કર્યું છે. કોઈની સાથે વાદવિવાદમાં પડ્યા નથી. કોઈનું ક્યારેય ખરાબ કર્યું નથી. છેલ્લા કેટલાય દિવસોથી અમે એ વિચારીને હેરાનપરેશાન થઇ રહ્યા છીએ કે અમારી સાથે આવું કેમ થયું? કોણે કર્યું?” નિરામયભાઈના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો, “મીડીયા દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી છે કે મેં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જુબાની આપી હતી એટલે કદાચ મૈત્રી તેમના દ્વારા ગુમ કરવામાં આવી હોય, મેં તો એવી કોઈ જુબાની આપી નથી. અમારે કોઈની ઉપર આંગળી ચીંધવી નથી કે અમારે કોઈની સાથે કોઈ ફરિયાદ પણ નથી. અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે અમને અમારી દુનિયામાં શાંતિથી રહેવા મળે. અમારી દીકરી પરત મળે. જેણે પણ અમારી મૈત્રીને અમારાથી છીનવી છે તે અમને પાછી આપે.” એક ઊંડો શ્વાસ લીધો અને રોકાયા. “તમે એની આંખોમાં જોશો તો હંમેશા પ્રેમ જ દેખાશે. અમે હંમેશા લોકોને મદદ કરવા તૈયાર રહીએ છીએ. એના હસવાથી અમારું આખું ઘર ગુંજતું. એના પ્રેમ માટે તરસીયે છીએ. અમને અમારી મૈત્રી પાછી લાવી આપો.” તેમની આંખોમાંથી આંસુ સરીને ગાલ પર આવી જમીન પર પડી ગયા.


શ્રેયાએ રુચીને પોતાના ખોળામાંથી ઊંચકીને પોતાની બાથમાં લીધી તેની આંખમાં પણ પાણી આવી ગયું.


ડ્રોનનો અવાજ સંભળાયો. સફેદ રંગના ડ્રોનના એકસાથે ફરી રહેલા ચારેય પંખા મધપુડામાંથી ઉડેલી મધમાખીઓના ઝુંડ જેવો અવાજ કરી રહ્યા હતા. ડ્રોન તેની નીચેની જગ્યાને તેની આગળ લગાડેલા કેમેરામાં કેદ કરી રહ્યો હતો. ડ્રોનમાં ગામની હરિયાળી દેખાઈ રહી હતી. એક પચ્ચીસેક વર્ષનો યુવાન આ ડ્રોનનું સંચાલન તેના હાથમાં રહેલા રિમોટથી કરી રહ્યો હતો. તે એટલો મશગુલ હતો કે તે ડ્રોન ઉડાડતા ઉડાડતા તે ખેતરો વટાવી અમદાવાદ જતા રસ્તા પર આવી ગયો અને ત્યાંથી આગળ જતા ઝાડી ઝાંખરા આવી ગયા. વરસાદ પડવાથી જમીને લીલાં વસ્ત્રો ધારણ કર્યા હતા. ચારેતરફ જાતજાતની વનસ્પતિ ઊગી નીકળી હતી. વનસ્પતિ જથ્થાબંધ ઊગી હતી કે જમીન દેખાતી ન હતી. તેણે તેનું ડ્રોન ઉતારી પોતાના હાથમાં લીધું. ફરી તે રસ્તા તરફ આગળ વધ્યો. ઝાડીમાંથી બહાર નીકળતાં એક ખાડામાં તેણે બુટ જોયાં. તે રસ્તા તરફ જવા આગળ વધ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તેની નજર બુટથી ઉપર ગઈ. ઊંચા ઊંચા ઊગી નીકળેલા ઘાસની વચ્ચે બુટથી ઉપર જોતા જ તેની સામેનું દ્રશ્ય જોઈ તેનું હૃદય ધબકાર ચુકી ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ. તેના મગજે આદેશ આપ્યો હોય એમ તેના પગ રસ્તા તરફ વળ્યા. તેણે દોટ મૂકી.