Podnu Paani - 2 books and stories free download online pdf in Gujarati

પોળનું પાણી - 2

2.

તેને પતંગ ચગાવતાં સરસ આવડતા હતા. મોટે ભાગે અમે કાપ્યા, એક બે અમારા કપાયા.

તેના હાથ થાક્યા લાગ્યા.

તેણે નજીક પડેલી બોટલ પાણી પીવા કાઢી મારી સામે ધરી. પેલી વાર્તાઓમાં આવે છે એમ મેનકા કે ઉર્વશી સોમરસ ધરતી હોય એવું મને ફીલ થયું. એ પહેલાં મેં ખિસ્સાં ફંફોસ્યાં. એક તલસાંકળીનો ટુકડો મળ્યો. મેં તેને ધર્યો. તેણે અર્ધો તોડી મને આપ્યો. સારી શરૂઆત.

ઓળખાણ કરવા અને સમય પસાર કરવા મેં વાત છેડી.

'તમને જોયાં નથી. અહીં રહો છો કે કોઈના ગેસ્ટ?' મેં પૂછ્યું.

"અહીં, આ પોળમાં જ. પેલાં ત્રીજાં મકાનમાં. ત્યાંથી આજુબાજુમાં ખુબ ઊંચાં ધાબાંઓ વચ્ચે પતંગ હવામાં લેવો શક્ય ન લાગ્યો એટલે અહીં આવી.

અમે એક વીક પહેલાં જ રહેવા આવ્યાં છીએ." એણે કહ્યું.

"આ તો શહેરની વચ્ચેનો મહોલ્લો. લોકો અહીંથી બહાર સોસાયટીઓમાં કે ટાવરોમાં જાય. તમે બહારથી અહીં?" મેં મારૂં કુતુહલ વ્યક્ત કર્યું.

"હિસ્ટ્રી છે. કહીશ પછી. આમ તો ભઈ ને પોળ જ ગમે. અમે … પોળમાં રહેતાં હતાં. અહીં આ મકાન વેંચાતું હતું તે લઈ લીધું." એણે કહ્યું.

આ તરફ પપ્પાને 'ભઇ' કહેવાનો રિવાજ છે.

મારું ધ્યાન હવે પતંગ કે ફિરકીને બદલે એ છોકરીમાં જ હતું. 'આડોશ પાડોશ' આવો  સારો મળ્યો એ માટે મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો.

આની ફ્રેન્ડશીપ કરી જ લઉં. મેં મનોમન નિશ્ચય કર્યો.

હું તડકામાં ચમકતા એના રતુંબડા ગાલ સામે જ જોઈ રહ્યો હતો. જાણે હમણાં ચૂમી લઉં, અરે બટકું જ ભરી લઉં!

'બાર વાગવા આવ્યા છે. લો, સાથે બેસી થોડો નાસ્તો કરી લઈએ. હું નીચેથી ચીકી વગેરે લઈ આવું.' મેં કહયું.

'અરે એમ કેમ? હું મારે ઘેરથી ને તમે તમારે ઘેરથી. અમે નવા છીએ પણ પોળનું કલ્ચર થોડું નવું છે આપણા માટે?'

લે, આ તો તરત મૈત્રીનો સ્વીકાર થઇ ગયો!

આના કોઈ ભાઈ બહેન હશે? જાણશું. સમય છે.

એ ચીક્કી લઇ આવી ને હું મમરા દાળિયાના લાડુ. મમ્મી ઉપર આવતી હતી તેને મેં ના પાડી. 'તું તારે રસોઈ કર' એમ કહીને. જે એનો એકલીનો સહવાસ મળે.

અમે નાસ્તો કરવા લાગ્યાં. એણે નાસ્તા માટે પણ કેપ આઘી કેમ ન કરી! વાળ હવે બીજા ગાલ પર રાખ્યા. એ મારી સામું જોઈ હસી. એની આંખો પણ સુંદર હતી. મેં જાણી જોઈ એના મુલાયમ હાથનો ચીકી સાથે સ્પર્શ કર્યો.

અમારૂં ધ્યાન પડ્યું. સંક્રાંતને દિવસે આજુઆજુના ધાબાના લોકો તો આવે. કોઈ અજાણ્યા માણસો મારી બાજુથી સહેજ દૂરના ધાબે કોઈ છાપરાં ઉપર ઉભી અમારી તરફ જોઈ રહ્યા હતા. કોઈ પુરુષ તો તેની તરફ એકીટશે જોતો હતો. હોય. આવી સુંદરતા હોય તો લોકો જોવે. પણ આ રીતે? મેં તે પુરુષ તરફ અણગમાથી એવું જ એકીટશે જોયે રાખ્યું. એણે દૃષ્ટિ બીજે ફેરવવી પડી.