Martyr books and stories free download online pdf in Gujarati

શહીદ

આંબાની ડાળે લટકી રહેલી કેરીને એકીટશે જોઈ રહેલી અંજલી પોતાની માં અલકાના ખોળામાં સૂતાં સૂતાં વિચારોમાં ખોવાયેલી લાગતી હતી. અચાનક કેરી તૂટીને જમીન પર પટકાઈ.


અંજલી તરત બોલી ઊઠી, “મમ્મી કેરી પડી.”


અલકાએ કહ્યું, “પાકી ગઈ હશે એટલે પડી.”


“હેં મમ્મી પાકી જાય એટલે એની જાતે પડી જાય?” અંજલીના મગજમાં આવા અવનવા સવાલો હંમેશા આવતા રહેતા. ઘણીવાર તો એના શિક્ષકો પણ વિચારતા કે હજી તો સાત વર્ષની છે ને આવા સવાલો મગજમાં ક્યાંથી આવતા હશે.


અલકાએ કંઈ પણ વિચાર્યા વિના જવાબ આપી દીધો, “હા પાકી જાય એટલે એની મેળે પડી જાય.”


અંજલિએ કુતૂહલવશ ફરી પૂછ્યું, “અને ના પાકે તો જાતે ના પડે એમ ને?”


અલકાએ સમજાવતાં કહ્યું, “હા. ના પાકે તો ના પડે, આપણે એને ઉતારવી પડે.”


અંજલીએ ફટ કરતાને કહ્યું, “હં.. હવે સમજી.”


અલકાએ ખુશ થતાં કહ્યું, “સમજી ગઈ ને.”


અંજલીએ કહ્યું, “હા. પપ્પા પાક્યા ન હતા, એટલે બધાએ ભેગા થઈને ઉતાર્યા હતા હેંને.”


અલકાની આંખો ભરાઈ આવી. તેની આંખમાંથી વહેલા આંસુ તેના ખોળામાં સુતેલી અંજલી પર પડ્યા. પાણી પડતાં જ અંજલી બોલી ઊઠી, “મમ્મી વરસાદ પડે છે.”


અલકાએ હથેળીથી આંસુ લુછી નાખતાં બોલી, “ના બેટા, ઉનાળામાં વરસાદ ક્યાંથી આવે?” આટલું બોલતા બોલતા તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો, પણ તેણે તેની જાતને સાંભળી લીધી. તેણે તેના પતિ મુકેશના મોત ની ઘટના યાદ આવી ગઈ. હજી તો મુકેશને ગુજરી ગયે છ મહિના માંડ વીત્યા હતા, પણ તેણે અંજલી માટે જીવતા શીખી લીધું.


તે દિવસે મુકેશ ખેતરમાં ગયો હતો એવું કહીને કે તે કપાસમાં દવા છાંટવા જાય છે. મુકેશે કહ્યું હતું કે તે બપોરે બાર વાગતાં જમવાના ટાઈમે આવી જશે. પણ સાડા અગિયાર વાગ્યે જ શેઢા પાડોશી દવજીભાઈ હાંફળા ફાંફળા દોડતા આવ્યા અને કહ્યું કે મુકેશ આંબા પર લટકી ગયો છે. અલકાના પગ નીચે જાણે ધરતી ખસી ગઈ અને ધ્રાસકો પડ્યો. અલકાએ ખેતર ભણી દોટ મૂકી. દવજીભાઈએ અંજલીને પોતાના બાઈક પર બેસાડી અને દોડતી અલકાને કહ્યું, “ઉભી રે બાઈક પર બેસી જા.”


ત્રણેય જણા ખેતરે પહોંચ્યા. રોડ પર બાઈક ઉભું રહે એ પહેલાં અલકા ઊતરીને તેના ખેતર તરફ દોડી. ત્યાંનું દ્રશ્ય જોઈ અલકા ડઘાઈ ગઈ ને લાંબી પોક મૂકી હૈયાફાટ રડવા લાગી. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આખા ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી કે મુકેશે ગળાફાંસો ખાધો છે.


બે જણા આંબાના ઝાડ પર ચડી દોરડું છોડી રહ્યા હતા. એક જણ ટ્રેક્ટર લઈ આવ્યો હતો. ટ્રેક્ટરના આગળના ભાગે ચાર જણાએ મૃત મુકેશના પગ પકડી રાખ્યા હતા.


અંજલીને ખબર ન હતી પડતી કે આ શું થઈ રહ્યું છે. પણ તેની મમ્મી રડતી હતી એટલે તેને જોઇને તે પણ રડી રહી હતી. પછીથી તેને ખબર પડી કે તેના પપ્પા ભગવાનના ઘરે ગયા છે. જેણે તેને કહ્યું હતું કે તારા પપ્પા ભગવાનના ઘરે ગયા છે, તેને અંજલીએ પુછ્યું હતું કે કેમ ગયા તેમને અમારા ઘરે નથી ફાવતું.


મુકેશની આત્મહત્યાનું કારણ એ ખબર પડી કે તેના માથે દેવું થઈ ગયું હતું. ત્રણ બહેનોના પ્રસંગ કરવામાં અને તેની માંના કાળજ પાણીમાં ઘણા પૈસા વપરાઈ ગયા હતા. લોકલાજે પૈસા ન હોવા છતાં દેવું કરીને પ્રસંગ પુરા કર્યા હતા. છતાં લોકો વાતો કરતાં હતા, આપણી ત્રેવડ ના હોય તો ના કરાય પ્રસંગ. એમાં દેવું કરવાની ક્યાં જરૂર હતી. પણ એ તો મુકેશને જ ખબર હતી કે આજ લોકો પહેલાં મેણાં મારતા હતા કે બેનોના જીયાણાં તો ટાઇમ થાય એટલે કરી દેવા પડે.


બપોરનો તડકો માથે આવ્યો હતો. અલકાએ આંખો લુછી અને અંજલીને લઈને ઘર તરફ જવા પગ ઉપાડ્યા. ગામમાં કોઈની નનામી જઈ રહી હતી. અલકા અંજલીને લઈને રસ્તાની એક બાજુ ઉભી રહી ગઈ. તેના જ ગામના રણછોડભાઈનો મોટો દીકરો અજય આતંકવાદીઓ સામે લડતા શહીદ થયો હતો. તેની નનામીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ હતા અને અન્ય પાર્ટીના લોકો પણ જોડાયા હતા.


અજયના શબ પર ઓઢાડેલ તિરંગાને જોઇને અંજલીએ પૂછ્યું, “મમ્મી આમને કેમ ત્રણ રંગનું કપડું ઓઢાડ્યું છે?”


અલકાને કોઈ દિવસ અંજલીના સવાલોની ચીડ ચડતી નહીં. તેણે અંજલીને સમજણ પડતા કહ્યું, “બેટા એ શહીદ થયા છે.”


અંજલીએ ફરી પૂછ્યું, “પણ મમ્મી પપ્પાને તો સફેદ કપડું જ ઓઢાડ્યું હતું.”


અલકાએ આંખો મીંચી દીધી. આંખો ખોલી બોલી, “બેટા આપણે ખેડૂત છીએ.” અલકા ઘણું કહેવા માંગતી હતી પણ અંજલી એટલું સમજવા સમર્થ નહતી કે ‘જય જવાન, જય કિસાન’ ના નારામાં કિસાન હાંસિયામાં ધકેલાઈ ગયો છે. ખેડૂતની લડાઈ સરહદ પર લડતા સૈનિક કરતાં ઓછી નથી.