AVAK CHEPTER 5 - 6 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 5-6

5

પહેલા નાગરકોટ, પછી ધૂલીખેલ, આખા જૂથે બે દિવસ રાહ જોવાની છે, તિબેટના વિઝા માટે.

કૈલાસ – માનસરોવર માટે વિઝા પણ જોઈએ અને પરમિટ પણ. આ બે દિવસ પસાર કરવા કાઠમંડુ ને બદલે આ જગ્યાએ આખું જૂથ આવી ગયું છે.

નાગરકોટથી ધૌલાગિરિની શૃંખલાઓ દેખાય છે. દૂર, મનોહારી. ધૂલીખેલમાં હિમાલય પર્વત જાણે અમારી હોટેલના આંગણા સુધી આવી ગયો છે.

હોટેલની ઉપરની બાજુએ ખૂબ જ સુંદર બગીચો છે. જાણે ક્યારના પુરાણા વૃક્ષો છે ?

સાંજની ત્યાં ફરી રહી છું. એકલી.

કાલે સવારે અમારે નીકળવાનું છે.

અચાનક અટકી જાઉં છું. કોઈએ બોલાવી શું ?

પાછળ ક્યાંય કોઈ પણ નથી. બીજીવાર ચક્કર લગાવતી ત્યાંથી પસાર થાઉં છું, તો પાછું એ જ. હવામાં કોઈનો ભારે શ્વાસ.

કોણ મને બોલાવી રહ્યું છે ?

આ વખતે ઊભી રહું છું. દરેક વૃક્ષ પાસે જાઉં છું. એ બધાં ઝુંડમાં ઊભાં છે. આ નહીં, આ પણ નહીં. આખરે એ દેખાઈ જાય છે, ઓળખાઈ જાય છે.

એની પાસે જાઉં છું. મારી જેમ જ શ્વાસ લઈ રહ્યું છે એ. એજ રોકી રહ્યું હતું મારો રસ્તો?

ઘણીવાર સુધી હું ઊભી રહું છું. એને સ્પર્શુ છું. એનાં પાંદડાંને, એની ડાળખીઓને.

મન પીગળી રહ્યું છે. જાણે કોઈ વિખૂટા પડેલાને મળી છું.

-     સંભાળ, શું હું તને જાણું છું ? કોઈ બીજા સમયથી ?કોણ છે તું?

જો કોઈ વૃક્ષ-ભાષા છે, તો એણે મને કહ્યું છે. એ વનસ્પતિ નથી, કોઈ વ્યક્તિ છે. વનસ્પતિમાં સંતાયેલો કોઈ દેવતા નહીં, કોઈ મનુષ્ય. જે વનસ્પતિ યોનિ ભોગવવા અંહી આવી ગયો છે.

ખબર નથી, હું એણે ક્યારે જાણતી હતી !

6

આ યાત્રામાં મને રૂમમાં સાથી આપવામાં આવી તો મેં એનો વિરોધ કર્યો.

કાઠમંડુની હોટલમાં ઘણી મહિલાઓ જોઈ હતી, મકપાળમાં ચંદનનું તિલક કરેલી, સાવ ધાર્મિક-તત્વની બનેલી મૂર્તિઓ. જો  મારી સાથે કોઈ એવી મુર્તિ હશે તો થઈ રહ્યું.

-એ તમારાં જેવી જ છે. તમને સારી લાગશે.

મિસ્ટર નારાયણે કહ્યું. મારી જ ઉમરના હતા. એજન્સીના માલિક હતા એ પછી ખબર પડી.

હજી પંદર મિનીટ પહેલાં જ એમની સાથે પરિચય થયો.

સજ્જન હતા એટલે ચૂપ રહ્યા.

(એમને ખબર પડી હતી, એક લેખિકા આવી રહી છે. દિલ્હી ઓફિસે જણાવ્યુ હતું.)

-જુઓ, એકલા રહેવાના જે વધારે પૈસા આપવાના છે, હું આપી દઈશ, પરંતુ રૂમ તો કોઈ સાથે શેર નહીં કરું.

બસ જવા માટે તૈયાર હતી. કઈ વાત પર ચર્ચા થઈ રહી છે યાત્રીઓ જાની ગયાં હતાં.

બસમાં બેઠી, તો સાથેની સીટમાં બેઠેલા સજ્જન સાથે મુલાકાત થઈ. પૂનામાં પાર્ટટાઈમ બિઝનેસ મેનેજમેંટ ભણાવતા હતાં. બે-ત્રણ વાર કૈલાશ જઈ આવ્યા હતા. પૂનાથી ત્રણ યાત્રીઓને લઈને આવ્યા હતા. એ એમનો સાઈડ બિઝનેસ હતો.

-પરંતુ એકલા માટે રૂમ તો તમને અહીં બે દિવસ મળશે. એકવાર બોર્ડર પાર કરી કે બધે ડોર્મેટરીમાં રહેવું પડશે. ક્યારેક ચાર, ક્યારેક છ લોકો. ટેન્ટમાં પણ સૂવું પડશે.

મને આની ખબર નહોતી.

-આમ તો તમને તમારી સાથી સારી લાગતી. મિ. અજીતે કહ્યું.

અમે મિની બસમાં સૌથી પાછળની સીટ પર બેઠા હતાં.

-તમે એને મને બતાવી શકો?

-એ જે આગળની સીટ પર એકલી છોકરી બેઠી છે.

પાછળથી એની ઉંચી ચોટી દેખાતી હતી. પેન્ટ અને ટ્રેકિંગ શૂઝ પહેર્યા હતાં.

-આ તો સારી લાગે છે.

-એ જ તો અમે કહીએ છીએ. તમે રાઇટર છો, એ એક્ટ્રેસ. બેંગલોરનું ચાર જણાનું ગ્રૂપ છે. એક ફિલ્મ ડિરેક્ટર, એક ફિલ્મ પ્રોડ્યુસર, એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા. એ એક જ છોકરી છે. તમે પણ એકલા છો. બાકી બધાના સાથી છે. તમારાં આવતાં પહેલાં અમે એજ વાત કરી રહ્યા હતાં કે કેવો સંયોગ છે કે તમે બંને કલાકાર છો.

-હું તૈયાર છું.

નગરકોટમાં મિસ્ટર નારાયણની આસિસ્ટન્ટ મારા માટે એક રૂમની વ્યવસ્થા કરીને આવી ત્યારે મેં એને મારો નિર્ણય જણાવ્યો.

-જો ગ્રૂપમાં જ રહેવાનુ હોય તો અત્યારથી શા માટે નહીં !

થોડીવાર પછી મારી સાથી મારા રૂમમાં હતી.

સોરી, આ ગડબડ માટે. મે તને જોઈ નહોતી. મને ડર હતો કે કોઈ બહુ પૂજાપાઠ કરનારી ન હોય !

-કેમ? તમે પૂજા નથી કરતાં?

એણે મોટી મોટી કજરારી આંખોથી મને પુછ્યું તો મને આશ્ચર્ય થયું. ચંદનનું તિલક એનાં કપાળમાં પણ હતું....

-કરું છું પણ છાનામાના. કોઈ બહુ દેખાડો કરનારું મળી જાય તો ગભરાઈ જાઉં છું.

-હું રૂપા આયર.

એ અમારી દોસ્તીની શરૂઆત હતી.

અડધા કલાકમાં જ અમે બંને એક બીજાને વિશે બધું જાણતા હતાં. અઠ્ઠાવીસ વર્ષની એ ગ્લેમરસ છોકરી મને અપૌરુષેય ગ્રંથો વિશે, બ્રહ્મસૂત્ર વિશે કહેતી હતી !!

આઠ વર્ષની ઉમરે એણે એના ખેડૂત પિતાને ગુમાવ્યા હતા.

-હળ ચલાવતી વખતે એમને પંદર વર્ષની ઉમરે ઈજા થઈ હતી, હૃદયની જગ્યાએ. એ કદી સારી ન થઈ. બત્રીસ વર્ષની ઉમરે એમનું અવસાન થયું.

એની મા સ્કૂલમાં શિક્ષક હતી. રિટાયર થઈ ગઈ હતી. ત્રણ બહેનોમાં એ વચેટ હતી. મોટી અને સૌથી નાનીના લગ્ન થઈ ગયા હતાં. રૂપા એક્ટ્રેસ અને ડાન્સર હતી. દિવ્યાંગ બાળકોને નૃત્ય શીખવતી હતી, વિદેશના પ્રવાસે લઈ જતી હતી. અડધું વરસ અમેરિકા, અડધું વરસ બેંગલુરુમાં રહેતી હતી.

-મારી ઇચ્છા છે કે ઓછામાં ઓછા સો બાળકોને ભણાવી શકું. અત્યરે નેવું થવા આવ્યા છે.

આ અમારી બીજી વાત એક સરખી નીકળી.

-મારી પણ આઠ કન્યાઓ છે. મે એણે કહ્યું. નિર્મળ હતા ત્યારે એક દીકરી હતી. (હવે એને નિર્મલ વિશે બધી ખબર હતી.) એમના ગયા પચીક તિબેટી બાળકી શોધી કેમ કે એમને તિબેટી બાળકો બહુ પસંદ હતાં. પછી કોઈએ કહ્યું, તમે તો ગાયત્રી જપ કરો છો, તમારે આઠ કન્યાઓ રાખવી જોઈએ. તો ‘નન્હી કલી’ પ્રોજેકટવાળા પાસે બીજી છ માંગી.

-સેટ દિલ્હીમાં, અમરજ્યોતિ સ્કૂલમાં. એક ધર્મશાળામાં, દલાઇ લામાની સ્કૂલમાં.

-તમને ખબર છે, સરેરાશ આઠ વર્ષની જિંદગીમાં કુલ ચાર કે પાંચ લોકો હોય છે, જે આપણાં માટે બન્યા હોય છે.

 હું બહુ ધ્યાનથી એની વાતો સાંભળી રહી છું.

-હું બહુ ખુશ છુ કે આપણે રૂમમેટ્સ છીએ.એ કહે છે.

-હું પણ.

-આ તમારાં જૂતાં ત્યાં નહીં ચાલે.

રૂપા મને ‘તું’ કહે છે. એની માની ઉમરની તો હોઈશ !

હું તૈયાર થતી હતી તો મંદમંદ હસતી મને જોઈ રહી હતી. પંકુલ મને દીદી કહે છે, રૂબી મામીજી.-આંટી તો નહીં કહું. દીદી ? ઉં..હું...તું કઇંક અલગ છે. ..શું હું તને ‘તું’ કહી શકું ?

-તું આ જ વિચારતી હતી ? હું હસી પડું છું. તને જે સહજ લાગે તે કહેજે.

એને મારાં રીબોકવાળા નવા નક્કોર જૂતાં રદ કરી દીધાં હતાં. ચાર દિવસ પહેલાં જ કેટલીય દુકાન ફરીને એ ખરીદ્યા હતાં, સત્તર સો રૂપિયાના.

-કેમ ? આની ગ્રીપ તો સારી છે.

દિલ્હીમાં રૂબીએ કહ્યું હતું, લપસે નહીં એવાં, એડીમાં ગ્રીપવાળા ખાડા હોવા જોઈએ. એ જ શોધતાં ફર્યા હતાં.

-એ ભીનાં થઈ જશે...તને ખબર હોવી જોઈએ, તું સાડા અઢાર હજાર ફૂટની ઊંચાઈ પર જઈ રહી છે. ત્યાં બરફ પડી શકે છે, કાદવ મળે, પરિકરમાં કરતી વખતે આપની પાસે માત્ર એક બેકપેક હશે. એ વખતે વરસાદ આવી ગયો ને ભીંજાઇ ગયા તો ઠંડીમાં મરી જઈશું.  

-મારી પાસે બેકપેક પણ નથી.

જો રૂપાને ખબર પડી કે કેમ નથી, કારણ કે એને ઉપડનારો ખભો પણ નથી, તો એ ગભરાઈ જતી.

-અચ્છા ઊભી રહે. મારી પાસે એક બીજા જૂતાં છે. નવા છે. એ પહેરી જો.     

રાતે ધૂલીખેલની હોટલમાં અમે કૈલાશ લઈ જવાનો સામાન ડફલ બેગમાં ભરી રહ્યાં હતાં, જ્યારે આ સમસ્યા સામે આવી. આગળના દિવસે વહેલી સવારે અમારે નિકળવાનું હતું. એના જૂતાં મેં પહેર્યાં તો મને આવી રહ્યાં. રૂપે એને એટલે રદ કર્યા હતાં કે અડધો નંબર મોટાં હોય તો પરિક્રમામાં આરામ રહે. પાછા આપી શકાય એમ નહોતું. એનાં માટે નક્કામાં હતાં.

મે રૂપા પાસેથી તરત જૂતાં ખરીદી લીધાં.

-તારી પાસે ડાયમોક્સ તો છે ને ?

રૂપાનો આગળનો સવાલ હતો.

આ લોહી પાતળું કરવાની ગોળીઓ હતી જે કૈલાશયાત્રા શરૂ કરવાના એક અઠવાડીયા પહેલાથી લેવાની હતી જેથી અમને ‘હાઈ ઓલ્ટિટ્યુડ સિકનેસ’ ન થાય. આને માટે હું કહી શકું એમ નહોતી કે દિલ્હીમાં મને ખબર નહોતી. આ સાથે રાખવાની સલાહ એજન્સીએ શરૂઆતમાં એનાં બ્રોશરમાં છાપીને આપી હતી.

અમારી યાત્રા જ એટલી અનિશ્ચિત હતી કે ડાયમોક્સ ખાઈને શું કરતાં ?

-અમને કાઠમંડુમાં જ આ દવા મુશ્કેલીથી મળી. આગળ તો તને ક્યાં મળશે. રૂપાએ કહ્યું.

હમણાં થોડીવાર પહેલાં ઓગણત્રીસ લોકોના અમારાં ગ્રૂપ સામે એક ગામા બોડી બેગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમ્યાન કોઈ બીમાર થઈ જાય, શ્વાસ ન લઈ શકે તો એને આ બેગમાં બંધ કરી કેવી રીતે ઑક્સીજન ભરવાનો છે, કેટલી ઉંચાઇ પર કેટલો વાલ્વ ખોલવાનો છે. બધાં આ સારી રીતે સમજી લે. રસ્તામાં કોઈ હોસ્પિટલ નથી, ડોક્ટર નથી.

એ ભૂત જેવી મનહૂસ બેગ, લાલ રંગની, જાણે અમારાં શબ લાવવા માટે સાથે આવી રહી હતી. એને જોઈને અમારાં સૌના ચહેરા ઉતરી ગયાં હતાં.

-ગભરાશો નહીં, અમારા શેરપા ઘણા અનુભવી છે.

મિસ્ટર નારાયણે ખાસ અર્થપૂર્ણ દ્રષ્ટિથી અમારી બધાની સામે જોયું હતું......

અર્ધા મડદાથી પૂરું મડદું બનવામાં થોડી વાર લાગે છે? ડર અને ચિંતાને કારણે હાલત ખરાબ હતી.

-ચાલો બોર્ડર પર દવા શોધીશું. હવે બીજું શું થઈ શકે.

આખરે દોઢ દિવસ પછી ઝાંગ્મૂ પહોચીને અમને ડાયમોક્સની ગોળીઓ મળી, બ્લેકમાં. હજી પણ અમે ન બચીએ, પરંતુ અમે જાગરુકતા રાખી એવું તો કહી શકીશું.