Vasudha-Vasuma - 53 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -53

વસુધા -વસુમાં

પ્રકરણ -53

 

ભાવેશકુમાર આવ્યાં બધાએ ઉમળકાભેર આવકાર આપ્યો. એમણે ગાડીમાંથી એક મોટી બેગ ઉતારી અને સીધી ઘરમાં લઇ આવ્યાં અને બોલ્યાં “આમાં સરલાનાં બધાં કપડાં અને બીજી ચીજવસ્તુઓ છે હમણાં હવે એ અહીજ રહેવાની છે” અને ગુણવંતભાઈ અને ભાનુબહેન એકબીજાની સામે જોઈ રહ્યાં. વસુધાએ ભાનુબહેનનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને કંઈક ઈશારો કર્યો અને...ભાવેશકુમારને કહ્યું “અરે અરે જીજાજી બહેના ભલેને અહીં રહેતી એમનુંજ ઘર છે. તમે પણ રહો અમને તમારી આગતાસ્વાગતા કરવાનો મોકો મળશે...આવો આવો સરલાબેન આ આવ્યા...પશાકાકાને ઘરે ગયાં હતાં.”

સરલા ઘરમાં આવી ભાવેશભાઈને જોઈને એનો ચહેરો ખીલી ઉઠ્યો બોલી “તમે આવી ગયાં ? ક્યારની રાહ જોતી હતી તમને થોડું મોડું થયું ? રસ્તામાં ટ્રાફીક બહુ હતો ?”

ભાવેશકુમાર આમ મોટાંભાગે મૌન રહેતાં...પણ હમણાંથી એ સરલાથી નારાજ રહેતાં હતાં...એમણે કહ્યું “કેટલું પૂછીશ સરલા ? મારે મોડું થયું પૂછે છે તો તું ક્યાં ઘરમાં અહીં આંગણાંમાં ઉભી રહી રાહ જોતી હતી ? તું તો કોઇનાં ઘરેથી આવી રહી છું...ખોટા દેખાડા શા માટે કરે છે ? હું તારાં બધાં કપડાં અને જરૂરી સામાન લાવ્યો છું તારે અહીં જેટલું રહેવું હોય રહી શકે છે”. એમ કહીને મોઢું ચઢાવ્યું...

ભાનુબહેન કંઈ બોલવા ગયાં ત્યાં... પાણી લઈને આવેલી વસુધાએ કહ્યું “લો ભાવેશકુમાર ઠંડુ પાણી પીઓ શાંત થાવ.” એમ કહીને હસી...ભાવેશકુમારે વસુધા અને સરલાની સામે જોયું પણ કંઈ બોલ્યાં નહીં...

વસુધાએ કહ્યું “કુમાર ચા, કોફી શું પીશો ? આજે તમને પસંદ હોય એ મુકું ... ગરમ ગરમ નાસ્તો પણ તૈયાર છે તમારાં ભાવતાં બટાકા વડા બનાવ્યાં છે તમે આવવાનાં હતાં એટલે સવારથી સરલાબેનએ બધી તૈયારી કરી હતી”.

ભાવેશકુમારે નારાજગી સાથે કહ્યું... “મારે તો પાછાં જવાનું મોડું થઇ જાય... તમારી નણંદનેજ ખવરાવજો હું તો ચાલ્યો.” એમ કહીને ઉભા થઇ ગયાં.

સરલા બોલી "એવો તો મેં શું ગુનો કર્યો છે કે તમે આવું વર્તન કરો છો ? મેં શું નથી સાચવ્યું ? શું કામ નથી કર્યા ? પળ પળ તમારી કાળજી રાખી છે આતો મારો ભડ જેવો ભાઈ...” એમ કહી ધ્રૂસકું નાંખ્યું અને બોલી “એને એક્સીડેન્ટ થયો...માંડ સાજો થયેલો ત્યાં અને હવે તો એ છોડીને પણ જતો રહ્યો... એમાં મારે અહીં રોકાવું પડ્યું...”-સરલાએ પીતાંબરને યાદ કરતાં બધાંની આંખો નમ થઇ ગઈ. વસુધાએ માંડ માંડ કાબુ કર્યો. ભાવેશ થોડો છોભીલો પડી ગયો અને બોલ્યો “આપણી વાતમાં એ ક્યાં વચ્ચે આવ્યો ? મેં ક્યાં કંઈ કીધું ?”

સરલાએ રડતાં રડતાં કહ્યું “એજ તો હવે તકલીફ છે એ વચ્ચે હોત અત્યારે તો કોઈને કંઈ બોલવાની હિંમત પણ ના હોત...અમને બધાને ઓશીયાળા બનાવીને જતો રહ્યો.” અને ખુબ રડવા લાગી.

વસુધાએ હવે વચ્ચે પડતાં કહ્યું “ભાવેશકુમાર તમે કેમ આવું બોલી... વર્તી રહ્યાં છો અમારાં સરલાબેનનો શું વાંક છે? એવીતો શું ભૂલ થઇ છે કે તમે આમ ?”

ભાવેશે બધાંની સામે જોયું ... ગુણવંતભાઈ અને ભાનુબહેન ત્યાંથી પાછળ વાડા તરફ જતાં રહ્યાં એમનાંથી કશું સંભળાઈ નહોતું રહ્યું...ભાવેશે ગુસ્સાથી કહ્યું “સરલા હવે... માં બનવાને લાયક જ નથી રહી એ વાંઝીયણ  થઇ ગઈ છે મારાં આંગણે રમનાર કોઈ ક્યાંરેય આવે એવી શક્યતા નથી એની નિષ્કાળજીએ આ દિવસો બતાવ્યાં છે...ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધાં છે... મને ખબર છે તમને લોકોને તો કંઈ એણે કીધુંજ નહીં હોય...”

સરલાએ ચહેરો ઊંચો કર્યો એની આંખો પહોળી અને લાલ લાલ થઇ ગઈ એણે કહ્યું ”તમને બોલતાં શરમ આવે છે ? મેં શું કાળજી નહોતી લીધી ? તમારાં ઘરનાં વૈતરાં અને વાડાની ગંદકીએ મારો ગર્ભ પડી ગયેલો કોઈને મારી દયા આવેલી ? અને આપણે ડોક્ટરને બતાવી...ત્યાં પીતાંબરનાં અકસ્માતનાં સમાચાર આવ્યાં હું અહીં દોડી આવી...પછી તો આ ઘર પર પસ્તાળ પડી પીતાંબર છોડીને ગયો...આમાં હું મારુ ગાવા બેસું ? તમે કેટલી કાળજી લીધી મારી ? અને સંતાન થવું એ ઈશ્વરનાં હાથમાં છે તમારાં મારાં નહીં...અત્યારે આવી બધી વાતો કરવી શોભતી નથી.” સરલા એકી શ્વાસે બધું બોલી ગઈ.

ભાનુબહેન બહારથી અંદર દોડી આવ્યાં અને ભાવેશ કુમારની સામે હાથ જોડીને ઉભા રહ્યાં અને બોલ્યાં... “કુમાર અમારી કોઈ પણ ભૂલ થઇ હોય તો માફ કરો.”

ભાનુબહેન હાથ જોડીને ઊભાં રહ્યાં અને ભાવેશે મોટાં નાનાની આમન્યા ભૂલીને કહ્યું “હવે હાથ જોડે મારે ત્યાં સંતાન નથી થવાનું... હું નથી બાપ બની શકવાનો હું જઉં છું સરલા હવે અહીંજ રહેશે. અમારાં સિદ્ધપુરનો બ્રાહ્મણો વંશ વિનાનાં નહીં રહે... એટલું યાદ રાખજો.” એમ કહીને એ બહાર નીકળવા ગયાં અને વસુધા એમની સામે આવીને ઉભી રહી...

વસુધાએ કહ્યું “ભાવેશકુમાર બ્રાહ્મણનું લોહી આવું ના બોલે... માં તમારી સામે હાથ જોડીને ઊભાં રહ્યાં તમે એમનું અપમાન કર્યું ? સરલાબેન આટલું રડી રહ્યાં છે એ પણ એમનાં કોઈ વાંક વિના શા માટે સહન કરી રહ્યાં છે ? એમનાં સંસ્કાર છે એટલે મર્યાદામાં ચૂપ છે...સિધ્ધ્પુરનાં બ્રાહ્મણોની તો લોકવાયકાઓ ઘણી સારી છે સંસ્કારી છે તો તમે કેમ આમ વર્તી રહ્યાં છો ? પુરુષતાની આવી બાલીશ વાતો તમારાં મોઢે શોભતી નથી. ડોકટરોએ ભલે અત્યારે બાળક નહીં થાય એમ કહ્યું પણ ઘણી ચિકિત્સાઓ છે ઘણાં ઉપાયો છે...સરલાબેન પણ અમારે વધારાંનાં નથી તમારી કુળવધુ છે અહીંની દીકરી છે એ કદી ઓશીયાળી નહીં થાય...”

“કુમાર હમણાં તમે ગુસ્સામાં છો અને ગુસ્સો હંમેશા બુદ્ધિ બંધ કરી દે છે ...પીતાંબરનાં અકસ્માત અને એમની કારમી વિદાયનાં શોકમાંથી હજી અમે બહાર નીકળ્યાં નથી અને તમે જાત વિષયક વાતો અને ખોટાં આક્ષેપો કરી શું સાબિત કરવાં માંગો છો ? કાયદા અને હકનાં નિયમો અમે પણ જાણીએ છીએ. અમારી પ્રાર્થના છે તમે શાંત ચિત્તે વિચારજો કે તમારી ક્યાં ચૂક થાય છે સરલાબેન અહીં તમારી રાહ જોશે પણ ઓશિયાળી દીકરી કે વહુ નહીં હોય...” એમ કહી બે હાથે નમસ્કાર કરીને ત્યાંથી નીકળી ગઈ.

ભાવેશકુમાર અને સરલા બે જ જણાં ત્યાં રહ્યાં. ભાવેશે સરલા સામે જોયું અને બોલ્યો... “ તારાં ઘરે આવ્યો છું બધું સાંભળવા નહીં... આવું અપમાન મારુ ? અપેક્ષા કંઇક બીજી હતી પણ હવે તું અહીજ રહેજે.”

સરલાએ કહ્યું “કોણ કંઈ ખોટું કે વધારે પડતું બોલ્યું છે ? તમે શું બોલ્યાં છો એ યાદ કરો ? તમે કેટલું અપમાન કર્યું બધાનું... મારી ભાભી છે તમે જેટલું અપમાન કરો એ મારાં માં-બાપનું અને મારું એ જોયાં કરે ? સાંભળ્યાં કરે ? મારાં કોઈ વાંક વિના તમે મને કંઈ પણ અન્યાય કરો એ બધાં જોયાં કરે ? હવે તમને ઈચ્છા થાય ત્યારે આવજો આ ઘરનાં દરવાજા ખુલ્લા છે...તમારી જેમ અમે બંધ નહીં કરીએ. સંસ્કારની વ્યાખ્યા સમજાઈ જશે.”

ભાવેશે સાંભળ્યું અને એનાં ભવા ઊંચા થઇ ગયાં. પુરુષનો ઈગો હર્ટ થયો એ ત્યાંથી નીચી આંખે બહાર નીકળ્યો અને ગાડી સ્ટાર્ટ કરી ત્યાંથી જવા નીકળી ગયો.

સરલા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી... વસુધા આવીને એને વળગી ગઈ અને આશ્વાસન આપી રહી હતી એણે કહ્યું “સરલાબેન જે થયું ખુબ ખોટું થયું છે આવી આશા નહોતી પણ આ અન્યાયનો સામનો કરવો રહ્યો. મને ખાત્રી છે એ સામેથી પાછાં આવશે... વિશ્વાસ રાખો ચોક્કસ આવશે.”

સરલાએ કહ્યું “મારાં નસીબમાં જે હતું એ થયું પરંતુ મારી માં -પાપાનું અપમાન કર્યું મને નથી ગમ્યું મારી એવી શું ભૂલ થઇ ? મીસકેરેજ થયું એમાં મારો વાંકજ નહોતો ઘરમાં ખેતરમાં કામજ એટલાં હતાં મારી કાળજી લેવાનાં બદલે મને કામ સોંફવામાં આવતાં. એમને બાપ બનવાની તિમ્મન્ના હતી...છે તો શું હું માં બનવા નહોતી ઇચ્છતી ? આવાં કારણને આટલો મોટો પહાડ બતાવીને મને અહીં મૂકી ગયાં ? બીજું લગ્ન કરવાનાં હશે...હું બધું સમજુ છું...હશે જેવાં મારાં નસીબ...”

ભાનુબહેને સરલાને કહ્યું “દિકરી તું ઓછું ના લાવીશ તારો કોઈ વાંક નથી... એમને કારણ જોઈતું હતું મળી ગયું ફારગતી કરવાની હશે એટલેજ... વસુધાએ એમને અટકાવ્યા અને બોલી માં તમારાં મોઢે આવું કશું ના બોલશો... બધું સારું થશે.’

“સરલાબેનને કાંઈ ઓછું નહીં આવવા દઈએ. અમે બેઉ મળીને બધાં કામ કરીશું નવેસરથી તૈયાર થઈશું. આ આંગણું એમજ પાવન થોડું કહેવાય છે ? સ્ત્રી બધાં કહે છે એટલી પામર કે ઓશીયાલી નથી કે કોઈનાં પ્રેમ કે ઉપકારની મોહતાજ નથી અમે એવો સમાજમાં દાખલો બેસાડીશું કે બધીજ નારી શક્તિ જાગૃત થશે અને પોતાનાં કુટુંબને તૈયાર કરવામાં, સુખનાં બીજ રોપવામાં પારંગત થશે. હવે હું એકલી નથી સરલાબેન છે મારી આ સખી મારી જોડે છે ...અને મને વિશ્વાસ છે ભાવેશકુમાર સામે ચાલીને સરલાબેનનો હાથ ફરી માંગવા આવશે.” એમ કહીને સરલાની સામે જોયું.

સરલા વસુધાને વળગી ગઈ અને બોલી “તું મારી ભાભી નથી મારી બહેન છે મારી સખી મારી શિક્ષક છે તારી પાસેથી મને જે ઉર્જા જે પ્રેરણાં મળે છે એનો હું આભાર માનું છું નાની નાની તારી વાતો, કાળજી કંઈક નવી વાત શીખવે છે વસુધા હું સાચેજ ઓશીયાળી નથી હું એક પ્રગતિશીલ જાગૃત સ્ત્રી છું...”

 

વધુ આવતા અંકે પ્રકરણ-54