Jivansangini - 26 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 26

પ્રકરણ-૨૬
(આખરી નિર્ણય)

અનામિકા જ્યારે આકાશને મળીને ઘરે પાછી આવી ત્યારે એના ઘરમાં બધાંને આશા હતી કે, હવે તો અનામિકા અને નિશ્ચય વચ્ચે સમાધાન થઈ જ જશે. પણ ઘરે આવીને અનામિકાએ ત્યાં જે કંઈ પણ બન્યું એ બધું જ કહ્યું. એ પછી બધાંને એટલું તો સમજાઈ જ ગયું કે, આ સંબંધનો અંત તો હવે નિશ્ચિત જ છે. અનામિકા ઘરે આવીને ખુબ જ રડી. એને લાગ્યું કે હવે તો દીકરો પણ એનાથી દૂર થઈ ગયો છે.

પણ છતાં પણ ઈશ્વરે એને એક મોકો આપ્યો. થોડાં સમય પછી એના કાકાજી સાસુ સસરાએ એને પિતૃકાર્યની વિધિ માટે એને આમંત્રણ આપ્યું અને કહ્યું કે, તું આ ઘરની વહુ છો એટલે તું આ વિધિમાં આવીશ તો અમને બધાંને ગમશે. નિશ્ચય કે એના માતા પિતા એના પરિવારમાંથી કોઈએ પણ અનામિકાને એક વાર પણ એમ કહ્યું નહોતું કે, તું આ વિધિમાં આવજે. છતાં પણ અનામિકાને એમ થયું કે સમાધાનનો છેલ્લો પ્રયત્ન હું મારા તરફથી જરૂર કરી જોઉં. જેથી મારા દીકરાના જીવનમાં મા ની કમી ન રહે અને મને પણ ભવિષ્યમાં એવો કોઈ વસવસો ન રહે કે, મેં પ્રયત્નો નહોતા કર્યા. પણ ઈશ્વરને તો કંઈ ઓર જ મંજૂર હતું.

અનામિકા એના કાકાજી સાસુ સસરાની ઈચ્છાને માન આપીને ત્યાં ગઈ પણ ખરાં. એમણે જ નિશ્ચયને અનામિકાને લેવાં મોકલ્યો હતો. એટલે એ વડીલોની ઈચ્છાને માન આપીને અનામિકાને લેવા પણ આવ્યો. પણ રસ્તામાં એણે અનામિકાને કહ્યું, "શું કરવાનું છે તારે હવે? તને તો કંઈ દીકરાની પડી છે કે નહીં? કેવી મા છો તું? તને ખબર પણ છે કે, તારો દીકરો કેવી રીતે રહે છે? એની શું પીડા છે એ તું જાણે છે? ઘર છોડીને જતાં પહેલાં તને એકવાર પણ વિચાર ન આવ્યો કે, મારો દીકરો મારા વિના કેમ રહેશે? કોઈ મા આવી હોય જ કંઈ રીતે શકે? મને તો એ જ સમજાતું નથી." નિશ્ચયે આખા રસ્તે પોતાના મનની ભડાશ કાઢી. અને છેલ્લે તો એ એમ પણ બોલી ગયો કે, હવે આપણે બંને છૂટાં પડી જઈએ. એમાં જ તારી ને મારી ભલાઈ છે. આ સંબંધ હવે વધુ સમય નહીં ખેંચી શકાય." નિશ્ચયની આવી વાતો સાંભળીને અનામિકાની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. રસ્તામાં અનામિકા એક શબ્દ પણ ન બોલી. એને લાગ્યું કે, હવે બોલવાનો કોઈ અર્થ જ નથી. જ્યારે નિશ્ચયે છૂટાં પાડવા માટે મને કહી જ દીધું છે તો પછી હવે મારે બોલવાનો શું મતલબ?

બંને હવે વિધિના સ્થળે પહોંચી ગયા હતાં. શાંતિથી બધી વિધિ પતી ગઈ. વિધિ દરમિયાન નિશ્ચય અને અનામિકા બંને બિલકુલ ચૂપ જ હતાં. અને નાનકડો આકાશ! એ તો આ બધું સમજવા માટે હજુ ઘણો નાનો હતો. એ હજુ પણ અનામિકાને જોઈને દૂર જતો રહેતો હતો અને એની દાદીના ખોળામાં જઈને છુપાઈ જતો હતો. વિધિ હવે સંપન્ન થઈ ગઈ હતી.

જેવી વિધિ પૂરી થઈ કે, તરત જ અનામિકા એ ઘરમાંથી બહાર નીકળી ગઈ. એ હવે વધુ એક ક્ષણ પણ ત્યાં રોકાવા ઈચ્છતી જ નહોતી.અને નિશ્ચયના ઘરનાં બધાં જ સભ્યો પોતાના ઘરની આ લક્ષ્મીને આ રીતે દુઃખી થઈને જતી જોઈ રહ્યાં. જે ઘરમાં લક્ષ્મીનું અપમાન થાય છે એનો અંત નિશ્ચિત જ હોય છે.

*****
ઘરે આવીને અનામિકાએ પોતાનો નિર્ણય જણાવ્યો કે, એ નિશ્ચય સાથે હવે બાકીની જિંદગી વિતાવી નહીં શકે અને એ આ સંબંધમાં હવે વધુ બંધાઈને રહી શકશે નહીં. એ હવે છૂટાછેડા ઈચ્છતી હતી. જે સંબંધમાં પ્રેમનું કે લાગણીઓનું જ અસ્તિત્વ ન હોય એવા સંબંધમાં રહેવાનો હવે શું મતલબ? જબરદસ્તીથી બંધાયેલો સંબંધ હંમેશા દુઃખ જ આપે છે.

મનોહરભાઈ અને માનસીબહેને કહ્યું, "બેટા! જે પણ નિર્ણય કર એ બરાબર સમજી વિચારીને કરજે. તું શાંતિથી હજુ પણ વિચારી લે. કારણ કે, છૂટાછેડાનો મતલબ છે આકાશને હંમેશા માટે ગુમાવવો. બોલ! રહી શકીશ તું એના વિના? એક વખત છૂટાછેડા થઈ ગયા તો પછી આકાશ ઉપર તારો કોઈ હક નહીં રહે. અને કોર્ટ સુધી પણ આપણે આકાશની કસ્ટડી માટે જઈ શકીએ છીએ પણ તું ફાઈનાન્સિયલી સ્ટ્રોંગ નથી એટલે તને કોર્ટ આકાશની કસ્ટડી આપે એ કહેવું મુશ્કેલ છે. એટલે આ બધાં જ મુદ્દાઓ વિચારીને તું નિર્ણય લેજે. તું જે પણ નિર્ણય લઈશ એ અમે મંજૂર રાખીશું."

પિતાની આ વાત સાંભળીને અનામિકાને આકાશનું વર્તન યાદ આવી ગયું. એણે પોતાની આંખના આંસુ લૂછયાં અને બોલી, "મારે હવે છૂટાછેડા જ જોઈએ છે. આ મારો આખરી નિર્ણય છે. મેં સમાધાન માટેના પૂરતાં પ્રયત્નો કરી લીધાં છે. એટલે હવે મને આ સંબંધ તૂટશે તો પણ કોઈ દુઃખ નહીં થાય. હું હવે એ માણસ જોડે એક મિનિટ પણ રહી શકું એમ નથી."

"અને આકાશ? એના વિશે શું વિચાર્યું છે?" રાજવીર તરત જ બોલી ઉઠ્યો.

"એ જયાં છે ત્યાં જ એના પિતા જોડે જ રહેશે. મારે હવે છૂટાછેડા જ જોઈએ છે. આ મારો આખરી નિર્ણય છે." અને આ વાત કરતાં અનામિકાને લાગી રહ્યું હતું કે, પોતે એક નિષ્ફળ જીવનસંગિની પુરવાર થઈ છે. પોતાનો આ નિર્ણય સંભળાવતા અનામિકાનું મન ખૂબ જ દુઃખ અને પારાવાર પીડા અનુભવી રહ્યું હતું.

અનામિકાને હવે વધુ કંઈ પણ કહેવાનો કોઈ જ અર્થ સરવાનો નહોતો એ હવે એના ઘરમાં બધાંને જ સમજાઈ ગયું હતું. ઘરનાં બધાંએ અનામિકાની ઈચ્છાને માન આપ્યું અને છ મહિના પછી અનામિકા અને નિશ્ચયના પરસ્પર સહમતિથી છૂટાછેડા થઈ ગયા. અનામિકા હવે એક ખોટા સંબંધમાંથી મુક્ત થઈ ગઈ હતી.

ધીમે ધીમે એ પોતાના દુઃખને ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી. અને એ જ્યાં જીમમાં નોકરી કરતી હતી ત્યાં પોતાનું મન પરોવવા લાગી હતી.

*****
મેહુલે હવે પોતાનો ધંધો શરૂ કર્યા પછી એ બહુ જ બીઝી રહેવા લાગ્યો હતો. અને આમ પણ એ જેટલો વ્યસ્ત રહેતો એટલું જ એના માટે સારું રહેતું. કારણ કે, જેટલો સમય એ વ્યસ્ત રહેતો એટલો સમય એને નિધિને ભૂલવામાં મદદ મળતી.

એક દિવસ એના મોબાઈલમાં એક નોટિફિકેશન આવ્યું. એની સ્કૂલનું કોઈએ વોટ્સએપ ગૃપ બનાવ્યું હતું અને એમાં એ લોકોએ એને એડ કર્યો હતો. એ ગૃપમાં બધાં મેમ્બર કોણ કોણ છે એનું એ લીસ્ટ જોવા લાગ્યો. એણે બધાના નામ વાંચ્યા. મેઘલ, મેઘા, ધરા, ધ્વનિ, મૌલિક, અનામિકા, નિશા, નેહલ, રાજેશ, પીયૂષ, નીલેશ... વગેરે વગેરે.
*****
આ બાજુ અનામિકાએ પણ એ જ વોટ્સ અપ ગૃપમાં પોતાનું નામ જોયું. એવામાં એની નજર મેહુલના ડીપી પર પડી. એને યાદ આવ્યું કે, "હા! અરે! આ તો એ જ મેહુલ કે જે, શાળામાં ગીતો ગાતો હતો અને એમાં ઈનામ પણ જીતતો હતો. અને પછી એણે ભણવાનું પણ કદાચ છોડી દીધું હતું.
અનામિકાએ મેહુલના ડીપીને ઝૂમ કરીને જોયું તો એને ડીપીમાં વીરનો ફોટો દેખાયો. એને જોઈને એને આકાશ યાદ આવ્યો. એ વિચારી રહી કે, આકાશ જેવો જ દેખાતો આ છોકરો કોણ છે? શું એ મેહુલનો દીકરો હશે?"
*****
શું હશે અનામિકાનું ભવિષ્ય? નિશ્ચય સાથેના છૂટાછેડા પછી શું અનામિકા પુનઃવિવાહ માટે તૈયાર થશે? શું અનામિકા જ એ સ્ત્રી છે કે જે મેહુલની જીવનસંગિની અને વીરની મા બનશે?આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.