Jivansangini - 27 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 27

પ્રકરણ-૨૭
(ઋણાનુંબંધ)

અનામિકાએ જ્યારે મેહુલનું ડીપી જોયું ત્યારે એને એમાં વીરનો ફોટો દેખાયો. એને જોઈને એને આકાશ યાદ આવી ગયો. જાણે એ ફોટોમાં દેખાતો વીરનો ચેહરો જોઈને એક અજાણી મમતા એને એ તરફ ખેંચી રહી હતી. હજુ તો એ ફોટો જોઈ જ રહી હતી ત્યાં જ અચાનક એને એ ફોટો દેખાતો બંધ થઈ ગયો.

અચાનક આવી રીતે ફોટો દેખાતો બંધ થઈ જતાં જ એણે ગૃપમાં આવેલા મેસેજમાં જોયું તો એણે જોયું કે, મેહુલ એ ગૃપમાંથી જ ઍકઝીટ થઈ ગયો હતો. એટલે અનામિકાએ ગૃપમાં ઉપરના મેસેજ વાંચવાનું શરૂ કર્યું.

એણે જોયું તો ગૃપમાં બધાં પોતપોતાનો પરિચય આપતાં હતા. બધાં પોતાનો પરિચય અંગ્રેજીમાં આપતા હતાં. પણ મેહુલે એનો પરિચય ગુજરાતીમાં આપ્યો. કારણ કે, ભણવાનું અધૂરું મૂકી દેવાને કારણે એને અંગ્રેજીમાં લખવામાં થોડી તકલીફ પડતી હતી એટલે એણે પોતાનો પરરિચય ગુજરાતીમાં જ લખ્યો હતો. અને એના પછીનો મેસેજ નીલેશનો હતો. એણે મેહુલે ગુજરાતીમાં પરિચય આપ્યો હતો એટલે એણે મજાક કરતો મેસેજ લખ્યો હતો કે, જોઈ લ્યો બધાં. બધાં ઈંગ્લીશમાં ઈન્ટ્રો આપે છે ને આ ભાઈ ગુજરાતીમાં પોતાનો ઈન્ટ્રો ઓહ ના ના સોરી! હો પરિચય આપે છે. એ મેહુલ! આ શું ગામડિયાની જેમ પરિચય આપે છે! ઈંગ્લીશમાં લખ ભાઈ.

અને આ મેસેજ જોયા પછી તરત જ મેહુલ લેફ્ટ ધ ગૃપ એવો મેસેજ હતો.

અનામિકાથી રહેવાયું નહીં એટલે એણે મેહુલનો જે નંબર હતો એ નંબરમાં એણે એને પર્સનલ મેસેજ કર્યો કે, કોઈના મજાક કરવાથી કંઈ ગૃપ કેમ છોડી દેવાય? બધાં પોતાની બુદ્ધિ પ્રમાણે જ વર્તવાના છે. તું કેમ તારી માથે લઈ લે છે?

આ મેસેજ વાંચીને મેહુલે તરત રીપ્લાય કર્યો, "હું જાણી શકું કે તમે કોણ છો?"

અનામિકાએ જવાબ આપ્યો, "હું અનામિકા. ઓળખાણ પડી?"

"હા, હા, હવે યાદ આવ્યું. તું તો સ્કૂલમાં બહુ જ શાંત છોકરી હતી નહીં? એ જ અનામિકાને તું?" મેહુલને યાદ આવ્યું.

"હા, હું એ જ અનામિકા. અને તું પણ સારો ગાયક હતો અને સ્પર્ધામાં ઈનામો જીતતો હતો. બરાબર ને? અને પછી કદાચ તે દસમા પછી ભણવાનું પણ છોડી દીધું હતું ને?" અનામિકાએ પૂછ્યું.

"હા, તું બરાબર ઓળખી મને. હા, મેં દસમા પછી ભણવાનું છોડી દીધું હતું. ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને મારે કમાવવું જ પડે એમ હતું. એટલે હું ભણી શક્યો નહોતો જેનો મને હજુ આજે પણ અફસોસ છે."

"આ ડીપીમાં જેનો ફોટો છે એ કોણ છે? તારો દીકરો છે?" અનામિકાએ અત્યાર સુધી પોતાના મનમાં રમી રહેલો પ્રશ્ન પૂછ્યો.
"હા, એ મારો દીકરો છે. વીર નામ છે એનું." મેહુલે જવાબ આપ્યો.
"તારો દીકરો વીર એકદમ ક્યૂટ લાગે છે." અનામિકા બોલી.
"અને તારી વાઈફ? એ શું કરે છે?" અનામિકાએ પૂછ્યું.
"એ હવે આ દુનિયામાં નથી. ઈશ્વર પાસે ચાલી ગઈ." મેહુલે જવાબ આપ્યો. અનામિકાના આ પ્રશ્નથી મેહુલને નિધિની યાદ ફરી તાજી થઈ ગઈ અને એને એની યાદ આવતાં એની આંખો ભીની થઈ.
"ઓહ! આઈ એમ રીયલી વેરી સોરી! મને ખ્યાલ નહોતો." અનામિકાને મેહુલને આ પ્રશ્ન પૂછવાનું દુઃખ થયું.
"ઈટ્સ ઓકે. તને ક્યાં સત્યની ખબર હતી? ઈશ્વરને પણ કદાચ એની જરૂરીયાત મારા કરતા વધુ હશે એટલે એને એની પાસે બોલાવી લીધી. એની વે. તું તારા વિશે જણાવ.
"મારે પણ એક દીકરો છે. આકાશ! પણ એ હવે મારી સાથે નથી રહેતો." અનામિકાએ કહ્યું.
"કેમ?" મેહુલે પૂછ્યું.
"અમારા ડિવોર્સ થઈ ગયાં છે. અને એ એના પપ્પા સાથે રહે છે." અનામિકા બોલી.
"ઓહ! સોરી. મને પણ ખબર નહોતી આ વાતની." મેહુલે કહ્યું.
"કંઈ વાંધો નહીં. અમારાં ઋણાનુબંધ કદાચ હવે પૂરાં થઈ ગયાં હશે. એટલે જ આ સંબંધનો અંત આવી ગયો હશે." અનામિકાએ પોતાની વાત જણાવી.
"તો શું તું તારા દીકરાને મળે છે કે નહીં?" મેહુલે પૂછ્યું.
"ના, મને એને મળવાની જ એના પપ્પાએ મનાઈ કરી દીધી છે." અનામિકાને આકાશ સાથેની છેલ્લી મુલાકાત યાદ આવી અને એની આંખો ભીની બની.
"સારું ચલ બાય. મારે થોડું કામ છે." આટલું કહી અનામિકાએ હવે મેહુલ જોડે વધુ વાત કરવાનું ટાળ્યું.
"ઓકે બાય." મેહુલે પણ હવે ચેટ બંધ કર્યું. અને એ પણ પોતાની ઓફીસ જવા માટે રવાના થયો.

*****
નિશ્ચય હવે શાળાએથી આકાશને લઈને ઘરે આવી ગયો હતો. અનામિકા જોડેના ડિવોર્સ પછી એને આકાશની પરવરીશમાં ઘણી તકલીફ પડી રહી હતી. એકબાજુ એને પોતાનો બિઝનેસ સંભાળવાનો હતો અને બીજી બાજુ એણે અત્યાર સુધી જે કામ અનામિકા કરતી હતી એ બધું જ કામ જેમ કે, આકાશની પરવરીશથી માંડીને એને ભણાવવવાનું, રસોઈ બનાવવાનું બધું જ કામ જાતે કરવું પડતું હતું.

નાનકડો આકાશ પિતાની આવી હાલત જોઈ રહેતો પરંતુ એ કંઈ બોલતો નહીં. એને ક્યારેક ક્યારેક એની મમ્મી યાદ આવી જતી પણ ઘરમાં કોઈને એ આ વાત જણાવા દેતો નહીં. એ હવે ઘરમાં પણ ચૂપચાપ જ રહેવા લાગ્યો હતો અને પોતાનાથી જેટલું બને એટલું કામ એ હવે જાતે જ કરવા લાગ્યો હતો. એ સ્કૂલે જવા માટે જાતે જ યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ જતો. અને સ્કૂલેથી આવીને જમવાનું પણ જાતે જ લઈ લેતો અને જમીને થાળી વ્યવસ્થિત રીતે બેઝિનમાં મૂકી દેતો. ટૂંકમાં એનાથી જેટલા કામ જાતે થઈ શકે એમ હતા એ બધાં જ પોતાની જાતે કરવા લાગ્યો હતો. એ એની ઉંમર કરતાં કદાચ વહેલો જ મોટો થઈ ગયો હતો.

*****
શું હશે અનામિકા અને મેહુલનું ભવિષ્ય? શું અનામિકા જ બનશે મેહુલની જીવનસંગિની? શું હશે આકાશ અને નિશ્ચયનું ભવિષ્ય? શું નિશ્ચયને એના કર્મોની સજા મળશે? શું અનામિકા ક્યારેય પણ આકાશને મળી શકશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.