This message was deleted books and stories free download online pdf in Gujarati

This message was deleted

આજ તેનું મન પાછું વિહવળ બની ગયું. હમણાં તો રોજ વોટસએપ ખોલે અને તેનો' This Message was deleted.' વાંચવા મળતું જ. આજ પણ એમ જ હતું.આમ તો તે બન્ને બેસ્ટ ફ્રેન્ડ હતા..કોઈ પણ જાતનાં જેન્ડર બાયસ વગર બન્ને એકબીજાને તમામ વાતો શેર કરતા. એક ટ્રેનિંગમાં તેઓની મુલાકાત થઈ હતી. ધણીવાર સાથે કામ કરવાનું થતું ,એટલે વાતચીતનો દોર આગળ ચાલ્યો.કદાચ બન્ને વચ્ચેનું બિન્દાસપણું એકબીજાને વધુ નજીક લાવી દીધા હતા.આખા દિવસમાં કમ સે કમ એકવાર તો ગુડ મોર્નિંગ ના મેસેજની આપ લે થઈ જ જતી.કોઈવાર બહુ કામમાં રોકાયેલાં હોય તો બપોરે ચાર વાગે પણ તેઓનું ગુડ મોર્નિંગ જ હોય. તેઓની વાતચીતના ખાસ અસુલ અને નિયમો હતાં જો સામેથી બિઝીનો મેસેજ આવે એટલે ગુસ્સાવાળું લાલ મોઢું મોકલાવી ગુસ્સો ઉતાર્યાનો સંતોષ માની લઈ પાછાં પોતપોતાના કામે વળગી જતાં.પણ હા ક્યારેય ફરજના ભોગે વાતો ન કરતાં.એટલે જ વ્યસ્તનો મેસેજ આવ્યા પછી પાછો 'hi' નો મેસેજ ન આવે ત્યાં સુધી બોલતાં નહિ.પણ જો કોઈ પ્રોબ્લેમ કે મૂંઝવણ ઉભી થાય તો રિંગ રણકે કે તરત ફોન ઉપાડી વાતો શેર કરી લેતાં.સ્ત્રી - પુરુષની મિત્રતાનું તેઓ જાણે ઉત્કૃષ્ટ ઉદાહરણ હતાં! બન્ને પરણિત હતાં. આ મિત્રતાની તેઓના ઘરે પણ ખબર હતી અને સહર્ષ સ્વીકારેલ પણ હતી. એટલે જ તો કોઈ કોઈ વાર ફેમિલી સાથે જમવાનું પણ ગોઠવાતું. આજકાલ છૂટેલાં તીર પાછાં ખેંચી શકાય છે.જો સામેવાળાની બાજ નજર અને તેજ નેટ ન હોય તો.આ DELETE FOR EVERYONE વિકીનું હથિયાર હતું વિદ્યાને વિચારતી કરવાં માટેનું .વિદ્યા ? મુકી પૂછી પણ લેતી , તો કંઈ ખાસ નહિ . આ એક જ જવાબ મળતો .આ ' કંઈ ખાસ નહિ ' તે જ જાણે હવે વિદ્યા માટે ખાસ બની ગયો હતો . શું હશે તે મેસેજ ? કોઈ સસ્પેન્સ ફિલ્મની જેમ તેના મનમાં ઘૂમરાયા રાખતો. 'કુછ તો હૈ દયા ' CID નો ડાયલોગ યાદ આવી જતો.હવે તો એટલી હદે આ વધી ગયું હતું કે ઘણીવાર દિવસમાં બે ત્રણ વાર deleted મેસેજ આવવાં લાગ્યાં.હવે પૂછતી નહિ.કારણ ખબર હતી કે શું જવાબ મળશે. એકબીજાની પર્સનલ લાઇફની વાતો પણ શેર થતી, તો પછી આ તેનાંથી પણ શું એવી વિશેષ વાત હશે જે ડિલીટ ફોર એવેરી વન થઈ જતી ?? તેનો બદલો લેવા વિદ્યા પણ ખોટાં મેસેજ મૂકી ડિલીટ ફોર એવરી વન કરી નાખતી.પણ વિકી જાણે સમજી જાતો અને એકપણ વાર પૂછતો નહિ કે શું ડિલીટ કર્યું .તેનું આ મૌન પણ વિદ્યાને વધુ અકળાવતું.આજ તો રજાનો દિવસ હતો. કામથી વહેલી ફ્રી થઇ આ ડિલીટ મેસેજ નું સોલ્યુશન કાઢવા બેઠી.મગજના સર્ચ એન્જિનએ આખરે ઉપાય શોધી કાઢ્યો. બીજાં દિવસે હવે જાણે તે જ મેસેજની રાહ જોતી હોઉં તેમ વિદ્યા વારે વારે જોયાં રાખતી .પણ જાણે ટેલીપથી થઇ ગઇ હોય એમ ચાર પાંચ દિવસ થયાં આવો એકપણ મેસેજ ન આવ્યો. પાછાં જાણે નોર્મલ બની ગયા હોય તેમ વાતો કરતાં.વિદ્યા પણ આ બાબતમાં હવે બેફિકર બની ગઈ હતી.પણ આ શું !?? આજે ફરી this message was deleted .. આવ્યું. લગભગ એકાદ કલાક પહેલાંનો હશે.વિદ્યાએ સર્ચ એન્જિન કામે લગાડ્યું.અને મેસેજ વાંચી વિદ્યા જાણે આખે આખી વંચાય ગઈ,પરખાય ગઈ કે શું ??!! એક રોમાંચ સાથે ઉતેજના અને ઉત્કંઠા જાગી. જો કે એક ખૂણે કોઈ અજ્ઞાત ભય પણ સાથે ઊઠી રહ્યો.
શું હતો વિકીનો મેસેજ ????
શું વિદ્યાએ મનમાં વિચાર્યું હતું એવું જ હતું ?
વિદ્યા એ શું વિચાર્યું હતું ?
To be continued....

'હું તને મળવા માંગુ છું.એક ખાસ વાત કહેવા માંગુ છું.'
ડિલીટ થયેલી અમુક અનુભૂતિઓ જાણે પાછી જાગૃત થઈ.
હું પણ તને મળવા માંગુ છું વિકી.
ઓકે વિદ્યા.
આજ વાંદરી. વાયડી. જાડો.વડીલ જેવાં સંબોધનનું સ્થાન નામે લીધું હતું. આજ જાણે બન્ને પ્રથમ વાર જ પરિચયમાં આવ્યાં હોય તેવી લાગણી અનુભવતાં હતા.આજે નિર્દોષ મોજ - મસ્તી, નિખાલસ વાતોનું સ્થાન કોઈ ગંભીર વાત એ લીધું હતું. બન્ને જાણે mature થઈ ગયા હતા. રોજ તો મેસેજ કે ફોનમાં મળતાં.રૂબરૂ પણ ક્યારેક મળતાં જો કે ફેમિલી સાથે મળવાનું વધુ થતું.પણ વિના કહે સમજી ગયા હતાં કે આમાં એકલું મળવાનું છે ત્યારની મનોસ્થિતિ જુદી હશે. આટલાં નજીક છતાં આ રીતે કોઈ સ્પેશિયલ કારણસર મળવું મુશ્કેલ હતું.આમ તો બન્ને વચ્ચે ની વાતો ઘણીવાર ઘરમાં પણ શેર થતી. આજની આ વાત બન્નેમાંથી કોઈ ઘરે કરવાનું નહતું તેની પણ વગર વાતે ખાતરી જ હતી.કંઈ રીતે મળશું ? શું વાત હશે ? હું વિચારું છું એજ હશે કે ? આવા અનેક વિચાર સાથે વિદ્યા એ આજની રાત પુરી કરી. બન્ને એ આજ સુધી ઘરે કંઈ જ છુપાવ્યું ન હતું પણ આ વાતમાં બન્ને એ કપટયુક્ત મૌન રાખ્યું હતું.એટલે આજ પહેલીવાર કંઈ રીતે ? ક્યાં મળશું ? તે પ્રશ્ન પેચીદો હતો.જો કે મોકો મળશે ત્યારે મળશું એમ વિચારી બન્નેએ આ વાત હાલ પૂરતી એક ખૂણે મૂકી દીધી હતી.અને તેમનાં રોજનાં શિડયુઅલમાં ખોવાઈ ગયા હતા. એકલાં પડતાં જ મનમાં જાણે મિલન ની ઝંખના થઈ આવતી અને ક્યારે મળશું? તે વિચાર રોમાંચ સાથે વ્યથિત પણ કરી જતો. આખરે તે દિવસ આવ્યો ,અનાયાસે જ. વિદ્યા બસની રાહ જોતી ઉભી હતી.ત્યાં તેની નજર વિકી પર પડી.વિકી પણ ત્યાં કોઈને લેવા આવ્યો હતો.એક જવા માટેની પ્રતિક્ષામાં હતું તો બીજું કોઈના આગમનની પ્રતીક્ષામાં. પણ એક વાતની પ્રતિક્ષા બન્ને ના મન માં સરખી હતી. બસ મોડી થાય તો સારું તેવી એક જ સરખી લાગણી હતી. સામે જ ચાની કેબિન હતી. બન્ને ચા પીવાના બહાને ત્યાં બેઠાં આમતો આ રીતે જાહેરમાં બન્ને ઘણીવાર ચા પીવા સાથે જતાં.કારણ બન્ને વચ્ચે એક નિર્દોષ દોસ્તીનો ભાવ હતો.પણ આજ આ ભાવ સાથે જાણે કૈંક અજાણી લાગણી પણ ભળી હોય તેવું લાગ્યું.અને આ લાગણીએ જ જાણે આજ બંનેને અપરિચિત જેવા કરી દીધા હતા. વિદ્યા તેનાં કરતા ઉંમરમાં મોટી હતી તો પણ જાણે આજ તેના મનમાં દબાયેલી ઈચ્છાઓ જાગૃત થઈ હતી.અને આજ તે ઈચ્છાએ તેને એક બોલ્ડ , અલ્લડ છોકરીને બદલે એક શરમાળ છોકરી બનાવી દીધી હતી .તેના અસ્ત વ્યસ્ત વાળ આજ વિકી ને આકર્ષી રહ્યા હતા.આજ બન્ને એકબીજા ને એક નવા રૂપમાં જોઇ રહ્યા હતા.શું વાત કહેવી છે વિકી ?
વિદ્યાએ ખૂણે મૂકી રાખેલ તીર છોડ્યું.અત્યારે નહિ .વાત લાંબી છે. ના પણ જેટલી થાય તેટલી તો કહે. હું કોક પ્રત્યે કૈંક અનુભવું છું.આ સાંભળી વિદ્યાને શરીરમાં એક ધ્રુજારી પ્રસરી ગઈ.એમ !! તારા લીસ્ટમાં તે કેટલામી છે તે કહે. વિકીએ જ વિદ્યાને તેની બધી જ જૂની ગર્લ ફ્રેન્ડ વિશે કહેલું.પોતે કેવો હતો તે એકદમ નિખાલસ ભાવે સ્વીકારી બધી જ વાત કરી હતી. વિદ્યા તેનાં કરતાં મોટી હતી .એટલે મજાકમાં કહેતો કે વડીલથી કોઈ વાત છુપાવાય નહિ . કોણ છે તે ? તારો ઇંતજાર પૂરો થયો.આ સાંભળી વિદ્યા હજુ કૈંક વિચારે કે બોલે તે પહેલાં વિકી એ કહ્યું , "તારી બસ આવી ગઈ.જા તારે મોડું થઇ ગયું છે.™ સાચી વાત છે વિકી હું મોડી નહિ થોડી વહેલી થઈ ગઈ .એમ મનમાં વિચારતી બસમાં બેસી ગઈ. જે પ્રશ્નનો ઉત્તર મેળવવા વિદ્યા તત્પર હતી આજ તેનાં ઉત્તરે વિદ્યાને વધુ પ્રશ્નો આપ્યાં. આજ વિકી તેને રોજ કરતા અલગ લાગ્યો હતો. શું વિકી પણ તે જ ઈચ્છતો હતો ? એટલે જ તે મને મળવા માંગતો હતો ? કે પછી .... કોઈક બીજી જ હશે.?? કોણ હશે તે ?
જે હોય તે.તે તો છે જ
રંગીલો .પણ તેમાં તું આટલી ઉદાસ શા માટે થઈ ગઈ ? વિદ્યા મનોમન વિચારી રહી હતી.
શું વિદ્યાએ કૈક બીજું વિચાર્યું હતું ?
શું વિદ્યાને વિકી પ્રત્યે કૈંક ભાવ જાગ્યા હતાં?
શું વિકી ના જીવનમાં બીજી કોઈ એ સ્થાન લીધું હતું ?
To be continued...

વિકીએ જ્યારે તેની લાઈફ ની બધી જ જૂની વાતો કરી હતી ત્યારે વિદ્યા પોતાને ધન્ય સમજતી. અને માનતી કે પોતે વિકીને કેટલી વિશ્વાસ પાત્ર લાગી હશે કે તેણે પોતાની આખી કિતાબ ખુલ્લી મૂકી દીધી.જ્યારે વિકીએ બધી જ ગર્લ ફ્રેન્ડ વિશે કહેલું ત્યારે વિદ્યાનાં મનમાં એક પણ વાર ઈર્ષાનો ભાવ નહતો જન્મ્યો.તો આજ શા માટે ? કદાચ ત્યારે વિકીએ વર્ણવેલ વાતો તેનો ભૂતકાળ હતો. પોતે વર્તમાન છે.અને હવે વિકી ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે.પણ પોતે ક્યાં તેની ગર્લ ફ્રેન્ડ છે.?? તો પછી શા માટે આજ વિકી ની વાત તેને ન ગમી ? એકાંતમાં પણ બન્ને કેટલી વાર મળ્યાં હતાં પણ ક્યારેય કોઈ તેવો ભાવ જાગૃત જ નહતો.થયો .તો પછી આજ શા માટે જલન થાય છે? આજ વિકી શા માટે અલગ લાગ્યો? ત્યાં તરત જ વિદ્યાને એક શરત યાદ આવી. છેલ્લાં બે વર્ષોમાં એવું કશું જ ખાસ નહતું બન્યું કે જેથી બન્ને એ તે શરત યાદ કરવી પડે.વિદ્યાએ જ્યારે વિકી સાથે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેણે વિકી પાસેથી એક પ્રોમિસ લીધું હતું .કદાચ વિકી તે પ્રોમિસ તોડવા જઈ રહ્યો છે. રોજની જેમ આજ બન્ને પોતપોતાની ઓફિસે ગયા.કામની વ્યસ્તતા માં ગઈકાલ ની વાતો ભુલાઈ ગઈ હતી .પણ જમવા સમયે વિકી નો Hi નો મેસેજ આવ્યો.busy છું.પણ વિકી સમજી ગયો.તે જાણતો હતો કે વિદ્યા બહુ જ એગ્રેસીવ છે. કાલની વાત થી તેને દુઃખ થયું હશે.તેથી આજ તેણે પણ વાત કરવાનું ઉચિત ન માન્યું. આવું થોડાં દિવસ ચાલ્યું. વિદ્યા પોતાને કામ માં વ્યસ્ત રાખવા લાગી. વિકી પણ તેનો સ્વભાવ જાણતો હતો.તેને થયું ગુસ્સામાં છે નથી બોલાવી.વિકી ન બોલાવતો. વિદ્યા સમજતી કે વિકીનો સ્વાર્થ પૂરો થઈ ગયો. એક ખાસ વાતે આજ આ ખાસ દોસ્તી ને તોડી હતી. હવે ધીરે ધીરે ફેમિલી રિલેશન પણ બંધ થઈ ગયા. વોટસઅપ માં પણ ક્યારેક Hi હેલો ના ઔપચારિક મેસેજ જ થતાં.એક નિર્દોષ દોસ્તીને નજર લાગી ગઈ.પણ વિદ્યા પોતાના સ્વભાવ પ્રમાણે બહુ જાજા દિવસ વિકી સાથે વાત કર્યા વગર રહી શકે તેમ ન હતી .આજ મેસેજને બદલે સીધો કોલ જ કર્યો. વિકી તું પણ મારી લાઈફ માં આવેલાં અન્ય પુરુષો જેવો જ નીકળ્યો.તને મે બીજા કરતા અલગ માન્યો હતો.પણ તું ય..યાદ કર મે તારી.સાથે એક શરત રાખી હતી.તું તે ભૂલી ગયો ?મે તને પહેલે થી જ બધું કહ્યું હતું. .
વિદ્યાએ શું શરત રાખી હતી ?
બન્ને એ શું નક્કી કર્યું હતું ?


બસ કર વિદ્યા.શું હું અનુભવું છું તે તું નથી અનુભવતી ?? શું તું જ ડિલીટેડ મેસેજ વાંચી શકે છે.હું નહિ ? હું તો તને વાંચી શકું છું!!અને એટલે જ તને મળવા બોલાવી હતી .મે કોઈ જ શરત તોડી નથી ..તે દિવસે રોજની જેમ હાથ પણ નથી મિલાવ્યા.કારણ હું તારી અંદરની અનુભૂતિ પામી ગયો હતો.તું એકલી મળશ ત્યારે જ મને ખૂબસૂરત લાગશ તેવું નથી. તું મારી સાથે ઝઘડતી હો કે મને ધમકાવતી હો ત્યારે પણ ખૂબસૂરત લાગશ. તને તો હું રંગીલો લાગતો હોઇશ પણ યાદ કર મે તારી સાથે એકપણ વાર રંગરેલિયા મનાવી છે ? નહિ ને !! કારણ હું તને પામવા માંગતો હતો .આખે આખી પામવા. તારી શરતે નહિ પણ તને ખોવાની બીકે હું તારા થી અંતર બનાવીને રહેતો હતો.પણ જ્યારે મે તને મળવા બોલાવી ત્યારે તારી દબાયેલી ઈચ્છાઓ ને જાણતો હતો .તે બહાર લાવવા માંગતો હતો. જાણવા માંગતી હતી ને કે કોણ આવી મારી લાઈફમાં ? તું જ આવી હતી .પણ તું તારી શરતો ,તારા અસુલો થી મુક્ત થઈ મને જો તો જાણ ને . તારી દબાયેલી લાગણીઓ ને બહાર લાવવા જ ' કોઈ' નો મારી લાઈફ માં પ્રવેશ કરાવ્યો. તું હંમેશા આપણી વચ્ચેની ઉમર જોતી રહી અને હું આપણી વચ્ચે રહેલી સમજ. હું આપણાં બન્નેની મર્યાદા સારી રીતે જાણતો હતો . આપણાં ફેમિલી સાથે પણ કોઈ અન્યાય કરવા નહતો માંગતો. પણ તું જે વાતે વાતે આપણી વચ્ચે ની ઉંમર ને લઈ આવતી હતી ને તે નહતું ગમતું.તારી અંદર રહેલા આ વધતી ઉંમરના નિસાસા હું અનુભવી શકતો હતો .તને તેમાંથી બહાર લાવવી હતી .તને કહેવું હતું તું સફેદ વાળમાં પણ એટલી જ સુંદર દેખાય છે.તારી ચામડી લબડી જાશે ત્યારે પણ તું મને આટલી જ ખૂબસૂરત લાગીશ .ત્યારે પણ હું તને આટલો જ ચાહીશ.બસ આ કહેવા જ તને મળવું હતું . તારી શરતો તો આપણી દોસ્તી ની જાન છે. .હું ક્ષણિક આનંદ માટે થઈ તને જીવનભર ગુમાવવા નહતો માંગતો. પણ બળતરા વાળી ખરીને! મારી આભાસી ગર્લ ફ્રેન્ડ ને ગોતવામાં પડી ગઈ !!. મને લાગે તેમાં જ આવું ફિગર જાળવ્યું લાગે. આજ પહેલીવાર ઉલટું થયું હતું.વિકી બોલી રહ્યો હતો ,વિદ્યા સાંભળી રહી હતી. વિકી તને તો હું કેવો સમજતી હતી ? એક નાદાન ,અલ્લડ,રંગીલો પણ તું તો યાર મારા કરતાંય ....કહેતાં વિદ્યાનાં આંસુના બંધ છૂટયા.વિકી કોઈ કહેવાતા સમાજ માટે નહિ પણ આપણી દોસ્તી માટે મે શરતો રાખી હતી કે આપણે ક્યારેય એવું કંઈ જ નહિ કરીએ .અને તને હું કૈંક આગળ વધેલો જોવા માંગુ છું .ક્લાસ ૧/૨ ઓફિસર. એટલે તારી પાસે પ્રોમિસ પણ લેવડાવ્યું હતું કે આજ પછી બીજી ' કોઈ ' ના ચકકરમાં નહિ.જેથી તું તારી કેરિયર પર ધ્યાન આપી શકે. વિકી દોસ્ત બનીને તો બધા પ્રેમમાં પડે અને ક્યારેક પરણી પણ જાય.પણ હું વગર કોઈ બંધન માં બંધાયા વગર પ્રેમ ને દોસ્તીમાં ફેરવવા માંગતી હતી. કહેવાતા સમાજ ને એક સ્ત્રી પુરુષ વચ્ચે નિર્દોષ દોસ્તી પણ હોય શકે તે બતાવવા માંગતી હતી. તું મારો સાચો દોસ્ત નીકળ્યો , હું જ્યાં લપસી પડું એમ હતી ત્યાં તે મને સંભાળી લીધી .આટલું કહી ને વિદ્યા વિકી ને વીંટળાઈ ગઈ .પણ તેઓના આ આલિંગનમાં ઉન્માદ નહતો ..હતો તો એક નિર્દોષ નિર્મળ પ્રેમ.,..એક ડિલીટેડ મેસેજે કેટલાંય પ્રશ્નોનાં ઉત્તર આપી દીધા હતા.વિદ્યા અને વિકી આજ ખરા અર્થમાં ફ્રેન્ડ શિપ ડે ઉજવી રહ્યા હતાં.