Vasudha-Vasuma - 56 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -56

વસુધા -વસુમાં

પ્રકરણ : 56

 

        વસુધા પરવારીને તૈયાર થઇ ગઈ હતી. લાલી તથા અન્ય ગાય-ભેંશને નીર, ખોળ, પાણી બધું અપાઈ ગયું હતું હમણાંથી રમીલા સાથી તરીકે કામ કરવાં આવતી એણે ગમાણ સાફ કરી બધે ધૂપ કરી દીધો હતો. વસુધા આકુને દૂધ પાઇ એને નવરાવી કપડાં પહેરાવી રમાડીને થોડીવાર સૂર્યનાં તડકે લઈને બેઠી એની સાથે વાતો કરતી...આકુ એની નાની નાની નિર્દોષ આંખોથી વસુધાને જોઈ રહેતી...વસુધાની આંખો એને જોઈ હસી ઉઠતી...હસતી આંખો ક્યારે રડી ઉઠતી ખબરજ નહોતી પડતી.

વસુધાએ સમય થતાં આકુને ઘોડિયામાં સુવરાવી અને મીઠાં અવાજે હાલરડા ગાતાં આકુ ક્યારે સુઈ ગઈ ખબર ના પડી...ત્યાં રમણકાકાનો દ્રાઇવર જે એમનો ભત્રીજોજ હતો...એમનાં ભાઈનાં મૃત્યુ પછી એમની સાથેજ રહેતો...બકુલ એ રશ્મી અને ભાવના બંન્નેને લઈને આવેલો. રમણકાકાનો પોતાનો દિકરો મહેશ આણંદ ડેરીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો અને ખેતી પણ સંભાળતો. ઘરનાં વાડાનાં ગાય ભેંશ બધાને રમણકાકાની વહુ -દિકરાની વહુ રશ્મી, દિકરી ભાવના સાંભળી લેતાં...

વસુધા જીપનો અવાજ સાંભળી બહાર આવીને બોલી “બકુલભાઈ હું હમણાં આવું સરલાબેનને લઈને..”.એમ કહી એણે વાડામાં હાંક મારી સરલાબેન કહે “બસ આવું તૈયારજ છું” ભાનુબહેને કહ્યું "તમે જઈ આવો તારાં બાપા પોલીસ પટેલની પાસે ગયાં છે અને કહેતાં હતાં આપણી ગાડી પણ લેતાં આવશે બધું તૈયાર છે...એવું હોય તો તમે મળતાં જજો..."

વસુધાએ કહ્યું "ભલે માં..." ત્યાં સરલા પણ આવી ગઈ બંન્ને ભાભી નણંદ રમણકાકાની જીપમાં બેસી ગયાં. બકુલની બાજુમાં એની બહેન ભાવના -બાકી બધાં પાછળ બેઠાં.

વસુધાએ કહ્યું “બકુલભાઈ તમે પેલાં સુરેશભાઈની દુકાન એટલેકે ઓફિસ જોઈ છે ? આણંદમાં ડેરી રોડ પરજ છે..”.બકુલે કહ્યું “હાં ભાભી મેં જોઈ છે ત્યાંજ સીધો લઇ લઉં ને ?” વસુધાએ કહ્યું “હાં હું એમનાં મિત્ર નલિનભાઈને પણ ફોન કરીને જણાવી દઉં છું એમને ફાવે એવું હોય તો ત્યાંજ બોલાવી લઉં...” એમ કહી સીધો નલિનને ફોન જોડ્યો...

બકુલે જીપ આગળ વધારી અને ગામની ભાગોળથી બહાર નીકળ્યાં ત્યાં સામેથી વસુધાને પોતાની કાર આવતી દેખાઈ. કરસન અને પાપાને આવતાં જોયાં...એણે કહ્યું “બકુલભાઈ સામેથી પાપા આવે છે તમે એમને હાથ કરી જીપ ઉભી રાખશો મારે કામ છે..”.

બકુલે કહ્યું “ભલે ભાભી એણે કરસનને ગાડી ચલાવતો જોયો અને એણે હાથ કરી ઉભો રાખ્યો. કરસને બધાંને જોયાં અને સમજી ગયો એણે ગાડીને સાઈડ કરીને ઉભી રાખી. વસુધા અને સરલા બંન્ને જીપમાંથી ઉતર્યા અને પાપા પાસે ગયાં. ગુણવંતભાઈએ કહ્યું “આણંદ જાવ છો ? ...” વસુધાએ કહ્યું “હા પાપા. “

સરલાએ પ”પાપા ગાડી તો નવીજ થઈને આવી ગઈ... અને હવે શાંતિ...ત્યાં વસુધાએ પણ ખુશી જતાવીને કહ્યું પાપા સારું થયું આ એક કામ પત્યું પોલીસ પટેલે શું કહ્યું ?” કરસને એનો જવાબ આપતાં કહ્યું ‘ગુણવંતકાકા તો આજે ઉશ્કેરાઈ ગયાં હતાં કે આલોકોને તમે હજી સજા કેમ નથી અપાવી ?’ પણ પોલીસ પટેલ ઘણાં સારાં માણસ છે બધું સમજે છે... એમણે કહ્યું “ ધરપકડ કરી લીધી છે હવે પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરશે પછી સજા થશેજ. “

“ભાભી આખા આહીર સમાજમાં સોંપો પડી ગયો છે એ સમાજમાં તો કેવાં કેવાં સારાં માણસો છે લોક ઉપયોગી કામ કરે છે...અને આ લોકો કેવા પાક્યાં ? મોટાં માથાં ગણાતાં બધાનાં માથા નીચા થઇ ગયાં છે અને હવે પેટભરીને પસ્તાય છે શું કરવાનું ?”

ગુણવંતભાઈએ કહ્યું “ઈર્ષાનું ઝેર આટલું બધું હોય ? કોઈનાં જુવાનજોધ છોકરાને મોતને ઘાટ ઉતારી દીધો” એમ કહેતાં કહેતાં આંખમાં આંસુ ધસી આવ્યા. કરસને કહ્યું “કાકા હવે બસ કરો તમારે તો મજબૂત રહેવાનું છે બધાને હિંમત આપવાની છે હવે બધું કુદરત પર છોડો એ સાચો તટસ્થ ન્યાય કરશે”.

વસુધા બધું સાંભળી રહી હતી એની આંખનાં ખૂણા ભીના થયાં પણ આંસુ સરવા ના દીધાં આંખનાં ખૂણે કેદ કરી રાખ્યાં ગાડી જોઈનેજ પીતાંબરની યાદો બધી તાજી થઇ ગઈ હતી એણે કહ્યું ”પાપા આકુ હું ફોઈની પાસે મૂકીને આવી છું હું અને સરલા તથા રશ્મી - ભાવના બધાં સાથેજ સુરેશભાઈની ઓફીસે જઈએ છીએ નલિનભાઈને પણ ફોન કરીને બોલાવી લીધાં છે અમે બધું સમજીને આવીએ છીએ”.

ગુણવંતભાઈએ બકુલને જોઈને કહ્યું "ભાઈ સાચવીને લઇ જજે અને લાવજે... વસુધાને કહ્યું દિકરા તને ઠીક લાગે એ નિર્ણય લેજે...જરૂર પડે મને ફોન કરજે” એમ કહી બંન્ને એમનાં કામ તરફ નીકળ્યાં...

*****

"આજે તું ગૌરી બહુ તોફાન કરે છે... સવારથી તારી પાછળ પાછળ છું હવે તું મોટી થતી જાય છે તોફાન ઓછાં કર...સાંભળે છે ગૌરી...ગૌરી...અવંતિકા એની વાછરડી ગૌરીને સંબોધીને કહી રહી હતી અને હસી રહી હતી...પેલી વાછરડી ગૌરી પણ ખુબ તોફાની હતી એ અવંતિકાની સામે જુએ ઉછળે એનાં ખભા પર આગળનાં બે પગ મૂકે અને પાછી ઉતરે કુદે આમ તોફાનજ કરતી અવંતિકાને જાણે માતૃત્વ ઉભરાતું હોય એમ એને ખુબ વહાલ કરતી એને ચૂમી લેતી એનાં માથે ગળામાં હાથ ફેરવતી...

અવંતિકાએ એને પાણીથી નવરાવી સ્વચ્છ કરીને ટુવાલથી લૂછી તો એ કૂદાકૂદજ કરે...આખું શરીર ધ્રુજાવે અને પાણી ખંખેરે અને પછી અવંતિકાને ચાટે...અવંતિકાએ એને ખીલે બાંધીને કહ્યું મને ખબર છે તને નવરાવી એટલે હવે ભૂખ લાગશે તને હમણાંજ કુણું કુણું  ઘાસ અને થોડોક મગફળીનો ખોળ આપું છું...મારી વ્હાલી ગૌરી...એમ કહી વ્હાલ કર્યું અને બોલી મારે હજી પુસ્તક વાંચવાનું છે આગળ...કેટલાય દિવસથી હું અભ્યાસ કરવામાં વ્યસ્ત હતી સમયજ નથી મળ્યો મને એટલી ઉત્કંઠા છે કે આગળ હવે શું થયું વસુધાનું ?

અવંતિકાએ ઘાસ -ખોળ-પાણી આપી દીધું અને ગૌરીને કહ્યું શાંતિથી ખાઈ લે તારું ગમાણ પણ મેં સાફ કરી દીધું છે મોક્ષ પણ ખેતરમાં ગયાં છે આવતાંજ હશે.

અવંતિકાને વસુધા ક્યાં સુધી વાંચી હતી એ યાદ આવી ગયું ગમાણથી એ ઘરનાં વરંડાનાં પગથીયા ચઢતી ચઢતી બધું યાદ કરી રહી હતી એણે પરસાળમાં મૂકેલું વસુધા પુસ્તક લીધું અને વરંડામાં આવેલાં એનાં ખુબ પ્રિય એવાં હિંચકા પર આવીને બેઠી...

અવંતિકાને યાદ આવી ગયું કે વસુધાનાં પેટમાં બાળક હતું સુવાવડ નજીક હતી છતાં એણે પીતાંબર ભાનમાં ના આવે ત્યાં સુધી મોઢામાં અન્ન જળ નહીં મૂકે એવું પ્રણ લઇ લીધું હતું...

અવંતિકાએ વિચાર્યું વસુધાની એ સમયે તો ઉંમર માંડ ચોવીસથી -પચીસની હશે આટલી નાની ઉંમરમાં આટલી સમજ ? કેટલાં જાણે પરીપક્વ હોય એમ કુટુંબ અને પતિ માટે સમર્પિત હતાં...એણે પુસ્તક આગળ વાંચવાનું શરૂ કર્યું. પીતાંબરને સારવાર પછી ભાન આવ્યું...વસુધાએ તો કેવું આકરું પ્રણ લીધું હતું અને એની પુણ્યઈ અને પ્રેમે પીતાંબરને મોતનાં મુખમાંથી બહાર કાઢ્યો. હાંશ એ ઘરે આવ્યો ભલે એને બોલવાની તકલીફ થઇ છે ધીમે ધીમે એય સારું થશે.

અવંતિકા રસપ્રદ પ્રકરણો આગળ વાંચી રહી હતી વસુધા અને પીતાંબર મૌન ભાષામાં પણ કેવાં પ્રેમનાં સંવાદ ઈશારા અને બીજા સ્પર્શનાં માધ્યમથી એકબીજાને સહેલાવતાં. વસુધામાં જે ધૈર્ય અને હિંમત હતી એની દાદ દેવી જોઈએ. આજે તો લોકોમાં ધીરજ, સંતોષ અને વિશ્વાસ જેવી કોઈ વાતજ નથી રહી...

અવંતિકા વસુધાને વાંચી રહી હતી ત્યાં એનાં મોઢામાંથી ઓહ નીકળી ગયું ઓહ નો પીતાંબર એનાં ખેતરે... એનાં મિત્રની મદદથી... બાઈક ઉપર ગયો હતો...પાછા ફરતાં એણે હિંમત દાખવી કે તું ઘરે પછી આવ હું ઘોડા પરજ ઘરે પહોંચું આમ પણ હું માણેક ઉપર હમણાંથી ફર્યો નથી એને પણ સારું લાગશે અને ફરીથી એ ષડયંત્રનો ભોગ બન્યો.

ગામનાં ઉતાર એવાં ચૌધરી -આહીર નાયી જેવાં અસામાજીક લુખ્ખા તત્વોએ પૈસા લઈને પીતાંબરને ફરીથી મોતને નજીક ધકેલ્યો...

ઘોડો જવાનાં માર્ગે રસ્તામાં ઊંચા ઘાસની ઓથે છુપાઈ રહ્યાં અને ઘોડો ત્યાંથી પસાર થયો ત્યારે લાંબા ધારીયાનાં ઘા ઘોડાનાં પગમાં માર્યા અને ઘોડાને ગંભીર ઘાયલ કરી નાસી છૂટ્યાં. માણેક વફાદાર ઘોડો ઘર સુધી તો પીતાંબરને લઇ આવ્યો...પીતાંબરને પણ માથામાં લઠઠ વાગી હતી અને ઘરનાં આંગણેજ ઊંધા માથે પટકાયો...લોહી લુહાણ થયેલો ઘોડો માણેક પણ ત્યાં પછડાયો.

અવંતિકાથી લગભગ ચીસજ નીકળી ગઈ કે ઓહ નો...આ શું થયું ફરીથી ? વસુધાનું શું થશે ? પીતાંબરની પાછળ આ લોકો કેમ પડી ગયાં છે ? એ લોકોને એવી શું શત્રુતા છે કે આટલે હદ સુધી ગયાં ? અવંતિકાની આંખમાં અશ્રુ આવી ગયાં ત્યાં એને જાણીતાં પગરવની આહટ સંભળાઈ...

 

વધુ આવતા અંકે પ્રકરણ -57