go on in Gujarati Children Stories by Bhavna Chauhan books and stories PDF | જીયા

જીયા

જય શ્રી કૃષ્ણ🙏મિત્રો.
આજે તમારી આગળ એક નવી રચના મૂકવા જઈ રહી છું. જે નાટક સ્વરૂપમાં છે... આ મારો પ્રથમ પ્રયાસ છે તો વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો.. જેથી હું શીખી શકુ.

પાત્રો :
જીયા :રોહન અને મિતાલીની 7 વર્ષની દીકરી
રોહન :જીયાના પિતા
મિતાલી :જીયાની મમ્મી
કમળાબા :જીયાના દાદી
રાવજીભાઈ :જીયાના દાદા
સુધા :જીયાના ફોઈ
રેખા :રોહનની બીજી પત્ની
પિનલ :રોહન અને રેખાની દીકરી

(રવિવારનો દિવસ છે... આજે બધાં ઘરે છે.. સવારનાં 10 વાગ્યાં છે.. હોલમાં બધાં એક સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે. )

રાવજીભાઈ : રોહન! આજે તારે પણ રજા છે.. અને જીયાને પણ. તમે એક કામ કરો કયાંક ફરી આવો. મિતાલી પણ ઘણાં સમયથી કયાંય ગઈ નથી.. એનો પણ ઘરમાં જીવ અકળાતો હશે.

મિતાલી : પપ્પા તમે અને મમ્મી પણ ચાલો..

કમળાબા : અરે ના ના! તમે ત્રણ જાવ હું અને તારાં પપ્પા ઘરે રહીશું. અને અમારાં જમવાની ચિંતા પણ તું ના કરીશ બેટા! હું તારા પપ્પાની મનપસંદ ખીચડી કઢી બનાવી દઇશ..

જીયા : (તાળીઓ પાડતાં બોલી) એએએએએએ... મઝા આવશે... મમ્મી કયાં જવાનું છે આપણે ફરવા માટે?

મિતાલી :રોહન જીયા કેટલાં દિવસથી પ્રાણીસંગ્રહાલય જવાનું કહેતી હતી. તમે કહો તો ત્યાં જઈએ!

રોહન :ઠીક છે... જીયા ખૂશ પણ થશે અને પ્રાણીઓ વિશે જાણશે પણ... જીયા ચાલો, તૈયાર થઈ જાવ..

(થોડી વારમાં જરૂરી સામાન અને નાસ્તો લઈને રોહન, મિતાલી અને જીયા ગાડીમાં નિકળ્યાં. એક કલાકનો રસ્તો કાપી એ લોકો પ્રાણીસંગ્રહાલય પહોંચી ગયાં.)

મિતાલી :જીયા! બેટા કયાંય પાંજરે હાથ ના લગાવતી હોં.. દૂરથી જોજે.

જીયા :હા મમ્મી!

રોહન :જીયા જો! સામે પાંજરામાં શું દેખાય છે?

જીયા:પપ્પા એ સિંહ છે ને? કેવો બીક લાગે એવો છે.. પપ્પા ત્યાં વાઘ પણ છે... અને એનાં બચ્ચા કેટલા સરસ છે..

મિતાલી :હા બેટા! તારાં જેવાં માસૂમ.

(આખા પ્રાણીસંગ્રહાલયમાં ફરી ફરીને રોહન અને મિતાલીએ જીયાને પ્રાણીઓ ની ઓળખ આપી. જીયા ખૂશ થઈ ગઈ.)

જીયા :મમ્મી! ભૂખ લાગી છે બરાબર..

રોહન : હા જીયા.. જમવાનો સમય પણ થયો છે.. આપણે કોઈ હોટલમાં જમી લઈએ.

(જમીને થોડી ખરીદી કરી ત્રણેય પાછાં ઘરે જવા નીકળ્યાં. ઘરે પહોંચ્યા ત્યાં રાતના 7 વાગી ગયાં હતાં... જીયા આજે ઘણી ખૂશ હતી... ફ્રૅશ થઈને સૂવા માટે રૂમમાં ગયાં.. મિતાલી સાથે વાત કરતાં કરતાં જ જીયા સૂઈ ગઈ.રાત્રે અચાનક જ મિતાલીને લોહીની વોમિટ થઈ. અને તાબડતોબ એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જીયાને તો ખબર પણ નહીં..)

જીયા :(સવારમાં ઊઠીને મમ્મી ને ના જોતાં તે દાદી પાસે ગઈ)
દાદી મમ્મી કયાં છે?

કમળાબા : બેટા! એ બિમાર છે તો દવાખાને લઈ ગયાં છે.

જીયા : પણ દાદી અમે કાલે તો ફરવા ગયા હતા.. ત્યારે તો મમ્મી સારી હતી..

કમળાબા:હા બેટા! રાત્રે બિમાર થઈ ગઈ તી તારી મમ્મી.. હમણાં આવી જશે ઘરે હોં.. ચાલ તને ચા નાસ્તો કરાવી દઉં..

(મિતાલીના રીપોર્ટ કઢાવતાં ખબર પડી કે એને લાસ્ટ સ્ટેજનું કૅન્સર છે... અને હવે એનો ઈલાજ પણ શકય નથી. હવે એ ખાલી 15 દિવસ માંડ કાઢી શકશે એવું ડોકટરનું કહેવું હતું...
"હોનીને કોણ ટાળી શકે. "
પૂરાં પંદર દિવસ પણ મિતાલી જીવી ના શકી... રોહન એકલો પડી ગયો.. જીયાનાં માથેથી મા નો છાંયો હટી ગયો.
જીયા રૂમમાં મિતાલી ના ફોટા સાથે વાત કરતી હતી તે રામજીભાઈ અને કમળાબા સાંભળી ગયાં.)

જીયા : મમ્મી! બધાં કહે છે કે તું ભગવાનનાં ઘરે જતી રહી છે.. તું કયારેય હવે પાછી નહિ આવે... મમ્મી (રડતાં રડતાં) મને તમારા વિના સૂનું સૂનું લાગે છે... તું પાછી આવી જા ને.. પપ્પા પણ બહું ઉદાસ ઉદાસ રહે છે... મમ્મી તું આવીશ ને?

(આટલું બોલતા જીયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મિતાલીનો ફોટો છાતી સરસો ચાંપી જીયા કયાંય સુધી રડતી રહી.)

કમળાબા : મને આ ફૂલ જેવી દીકરીનું આ દુ:ખ જોવાતું નથી... આપણે રોહનના બીજા લગ્ન કરાવી દઈએ... જીયાને મા મળશે અને રોહનને પત્ની..

રાવજીભાઈ : તારી વાત સાચી છે કમળા પણ અત્યારે તું જોવે છે ને સમાજમાં... રોહનના લગ્ન કરાવી દઈએ પણ શી ખાતરી તે આપણી જીયાને માનો પ્રેમ આપશે જ..

કમળાબા :પણ કયાં સુધી રોહન પણ આમ એકલી જિંદગી જીવશે? આખી જિંદગી થોડી આમ જશે? કંઈ ઉકેલ તો કરવો જ પડશે ને.. મારાં ધ્યાનમાં એક છોકરી છે.. રોહન પણ એને સારી રીતે ઓળખે છે.. એની બાળપણની મિત્ર રેખા. એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારથી એકલી રહે છે.. જીયા જેવી એની પણ એક દીકરી છે..

સુધા : હા પપ્પા! મમ્મી સાચું કહે છે.. મને પણ જીયાની અને ભાઈની ચિંતા થાય છે... મિતાલીભાભીની જગ્યા તો કોઈ નહીં લઈ શકે પણ તોય આ બંને માટે આપણે આ કરવું જ પડશે..

રાવજીભાઈ : સારું! આપણે રોહનને વાત કરશું. એ માનશે તો ઠીક.

(કમળાબા અને રાવજીભાઈ એ રોહનને સમજાવ્યો.. માંડ માંડ તે માન્યો. રેખા અને રોહનના લગ્ન કરાવી દેવામાં આવ્યાં. જીયા ને મમ્મી મળી ગઈ. એ ખુશ તો હતી પણ હજીય કયારેક તેને મિતાલી ની યાદ આવી જતી હતી. રેખા થોડાં દિવસ તો બરાબર રહી પણ ધીરે ધીરે તે એનો રંગ બતાવવા લાગી.)

જીયા :મમ્મી! મારાં માટે આજે નાસ્તામાં બટાકાપૌઆ બનાવજોને.

રેખા :જો જીયા! નાસ્તામાં જે બને તે તારે લઈ જવાનું.. પિનલને પૌંઆ ભાવતાં નથી.

જીયા: પણ મમ્મી! મને એ બહું ભાવે છે. મારી મમ્મી મને જયારે કહું ત્યારે બની આપતી હતી.

રેખા : એ તારી મમ્મી હતી. હું તારી મમ્મી નથી.. સમજી..

(જીયા રડતી રડતી ચાલી ગઇ.. રેખા પિનલને મનભાવતી જ રસોઈ બનાવતી.. અને કોળિયા કરીને ખવડાવતી.. જીયા એક બાજુ ઊભી રહી આ જોતી અને રડતી.. પણ રેખાને જરા પણ દયા આવતી ન હતી.એક દિવસ.....)

પિનલ : મમ્મી! આ જીયાએ મારી નોટ ફાડી નાંખી.

જીયા : જૂઠું કેમ બોલે છે બેન તું? હું તો તારા બેગને અડી પણ નથી.. નોટ તો મારી આગળ તે ફાડી નાંખી.

રેખા : કેમ જીયા તે નોટ ફાડી આપી પિનલની?..

(રેખાએ જીયાને ગાલ પર સડસડતો તમાચો મારી દીધો. પિનલ મરક મરક હસવા લાગી.હવે તો રેખાનું આ રોજનું હતું... રેખા હવે તો ઘરનાં કામ પણ જીયા પાસે કરાવતી હતી. રોહન નોકરી જતો રહેતો એટલે તે અજાણ હતો આ વાતથી... કમળાબા અને રામજીભાઈ કંઈ બોલી નતા શકતા.. જીયા મારનાં બીકથી કંઈ કહેતી નથી.)

(એક દિવસ રેખાને તાવ આવ્યો હતો... પલંગ પર સૂતી હતી. તાવથી એનું શરીર ધગધગતું હતું.. જીયાએ જાણ્યું તો એ દોડતી રેખા પાસે ગઈ.)

જીયા : મમ્મી! તમને તાવ આવ્યો છે?
(કપાળે હાથ મૂકી જીયા જોવા લાગી.) અરે મમ્મી! તમે તો બહુ ગરમ છો.. ઊભાં રહો હું આવી..
(જીયા રસોડામાં જઈ મીઠાવાળું પાણી લઈ આવી. અને રેખાના કપાળ પર એના પોતા મૂકવા લાગી. રોહન આવ્યો ત્યાં સુધી પોતા મૂકતી રહી. રોહન આવતાં તે સીધી ઘરમાં આવેલ મંદિરમાં ગઈ.. )

જીયા : હે ભગવાન! તમે મારી મમ્મી ને જલ્દી સાજી કરી દેજો.. મારી એક મમ્મી તો તમે તમારી જોડે બોલાવી લીધી.. પ્લીઝ મારી આ મમ્મી ને તમારાં ઘરે ના બોલાવતા. મને મમ્મી ની બહુ યાદ આવે છે.. જો તમે આ મમીને બોલાવી લેશો તો પિનલ પણ મારી જેમ એકલી પડી જશે.. પ્લીઝ ભગવાન...

(જીયા ઘૂંટણિયે બેસી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી... હોસ્પિટલ જતી વખતે રેખાએ જીયાની ભગવાનને કરતી આજીજી સાંભળી... એની આંખોથી દડ દડ આંસુ વહેવા લાગ્યા... જાણે આંસુ સાથે એની મમતા પણ વહી રહી હતી. ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો રેખાને... )

રેખા : રોહન ઊભા રહો હું હમણાં આવી.

(રેખા સીધી જીયા પાસે ગઈ અને જઈને જીયાને છાતીએ લગાવી દીધી... એનાં કપાળે ચૂમવા લાગી.)

રેખા : મને માફ કરી દે બેટા... તું તો દીકરી બની ગઈ પણ હું તારી મા ના બની શકી... મેં તને ઘણો ત્રાસ આપ્યો તને કયારેય પ્રેમ ના કર્યો.. પણ તે મારી આંખો ખોલી દીધી બેટા.... દીકરી બનીને મારી સેવા કરી..મને માફ કરી દે દીકરી.. આજથી પહેલા હું તારી પછી પિનલની મા છું....

(કમળાબા તો રેખાનું આ હૃદય પરિવર્તન જોઈને હરખાઈ રહયા હતાં... આજે સાચે જ રેખામાં જીયાની મા ના દર્શન થઈ રહયા હતાં.. મા દીકરીનું આ અદ્ભૂત મિલન જોઈ રામજીભાઈ ની આંખો પણ છલકાઈ રહી હતી.. જીયાના પ્રેમે આખરે રેખાને પીગળાવી દીધી..)


Rate & Review

Nimisha Patel

Nimisha Patel 7 months ago

Dilip Patel

Dilip Patel 7 months ago

DIPAK CHITNIS. DMC

Fine

Share