My favorite poem books and stories free download online pdf in Gujarati

મારી મનપસંદ કવિતા

*વસંતની પધરામણી*

આમ્રકુંજમાં બેઠેલી કોયલ ,
કેવો મધુર ટહુકાર કરે છે.
હા! આજે વસંતની પધરામણી થઈ છે........

લાલધુમ કેસુડો જાણે
કુમકુમથી સત્કાર કરે છે,
ફુલોની સૌરભ સાથે
વહેતો વાયુ માદક બન્યો છે.
હા! આજે વસંતની પધરામણી થઈ છે.....

પ્રકૃતિનાં જીર્ણ વસ્ત્રોથી
તરુવર સુશોભિત બન્યા છે,
રમણિય માદક વાતાવરણથી પ્રેમીપંખી ઘેલા થયાં છે,
હા! આજે વસંતની પધરામણી થઈ છે....

પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા ઉત્સવ જામ્યો છે,
અલબેલી વસંતથી જાણે સૃષ્ટિનો શણગાર થયો છે..
હા! આજે વસંતની પધરામણી થઈ છે......

વસુંધરાનું કેવું અનુપમ સૌદર્ય પ્રગટ થયું છે,
અંતરનાં ઉમંગથી આનંદદાયક "નિયતી"બીજુ શું હોય શકે છે?
હા! આજે વસંતની પધરામણી થઈ છે......

જીજ્ઞા કપુરિયા 'નિયતી'
20/2/2020


યાદ તો આવે ને...

ગર્ભનાળથી સ્થાપિત થયેલો સંબંધ આપણો,
જીવનભર નિઃસ્વાર્થભાવે નિભાવી,
એ સતત માર્ગદર્શન આપનારીની,
યાદ તો આવે ને ....

પ્રસવપીડા અને કષ્ઠવેઠી આપણને ઉછેર્યા,
હાથ પકડી સુસંસ્કારનું સિંચન કર્યું,
એ ગુરુની ગરજ સારનારીની,
*યાદ તો આવે ને....*

જાતે ભૂખ્યાં રહીને આપણને જમાડયાં,
રાતે જાગીને સૂકે સુવડાવ્યાં,
એ કાંટાળી કેડી પર પુષ્પ પાથરનારીની,
*યાદ તો આવે ને....*

કડવાં ઘુંટ પોતાનાં પુરતાં સિમિત રાખી,
અમૃતપાન આપણને કરાવ્યાં,
એ લાગણીની હૂંફ આપનારીની,
*યાદ તો આવે ને..*

પડી આખડીને આવીએ જ્યારે,
વ્હાલથી ખમ્માઘણી કહેતી.
એ પાલવથી અશ્રું લુછનારીની,
*યાદ તો આવે ને...*

માતામાં હોય મા અન્નપૂર્ણાનો વાસ,
એની તોલે કોણ આવી શકે?
એ સ્વાદથી રસોઈઘર મહેકાવનારીની,
*યાદ તો આવે ને....*

ઘરે આવતાં મોડી પડી તો,
ક્યાં છે બેની? કહી ફોન કરતી,
એ બારીમાં કાગડોળે વાટલડી જોનારીની,
*યાદ તો આવે ને...*

આજે ભલે સાથે નથી મારી,
સાથે હોવાનો અહેસાસ હંમેશ છે,
એ આશીર્વાદની વર્ષા વરસાવનારીની,
*યાદ તો આવે ને*

'મા'નું માધુર્ય સંતાનનાં જીવનની અદ્વિતીય મૂડી છે,
'મા' મહેનત અને ક્ષમાની મૂર્તિ છે,
એ મારા જીવનની શ્રેષ્ઠ સખીની,
*યાદ તો આવે ને....*

જીજ્ઞા કપુરિયા "નિયતી"
23/7/2022


*મારુ મોસાળિયું*

આપણા બધાંના મસ્તિષ્કમાં એક એવી યાદ જે આજે પણ તમારા હ્રદયમાં એક ખૂણે તાજી હશે. તમારા મામાનું ઘર કે જયાં મા, મામા અને માસી એમ ચાર માનો પ્રેમ એક સાથે છલકાઈ એ *મારું મોસાળિયું*...

*એ મોસાળિયું*

જયાં તમને વાત્સલ્યની એક મીઠી હુંફ નાનાનાની અને માથી પણ વિશેષ એવી માસી તરફથી મળી હશે અને બે મા એટલે મામાનો પ્રેમ પણ મળ્યો હશે....

*એ મોસાળિયું*

જયાં વેકેશનની કાગડોળે વાટલડી પણ જોઈ હશે અને બધાં મોસાળિયાં ભાંડરડાંએ મળીને ધીંગામસ્તી પણ કરી હશે....

*એ મોસાળિયુ*

જયાં કેરીની સિઝનમાં કેરીની લહેજત પણ માણી હશે ને ભાંડરડાં સાથે તારી કરતાં મારી કેરી મીઠી એમ કહીને ઝઘડતાં પણ હશો...

*એ મોસાળિયું*

જયાં તમારી ધીંગામસ્તીથી કંટાળીને તમારી મામીએ મીઠો ઠપકો પણ આપ્યો હશે અને પછી તમને ભાવતું ભોજન પણ પીરસ્યું હશે...

*એ મોસાળિયું*

જયાં મામા પાસેથી મળેલાં રૂપિયાથી ખુશ થઇ ગયા હશો ને રાજાની જેમ કોલર ઉપર રાખીને વટથી ફરતાં પણ હશો....

ખરેખર એ રૂપિયાની જે મઝા ગોટીસોડા, ગોલા કે ભાડે સાયકલમાં હતી તે આજે મોંઘા મોકટેલમાં તો શું તમને કયાંય જોવાં નહી મળે...

જીજ્ઞા કપુરિયા નિયતી

24/1/2020











હાલરડું*

મારા લક્ઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં આજે એક જૂનું પારણિયું નજરે પડ્યું, એ પારણિયામાં મારી ને તમારી અનેક યાદો ગુંથાયેલી હશે, જેમાં તમારી માતાએ અમૃતપાન કરાવ્યાં પછી પારણિયે પોઢાડ્યા હશે, તમે જયારે સાજામાંદા હશો ત્યારે તમારી માતાએ હેતનાં હાલરડાં ગાયા હશે ને પછી તમારાં ઈસ્ટ માટે અશ્રુભરી આંખે પ્રભુને કાલાવાલા કરતાં કહેતી હશે, "તું છાનો/છાની રહી જા નહિતો હું રડીશ.” એ હાલરડાંનાં ગાન માટે હું કહીશ કે....

*આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

એની તો જીવ્હામાં સરસ્વતી ને હૈયામાં શારદા બિરાજમાન છે!

*આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

જેનાં હાલરડાં સાંભળવા ત્રીભોવનનાં નાથને પણ જન્મ લઈને બાળક બનવું પડ્યું છે!

*આ મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

જેનાં હાલરડામાં સંસ્કારનું સિંચન થાય ને શ્રી કૃષ્ણ અને શિવાજી જેવાં
મહાપ્રતાપીઓ જન્મે છે!

*આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

જેનાં હાલરડામાં પ્રેમ મમતાનો અહેસાસ ને હૈયામાં મીઠાશ અંકાઈ છે!

*આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

જેનાં હાલરડામાં માતાનાં માધુર્ય રૂપી વાત્સલ્યનો ભાવ છે ને નિદ્રાદેવીનું શરણું મળી જાય છે!

*આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!*

ખરેખર મિત્રો, જ્યારે જીવનની કસોટીમાં અનિદ્રા સતાવેને મારાં વ્હાલાં ત્યારે આ માતાનાં હેતનું હાલરડું યાદ કરી લેજો. તમને નીરવ શાંતિ અવશ્ય મળી જશે.

જીજ્ઞા કપુરિયા 'નિયતી'
4/9/2022