Vasudha-Vasuma - 61 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -61

વસુધા-વસુમાં

પ્રકરણ-61

 

       વસુધા માંનું કલ્પાંત જોઇ રહી હતી એનાં હૈયેથી નીકળતાં શબ્દો સાંભળી રહી હતી એ મહાદેવને કોસી રહી હતી કે એમને સતિનાં વિયોગમાં કેવો શોક થયેલો...વસુધાને મહીસાગર ગયેલાં મહાદેવજીને યુગ્મતાથી જળાભિષેક કરેલો એમને પ્રાર્થના કરી હતી કે તમારાં જેવું દાંપત્યસુખ અમને આપજો.. એક એક શબ્દ પ્રાર્થનાનાં યાદઆવી ગયાં..

       વસુધાની આંખમાં આંસુ આવી ગયાં. એનાં પીયરમાં આવતાંજ એ વસુધા થઇ ગઇ એક માસુમ અલ્લડ યુવતી જેણે આંખમાં સ્વપન સજાવેલાં. પોતાનાં જીવન અંગે કેવી કલ્પનાઓ કરી હતી.. મનમાં ને મનમાં કેવા સુખનાં ઝૂલા ઝૂલી હતી.. હૃદયમાં પ્રેમના સ્પંદનો ધરબાયેલાં બધાં આજે એક સાથે મૂરઝાયેલાં જણાંયાં એનાંથી ધુસ્કે ને ઘ્રુસ્કે રડી પડાયું એ દોડીને એનાં રૂમમાં જતી રહી અને એનાં ખાટલે બેસી ઓશીકાને વળગીને રડતી રહી આખું ઓશીકું ભીંજાઇ ગયું..

       થોડીવાર પછી સરલા એની પાસે આવી એનાં બરડે હાથ ફેરવ્યો અને બોલી “વસુધા.. રડી લે.. તું તારાં દુઃખણાં બોલી લે.. હું સમજુ છું અહીં આવીને તને તારું…” અને આગળ બોલતાં અટકી ગઇ...

       વસુધા ક્યાંય સુધી રડતી રહી પછી એણે એનો ચહેરો ઊંચો કર્યો એણે આંસુ લૂછી નાંખ્યા અને સરલાને કહ્યું “બહેન.. મારેય હૃદય છે સાવ નાજુક સંવેદનાઓથી તરબતર.. બધુ દાબી રાખેલું આજે છૂટી ગયું કાબૂમાં ના રહ્યું.. હુંય માણસ છું થોડાકજ સમયમાં જાણે જીંદગીમાંથી લૂટાંઇ ગયું. પરદેશ ગયેલો સાથી પાછો આવે આ તો મોટાં ગામતરે જતો રહ્યો.. પછી એણે આંખમાં આવતાં આંસુ રોક્યા.. ચહેરો કઠણ કર્યો અને કહ્યું ચાલો બહાર.. મારાં કરતાં વધુ મારી માં પીડાઇ છે એને સધીયારો આપવાનો છે”.

       સરલા અને વસુધા બહાર આવ્યાં. ભાનુબહેન અને પાર્વતીબેન રડી રહેલાં. દુષ્યંત પાર્વતીબેનની બાજુમાં બેઠો હતો.

       ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ સાથે બેઠાં બંન્ને બૈરાઓને સમજાવી રહેલાં. વસુધા બહાર આવી અને બોલી “માં હવે જે થવાનું હતું થઇ ગયું.. આ હું કહી રડી છું મારે જ મજબૂત થવાનું છે તો તમે સંભલશો.”

       પાર્વતીબેને વિવશ નજરે વસુધાને સામે જોયું અને વસુધાને કોઇ નિશ્ચયથી મજબૂત થયેલો ચહેરો જોયો. વસુધાએ કહ્યું “માં જેનું કઇ નિવારણ ના હોય એવો શોક કેવો ? જેનું નિર્વાણ થઇ ગયું એની આશ કેવી ? હવે પાછળ જોયાં વિનાં આગળ તરફ જોયું એજ નક્કી કરવું રહ્યું.. જે ગયાં છે એ ભૂલાવાનાં નથી અને માંગ્યાં પાછા મળવાનાં નથી.”. એમ કહેતી રસોડામાં જતી રહી...

       ગુણવંતભાઇ અને પુરશોત્તમભાઇ શોકને ખરખરો કરી રહેલાં. ભાનુબહેને પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનની સામે જોઇને કહ્યું “અમે અહીં વાગડ ખાસ કારણ આવ્યાં છીએ..” એમ કહી ગુણવંતભાઇની સામે જોયું.

       સરલા એમની બાજુમાં આવીને બેસી ગઇ. ગુણવંતભાઇએ કહ્યું “ભાનુ તું વાત પુરી કર.. અને ખૂબ જરૂરી પણ છે..” આ લોકોની વાતો કાનમાં પડતાં વસુધા રસોડાનાં બારણે આવી ઉભી આ લોકોની સામે જોઇને સાંભળી રહી હતી.

       ભાનુબહેને કહ્યું “પાર્વતીબહેન.. વસુધા તમારી દીકરી છે એવીજ અમારી છે.. એનાં પગલાં પડ્યાં અમારાં ઘરમાં અને જણે ખુશીયાં આવી ગઇ અમારામાં આનંદનો જાણે સંચાર થયેલો. મારો પીતાંબર એને ખૂબ પસંદ કરતો બંન્ને ખૂબ ખુશ હતાં. એમને જોઇને અમારી આંખો ધરાઇ હતી ઠંડક થઇ હતી ઇશ્વરનાં પાડ માનતાં કે કેવી સરસ છોકરી મળી છે”. આવું બોલી એમણે દિવાળી ફોઇ સામે જોયું..

       અમારાં અને આ છોકરીનાં નસીબ કે.. એમ કહેતાં કહેતાં આંખો ભરાઇ આવી એમણે નાકથી પાણી ખેંચ્યુ આંસુ લૂછ્યા અને આગળ કહ્યું “કેવો કાળમુખો કાળ આવ્યો મારાં પીતાંબરને ભરખી ગયો. કુદરતી મોત નથી આ.. કોઇની ગંદી નજર અમારાં સુખને લાગી ગઇ અને વસુધાનું સુખ ભરખી ગયું.”

       “જે થવાનું હતું થઇ ગયું સ્વીકારીએ કે ના સ્વીકારીએ જે ગયું પાછું નથી આવવાનું પણ વસુધા હજી નાની છે... હજી હમણાં જીવન શરૂ કરેલું. અને પૂર્ણ થયું એવું નથી માનતાં અમે આકુને રાખી ઉછેરીશું અને સામેથી તમને કહીએ છીએ કે વસુધાને અમે સારું પાત્ર જોઇને પરણાવીશું એનું જીવન શરૂ થતાંજ રોળાઇ જાય એવું નથી ઇચ્છતાં. અમે એટલાં સ્વાર્થી ના થઇ શકીએ કે અમારાં સ્વાર્થે વસુધાનું જીવન બરબાદ કરી એની પાસેથી આવું બલીદાન લઇએ. અમારેય દીકરી છે.. બધુ સમજીએ છીએ. એ ખૂબ નાની છે.”. એમ આટલું બોલી ચૂપ થઇ ગયાં..

       ભાનુબહેનને સાંભળીને હાજર રહેલાં બધાંજ સડક થઇ ગયાં. વસુધાને તો કાપો તો લોહી ના નીકળે એવી અવસ્થા થઇ ગઇ. ભાનુબહેનનાં મોઢે બોલેલી વાત સાંભળી ખૂબ આશ્ચર્ય થયું.

       દિવાળી ફોઇ પણ સાંભળીને નવાઇ પામ્યા હોય એવું મોઢું કર્યું. એમને આ વાત જાણે ગમી કે પચી ના હોય એમ બધાની સામે જોયું..

       ભાનુબહેન એમને જોઇને સમજી ગયા હોય એવું લાગ્યું અને બોલ્યાં “પહેલાં જમાનો જુદો હતો કે જુવાનીમાં રાંડે તો ઘરનો એક ખૂણો સંભાળીને આખી જીંદગી કાઢી નાંખતાં.. હવે એ જમાનો નથી રહ્યો. અને અમે લોકો એવું માનીએ છીએ કે વસુધા હા પાડે તો અમે ખૂબ સારો છોકરો શોધી અમેજ પરણાવીએ.”

       પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ બંન્ને એકબીજા સામે જોવા લાગ્યાં પછી પાર્વતીબેને વસુધાની સામે જોયું વસુધા અને પાર્વતીબેનની આંખો એક થઇ. પાર્વતીબેનને વસુધાની આંખમાં કંઇ વંચાયુ નહીં સાવ કોરી લાગી...

       વસુધાથી ના રહેવાયું.. એણે ખૂબ નમ્રતાથી શાંત સ્વરે કહ્યું “માં તમે તમારાં વિચાર તમારી લાગણી કીધી... મને ખબર છે મારાં માવતરને ગમ્યું પણ હશે. પણ મારું જીવન છે અને મારાં જીવનનો નિર્ણય હુંજ લઇશ...”

       “માં.. હું તમને બધાને ઉદ્દેશીને કહું છું કે પહેલાં મારું દીલ કોરી પાટી હતી, એમાં પીતાંબરનું નામ લખાઇ ગયું છે હવે એને ભૂંસી હું બીજાનું નામ લખાવુ ? શેના માટે ? તમારી સામે બહુ સ્પષ્ટ બોલવું શોભે નહીં મારાં સંસ્કાર નથી પણ.. માં શેના માટે હું બે ભવ કરું ? શેના માટે ? ક્યા સુખ માટે ? મારાં માટે પીતાંબર સાથે જે મારો વિતાવેલો સમય.. એ ક્ષણ.. એ પ્રેમ આનંદ કાયમ માટે મારાં મનહૃદયમાં છે હું કોઇ બીજાનો વિચાર સુધ્ધા ના કરી શકું મારી એવી બદલા બદલીની પાત્રતા નથી. મારે હવે કોઇ એવાં સુખની જરૂર નથી મારાં હૃદયમાં સંગ્રહાયેલાં અને ઘરબાયેલાં એ પ્રેમ ની પૂંજી છે એ બહુ છે મને એવી કોઇ શારીરીક માનસિક જરૂરિયાત નથી..”.

       “માં હું આ આવેશમાં નથી બોલી રહી.. આજ મારાં વિચાર અને પાત્રતા છે. જે ભોગવ્યું છે એ ઘણું છે મારાં નસીબમાં હતું મને મળી ગયું છે.”

       “મારાં નસીબમાંજ લાબું પતિનું સુખ નહોતું તો બીજા શું કરે ? અને જે નસીબમાં નથી એને બળજબરી રીતે બીજા ઉપાયો કરી મેળવવાનું ? જો હશેજ નહીં તો ફરીવાર કોઇનો ભોગ લેવાશે..”.

       “હું મારી આકુને ઉછેરીશ.. મારાં માવતર એવાં મારાં સાસુ-સસરાં છે.. મારી બહેન સરલાં છે મારે શું જોઇએ ? મેં અને પીતાંબરે સાથે જોયેલાં સપનાં છે એ પુરા કરવામાં મને જે સુખ મળશે એનુ વિવરણ અને વ્યક્ત કરવું અશક્ય છે.”

       ભાનુબહેનની સામે જોઇને વસુધાએ કહ્યું “માં તમે દિકરો ખોયો છે મેં પતિ તમારુ અને મારું દુઃખ એકજ છે ને ? દિકરો તમારી પાછલી અવસ્થામાં તમારો ટેકો બની રહેત..” એમ કહી ગુણવંતભાઇ સામે જોયું...

       વસુધાએ વરસતી આંખોએ કહ્યું “પાપા હું તમારો દિકરો બનીને ટેકો આપીશ.. આમ મને જુદી ગણી જુદી કરવાની વાતો ના કરો..” એમ કહી રડી પડી અને ગુણવંતભાઇએ એને ગળે વળગાવી અને રડી પડતાં કહ્યું “માફ કર મારી દિકરી માફ કર મારે જેવી, સરલા એવી તું....”

       ભાનુબહેન સજળ નયને કહ્યું “પાર્વતીબહેન તમારાં સંસ્કારે રંગ રાખ્યો છે દીકરીએ તો અમને નાનાં કરી દીધાં એની લાગણી અને પ્રેમથી એ ઘણી મોટી થઇ ગઇ.”

       વસુધાએ કહ્યું “માં.. માં પાસે દીકરી હંમેશા નાનીજ હોય ભલે એ માં બની હોય.. અને...”

આગળ આવતા અંકે - પ્રકરણ-62