RASHI KOINI MASI NATHI books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૪૩

રાશિ કોઈની માસી નથી..!

                                             પવન જોઇને સૂપડાં ફેરવનાર માટે રાશિ જીવનમાં બ્રેક અને એક્સીલેટરનું કામ કરે. એ ક્યારે છટકે, ક્યારે મલકે, ને ક્યારે અટકે એની કોઈ ગેરંટી નહિ. રાશિ એની ધરી ક્યારેય છોડતી નથી. તેથી છટકેલાં મગજવાળો ખરાબ નથી, પણ એની રાશી એના ગ્રહબળ ખરાબ ચાલે છે, એવું માનસિક સમાધાન કરી લેવું. વાઈફ કરતાં પણ વધારે ભરોસો રાશિ ઉપર રાખવો. આ મારો જાત અનુભવ છે. લગન વખતે વાઈફ સાથેના બધાં જ ગુણ અફલાતુન મળેલા. લગન પછી અવગુણ એવાં પેદા થયા કે, હજી ગાલ્લું ઘોંચમાં છે. વાઈફ સાથે ગુણ મળવા કરતાં ‘અવગુણ’  વધારે ઝગારા મારે છે..! અમારી કુંડળી કાઢી આપનારના ગુણ વધારે મળ્યા હોય એમ, એ બબ્બે વાઈફનો આસામી થઈ ગયો. ને હું એકમાં પરેશાન અને પરસેવાવાન બની ગયો. એ બીએમડબ્લ્યુમાં ફરે છે, ને બંદા હજી છકડામાં છૂકછૂક કરે..! રોકડા ૧૦૦૧ નો ચાંદલો કરીને કુંડળી કઢાવેલી. એ વખતે કુંડળી કાઢી આપનારે ફેફરીવાલની જેમ છાતી ઠોકીને કહેલું કે, તમારું દામ્પત્ય  જીવન સોળે કળાએ ખીલવાનું છે. અત્યારે ખીલાવાળી પથારીમાં પડખાં ફેરવું.  શિકારીની જાળમાં બિલાડું ફસાય ગયું હોય એમ, ગાલ્લું આગળ વધતું નથી. મારા લગન વખતના લોકોના છોકરાં ૧ થી ૭ સુધીના દરેક ધોરણમાં ભણતા થઇ ગયા, ને મારા હજી બાળપોથી ફાડે બોલ્લો..! એકમાં ફસાયા પછી, લગનનો બીજો દાવ રમવાની હિંમત પણ ફૂઉઉસ થઇ ગઈ. આજે પણ અવઢવમાં છું કે, રાશિ ઉપર વિશ્વાસ રાખવો કે, કર્મો ઉપર..? પણ વીત્યા પછી ખાતરી થઇ ગઈ કે, રાશિ કોઈની માસી થતી નથી..! રાશિ ભલે રેશમી મોંજા જેવી હોય, પણ નસીબમાં કૂતરા થાંભલા જોઈ ગયાં હોય એમ, કોથળામાંથી બિલાડાં જ નીકળે..! રાશિમાં ભલે ‘ચોપળું-ચોપળું’ લખ્યું હોય, પણ ચૂંટણી ઉઘડે  એટલે નેતાઓ કહે, ધંધે લાગી જાવ, નિશાળ ઉઘડે એટલે વિદ્યાર્થીઓને કહે, ધંધે લાગી જાવ, દેવ ઉઠ્યા એટલે ભૂદેવ કહે, ધંધે લાગી જાવ, ને દિવાળી આવે એટલે ઘરવાળી કહે, ચાલો માળિયા ચઢવા માંડો, ને સાફસફાઈ માટે ધંધે લાગી જાવ..! જે દિવસે રાશિમાં એવું લખેલું હોય કે, ‘આજે તમે સિદ્ધિના શિખર સર કરશો, તે દિવસે અચૂક માનવું કે, આજે માળીએ ચઢીને સાફસફાઈ કરવાની નોબત આવવાની...! એક તો આપણું માળિયું એટલે વાઈફની પિયરની પેટી જેટલું, અને આપણી કાયા હિપોપોટેમસ જેવી...! માળીએ ચઢવું હોય તો બધાં પાર્ટ્સ છુટ્ટાં કરવા પડે. પણ રાશી કોઈની માસી થાય..? આ તો એક અંદાજ..!

                             રાશિમાં ભલે લખ્યું હોય કે, ‘તમારું આગામી વર્ષ શુભદાયી-મંગલદાયી -સુખદાયી-આયુષ્યદાયી-તંદુરસ્તીદાયી નીવડશે, બાકી મન જાણે કે આપણા કેવાં લવંગિયા ફૂટે..! એક કુબેરના વારસદારે તો એવી શુભેચ્છા આપેલી કે, ‘તમારે ત્યાં આગામી વર્ષમાં લક્ષ્મીનો ભંડાર રહેશે. એના કપાળમાં કાંદા ફોડું, ઘરની કામવાળીનું નામ  લક્ષ્મી ત્યારથી રફુચક્કર થઇ ગઈ છે..! દિવાળીમાં ઘૂઘરાને બદલે ભુંગળા ચાવવાના દિવસ જોવા પડે છે દાદૂ..! છોકરાઓ ઝબકીયા મંગાવે ત્યારે ઝળહળિયા આવી જાય છે બોલ્લો..! ટાલનો વ્યાપ રાશિમાં જણાવ્યા વગર વધે છે. હરામ બરાબર જો એક પણ ભવિષ્યવેતાએ ટાલ ઉપર બાલ ઉગવાની ખાતરી આપી હોય તો..!

                                 રાશિ-ભવિષ્ય નિરાશ માનવીની હાથ-બત્તી છે. બંદાને ખબર છે કે, રાશિમાં બતાવી હોય પૂર્વ દિશા અને એ દિવસે આપણી માલગાડી પ્રશ્ચિમમાં જ દોડે. રાશિ-ભવિષ્યનું તૂત સ્વર્ગલોકમાં છે કે કેમ એ તો જઈએ ત્યારે ખબર પડે, બાકી પૃથ્વીની ફરતે એની માયાજાળ પથરાયેલી ખરી. યમરાજાઓને  સામેવાળાની રાશી સાથે કોઈ લેવાદેવા નહિ. રસ્તામાં કોઈ મેલો ગ્રહ આડો ફરી  વળે, ને યમરાજા ને પાડો પાછો વળી ગયો હોય તેવું જાણમાં નથી. ચૂંટણી આવે એટલે ખાદીના ઝભ્ભા વધે, શિયાળો આવે એટલે ‘ઉબાડીયા’ ની રેંકડી વધે, દેવ ઉઠે એટલે કુંવારાને પીઠ ચઢવા માંડે, એમ સંવત બદલાય એટલે ભવિષ્યવાણીઓ બહાર પડવા માંડે. રીટેઈલમાં ભલે રોજિંદુ ભવિષ્ય કાઢતાં હોય, પણ સંવત બદલાય એટલે આખા વર્ષનું ‘હોલસેલ’ ભવિષ્ય કાઢવા માંડે. ઝીંગાલાલા..!

                          સુતળી મળે ને સ્વેટર ગૂંથવા માંડે એમ, અમારો ચમનીયો પણ હવે તો ભવિષ્યવેતા બની ગયો. બાકી, ચમનીયાને ભૂત-ભવિષ્ય અને વર્તમાન સાથે કોઈ લેવા દેવા નહિ. મંગળ કે શનિ કોઈના ખોળે બેસે કે ભાંગડા કરે, એની સાથે એને કોઈ લેવાદેવા નહિ. એક જ સિધ્ધાંત ખિસ્સા ભરાવા જોઈએ, ખાલી નહિ રહેવા જોઈએ..! દિવસે છરા-ચપ્પુ ઘસવાનો ધંધો કરે, ને નવરો પડે એટલે લોકોના ભવિષ્યની ધાર કાઢવા માંડે. બધાં જ ગ્રહો એના ઘરે છૂટક મજુરી કરતાં હોય એમ વાવટા જ ફરકાવે..! આવાં નમૂનેદાર ચમનીયાએ આવનાર સંવત ૨૦૭૯ માટે લખેલું ભવિષ્ય મારે તમને બતાવવું છે. વાંચીને પરિણામ મળવાની કોઈ ગેરંટી નથી, પણ હસવાની ગેરંટી પાક્ક્કી..! ભવિષ્ય વાંચતા પહેલાં હાથે લીંબુ-મરચું બાંધવાની સલાહ છે. ઘરવાળી પાસે લીંબુ-મરચું માંગવામાં હળવા હુમલા થાય ને વર્તમાન ધોવાય જાય, એની કોઈ જવાબદારી ચમનીયાએ લીધેલી નથી. CAREFULL રહેવાનું..! મારી આટલી ચોખવટ પછી, લાગે છે કે, તમારું ભવિષ્ય જાણવાની તાલાવેલી તમને વધી હશે. તો આવો આપણે ચમનીયાની હાસ્ય-રસિક ભવિષ્યવાણી ઉપર એક લટાર મારી જ દઈએ..! બોલો હાસ્ય દેવતાય નમ: !!

મેષ-રાશિ :- ( અલઈ )

            લલ્લુભાઈ હો, અમથાલાલ હો કે, ઈશુભાઈ હો...! તૈયાર થઇ જાવ..! આ વર્ષ તમારા માટે ઉત્તમ ઉઘાડ લઈને આવે છે. ઉઘડતા પ્રભાતે રોજ પાંચ ભેંસના દર્શન કરવાથી, તમારા નસીબની કાળાશ દુર થશે. અને જમવા પહેલાં ભેંસની સામે બેસી  ‘ભેસવાય નમ:’ ના ૧૧૧ જાપ જપતાં, ૧૧૧ કાંદા છોલવાથી રસોડે તમારું માન વધશે. અને ભેંસના દુધની આવકમાં વધારો થશે. આપની રાશિમાં નવમે ફેફરીવાલ કેતુની સવારી કરીને આવી રહ્યો છે. તેમની ઝોળીમાં અનેક રેવડીઓ છે. છતાં તમારે તમારી રાશિ ઉપર જ લક્ષ આપવું. ત્રણ બાબતની ખાસ કાળજી રાખવી. ૧. જમવામાં પહેલું બેસવું.૨. ફોટામાં વચ્ચે રહેવું, (આજુબાજુવાળા કપાય જાય તો પણ ઉની આંચ નહિ આવે ) ૩. માર ઓછો પડે માટે લડાઈમાં છેલ્લા રહેવું..! જે વારે જનમ થયો હોય એ વારે, આઇસક્રીમ ભેળવીને ભાત ખાવો, પણ દાળનો ઉપયોગ કરવો નહિ. સવારે દક્ષીણ દિશામાં દશ ડગલાં ચાલ્યા પછી જ, બાકીના પ્રવાસનો આરંભ કરવો. કેતુ સિવાય તમારું કોઈ કંઈ બગાડી શકે એમ નથી. છતાં, તમારા નામવાળી ૧૧ વ્યકિતને જન્મ તિથીએ આખાં કાંદાના ૧૧ ભજીયા ખવડાવવાથી ઉત્તમ ફળ મળવાની આશા છે. વર્ષ દરમ્યાન ‘ગેસ ટ્રબલ’ ની બીમારી રહેવાની છે. એટલે રાંધવા માટે બીજા પ્રસાધનોની વ્યવસ્થા કરવી હિતાવહ છે. લાલ રંગના સાબુથી ન્હાવાથી અને લાલ રંગનો ટુવાલ વાપરવાથી તમારા જીવનમાં લાલીમા આવશે. દર બુધવારે અગ્નિ ખૂણામાં માથું રાખીને સુવાથી તમારા નબળાં કર્મો ભસ્મીભૂત થવાના યોગ બતાવે છે.

વૃષભ:- ( બવઉ )

 

                        રાશિ વૃષભ હોવાથી આખલા જેવું તોફાન તો જીવનમાં રહેવાનું. રખડતી ગાયોના પૂજન-અર્ચન કરવાથી, ફાયદો રહેશે. કહેવાય છે કે, “જે ગૌ સેવા કરે એને પરલોકમાં અને વહુ-સેવા કરે એને આ લોકમાં”  શાંતિ મળે. જન્મ તિથીએ ‘આખલાય નમ:’ ના ૧૧૧  જાપ કરવા થી આંટી-ઘૂંટીઓ ખૂંટે બંધાયેલી રહે. આ વર્ષમાં તમારું પાચન-તંત્ર નબળું રહેવાના યોગ છે, માટે હરામનો મુખવાસ પણ ખાવો નહિ. આખું વર્ષ રેવડી નહિ ખાવાની બાધા રાખવી. રોજ અડધો કલાક શીર્ષાસન કરવા. નહિ થાય તો તમારા ફોટાને ઓશિકા ઉપર અડધો કલાક ઉંધો મૂકી રાખવો. પોતાના પડછાયાથી દુર રહેવું. આખું વર્ષ હસતાં રહેવાના યોગ છે. માટે કોઈપણ હાસ્ય કલાકાર સાથે શીર્ષાસનમાં સેલ્ફી પડાવીને, તે ફોટો પેન્ટના પાછળના ખિસ્સામાં રાખવાથી હાસ્યની વૃતિમાં વધારે થશે. વાઈફના ફોટાથી આવો ફોટો છેટો રાખવો. કાન ભંભેરણી થવાની સંભવના ખરી..!

મિથુન:- (ક છઘ)

         આ જાતકની કુંડળીમાં આ વરસે રાજકીય પક્ષોની માફક ત્રણ ગ્રહો ભેગા થાય છે. આ ત્રણેય ગ્રહો શરીરના જુદા જુદા સ્થાને સ્થાન ગ્રહણ કરશે. બુધની દશા બેસતી હોવાથી, એજ ગ્રહ તમારી કમર પકડશે, મંગળનો  ગ્રહ ઘૂંટણ પકડશે અને રાહુ  પગથી માથા સુધી મોબાઈલ વાનની માફક આંટા મારશે. પત્નીની જાણ બહાર જે કંઈ ગતિવિધિ કરતાં હોય તે બંધ કરજો. પકડાય જવાના પુરા ચાન્સીસ છે..! આ રાશિવાળી બહેનોને લગનનો સંપૂર્ણ યોગ છે. કોને હા પાડવી ને કોને ના પાડવી એવી સમસ્યાઓ આવવાની છે. જેના ડાબા ગાલે કાળો તલ હોય, એવો ઉમેદવાર પસંદ નહિ કરશો તો ચાલશે, કારણકે આખું વર્ષ તમને અમાસની છાયા છે. પરણેલી સ્ત્રીઓએ દર રવિવારે ૧૧ મીનીટનું મૌન પાડવું લાભદાયી છે. બીજાની મેલી વિદ્યાથી મુકત રહેશો. બીજું કે, દર રવિવારે કાગદેવતાને પકવાન ખવડાવવાથી રાહત મળશે. બાકી ગ્રહોની વક્રતા એવી વિફરવાની છે કે, ધણી સાથેના સંબંધો મંજીરા જેવા સંવાદી છે, એ એમાં ભાંગતોડ થવાની શક્યતાઓ છે. સંજોગોને ધાકમાં રાખવા દર મંગળવારે બે ગ્લાસ દુધીનો રસ પીવો.  

કર્ક : (ડ હ)

                 આ રાશિનાં જાતકોને આખું વર્ષ ફળદાયી છે. કારેલામાંથી પણ કેરીના જેવો સ્વાદિષ્ટ રસ મળે તેવા મધુર યોગ છે. જેટલાં ફળો નહિ ખાધાં હોય એ બધાં ફળો એક જ વર્ષમાં ખાવા મળશે. આ રાશિના કર્મચારી માટે પણ આ વર્ષ લાભદાયી છે. કહેવાય છે કે, ‘જો સોવત હૈ વો ખોવત હૈ, ઔર જો જાગત હૈ વો પાવત હૈ’ માટે જાગતા રહેવું, ઊંઘતા રહેશો, તો જાગતો હશે એ એનો લાભ લઈ જશે. સાતમે રાહુ હોવાથી, ખવડાવનારથી ચેતતા રહેવું. આ રાશિવાળી બહેનોએ ડીઝલને બદલે પેટ્રોલવાળા વાહનમાં મુસાફરી કરવી. સીએનજીવાળા વાહનમાં મુસાફરી ક્યારેય કરવી નહિ. કારણ કે, સીએનજીવાળા વાહનો ઉપર તમામ ગ્રહોની ક્રૂર દ્રષ્ટિ પડેલી છે. પાડોશના છાપાં લાવી વાંચવાથી ૧૮૧૯ દેવતાઓ તમારા ઉપર ખફા થશે.  માટે પોતાના ઘરે આવતા છાપા જ પૂર્વ દિશામાં બેસીને વાંચવા ભવિષ્યવેતાની સલાહ છે. કંકાશથી રાહત મેળવવા માટે દર મંગળવારે પૂર્વ દિશામાં પાંચ માણસોને ભેગા કરીને પાંચ રાસડા રમવા. સ્થિતિમાં માંગલિક ફેરફાર આવશે.

સિંહ : (મ ટ)

                 આ રાશિવાળા વરિષ્ઠ નાગરિકો માટે આ વર્ષ મધ્યમ છે. માટે ખાધ ઓછી કરવી. ફાંદ વધવાની શક્યતા છે. માટે અઠવાડિયાનો એક દિવસ ઉપવાસમાં કાઢી, સૂર્ય દેવતાની આરાધના કરવી. રાતે સૂરણના મુઠીયા દહીં સાથે ખાવાથી ઉછળતા ગ્રહો શાંત થશે. આ રાશિના યુવાનોએ આ રાશિની ગર્લફ્રેન્ડ સાથે ઝાઝા સંબંધ રાખવામાં જોખમ છે. માટે ‘દેખા જાયેગા’ વાળી ખુમારી રાખવી નહિ. જેના નાક ઉપર ચાંઠું કે કાળો તલ હોય એમણે બને ત્યાં સુધી ઘરનું જ ભોજન લેવું. ના છૂટકે હોટલમાં જમવાનું થાય તો હોટલના બીલ કરતાં વેઈટરને TIPS વધારે આપી દેવી. જેથી ઋણમુકત બનશો. બહેનોએ આડોશ-પાડોશના બાળકોને સારી ચોકલેટ વહેંચવી. અવાજમાં મધુરતા આવશે, અને ‘ગાયિકા’ બનવાના યોગ છે.

કન્યા : ( પ ઠ ણ )

            ધરતી ઉપરની તમામ સાસુઓ માટે આ વર્ષ અતિ ઉત્તમ છે. સસરાઓ માટે કસોટીનો કાળ વરતાય છે. સજોડે યાત્રા ધામનો પ્રવાસ સૂચવે છે. પણ સસરાઓ માટે પ્રવાસમાં તંદુરસ્તી સાચવવી જરૂરી ખરી. પ્રવાસ માં કરન્સી નોટ કરતા પરચુરણનો ઉપયોગ વધારે કરવાથી તંદુરસ્તી જળવાશે. સાસુ અને વહુની રાશિ સરખી હોય તો, સાસુએ બેંગાલી સ્ટાઈલમાં અને વહુએ ગુજરાતી સ્ટાઈલમાં સાડી પરિધાન કરી બહાર નીકળવું. બારમે રહેલો મંગળ બંનેના મગજ ગરમ ગરમ રાખવાનો છે. માટે મંગળવારે રસોઈમાં ગરમ મસાલાનો ઉપયોગ બંધ કરવો. વાહનની પાછલી સીટ ઉપર બેસનારને અકસ્માતના યોગ છે. માટે પર્પલ કલરની હેલ્મેટ ખાસ પહેરવી. લાલ કલરની હેલ્મેટ હાનીકારક છે. કચુંબરમાં કોબીઝનો ઉપયોગ વધારે કરવાથી, રાહુની દશા હળવી થશે. વૃદ્ધોએ ચૌદશને દિવસે ‘હેરડાય’ કરવી નહિ. અને કરવી જ પડે તેવું હોય તો તે દિવસે માત્ર રીંગણનું શાક ખાવું. બને તો નોમના દિવસે એકટાણું કરવું. વર્ષમાં એકાદ છોકરાનું ‘બેબી-સીટીંગ’ કરવાથી આરોગ્ય જળવાશે.

તુલા: ( ર ત )

             આ રાશિના જાતકો માટે આ વર્ષ ભારે કસોટીવાળું છે. માથા ઉપર યમરાજ બેઠો હોય એવો ભાર લાગશે. માટે જન્મ દિવસ સિવાય, બાકીના તમામ દિવસોમાં માત્ર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા. જન્મ દિવસે શું પહેરવું એ પોતે નક્કી કરવું. જો ધોળા વાળ હોય તો કાળાં વસ્ત્રો ધારણ કરવા. જેમને માથાના વાળનો દુકાળ હોય તેમને કોઈ વાતે ચિંતા નથી. પણ જેટલાં વાળ હશે, એટલાં પ્રમાણમાં ઉપાધિના ભારા તો રહેવાના. બને ત્યાં સુધી સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ  ધારણ કરવી. પાંચ કલાકારોને દર રવિવારે આઈસક્રીમ ખવડાવવાથી ગ્રહોને ટાઢા કરી શકાશે. દિવસમાં ત્રણથી વધારે છીક આવે તો અપશુકનિયાળ જાણવી. તેમ છતાં પણ આવે તો એ દિવસે ઉપવાસ રાખવો. આ વર્ષમાં ખરાબ સ્વપ્નાઓ આવવાના યોગ છે, માટે રાતે હીંગની ફાંકી મારવાની સલાહ છે. આ રાશિના લોકો માટે, આ વરસે માથા કરતાં પેટ મોટું રહેવાની શક્યતા છે.

વૃશ્ચિક : ( ન ય )

         આ વર્ષ આપના માટે ભાગ્યના તમામ દરવાજા ખોલીને બેઠું છે. હાથ નાંખો ત્યાં હલવા મળે તેવાં યોગ છે. સાહસ કરજો, સાહસિક થવાના યોગ છે. આઠમે રહેલો ગુરુ અને બારમે રહેલા ચંદ્રની આવન-જાવન છે, છતાં રેવડી નહિ ખાવાની બાધા રાખશો તો, સૌ સારા વાના થશે. આ વરસમાં કબજીયાત રહેવાના પ્રોબ્લેમ છે. પરંતુ સાયગલના ગીત ગાવાથી તેમાં રાહત મળવાના પણ યોગ છે. ચંદ્રની મહાદશા હોવાથી પાછલા ખિસ્સામાં વાઈફનો ફોટો અને કાંસકી રાખવી નહિ. અને ચંદ્રની હાજરીમાં માથે કાંસકી ફેરવવી નહિ. પગમાં પોતાની ચંપલને બદલે, પતિની ચંપલ ઘરમાં પહેરવી. યુવાનો માટે આ વરસે નવરાત્રી ભારી છે. માટે આમતેમ ડાફોળિયાં માર્યા વગર શ્રધ્ધાથી ભક્તિ કરશો તો, ગ્રહદશામાં સુધારો મળશે. ત્રણ તાળીના ગરબા ગાવા નહિ. ચોખ્ખાં ઘીમાં બનાવેલો સિંગદાણાનો અડધો લાડુ ઉંદરને અને અડધો લાડુ સાળાને ખવડાવવાથી રાહત રહેશે. ચોમાસામાં છત્રી લઈને નીકળો તો કાગડો થવાની શક્યતાઓ છે. સ્ત્રીઓની છત્રી પણ કાગડો જ થશે. કાગડી થતી નથી, માટે તેમણે પણ કાળજી રાખવી. બને તો ભૂરા કલરનો રેઇનકોટ પહેરવો. વાઈફને આખું વર્ષ મોગરાની વેણી પહેરાવવાથી પત્ની-પ્રેમમાં વધારો થશે. દર પૂનમે સજોડે બગીચામાં ફરવા જવાથી ચંદ્રની મીઠી નજર મળશે.

ધન : ( ભ ઘ ઢ ફ )

                        આ રાશિવાળાઓએ મંદિરે જઈને માત્ર કમળના ફૂલ ચઢાવવા. આ વરસમાં આવક કરતાં જાવક વધવાની પૂરી શક્યતાઓ હોવાથી, પક્ષ પરિવર્તન, હૃદય પરિવર્તન, ધર્મ પરિવર્તન અને જાતિય પરિવર્તનની જેમ રાશી પરિવર્તન થઈ શકતું હોય તો પ્રયત્ન કરી જોવા, આઈ મીન નામ બદલી જોવું. તમને આખું વર્ષ વ્યસનની પનોતી બેસે છે. માટે  ગુટખાનું સેવન બંધ કરીને, ગુટખાની પડીકીના તોરણ પહેરી એકવાર સાસરે જવાથી પનોતીમાં રાહત રહેશે. ઉડતાં વિમાન સામે જોવું હિતાવહ નથી. વૃધ્ધો માટે આગામી વર્ષ ફળદાયી અને યશદાયી છે. છતાં આંખો ખુલ્લી રાખીને ઊંઘવાની સલાહ છે. ચેત્તતો નર સદા સુખી હોય છે.

મકર: ( ખજ ) 

        આ વરસે નાના-મોટા કોઈપણ નેતાની અડફટમાં આવવું હિતાવહ નથી. તમારા જન્મના ગ્રહો જોતાં તમને ‘ગાયનેક’ પ્રોબ્લેમ એટલે કે રસ્તે રખડતી ગાય શીગડે ચઢાવે એવું બને. જેથી જ્યાં પણ ગાયમાતાના દર્શન થાય ત્યાં ગૌ-પૂજન કરવું. અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરી પુણ્ય પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવાં. આ રાશિના જાતકો ઉપર લક્ષ્મી પ્રસન્ન થવાના યોગ હોવાથી, જાવક કરતા આવક બમણી થશે. આ રાશિની બેંકો સાથે લેવડ દેવડ રાખવી.  દાન ધરમ અને બેંક સિવાય નાણાનો વિનિયોગ કરવો નહિ. રમેશ ચાંપાનેરીના હાસ્યના કાર્યક્રમ રાખવાથી પ્રસન્ન થવાશે. પાન ખાવાની આદત હોય તો ચૂનો લગાવ્યા વગરનું પાન ખાવું. નહિ તો ગમે ત્યારે કોઈ તમને ચૂનો લગાવી જાય એવી શક્યતા નકારી શકાતી નથી. પાનની પિચકારી સાસરીની દિશામાં નહિ મારવા ખાસ અનુરોધ છે.

કુંભ ; ( ગશસ )

          આ વરસે તમે ફણીધર નાગની માફક ઘડામાંથી બહાર નીકળી રહ્યા છો. તમારી રાશિમાંથી આ વરસે સૂર્યદેવતા ભ્રમણ કરતા હોય, રોજ બરફનું સેવન કરવું. પાડીશીને દર બુધવારે કે રવિવારે ફાલુદો પીવડાવવાનો સંકલ્પ કરવો. આમ કરવાથી સંબંધો વધુ સ્વાદિષ્ટ અને મજબુત બનશે. શનિની સાડા-સાતી આમ તો પૂરી થઇ ગયેલી છે, પણ તમારા ધાર્મિક અને સરળ સ્વભાવને કારણે ત્યાંથી પ્રસ્થાન થવાનું નામ લેતી નથી. માટે શનિવારે ગોળના માટલામાં ગુલાબનો છોડ રોપી ફરતે કાળું કપડું વીંટાળી પૂર્વ દિશામાં મુકવાથી રાહત થશે. આ રાશિની સ્ત્રીઓ માટે આ વરસે એક સારો યોગ આવે છે. દર પૂનમે પતિ પાસે મંગળસૂત્ર ધોવડાવવાથી  દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. કડવા ચોથને દિવસે કોઈ કડવાશ અને કચાસ નહિ રાખવી. પતિની આરાધના કરવાથી કડવાશ નાબુદ થશે. સંકટ ચોથના દિવસે પતિના પેન્ટના જમણા ખિસ્સામાં લાલ ગુલાબનું ફૂલ મુકવાથી તમારા સંકટો હળવા થશે. જેટલું મંગલસૂત્ર સાચવો એટલી જ કાળજી રાખીને પતિને પણ સાચવવાની કાળજી રાખવી. ચેત્તેલી નારી સદા સુખી..!

મીન: ( દચઝથ )

    આ રાશિની બહેનોએ આ વરસે રસ્તા ઉપરના ખાડાઓ જોઇને ચાલવું. ખાડાઓ ‘દેખો ત્યાંથી પૂરો’ ની ભાવના રાખશો તો, તમારા માટે આ સોનેરી વર્ષ છે. આ વરસે ધર્મ પારાયણ બનવાના સુંદર યોગ છે. માટે નિયમિત સ્વામીનારાયણનું રટણ કરવું. ભાત અને ખીચડીના ભેદ તમને આ વરસે સમજાશે. જો આ રાશી-ભવિષ્ય વાંચવાથી તમને છીંક નહિ આવે તો માનવું કે, આખું વરસ આરોગ્ય માટે લાભદાયી છે. સવારે ઉઠીને રોજ દુધમાં રુદ્રાક્ષ બોલીને પીવાથી મગજમાં ચેતના વધશે. પલંગની ડાબી બાજુથી ઉતરવાથી નબળા ગ્રહો ઉતરી જવાના એંધાણ દેખાય છે. આ રાશિની બહેનોએ દર સોમવારે પીળા કલરના વસ્ત્રો ધારણ કરવા. જેથી દેવી દેવતાઓનો રાજીપો મળશે. હસવું આવે કે નહિ આવે, રોજ સવારે સાત વાગ્યે અમસ્તા-અમસ્તા હસવાથી પણ વિચારોમાંથી નેગેટીવીટી નાબુદ થશે. હાસ્ય એ જ તમારા શરીરનો શણગાર હોવાથી આ રાશી ભવિષ્ય સાત જણાને વહેંચવાથી ફાયદો રહેશે.

-------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )