GARBO GOTE CHADHYO RE LOL books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૪૫

 ગરબો ગોટે ચઢ્યો રે લોલ.!

                        રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે,વંશમાં વૃદ્ધિ દે,બાક્બાની
                        હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે,અભય વરદાન દે,શંભુ રાણી
                        દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસ જાણી
                       રાજન સો હિત દે, કુટુંબ સોં પ્રીત દે,જગમેં જીત દે,માં ભવાની

                 કાનમાં કોયલ ઘુસી ગઈ હોય એમ, ગળામાંથી આવી તર્જ નીકળવા માંડે, ત્યારે માનવું કે, નવરાત્રીના બ્યુગલ વાગવા માંડ્યા. ઢોલને મસ્તી ચઢે, યુવાની સ્વચ્છંદી બને, પગના ઠેકા કાબુમાં નહિ રહે તો માનવું કે માતાજીઓ ડુંગરા ઉતરી રહી છે. આવું થાય એટલે ગુજરાતણની કમર લચકાવા માંડે, યુવાની મચકાવા માંડે, ચાલકની ચાલ બદલાય, ને રોજીંદા પહેરવેશને બદલે ચણીયા-ચોળી અને ચુંદડીના પરિવેશમાં પ્રત્યેક ગુજરાતણમાં માતાજી દેખાવા લાગે. એક ભાઈ કાનના ડોક્ટર પાસે ગયા. અને કહ્યું કે, ‘ સાહેબ હમણાં-હમણાં  બે-ચાર દિવસથી કાનમાં મને ‘ઘૂઊઊઘૂઊઊઊ’ સંભળાયા કરે. કાનમાં બેસીને કોઈ નગારા વગાડતું હોય એવું લાગ્યા કરે..! ડોક્ટરે તપાસીને કહ્યું, ‘શરદ પૂર્ણિમા સુધી આવું જ ચાલશે ભાઈ..! નવરાત્રી જશે એટલે મટી જશે..! કારણ કે તમે માતાજીના ગરબાની ઝાપતમાં આવી ગયા છો...!  આને નવરાત્રીની અસર કહેવાય, આડ અસર નહિ..! આવું થાય ત્યારે ચુંદડી ઓઢે તો જ ઉડી નહિ જાય, બેઠાં-બેઠા પણ સરકી જાય..!

                    વિમાની પોલીસી ભલે પાકી ગઈ હોય, શરીરમાં પાનખર ભલે પ્રવેશી હોય, ઘૂંટણીયાની ‘એક્સપાયરી’ તારીખ ભલે વિતાવી દીધી હોય, એની બહુ ચિંતા નહિ કરવાની. ઉમર તો એક આંકડો છે. ગરબો માત્ર મનોરંજન કે મનોમંથન નથી, ‘ઈમ્યુનીટી’ પણ છે. ગાવાની ઈચ્છાને દબાવવી નહિ, છોડિયાફાડ ગાય જ નાંખવાનો..! પગમાં ધોતિયું ભેરવાય તો ભલે ભેરવાય, ધ્યાન ગરબામાં રાખવાનું, ધોતિયામાં નહિ. છૂટે એવી માત્ર ભ્રમણા થાય, બાકી છૂટવા તો નહિ જ દે..! માટે ગરબો નહિ છોડવાનો...! ગળા આગળ ઘૂંટણીયુ આડો પગ કરવા આવતું નથી,  નહિ ફાવે તો ટેન્શન નહિ લેવાનું. માતાજી સૌ સારા વાના જ કરે. ત્રણ તાળીના ગરબા અભરાઈએ ચઢાવી દેવાના, અને એક તાળીવાળા ગરબાની ફેકલ્ટીમાં જઈને ધીમી ગતિના ગરબા ખેંચી નાંખવાના. એ પણ નહિ ફાવે તો, ગરબાનું મેદાન છોડી, કોઈની પારોળી પકડી લેવાની. માતાજીની મહેર વાઈફાઈ જેવી થોડી હોય કે, ગરબાના મેદાનમાં જ ટાવર પકડે. પારોળીએ બેઠાં-બેઠા ગરબા નીરખીએ તો પણ માતાજીના ભગત જ કહેવાઈએ. કોઈ પારોળી ભક્ત કહે એટલું જ..! એટલું ખાસ યાદ રાખવાનું કે, નવરાત્રી અને છપ્પનભોગના થાળ માત્ર જોવાના અને દર્શન કરવા પૂરતા જ હોય..! પારોળીએ બેઠાં હોય તો મોબાઈલ મચેડાય તો ખરો..! જો કે, એક બહેન તો ચાલુ ગરબામાં એક હાથમાં મોબાઈલ અને એક હાથમાં દાંડિયું પકડીને રાસડે ચઢેલી. એના ધણીએ આ જોઇને એટલું જ કહ્યું કે, ‘ ગરબામાં તો મોબાઈલ છોડ. સામે જો માતાજીની મૂર્તિમાં માતાજીના આંઠ હાથ છે, એમના એકેય હાથમાં મોબાઈલ દેખાય છે..? પેલી કહે, એમ તો ભગવાનના પણ ચાર હાથ હોય છે,  એના એકેય હાથમાં ક્યારેય તમે ગ્લાસ જોયેલો.? તમે શું કામ હાથમાં ગ્લાસ રાખીને ઝૂમો છો..?  એના કપાળમાં કાંદો ફોડું, સીધાં બાઉન્ડ્રી લાઈન ઉપર સિક્ષ રન..!

                              ગરબો અને ગુજરાત બંનેની રાશિ સરખી. આદિકાળથી બંનેનું ઝામે. બંને એક સિક્કાની બે બાજુ જેવાં. એકાદ છાપ  સિક્કામાં નહિ હોય તો,  સિક્કો ચલણની બહાર ચાલ્યો જાય. રાધા વગર કૃષ્ણ અધૂરા એમ ગરબા વગર ગુજરાત અધૂરું..! બાકી સરખી રાશિવાળાના ઈતિહાસ જોઈએ તો, રામ અને રાવણ, ગાંધી અને  ગોડસે, ઓબામા ને ઓસામા બિન લાદેન એટલે ૩૬ નાં આંકડા..! ત્યારે ગરબો અને ગુજરાત તો ભારતની જ નહિ વિશ્વની અસ્મિતા. ગરબો એટલે ગુજરાતનો ઓળખ કાર્ડ. જેનાં થકી  ગુજરાતણ ગરવી ગૃહિણી કહેવાય..! ગરબાએ એને ધબકતી રાખી. રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે, શબ્દનું સામર્થ્ય જ્યાં સમાપ્ત થાય, ત્યાંથી સંગીત નીકળે. ને એ સંગીત સાથે તાળી, ચપટી અને ગુજરાતણનું લાલિત્ય ભળે એટલે ગરબો ઘેરાવા માંડે. ખાટલે મોટી ખોટ એ વાતની કે, “ડુંગરે-ડુંગરે કાદુ તારા ડાયરા” ની માફક, આજે ઘર-ઘર ઘૂંટણના ત્રાસ છે..! અમુકને તો એવી ટણક ઉપડે કે, ઘૂંટણમાંથી જીવ જવાનો હોય એમ ફફડે..! પણ ગરબાની હેલીએ ચઢ્યા પછી, ઘૂંટણની પરવાહ કરે તો એ ગુજરાતી નહિ. ઢોલ નગારા વાગતા હોય, ને ગવડાવનારના સુર રેલાતા હોય ત્યારે તો એવી ઉપડે કે, ડેમેજવાળા ઘૂંટણીએ પણ, ફૂલોની ચાદર ઓઢીને ગરબાનો એકાદ ‘રાઉન્ડ’ લઇ નાંખે..!  જિંદગીની છેલ્લી ઓવર ચાલતી હોય એ પણ ભૂલી જાય. મોઢામાં ફર્નીચર હોય કે ના હોય, પણ જેમ પાણીપુરી વાળાને જોઇને મોઢું ભીનું થવા માંડે, એમ ગરબાની હીંચ પડે ને કમર લચકાવા માંડે. પછી ભલે હાડવૈદને ત્યાં પાટાપીંડી સાથે પગ ઊંચા રાખીને પથારીમાં સુતો કેમ ના હોય..?  એનું નામ ગુજરાતી..! ગરબાની જાહોજલાલી છે બોસ..! માતાજીની કૃપા, જ્યારે મળવાની હોય ત્યારે મળે, પણ એકવાર ગરબે ચઢ્યા પછી, જાણે યુવાની ‘Return’ થતી હોય એવું ચોક્કસ ફિલ થાય. જીવડો હેઠે નહિ બેસે બોસ..!  શોખ-શ્રદ્ધા અને ચટાકા માંથી ખુદ બ્રહ્માજી પણ ગુજરાતીને બહાર ખેંચી નથી શકતા, તો આ તો માતાજીની આરાધના કહેવાય..! ગરબાની મૌજ કહેવાય..! એમાં ઉમરના આંકડા કે સ્મશાનના લાકડા આડા આવતા નથી…! ખુદ શંકર ભગવાનને પણ એકવાર રાસ રમવાની ઉપડેલી. યાદ આવે છે ને પેલું ભજન..? “એક બાર યે ભોલે ભંડારી બન ગઈ બ્રીજકી નારી, ગોકુલમેં આ ગયે હો.!“

                          તંત્ર અને મંત્રનો જમાનો હવે છુમંતર..! ચલણમાં ચાલે એ રૂપિયાની માફક હવે તો, અત્ર-તત્ર અને સર્વત્રમાં ગરબાની પણ બસ ધમાધમી જ ચાલે..! સમય સાથે ભલે બધું બદલાયું, પણ માતાજી હજી બદલાયા પણ નથી, ને વિસરાયા પણ નથી. માતાજી કદાચ વધ્યા હશે, પણ ઘટ્યા તો નથી જ..! આજે પણ નવરાત્રીમાં નવ માતાજીની આરાધના થાય. શ્રદ્ધા અને ભક્તિ ત્યારે પણ હતી ને આજે પણ છે. ફેર એટલો કે થોડી મસ્તી આવી, અને શ્રવણયંત્રો વધ્યા..! જે ઠોઠને નવ સુધીના આંકડા  નહિ આવડે, એ પણ નવરાત્રીની રાહ જોઇને બેઠો હોય..! પછી ભલે પગમાં પાંચ ફેકચર કેમ ના હોય..? ફેક્ચરવાળી ટાંગ ઊંચકીને પણ ગરબો ગાય એનું નામ ગુજરાતી..! પ્રાચીન ગરબાઓ હવે હાંસિયામાં જવા માંડ્યા. આજકાલના ગરબા જ એવાં પરસેવાદાર કે, ઢોલીને પણ પરસેવો વળે, ગાનારને પણ પરસેવો વળે, ને ખેલૈયાઓનો પણ પરસેવો છૂટે..!

                             ગરબાના પણ વિવિધ પ્રકાર હોય દાદૂ..! ગરબામાં પણ નર-નારી જેવું જોડકું આવે. ગરબો પણ અલગ ને ગરબી પણ અલગ. તાળી સાથે જે સ્ત્રી રમે તે ગરબો કહેવાય, ને પુરુષો રમે તે ગરબી કહેવાય.  સ્ત્રી અને પુરુષો હાથમાં દાંડિયા લઈને રમે તે રાસ કહેવાય. અને સ્ત્રી અને પુરુષો હાથે તાળીઓ પાડીને ગરબો લે એને ‘હીંચ’ કહેવાય..!  આજકાલ તો સાઉન્ડ સીસ્ટમ જ એવી સોલ્લીડ આવી  કે, ગાનારની અડધી જવાબદારી તો સાઉન્ડવાળા જ ઉપાડી લે. એવી ઈફેક્ટ આપે કે, ગાયક કલાકારે ગાવા માટે મારફાડ કરવી જ નહિ પડે..! સાઉન્ડવાળો જ એની શાન વધારીને, કોકિલકંઠો કે કોકિલકંઠી બનાવી દે..!  પહેલાં તો સાઉન્ડ વગર ગરબા ગવાતા. ને ગાનારના મોંઢે ફીણ આવી જતું. એ સમયના ગરબાના રચયિતા પણ એવાં કે, ગરબાના છેડે ‘લોલ’ શબ્દ મુકીને, ગરબો એવો નશેડી બનાવી દે કે, ગાનાર અને ઝીલનાર બંને લોલ થઇ જતાં.  પુંછડું લગાવ્યા વગર પતંગ જેમ ચગે નહિ, એવી અંધશ્રદ્ધાની ગરબામાં પણ હતી. એટલે ગરબાના છેડે લોલ શબ્દ રાખતાં..! ભાવ-ભાવના અને ભક્તિનું જે થવાનું હોય તે થાય, બંદાને મૌજ-મઝા ને મસ્તી આવવી જોઈએ. એમની મસ્તી જોઇને સાલી આપણને ખુજલી ઉપડે કે, આપણી યુવાની આપણે પાણીના મુલે કાઢી નાંખી..!

                            દુનિયાને જે કહેવું હોય તે કહે, બાકી જનમવામાં ઉતાવળ તો કરેલી..! સાલું જોવા-જાણવા ને જીવવા જેવું તો હમણાં આવ્યું. ૪૦-૫૦ વર્ષ રાહ જોઈ હોત તો, આજે ૨૦-૨૧ વર્ષના ફૂટડા યુવાન હોત. લોકો ‘બાઘા’ ને બદલે, ‘બેબી’ કહીને બોલાવતા હોત..! આપણને વળી એમ કે, દેશ આઝાદ જ થઇ ગયો છે તો, વહેલાં જન્મીને પૃથ્વી ઉપર વહેલાં ટીચાય જઈએ, તો કોઈને કહેવાનું મન થાય કે, અમે એટલે આઝાદીના ફળ કહેવાઈએ..! છાતી ઠોકીને કોઈને કહેવાય કે, જુઓ અમારા પગલાં કેટલાં શુકનિયાળ હતાં.? દુખની વાત એ આવી કે, ભારતની વસંત સાલી ઘરડાં થયાં ત્યારે ખીલવા માંડી. કચુંબરો ઝાપટીને ઢેકાર ખાધાં પછી, સરસ વાનગીઓ આવે, પછી જીવડો પણ ખાવામાં કેટલું મથે..? પેટ ફાટ-ફાટ થયા પછી, માલપુડા આવે તો એ પણ મધપુડા જેવો લાગે. શું કહો છો રતનજી..? નહિ ખવાય, નહિ જોવાય. નાહકનો જીવ જ બાળવાનો ને..? ‘બાકી, પસ્તાવો તો થાય કે ગાંધીના કાળમાં જન્મ્યા એના કરતાં, મોદીસાહેબના સમયમાં જન્મ્યા હોત તો, જીવતરની કોઈએ નોંધ પણ લીધી હોત..! બુલેટ ટ્રેનમાં પણ ગરબા ગાવાની તક મળી હોત..! મંગળના ગ્રહ ઉપર આંટો મારવાની ઈચ્છા પણ પૂરી થઇ હોત..! ચચરાટ તો ત્યાં લાગે કે, કમ્મરતોડ ટેક્ષ આપણે ભરીએ, ને સુવિધા આવનારી પેઢી ભોગવવાની..! ગરબામાં પણ આવું જ છે બોસ..! આપણે ભલે ઉંઠાના પાવડા ભણ્યા હોઈએ, પણ છોકરાં એવાં ઉંઠા ભણાવી જાય કે, ગરબામાં જાઉં કહીને જાય તો ખરો, ને નીકળે મલ્ટીપ્લેક્ષમાંથી..! મચ્છર અભણ હોવાં છતાં, સાંજે સાત વાગ્યે ઘરમાં આવી જાય, પણ છોકરાં મચ્છરનો રેકોર્ડ પણ ભાંગી નાંખે..!

                 સમય-સમયના બદલાવ છે. સમય સાથે જેમ ગરબા બદલાયા, સંગીત બદલાયું, તાલીઓના તાલ બદલાયા એમ પગના ઠેકા પણ બદલાયા. એવાં અટપટા ઠેકા લે કે,  પાકટ માણસનું તો પાણીચું થઇ જાય. બિચારો  ડગલું ભરવામાં જ માંડ ‘સ્ટેપ’ મેળવતો હોય, એ અટપટા સ્ટેપ કાઢે ક્યાંથી..?  ‘બબરીક’ અને ‘શ્રવણ’ નો ગરબો હવે હાંસિયામાં ચાલી ગયો. ભાઈ બહેનના હેતવાળો ગરબો પણ વિસરાય ગયો. લીલી લીમડી..ચલણમાં એટલી ચાલી કે, મરઘાં પણ મોર બનીને થનગનાટ કરતા થઇ ગયા. ઉમર થાય એટલે આપણા સ્પેર-પાર્ટસની કાળજી તો આપણે  રાખવી જ પડે. એમાં બાંધછોડ થોડી કરાય? માતાજીના ગરબા પાછળ આપણે તો આખેઆખું શરીર ન્યોચ્છાવર કરવા તૈયાર, પણ ઘૂંટણ હા પાડે ત્યારે ને..? ગરબામાં પગ કાઢે એટલે ઘૂંટણની સણક આંદોલન કરવા માંડે. ઢીંચણ પકડીને પણ ગરબો ગાવો હોય તો ગવાય, પણ નાહક કોઈ ટીકા કરે કે, બંધુ ગરબો ગાવા આવ્યો છે કે, ગરબામાં ભીખ માંગવા..? સિંહના ટોળામાં વાંદરું ઘુસી ગયું હોય એવું લાગે..! હઠીલા રોગોનો વસવાટ શરીરમાં વધવા માંડે પછી તો, ગરબાનો એક આંટો પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોય એવો લાગે. પાણીમાં પગ ઝબોળીને જ બહાર નીકળી જવું પડે, ‘ઉખ્ખડ’ બોલીને ગરબો અડધેથી છોડી દેવો પડે. લાંબા થઇ જવાય યાર..! બાકી લટકા-ફટકા કરવામાં ક્યાં ઉંમર નડે છે..? લટકાં તો આજે પણ ફેણ કાઢે, પણ કરીએ શું..? બ્લડ પ્રેસર-સુગર-કોલેસ્ટ્રોલ ને હાંફી જવાની ચેષ્ટા સાથે સંબંધ જ એવાં ગાઢ બંધાય ગયેલા કે, સંબંધ બગાડાય નહિ. એટલે ઢીંચણ ઉપર જ થાપ આપવી પડે.  ગરબા ગાવાની ઉપડે તો બહુ. પણ ધરમપુરના ધોધની માફક અંદરને અંદર ઘૂમરી ખાયા કરે. ભૂલમાં પણ એક આંટો લેવા ગયા તો છાતી ધમણની માફક ફૂલવા માંડે..! ને ટાંટિયા લોલ થવા માંડે. શ્રીશ્રી ભગા ઉપર તો માતાજીની એવી કૃપા કે એને ગરબા ફાવે બહુ..! મહિને-મહિને નવરાત્રી આવે તો પણ ગરબા ખેંચી નાંખે. ગરબાનો અઠંગ ખેલાડી. ગમે ત્યાંથી ગરબાની હીંચ સંભળાવી જોઈએ, પહેરેલા ધોતીએ ગરબામાં એક ફેરફુદરડી ફરી આવે.! ધોતિયાંની પણ ચિંતા નહિ કરે.  કઈ માતાજી એમને શક્તિ આપે છે, એની ખુદને જ ખબર નહિ. જેવી નવરાત્રી શરુ થાય, એટલે નિત નવા નવરંગી પરિવેશમાં ગરબે ઘૂમતા યૌવનધનમાં ધોતિયાધારી ભગો ગરબો ગાવા ઘૂસે, ત્યારે તો એમ જ લાગે, ઢેલ અને મોરના ટોળામાં આ વાંદરું ક્યાંથી ઘુસી ગયું? બાકી એની ગરબા ગાવાની સ્ટાઈલમાં તો દયાભાભી પણ વામણી લાગે..! ગરબાના રવાડે ચઢે ત્યારે, “યૌવન વીંઝે પાંખને બદલે, ડોહો વીંઝે આંખ” વધારે લાગે. ગરબો એટલે દિનચર્યાની માફક વર્ષ-ચર્યાને નાકે આવેલા આસો માસની  નવલી નવરાતે કાઢેલાં સરવૈયાનું સાંસ્કૃતિક સૌભાગ્ય..! સુર-શબ્દ-ગીત-ગાયકીના સથવારે પગના ઠુમકાની અનોખી શૈલી દ્વારા, માતાજીની કરેલી ભક્તિ પૂર્વકની આરાધના..! ગરબો ગાવાનો ગમે, જોવાનો ગમે, સાંભળવાનો ગમે, ઝૂમવાનું ગમે, અને વીતેલા વર્ષોને યાદ કરીને ઝૂરવાનું પણ ગમે..! હોસ્પિટલના ખાટલે દર્દી સુતો હોય ને ખાટલો હલવા માંડે તો એમ નહિ માનવાનું કે, ભાઈને ટાઢિયા તાવની ધ્રુજારી ચઢી છે, બનવા જોગ છે કે, ગરબાનો પવન પણ ભરાવા માંડ્યો હોય..! ગરબામાં તાકાત જ એવી કે, પરવારી ગયેલા પગમાં પણ  ‘ઈમ્યુનીટી’ આવી જાય..! સારું છે કે, ઓન લાઈન શિક્ષણની માફક ‘ઓન લાઈન’ ગરબાના આયોજન થતાં નથી, નહિ તો કંઈ કેટલાના બેડરૂમ, ડ્રોઈંગ રૂમ ને રસોડા  ‘ચાચર-ચોક’ માં ફેરવાય જાય..!  કાનમાં ભૂંગળા નાંખીને ઘરમાં જ ગરબાને ગોટે ચઢાવ્યો હોત..!  એકવાર ગરબાની ખુમારી ચઢવી જોઈએ, પછી તો એ  ‘મહામારી’  સાથે પણ મારામારી કરી લે. પીપીઈ કીટ્સ કે હેન્ડ-ગ્લોઝ પહેરીને પણ ગરબે રમવા માંડે..!  શ્રદ્ધાનો ટાવર એકવાર પકડાવો જોઈએ. પછી ભલે ગરબો ગાવા માટે રેઇન-કોટ પહેરવો પડે. એનું નામ જ છેલછબીલો ગુજરાતી. બાકી ઢીંચણની પીડા કેવી હોય એ તો ‘ઘાયલકી ગત ઘાયલ જ જાણે..! ઢીંચણ ઉપર માતાજીનું નાળીયેર વધારો કે, સાતવારની ચુંદડી બાંધો, હરામ બરાબર જો ઢીંચણું ભાનમાં આવે તો..! સાલા ઝૂકતા જ નહિ..!  ચીસ પડાવી નાખે..! એમાં ભગવાનને શું મૌજ આવી ગયેલી કે, એક ઉપર એક ફ્રીની માફક  બબ્બે ઢીંચણ આપેલાં..! એકને સાચવવા જાય તો બીજું ટણક મારે..! બબ્બે વાઈફ સહન થાય પણ ડેમેજ થયેલા બંને ઢીંચણ સહન નહિ થાય..! બંને ઢીંચણની કણસમાં ગરબાનું લોલ તો ક્યાં અટવાય જાય તેની ખબર શુદ્ધા નહિ પડે. પણ કહેવાય છે ને કે, બ્રેકવાળું ગાડું ખેંચી બતાવે એનું નામ જ ગુજરાતી..! એકવાર ગરબાની તાકાત જ એવી કે, ગરબો માથે ચઢે એટલે ઉમર પણ આપોઆપ ‘રીટર્ન’ થવા માંડે. આ એ ગુજરાત છે કે જ્યાં માથા વગરના ધડ પણ ધીંગાણા છોડતાં નહિ હોય, એ ગરબાની મોજ લેવા ઢીંચણની પરવાહ કરે ખરો..? જ્યાં હરખના ધીંગાણા થતાં હોય, ત્યાં હૈયાને પણ જોમ આવી જાય મામૂ..! આમ તો ઘરવાળા એટલે જ જુદા જુદા માતાજીના સ્વરૂપો..! જેના પગલે પૈસો આવતો હોય એ લક્ષ્મી માતા, વિદ્યા આવતી હોય એ સરસ્વતી માતા, ખાવાના ધાન મળતા હોય એ અન્નપુર્ણા માતા, ને જ્યાં ઘરવાળાના સ્વમાન ઘવાતાં હોય ત્યાં રણચંડી માતા..!  જો કે, માતાજી પ્રસન્ન થાય પણ ઘરવાળાને ખુશમન રાખવા એટલે ડામર રોડ ઉપર ઘઉંની ખેતી કરવા જેટલું અઘરું..! આવો અનુભવ અમને કોરોનામાં ગરબા ઠપ થયેલા ત્યારે થયેલો..! કોરોનામાં તો જાતે જ ગરબો ગાવાનો, જાતે જ ઢોલકુ ઠોકવાનું, અને જાતે જ ગરબો ઝીલવાનો..! વેલણ ઠોકીને આખો ગરબો તો ગવાય નહિ, એટલે  ‘લોલ’ શબ્દ આવે ત્યાં લોલ બનીને લઢૂકી જવાનું..! એકપણ માતાજીના નામ આવડે કે નહિ આવડે, માત્ર પગના ઠેકા જ સાચવવાના. કમ્મર આડી અવળી કરતાં આવડી એટલે આરાધના સાધના ને નવરાત્રી પૂરી..! જય માતાજી..! બાકી સ્ત્રી એ જ શક્તિ...!  [‘પુરુષો સહન શક્તિ ને બાળકો યથાશક્તિ..!’ એ કોણ બોલ્યું યાર..? થોડુક તો જીવવા દો..?]

                           વર્ષની છેલ્લી ઓવરમાં આવતા તહેવારોનો અભ્યાસ કરીશું તો સમઝાશે કે, વડવાઓએ આપણા માટે કેવાં કેવાં સરસ આયોજન કરેલા..?  પાતળા થવા માટે શ્રાવણમાં ઉપવાસ કરવાના, ભાદરવામાં લાડવા ખાયને પાછા જાડા થવાનું, નવરાત્રી આવે એટલે માતાજીના ઉપવાસ કરીને ફરી પાતળા થવાનું, ને દિવાળી આવે એટલે. ઘૂઘરા-ખરખરીયા ને ચકરી ખાયને ફરી શરીરને સરભર કરવાનું..! રેવડીદાસોને એટલું જ કહેવાનું કે, પેટના ખાડાનું તો જે થવાનું હશે તે થશે, પણ, નવરાત્રી ને દિવાળી આવે એ પહેલાં, રસ્તાના ખાડા પૂરજો સાહેબ, માતાજી તમારા ઉપર મહેર કરશે..! બીજું કંઈ નહિ, ગરબો ગાવા માટે અમારે ઘૂંટણના મોંજા નહિ પહેરવા પડે તો સારું..! જય માતાજી..!!

------------------------------------------------------------------------------------------------------------------------