Mukti bandhan books and stories free download online pdf in Gujarati

મુક્તિબંધન

મુક્તિબંધન

એક કાળી- ભૂખરી છાયા વેક્સ વેગન જીપની આસપાસ ગોળ ગોળ ચક્કર કાપી રહી હતી.
યકાયક એ લાંબી ભૂખરી છાયા જીપ પર કૂદકો મારીને બેસી ગઈ. તબલા વગાડતી હોય એમ એ છાયા તાડપત્રી પર આંગળીઓ વગરની હથેળીથી એક દો તીન એક વગાડી રહી હતી.
ને, એની સામે કોઈ કદમતાલ કરી રહ્યું હોય ને એ તેઓને આદેશ આપી રહી હોય એમ પંજાને ઊંચો નીચો કરી રહી હતી.
અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ને એણે તાંડવ નૃત્ય શરૂ કરી દીધું. તાડપત્રી જે એક કિનારેથી ફાટી ગઈ હતી. એણે એને જાદુથી સીવી લીધી. ને ફરી નાચવા લાગી.
પણ, કાચા દોરાથી સીવેલી એ તાડપત્રી ફરી ફટ ફટ કરતી ફાટવા લાગી.
એટલે,
ભૂખરી છાયા હવામાં અદ્ધર થઈ ગઈ. ને, તાડપત્રી છોડી, જીપના બોનેટ પર નાચવા લાગી.
બપોર પડખું ફેરવી સાંજમાં તબદીલ થઈ રહી હતી.
વાહનોની અવરજવર વધવા લાગી. ભૂખરી છાયાએ ફરી હવામાં હાથ હલાવ્યો. ને વાહનો સ્ટેચ્યૂ થઈ ગયાં.
વાહનોની અવરજવર થોભાવી એ હવામાં ઓઝલ થઈ ગઈ.
રાતનો સમય થયો. સ્મશાન જેવી શાંતિ પ્રસરેલી હતી ચારો ઓર.
ને,
ભૂખરી છાયાએ એક પછી એક એમ નવ માથા વારાફરતી પોતાનાં બંન્ને પંજાઓ વચ્ચે ઉછાળવાનું શરૂ કરી દીધું. જાણે સર્કસનો કોઈ ખેલ ખેલતી હોય એમ!
ને,
કોઈ ગીત ગણગણી રહી હતી..
કે,
એણે એની જીભનું ધારદાર ચાકુ છૂટ્ટુ મૂક્યું, પણ ધીમા સૂરમાં...
'ભૂલીશ તું કુકર્મ તારું,
પણ, નહીં ભૂલવા દઉં
તને, મારું કમોતે મરવું..!
તારે કારણે, મારું સડવું..!!
હા... હા... હા...આ...કથૂ'
એક અટ્ટહાસ્ય, એક વર્ષથી, દરેક હાઈવે પર ભટકતું હતું. એના શિકારની તલાશમાં...
અને એક ઝરમર વરસતાં વરસાદી સાંજે, નેશનલ હાઈવે નંબર 48 પર ભીલવાડાથી ચિત્તોડગઢ તરફ વળવાનાં રસ્તે 'નરપત કી ખેરી' હતી.
એની પાસેનાં ચેકપોસ્ટ નજીક પહોંચવા પહેલાં જ એક જીપ જેવું વાહન લથડિયા ખાવા લાગ્યું. એમાંથી એક ગરદન બહાર તરફ ડોકાઈ. જાણે લાકડી પર ટેકવેલી કાષ્ઠપૂતળી જ જોઈ લ્યો!
નોર્મલ રીતે ચાલતું વાહન અચાનક જ એ ટેકવેલી ગરદનનાં હાલકડોલક થકી એ ડોલવા લાગ્યું.
ઍક્સિડન્ટનો અંદેશો આવી ગયો હોય એમ એ ગરદન રક્ત ઝરતી લટકેલી સ્થિતિમાં અંદર-બહાર આવ-જા કરી રહી હતી. એટલામાં રેડ લાઈટ ઝબકવા લાગી. ને એ ગરદન પણ હવામાં ક્રિકેટ બોલ જેમ ખૂબ ઊંચે ઉડી. થોડીવાર એમજ અધ્ધર રહી. ફરી હવામાં જ ડોલતી રહી.
અને પછી, એ વાહનનાં છાપરે આવી આગળ તરફ ઝુકીને ડ્રાઈવરને ડરાવવા લાગી. ડ્રાઇવરનું સ્ટિયરિંગ પરનું બેલેન્સ બગડ્યું. ને એ સાથે જ એ વાહન લિટ તોડીને ડાબી તરફ લથડિયા ખાવા લાગ્યું.
ખાસ અવરજવર ન હોવા બાદ પણ એ ઝબુકતી લાઈટ્સ ને લથડિયા ખાતા એ વાહન પર ટ્રક ડ્રાઈવર બલવીરસિંઘ જોગી ઉર્ફ બલ્લીની તો નજર પડી જ ગઈ.
યકાયક એ વાહનની લાઈટ અંગારા ફેંકતી હોય એમ સળગવા લાગી. એ વાહનમાં કોઈ ફસાઈ ગયું હોય અને બહાર નીકળવા ઉતાવળું થતું હોય એમ એની તીણી ચીસ વાતાવરણમાં ગુંજવા લાગી.
અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબૂ મેળવવા ડ્રાઈવરે સ્પીડ ઓછી કરી. બ્રેક મારવા જાય એ પહેલાં તો એ ડાબી બાજુએ તારવાળી ફેન્સિંગ તોડીને બરોબર અધવચ્ચે જ એ વાહન અચાનક આડું ઉતર્યું.
એ વાહનનાં સાઈડ પર ઊભા રહેવાની સાથે જ કોણ જાણે ક્યાંથી પણ, હાઈવે પર પૂરઝડપે દોડી આવતા વાહનો સ્થિર થઈ ગયાં. જાણે કોઈએ 'સ્ટેચ્યૂ' કહી દીધું હોય!
અને એની નોંધ લેવાઈ હોય એમ એકાએક જ વાહનોની અવરજવર ઘટી ગઈ. ને ઘડીનાં સોળમા ભાગમાં ફરી વધીયે ગઈ. એકસામટો જુવાળ ઉમટ્યો હોય એમ વાહનોનો રાફડો જ ફાટ્યો હતો.
ટ્રોલીઓ લઈ જનાર ટ્રક ડ્રાઈવર નોખી માટીનો નીકળ્યો. એણે લટકતી ગર્દન જોઈ હતી કે નહીં એ તો નક્કી નહીં. પણ, વાહન ચાલક બાબતે એની વિચારધારા પોઝિટિવલી પૂરઝડપે દોડવા લાગી'તી.
'તેં કોઈ મુસીબતમાં તો નહીં ફસાણો હોય ને ડ્રાઈવર!'
એમ મનમાં જ ધારણાઓ બાંધતો એ એનાં ક્લિનર સાથે ટ્રકમાંથી ઉતાવળે કૂદકો મારીને નીચે ઉતર્યો. અને પેલી આડી ઉતરેલી ફોર વ્હીલર તરફ શંકાસ્પદ નજરે ચોમેર ફાંફા મારતો આગળ વધ્યો.
હાઈવેની ચાર ચાર લાઈનો તોડીને એ ફોર વ્હીલર પાસે પહોંચે, ત્યાં સુધીમાં તો એણે ફરી ફરીને બે ચાર વાર ચારે દિશામાં જોઈ તપાસીય લીધું.
પણ, આસપાસ એ બેનાં સિવાય ત્રીજું કોઈ કરતાં કોઈ જ નજરે ન ચઢ્યું. એનું આશ્ચર્ય બંનેની આંખોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.
અને, બીજી કોર એનાં કઝિન ભાઈનો સત્તર વર્ષનો દીકરો કૉલેજ છોડી રખડપટ્ટી કરતો હતો. પણ, હતો ખૂબ જ તેજ તર્રાર, ખુશમિજાજી, આત્મવિશ્વાસ સભર. કોઈપણ કામ કરવામાં કયારેય નાનમ ન સમજનારો. દેખાવે ય ચૉકલેટ બૉય જેવો સુંવાળી શક્લ ધરાવતો હતો.
એ નવયુવાન દીકરો મેક્સ ક્લિનર તરીકે જોડે રાખ્યો હતો. એ મેક્સ મૂંછનો તાજો નવો ફૂટેલો દોરો ડાબા હાથની આંગળીઓ વચ્ચે મરોડતો મલકાતો હતો.
કે, સી.આઈ.ડી.ગીરી કરવાનો સારો લાગ મળ્યો છે. ફ્રેન્ડ્સમાં રુવાબ ઝાડવામાં ય કામ લાગશે. ને એથીય વિશેષ, આ ડ્રાઈવરગીરીનાં બંધનમાંથી મુક્તિ ય મળી જશે. ને પછી તો લીલા લ્હેર જ છે ભાયા..!!
એવું કંઈનું કંઈ વિચારતો એ મેક્સ, ડ્રાઈવર-કમ-કાકા બલ્લીસિંઘ કરતાં ય દોઢ શાણા થવાના વ્હેંતમાં રહ્યો.
ચારે બાજુ જોવા સાથે ઉપરનીચે ય ફાંફા મારવાનું ચૂક્યો નહીં. જાણે સુપર નેચરલ પાવરની કંઈક વિશેષ જાણકારી કેળવતો હોય. એમ, હવામાં હાથ હલાવીને ફૂંક મારતો જતો હતો.
આમજ રુવાબ ઝાડતો બધું ફંફોસી રહ્યો હતો. એ સાથે હાઈવેના રસ્તાને પોતાનાં અણીદાર પણ જરીક આગળથી ફાટેલા ફ્લોટર્સની એડી નીચે ઠોકી ઠોકીને તપાસવા લાગ્યો.
એને ભ્રમ થયો કે હેલોજન. પણ એને હવામાં એક હૃદય ઉછળતું દેખાયું. ને બીજી પળે એનાં એક એક ઠોકા હેઠળ એક એક હૃદય સાથે એક એક ગર્દન પણ હવામાં ઉછળીને એનાં પગ તળે કચડાઈ રહી હોય એવો એને આભાસ થયો.
એ થોડો ગભરાયો. કે એણે જે જોયું, શું એ સાચું હતું? કે પછી, એની કોરી કલ્પના? ને એ સઘળાં ઉછળી રહેલ હૃદયો ને એની સાથે જોડાયેલ ગરદનમાંથી નાની નાની ટશરો ફૂટવા લાગતી જોઈ એનું તો પેન્ટ જ ભીનું થઈ ગયું.
એણે પાછા જવાનો વિચાર કર્યો કે એ ટ્રક જ એની સામે આવીને ઊભી રહી ગઈ. એ પોતે એમાં ચઢતો હોય એવું મેક્સને પોતાને પોતાની આંખે દેખાયું. એ વિચારમાં ડૂબવા લાગ્યો..
કે, એ કેવીરીતે શક્ય બને! જ્યારે એ પોતે અહીં ચાર લાઇન ક્રોસ કરીને ફેન્સિંગ પાસે રસ્તાને ઠોકતો ઊભો છે. એનાં ફ્લોટર્સ નીચેથી રક્ત ઝરાઈ રહ્યું છે. અને એ ઝરાયેલું રક્ત એના ફ્લોટર્સને ભીંજવી પણ રહ્યું છે..
તો, એ પોતે, એના બલ્લીસિંઘ જોગી કાકાની ટ્રકમાં કેવીરીતે ચઢી શકે!
યકાયક એનીય ગરદન એના ધડથી અલગ થઈ ગઈ હોય એવું એને દેખાયું. એણે એનાં કાકાને બૂમ પાડી બોલાવવાનો પ્રયાસ પણ કર્યો.
પણ, એની વાચા જ હણાઈ ગઈ હોય એમ એ મૂકબધિર બની ગયો.!
ત્યાં બીજી બાજુ,
મેક્સને એના ફાટેલા ફ્લોટર્સનાં તળિયે ચીકણા પદાર્થનો સ્પર્શ થઈ આવ્યો. વાંકા વળીને જોવાનો એનો પ્રયાસ અધૂરો જ રહી ગયો...ને એ ધડામ કરતો ફેન્સિંગ તરફનાં રસ્તા પર પછડાયો. ને પછી, તુર્ત જ હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યો ય ખરો.
કૈંક તો અજુગતું બની રહ્યું છે. એ જણાતાં, જોમ તરવરતો યુવાન મેક્સ તરત જ ઊભો થવા ગયો. પણ, એનું ટી-શર્ટ અલગ અને એનું શરીર રસ્તા સાથે ચોંટતું દેખાયું. ત્યાં એનું કસાયેલું શરીર ટી-શર્ટ અને રસ્તા વચ્ચે બાઉન્સ થવા લાગ્યું.
એ પછી,
એનું શરીર રસ્તા પર અફળાયું.
ને,
ત્યાં એને પેલો ચીકણો પદાર્થ પગ તળે મહેસૂસ થયો. એટલે, એણે ઉભડક બેસીને,
તાજા ભીના ડામરનો લોંદો જાણી, એણે ફ્લોટર્સને રસ્તા પર એડી વડે જ ઠોકીને કાઢવાનો પ્રયાસ પણ કર્યો.
પણ, એ લોંદો તો વધુ ને વધુ એની પાની સુધી પહોંચી ગયો. કે તરત જ ભીની પાની પર એને એકસામટા હજારથી ય વધારે એવાં વીંછીનાં ડંખ વાગવા લાગ્યાં.
"ઓ માડી રે! મરી પરવાર્યો હું તો..." બરાડવા સાથે એ બેવડ વળીને રસ્તા પર આળોટવા લાગ્યો.
મેક્સને તરફડતો જોઈ,
બલ્લીસિંઘે પોતાનાં મજબૂત એક હાથેથી,'બોલે સો નિહાલ, સત શ્રી અકાલ' કહેતાની સાથે જ મેક્સનું બાવડું ઝાલ્યું. અને એને પુરજોશમાં વેક્સ વેગન જીપ તરફ ધકેલ્યો.
ઈશ્વરનું નામ લેવાની સાથે જ એ અદૃશ્ય શક્તિ બીજી જ પળે મેક્સથી છેટી થઈ ગઈ. પણ, મેક્સને એનો ભાર હજુય વર્તાઈ રહ્યો હતો.
ઉજ્જડ, વેરાન ને માનવવિહીન વિસ્તારમાં કોઈ કરતાં કોઈ નહોતું.. નાનાં મોટાં વૃક્ષો કે ઝાડવાઓ પણ નહીં.. હતી તો બસ બંને બાજુએ ફેલાયેલી તિરાડો ઝેલતી બંજર જમીન.. કે, જે સો વર્ષાઋતુઓને પચાવી જાણ્યા બાદ પણ, કોરીધાકડ જ રહી'તી.
ને, એસ્ફાલ્ટનાં એ ડામરી છતાં થોડા કાચા રસ્તા પર ચાર ચાર લાઈનોમાં કતારબંધ ગાડીઓ એક સાથે આગેકૂચ કરી રહી હતી એ પહોળા હાઈ-વે પર!
બલ્લીસિંઘ જોગીએ વેક્સ વેગન જીપ તરફ મક્કમતાથી પગલાં માંડ્યા. જેમ જેમ એ આગળ વધતો ગયો, એને એ વેક્સ વેગન જીપ કંઈક અંશે અજાયબ છતાં જાણીતી લાગી.
પણ, એ વિચારે જ આગળ વધતો રહ્યો કે, ક્યાંક કોઈક મુસીબતમાં હશે ને મદદની રાહ જોતું હશે તો! માનવતા કાજે પણ એકવાર મદદ તો કરવી જ રહી.
રખે ને કો'ક મારાં વિલિયમ ઉર્ફ વિલિસિંઘ જોગી જેવું નીકળે કે જેને હાઈવે પર મદદ માટે આઠ-નવ કલાક વાટ જોવી પડી'તી. ને એ પછી પણ કોઈ મદદ નહોતું કરી શક્યું.
બલ્લીસિંઘ વેક્સ વેગન જીપ પાસે પહોંચી ગયો કે, એણે એની આસપાસ ગોળ ગોળ ફરીને ચેકિંગ ચાલુ કરી દીધું.
પણ, જીપ તો જાણે ઘરની બહાર જ લોંજમાં પાર્ક કરી હોય એમ વ્યવસ્થિત રીતે ઊભી હતી. કોઈપણ જાતની હાલકડોલક વગર. ગ્રે કલરનાં કાચ ઉપર સુધી ચઢાવેલ હતાં. રિયર વ્યૂ વાળો કાચ પણ આછા ગ્રે કલરનો સ્વચ્છ રીતે ધોયેલો હતો.
અને મજાની વાત તો એ હતી કે એ વેક્સ વેગન એનાં નાના ભાઈ વિલિની વેગન જેવી જ દેખાતી હતી.
એજ રંગ, એવી જ મિલિટરી સ્ટાઈલની તાડપત્રી નાંખેલી છત. ને વધારામાં પૂરું, રિયર વ્યૂનો કાંચ પણ સ્ટીલ ગ્રે કલરનો જ. બલ્લીએ જ તો ખાસ ઓર્ડર આપીને એ કાંચ બેસાડ્યો હતો. વિલિનાં અતિ આગ્રહ પર.
બલ્લીસિંઘનું મન ખાટું થવા લાગ્યું. બીજી જ ક્ષણે, એણે ખુદને જ ટપાર્યો. એમ કહીને કે,
એ કેવીરીતે શક્ય બને! વિલિની જીપ અહીંયા ક્યાંથી!? એ તો, સિક્કિમમાં નેશનલ હાઇવે નં 10 પાસેનાં ચૅકપોસ્ટે હોવી જોઈએ. એય પુલીસ ડિપાર્ટમેન્ટની છત્રછાયામાં! ઇન્વેસ્ટિગેશન અર્થે! એક વર્ષથી ઉપર થઈ ગયું'તુ. તોય વિલીનો કેસ હજુ પત્યો જ ક્યાં હતો!
અળવીતરા વિચારોને ફગાવી દઈ બલ્લી ફરી એ વેક્સ વેગનને આંખો ઝીણી કરી જોવા લાગ્યો.
બે હાથનો ખોબો બનાવીને નરી આંખે કાંચની આરપાર જોવાનો બલ્લીસિંઘે ખૂબ પ્રયાસ કર્યો. જીપમાં મૂકેલી એસેસરીઝ પણ અદ્યતન દેખાઈ રહી હતી. અને, એમાં ડ્રાઈવરની સીટ થોડીક પાછળ તરફ વાળેલી દેખાણી.
તુર્ત જ બલ્લીસિંઘે તર્ક લગાવ્યો કે નક્કી, ડ્રાઈવર ચોક્કસપણે લાંબો હોવો જોઈએ. સ્ટિયરિંગને પહોંચી વળવા માટે જ એણે સીટ પાછળ તરફ ધકેલી હશે.
કંઈક વિચાર આવ્યો હોય એમ બલ્લીસિંઘ હેબતાઈ ગયો. એની વાચા હણાઈ ગઈ હોય એમ એ મૂંગો થઈ ગયો.
વિલિની જીપ પણ તો, અદ્દલ આવી જ હાલતમાં મળી આવી'તી! જ્યારે એનો એક્સિડન્ટ થયો હતો! એ પણ તો ગબરુ જવાન સાડા છ ફૂટનો હતો. એટલે એ ડ્રાઈવિંગ સીટ હંમેશા પાછળ તરફ જ સરકાવીને રાખતો..!
'રખે ને, આ જીપ વિલિની તો નથી ને!' બીજી જ ક્ષણે એના અતરંગી ને બેઢંગ વિચારોએ બલ્લીનાંગજ પર પોતાનો કબ્જો જમાવ્યો. ધડ-માથા વગરનાં વિચારોને હડસેલી બલ્લી સામે ઊભી જીપ અંગે તપાસ કરવા લાગ્યો.
ત્યારે,
એમાં એને સમજાયું કે, પાછળ બેઠેલી વ્યક્તિ કદાચ મધ્યમ હાઈટની હોવી જોઈએ. એને ઘૂંટણિયે પાછળ ધકેલાયેલી સીટ અથડાતી હોવી જોઈએ. એટલે, એ વ્યક્તિ, વચ્ચે જ બેઠેલી હશે. વચ્ચેની સીટ એને થોડીક દબાયેલી ય જણાઈ.
પોતાનું તારણ પાક્કું કરવા બલ્લીસિંઘે ફરી એકવાર એ જીપની ફરતે ચક્કર મારી બધાં કાંચમાંથી વારાફરતી અંદર ઝાંકીને જોયું. પણ, એને કોઈ કરતાં કોઈ જ નજરે ન ચઢ્યું.
બસ, નજરે ચોંટી ગયું એ રેશમી રૂનું બનેલ એક લાંબું ડાયનાસોર આકારનું ઢીંગલું. જે મ્હોં ઊંધું ઘાલીને સૂતેલું હોય એવી હાલતમાં મૂકેલ હતું. ને, જે થોડું મટમેલું ય દેખાઈ રહ્યું હતું. એ જોઈ એને હસવું આવી ગયું.
લોકોનો શોખ પણ કેટલો વિચિત્ર હોય છે નૈં મેક્સ! જાનવરોનાં રમકડાં ગાડીમાં પીઠ પાછળ મૂકીને મજા માણતા હોય છે ને કંઈ!
એજ ક્ષણે એને એ તાડપત્રીવાળી જીપમાંથી કોઈકનો તીણો, ને કણસવાનો અવાજ સતત કનડી રહ્યો હતો. જીપનાં કાચ પર કાન દઈને સાંભળવાનો ય એણે પ્રયાસ કર્યો. દિલ ધબકાર ચૂકી જાય એવું રુદન એને ફરી ફરી સંભળાયું.
પણ, દેખાઈ તો કોઈ નહોતું રહ્યું.
એટલે એણે,
જીપનાં બોનટને ખોલવાનો પ્રયાસ આરંભ્યો . ટ્રક ડ્રાઈવર તરીકેનો એની પાસે લગભગ અઢારથી વીસ વર્ષનો અનુભવ તો હતો જ. અને, કદ-કાઠી પણ એની મલ્લ યુદ્ધ કરનાર પહેલવાન જેવી જ હતી.
એટલે,
એને વગર ચાવીએ પણ બોનટ ખોલવા માટે કોઈ ખાસ વસ્તુની જરૂરત નહોતી રહી. તેમ છતાં, બોનટ ખોલવાની સાથે જ એમાંથી ધૂમ્રસેરનાં રંગબેરંગી ગોટે ગોટા તીવ્ર ગંધ સાથે એનાં મ્હોં પર ઊડવા લાગ્યા.
એજ સમયે બલ્લીને એન.એચ-48 પર એજ ગ્રે કલરની વેક્સ વેગન જીપમાં ડાયનાસોરના ઢીંગલા સાથે એના નાના ભાઈ વિલિની ડેડબોડી છિન્નભિન્ન હાલતમાં દેખાણી.
નજર સામે દેખા દઈ રહી ઘટના બલ્લી માટે ભરોસાપાત્ર તો નહોતી જ. એનું મગજ ચકરાવા લાગ્યું.
ને
એ બેશુદ્ધ થઈ મેક્સની પડખે ધડામ દઈને પછડાયો. મેક્સ ગડથોલું ખાઈ જવા જ પામ્યો હતો. ત્યાં, એના સરદાર કાકા બલ્લીસિંઘને જમીનદોસ્ત થતાં જોઈ એ વધુ ગભરાયો. ને ગડથોલું ખાઈ ગયો. ઉભો થવા જાય ત્યાં તો ફરી એ,
બલ્લીસિંઘની ઉપર જ અર્ધ નિશ્ચેત થઈ પડી ગયો.
બસ એજ ક્ષણે,
એક નિર્વિકાર છાયા આવીને બંન્નેવ બેશુદ્ધ દેહને ગંદા રૂમાલ ઊંચકતી હોય એમ ઊંચકીને સીટી વગાડતી, હવામાં ઓઝલ થઈ ગઈ.
અને શેષ રહી ત્યાં એ જગ્યા પર આડી તીરછી લીટીઓ.. અને, રક્તનાં કેટલાંક જામી ગયેલા ટીપાં..

^*^*^*^*^*^*^
"આ સ્વાદ હંમેશ કરતાં કંઈક જુદો છે. ભાવી નથી રહ્યો મને. ઑ.. ક..થુ..! શું મિલાવ્યું'તુ એમાં કૅથી તેં, હેં?"
ઉલ્ટી કરવાનાં ઈરાદા સાથે હેલિ, વિલિ જોગીનાં સિક્કિમા ફાર્મ હાઉસમાં ડાઈનિંગ ટેબલ પરથી ઉઠીને સીધી વૉશબેસીન તરફ દોડી ગઈ.
હેલિને મદદ કરવા માટે ઈશારો કરતો એની બેસ્ટ ફ્રેન્ડ કૅથીનો ફ્રેન્ડ જોગી કૅથીને એની પાછળ મોકલવા માંગતો હતો. પણ, કૅથી, હેલિને ઈર્ષ્યા હેઠળ કોઈ મદદ કરવા નહોતી ચાહી રહી.
એટલે જાણી જોઈને થોડી મોડી જ પહોંચી એ હેલિ પાસે.
કૅથીનાં હેલિ સુધી પહોંચવા પહેલાં જ હેલિની ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. વોશબેસીન પાસે બે હાથે મોટું, વજનદાર નાળિયેર પકડે એમ હેલિ પોતાનું માથું પકડીને ડાબે-જમણે ધૂણી રહી હતી.
ઘડીકમાં, એ એનું માથું અરીસામાં પછાડી રહી'તી. તો, બીજી ઘડીએ, એ લમણે વાગતાં સણકા રોકવા હાથની મુઠ્ઠી બનાવી ઠોકવા લાગી. એને ધૂણતાં ને ઠોકતા અટકાવવા કૅથીએ ખોટેખોટી દેખાડા પૂરતી મહેનત કરી.
પણ, યકાયક હેલિમાં દૈવીય શક્તિઓ ઘર કરી ગઈ હોય એમ એ, કૅથીને હડસેલી પોતાનું જ માથું સામેની ભીંત પર અફળાવા લાગી. નાળિયેર વધેરાવાનું હોય એમ હેલિની ખોપડી ભીંત પર પછડાઈ રહી હતી.
કોઈ વજનદાર વસ્તુ પછડાવાનો અવાજ સાંભળીને હેલિનાં ચારેય કૉલેજનાં ક્લાસમેટ્સ લેડીઝ વોશરૂમ તરફ દોડ્યાં.
જોગીએ કૅથીને ઈશારાથી ઘણું બધું પૂછી લીધું. ને કૅથીએ પણ બનતી કોશિશે સઘળી ઘટના સવિસ્તર સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ, ઈશારાઓ અધૂરા પડ્યાં.
અને,
યકાયક હેલિ જાગૃત થઈ ગઈ. જોગીની નિયત પર સંદેહ કરવા જોગ અત્યાર સુધી એ વિલિની પાર્ટી નકરાતી આવી હતી. અને એટલે જ ત્રણ વર્ષથી પાર્ટીમાં હાજર ન રહેવા બદલ કૅથી પણ નારાજ રહેતી હતી.
વિલિ, હેલિનાં નામ પર જ તો કૅથીને હશીશનાં પડીકાં ચખાડતો હતો.
ને કૅથી પણ તો કોઈને કોઈ બહાનું બતાવી એકલી જ પાર્ટીમાં હાજર રહેતી. અને, વિલિ પાસેથી નેક્સ્ટ ટાઈમનો વાયદો આપીને હશીશ હાંસિલ કરતી.
આખરે,
આજે, કૅથી રયાન, એની બાળસખીએ સમજણપૂર્વકનો હેલિને આગ્રહ કર્યો. અને જોગીનાં સુધારા બાબતે નિશ્ચિન્ત રહેવાનું આશ્વાસન પણ આપ્યું. બસ, હેલિ, એની બાળસખીનાં મતલબી જુઠાણાંમાં પહેલી ને છેલ્લી વાર ભરમાઈ ગઈ'તી.
પણ, પોતે પહેલી નજરે જ પારખી લીધેલ વિલિ જોગી, પાક્કો ઘાતકી ખેલાડી નીકળ્યો. હેલિની 'ના'ને એ ઝીરવી ન શક્યો. અને એ એની જાત પર ઉતર્યા વગર પણ ન રહી શક્યો.
હેલિ મોર્ય, મારવાડી ગર્ભ શ્રીમંત. હોસ્ટેલમાં રહીને પેરા સાયકોલોજીનો અભ્યાસ કરનારી બિન્દાસ છોકરી. અને, વિનમ્ર, ગુણવાન તથા રૂપવાન પણ એટલી જ. હેલિને સૌ સાથે ફાવે. પણ, દોસ્તી કરવામાં એ અચૂક સમય લેતી. તેમ, દોસ્ત બનાવ્યા બાદ એ સૌનું ધ્યાન પણ એટલું જ રાખતી.
પણ, જે દોસ્ત બનાવવાને લાયક ન હોય એને એ પોતાની આસપાસ પણ ફરકવા ન દેતી.
એમાંનો જ એક હતો વિલિયમ ઉર્ફ વિલિ જોગી. ચરસ, હશીશ ને ગાંજાનો આનંદ માણવા સમયે એક નવી કન્યાની જિંદગી બરબાદ કરનારો શાતિર ખિલાડી.
હેલિએ વિલિ માટે જે અંદાજ બાંધ્યો હતો.
એ સાચો ઠરતો જોઈ એણે ખુદને ધીમા સૂરમાં શાબાશી આપી. બસ, એની એ શાબાશીનો સ્વર વિલિ સાથે એનાં ફ્રેન્ડ્સે પણ સાંભળ્યો. અને, તેઓ સામે વિલિનું ઘસાતું દેખાયું એટલે વિલિ ઝોમ્બી જેવું વર્તવા લાગ્યો.
"ઓય હેલિ! તૂ તો માનસશાસ્ત્રજ્ઞા બન ગઈ રે. અબ રિઝલ્ટ કુછ બી આવેગો, કોઈ ફરક નૈં પડેગો મંન્ને. ઓઈ મેં તો પાસ હો ગઈ જી...
રે ઘણી બાંવરી હો ગઈ...
મેં માનસોપચારી બણ ગઈ...
મેં ઘણી બાંવરી હો ગઈ...
હેલિની હોંશિયારી ન પસંદ પડી વિલિને. ને વિલિ જોગીએ ફોન દ્વારા બહાર જ ઉભેલા પોતાનાં બીજા ત્રણ ખતરનાક દોસ્તારોને તેડાવી લીધાં. જે ખૂંખારી કરવામાં માહિર હતાં.
હેલિની ધૂણકી બંધ કરવા માટે એનાં સાતેય દોસ્તારો આગળ આવ્યા. સૌએ હેલિને ઉપરથી નીચે સુધી અડપલાં સાથે ગંદી રીતે પકડી. અને, એને ટોયલેટની ચીકણી ઈયળોથી ભરેલી ફર્શ પર સીધી સુવડાવી દીધી.
એક્સામટુ જોર બધી બાજુએથી આવતાં બ્લેક બેલ્ટ, કરાટે એક્સપર્ટ હેલિ હતપ્રભ થઈ ગઈ. વોમિટિંગને કારણે કે બેશુદ્ધિની સેડેટિવ દવાને કારણે હેલિની શક્તિ હણાઈ ચૂકી હતી.
હેલિને લાચાર થતી એની જ બેસ્ટ ફ્રેન્ડ-કમ-બડી કૅથી એ તમાશાનો વીડિયો બનાવવામાં મશગુલ હતી.
પણ, પોતાની પ્રિય બાલસખી હેલિને બચાવવા તો એ ન જ ગઈ.
હેલિએ બચાવ માટે બનતી બધી જ કોશિશો કરી જોઈ. પણ, આખરી ટાઈમ પર એક છોકરીથી હાર સ્વીકારવાની હિંમત ન કેળવનારાં એનાં સો કૉલ્ડ ફ્રેન્ડે હેલિ પર પોતાનું યુરિન ફેંક્યું.
ને, હેલિની એ ખૂબસૂરત અણિયાળી આંખો બળતરા સાથે ભીની થઈ મીંચાઈ ગઈ. સાઇકો કૅથી, હાઈસ્કૂલ કાળથી જ હેલિથી લઘુતાગ્રંથિથી પીડાતી હતી. એણે હેલિની ખૂબસૂરતીને નષ્ટ કરવાના એકેય પ્રયત્નો આની પહેલાં પણ જતા નહોતા કર્યા.
એ આજે, હેલિની બેઈજ્જતી થતી જોઈ મનમાં ખૂબ હરખાઈ. ને હેલિ સામે ચહેરા પર લાચારી દાખવી ખોટા આંસું સારતી રહી.
યુરિનથી હેલિની આંખોની બળતરા વધવા લાગી. એ યુરિનથી કે પછી, કોઈ એસિડની અસર હેઠળ, રૂપાળા ચહેરા પરની ચામડી પણ બળતી હોય એવો એને એહસાસ થયો.
તોય, હેલિએ હિંમત જાળવી રાખી. એનાં મિત્રો જે અત્યાચારી બન્યાં હતાં. બંધ આંખે ય કરાટેનાં સઘળા દાવપેચ એણે એમનાં પર ગુજારવાનું ચાલુ રાખ્યું'તુ.
આખરે, હેલિની હિંમતે જવાબ આપી દીધો. ને એજ નબળી ક્ષણોનો લાભ એનાં શત્રુઓએ ઉઠાવ્યો.
હેલિએ ચીસો પાડવા માટે મ્હોં ખોલ્યું જ હતું કે, એનાં મ્હોમાં જલતા કોલસાનો ભૂક્કો પુરવામાં આવ્યો.
એની સમૃદ્ધિ, વિનમ્રતા, સૌંદર્ય અને હોંશિયારીથી જલતા એના એ ફ્રેન્ડ્સ દ્વારા એ સામુહિક અત્યાચારનો ભોગ બની.
"હેલિ, હે...લિ! એય હેલિ... હલી ગઈ તારી હેકડી!" કૅથીએ એની જીગરી દોસ્ત હેલિની ઠેકડી ઉડાડી.
હેલિને ધીરે ધીરે સળગીને મરવા માટે છોડી એ સઘળાં વારાફરતી સિક્કિમા ફાર્મ હાઉસમાંથી ઉડન છૂ થઈ ગયા.
દિન-રાત તડપતી હેલિ બચાવ માટે પોકારી ય ન શકી.
દસેક દિવસ બાદ ફાર્મ હાઉસમાં વિલિ જોગીનાં મોટા ભાઈ બલ્લીસિંઘ જોગી, એની પત્ની ને એના પરિવાર સાથે વેકેશન મનાવવા આવવાનાં હતાં.
હેલિ સાથેનું કુકર્મ ત્યારે ય વિલિને યાદ નહોતું રહ્યું. એને માટે કાચી કુંવારી લલનાઓની કોઈ કમી નહોતી. અને એ બધાં સાથે કરેલો વાર્તાલાપ, પ્રોમિસિસ કે રમતો જોગીને સ્મૃતિમાં રાખવાની ટેવ પણ નહોતી.
એમાંય ખાસ એવી વ્યક્તિઓ કે જેણે એને ઇગ્નોર કરી હોય. કે પછી, એનાં કામે ન આવી હોય. એને એ ભૂલથી ય યાદ ન કરતો.
એ 'રાત ગઈ, બાત ગઈ' જેવી નીતિ અપનાવનાર માણસ હતો. પણ, એની સાથે પંગો લેનાર, કે એની મરજી ન માનનારની એ એવી ગત કરતો કે, એની સાથે એના ફ્રેન્ડ્સ પણ ત્રાહિમામ પોકારી જતાં.
દસેક દિવસ પહેલાંની દુર્ઘટના મગજમાંથી રદબાતલ થતાં વિલિએ ઉત્સાહભેર પોતાનાં મોટા ભાઈને ફાર્મ હાઉસ પર રહેવાનું આમંત્રણ આપ્યું.
અને, એ ફાર્મ હાઉસની સાફસફાઈનું કામ સોંપ્યું પોતાનાં પૈસે મોજમસ્તી કરનારા દોસ્તારોને.
ફાર્મ હાઉસમાં દરવાજો ખોલી ભીતર જવાની સાથે ઉલ્ટી ને ટોયલેટથી ગંધાઈ રહેલ એ રૂમને જોઈ વિલિનાં ચમચાઓએ વિલિને જાણ કરી.
દુર્ગંધને રફેદફે કરવા ઘણાં પ્રયત્નો કર્યા પણ એ શક્ય બન્યું નહીં. ને ત્યારે જ વિલિને નવો આઈડિયા સૂઝયો.
અર્ધ મૃત અવસ્થામાં રહેલ હેલિને પ્રેક્ટિસ માટેનો પંચિંગ બોલ તરીકે પંખા સાથે લટકાવી દીધી.
ને સહુએ ભેગા મળીને એને ઘુંસા, લાતો મારી મારીને અધમુઈ કરી નાંખી.
પણ, હેલિ હજુય જીવતી જ હતી.
એટલે, ખૂંખાર
આઈડિયાને પાર પાડવા માટે એણે હેલિનાં જીવતાજીવત એકસોસાત ટુકડા કર્યા. ને આઠમું એનું માથું પણ તોડવાનો પ્રયાસ કર્યો. પણ, એને એ ન વધેરી શક્યો.
એ એકસોસાત ટુકડાઓને એણે ઉકળતા પાણીમાં ડૂબાડયા. ને એ પછી એને ફાર્મ હાઉસનાં ગાર્ડનની પેલે પાર દાટી દીધાં. જ્યાં નેશનલ હાઇવે નં 10 બની રહ્યો હતો.
જ્યારે, હેલિનાં માથાને વિલિએ મુસળથી ખાંડવાનો પ્રયાસ પણ કરી જોયો હતો. પણ, એય કારગત નહોતું નીવડ્યું. એટલે એણે એને ગરમ પાણીમાં ઉકાળવા મૂક્યું. જેથી કરીને એની દુર્ગંધ દૂર દૂર સુધી ફેલાય નહીં.
ને એને સગેવગે કરવાનો મોકો પોતાને હસ્તક જ રાખ્યો. કે જેથી કોઈપણ જાતની ગફલત ન થાય. અને એ આ કુકર્મની સજામાંથી આબાદ બચી જાય.
નેશનલ હાઈવે નંબર 10 સામેનાં પ્લોટમાં આવેલ સિક્કિમા ફાર્મ હાઉસમાં વિલિયમનો એકવીસમો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા હતા એનાં એકમેવ ભૈ ભાભી.
પ્લાન મુજબ, વિલિ એના મોટા ભાઈ બલ્લીસિંઘને ઍરપોર્ટ પર તેડવા કૅથી સાથે જવાનો હતો. પણ, કૅથી ઑવરડોઝને કારણે બેહોશીમાં લવારા કરી રહી હતી. જે વિલિ માટે ખતરો બની શકે.
એટલે,
વિલિ, એનાં જન્મદિવસની આગલી રાતે ફ્રેંડઝને એડલ્ટ થવાની ખુશીમાં પાર્ટી આપીને એરપોર્ટ તરફ જ તો જઈ રહ્યો હતો એ.
એરપોર્ટ તરફનાં માર્ગે વારાફરતી બધાં ફ્રેંડઝને ડ્રોપ કરી એ બગડોગ્રા એરપોર્ટ જે 124કિમિનાં અંતરે હોવાથી વહેલો રવાના થયો.
પણ, એરપોર્ટ ન પહોંચી શક્યો.
અને, વાયરલેસ મેસેજ વડે તૈયાર થઈ રહેલા એન.એચ નં 10 પરથી વિલિનાં એક્સિડન્ટની વાત ન્યૂઝમાં હાઈલાઈટ થવા લાગી.
પુલીસની વેનમાં જ તો બલ્લી અને એની પત્ની વિલિની વેન સુધી પહોંચવા પામ્યા હતા.
ફ્રેન્ડ્સ સહિત કૅથી અને વિલિનાં ભાઈ ભાભી પણ,
વિલિનાં કમોતે વેરવિખેર થયેલ શરીરને જોઈ હેબતાઈ ગયા હતાં.
ત્યારે પોલીસની વેનમાં નેશનલ હાઈવે નંબર 10 પર સિલિગુરીથી બગડોગ્રા જતાં વિલિની વેક્સ વેગન પાસે બેઢંગ હાલતમાં મળી આવેલ અવશેષો જોઈ બલ્લીસિંઘ જેવો મલ્લ યુદ્ધનો ચેમ્પિયન પણ બેહોશ થઈ ગયો હતો.
બસ, માથું નહોતું મળ્યું. એના બાવડે, છાતીએ ને જાંઘ પર કોતરેલ ટેટૂને કારણે એ અવશેષો વિલિનાં જ છે. એવી ખાતરી એના ભાઈએ અને વિલિનાં ફ્રેન્ડ્સે આપી હતી.
હોશમાં આવ્યા બાદ પણ બલ્લીને વિશ્વાસ જ નહોતો બેસી રહ્યો કે, એનો લાડલો નાનો ભાઈ વિલિ, હવે આ દુનિયામાં હયાત નહોતો..!
બલ્લીસિંઘે વિલિનાં અંતિમ સંસ્કાર માટે સરકારી હોસ્પિટલમાં અરજી કરી હતી. પણ, કઢંગી હાલતમાં મળી આવેલ શવનાં એ ચીંથરેહાલ ટુકડાઓ અને એમાં પોસ્ટમોર્ટમ કરવા માટે કરેલ કાપકૂપ બાદ શેષ કશું રહ્યું જ નહોતું.
એટલે, મેડિકલ સ્ટુડન્ટ્સનાં અભ્યાસર્થે વિલિની ડેડબોડી ડોનેટ કરી દીધી હતી.

તો, આજે, વિલિની એજ વેક્સ વેગન વિલિનાં શવ જેવા પૂતળા સાથે અહીં ક્યાંથી!
શું એ એનો ભ્રમ હતો, કે પછી હકીકત? અને એ પણ નેશનલ હાઇવે નં 48 પર! કે જ્યારે એક્સિડન્ટ તો એનએચ -10 પર થયો હતો!
કે પછી, એક્સિડન્ટ અહીં થયો હતો ને પછી કોઈએ વિલિનાં અવશેષોને એની વેક્સ વેગન જીપ સાથે એન.એચ- 10 પર છોડી દીધો હશે! એવુંય બની શકે ને!!
બલ્લીસિંઘે વિલિનો કેસ સંભાળી રહેલ સીઆઈડી ઓફિસર ચરણસિંઘને કૉલ કર્યો. અને, પોતાને થયેલ અનુભવ વિશે વિસ્તારપૂર્વક જાણ કરી.
ત્યાં જ બલ્લીસિંઘને, ભૂખરા રંગનો ઓછાયો વેક્સ વેગન પાસે પ્રદક્ષિણા ફરતો દેખાયો.
વિલિનાં શવ જેવું જ આબેહૂબ એ શવ કોઈ માનવીય આકૃતિને જાહેર તો કરી રહ્યું હતું. પણ, એ માનવાકૃતિ પથ્થરની કે પછી, કોઈ બીજી ધાતુની બની હોય એવું દૃશ્ય પહેલી નજરે દેખાઈ આવતું હતું.
નજીક જતાં બલ્લીસિંઘને હજુ એક ઝટકો વાગ્યો.
વેક્સ વેગનને ફરી એકવાર તપાસવા જતી વખતે એનાં ગ્રે કલરના કાચની ભીતર
બલ્લીસિંઘને એક સ્ટિકર જેવું કંઈક દેખાયું હતું. એ સ્ટિકર અદ્દલ વિલિનાં ટેટૂ જેવું જ હતું. જેનાં પર ચાઈનીઝ ડ્રેગન દોરેલું હતું.
અને, એ ડ્રેગનનું ફેણ કાઢતું મ્હોં અને એનાં એ બે ઉપર ને બે નીચે એમ ચાર દાંતો વચ્ચેથી લપલપાવતી કેસરિયા લાલ રંગની જિહ્વા ભયાનકતાનું સ્વરૂપ માત્ર હતી.

*^*^*^*
બલ્લીએ આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ, એને એવો ભાસ થયો કે, કોઈએ એની આંખોના પોપચાં ઉપર-નીચેથી એમ બે બાજુએથી સ્ટેપલ પિન મારી હોય એમ ખેંચીને બંધ કર્યા હોવા જોઈએ. આંખો બીજનાં ચંદ્ર જેમ જરીક ખૂલેલી હતી.
મેક્સને ય આંખો ખોલવાનો યત્ન અઘરો લાગ્યો. અને, એણે એના કાકા બલ્લીસિંઘને બૂમ પાડી.
પણ, આંખો સાથે મ્હોં પણ રબરના પટ્ટાથી બાંધી દીધું હોય એવો ભાર એણે અનુભવ્યો.
હાથ પગ લૂઝ બાંધેલા હોવાને કારણે મેક્સે પહેલાં હાથ-પગ હલાવી હલાવીને એનું બંધન છૂટું પાડ્યું. એ પછી, પોતાનાં ચહેરા પર હાથ ફેરવી તપાસી જોયું. કશું જ જડબેસલાક બાંધેલું ન અનુભવાયું એને. પણ, કોઈ ટ્રાન્સપરન્ટ પટ્ટી કે જેની દુર્ગંધ એનાં કાન, નાક ને ગળામાં એ રીતે ઠૂંસાયેલી હતી કે એનો અવાજ ગૂંગળાઈ રહ્યો હતો.
બલ્લીએ પણ મેક્સ જેવો જ પ્રયાસ ખુદને બંધાયેલી હાલતને સમજવામાં વાપર્યો. અને, એને અંદાજો આવી ગયો કે એક્ઝેટલી એમની સાથે થયું શું હતું.
મેક્સને હાથ વડે ઈશારાઓ કરી બલ્લીએ મેક્સનાં હાથમાં પોતાનો હાથ ભેરવી બેઉ જણાં ઉપર તરફ ધક્કો મારવા લાગ્યાં. એ દરમ્યાન એમને નીચે મુલાયમ ગાદી જેવો એહસાસ થયો. પણ, પહેલાં અજવાળું જરૂરી લાગતાં, તાડપત્રી દૂર કરવાના પ્રયાસોને વેગ આપવાનો હેતુ સિદ્ધ કરવામાં લાગી ગયા બેઉ.
ને, દસ-બાર પ્રયત્નોમાં તો એ તાડપત્રી ફટ ફટ કરતી ફાટવા લાગી. જાણે, એમનાં તરફનાં મુક્કાઓની જ રાહ જોવાઈ રહી હતી એને ફાડવામાં. થોડુંક અજવાળું એ તાડપત્રીનાં ફાટેલા ભાગમાંથી ભીતર પ્રવેશ્યું.
ને એ બંનેને પોતાની આંખો પર અદૃશ્ય એવા બાંધેલ પટ્ટા જેવો એહસાસ થોડોઘણો સમજાયો.
મેક્સે પહેલાં પોતાની આંખો પર બાંધેલી સેલોટેપ જેવી પટ્ટી ફાડી. એ પછી એણે કાકાની આંખો પરની સેલોટપ હટાવી. ને મ્હોં પરની સેલોટેપનો છેડો કાકાનાં મ્હોં સાથે જોડ્યો હતો એ પણ ફાડ્યો.
બંન્નેવની આંખો પરનું આવરણ દૂર થવા સાથે એમને એમનાં જ પગ નીચે એક શવ દેખાયું. જે કૅથીનું હતું. માથા વગરનું ધડ.
હાથપગ છુટા કરવા એમણે જે જગ્યાને ખૂંદી હતી એ મુલાયમ દેહ કૅથીનો 'કૅથી' નામનાં ટેટૂવાળો હતો. અને, એ દેહમાંથી જ દુર્ગંધ એમનાં અંગોને જડ બનાવી રહી હતી.
મેક્સે કાકા તરફ પ્રશ્નાર્થક નજરે જોયું. ઉત્તરની અપેક્ષા રાખી હતી એણે. પણ, જાણતો હતો કે તેઓ પણ એટલા જ હેબતાઈ ગયેલા હતા, જેટલો કે એ હતો.
જીપમાંથી બહાર નીકળવા માટે દરવાજાઓ ખોલવાનો યત્ન બેકાર ગયો. એટલે એમણે થોડીક ફાટેલી તાડપત્રીમાંથી જ બહાર જવાનો માર્ગ પહોળો કર્યો.
ને,
પહેલાં મેક્સ કૅથીનાં મૃતદેહનાં ટેકે બહાર તરફ ફૂટબોલની જેમ ફંગોળાયો. એ પછી એણે હાથ દઈ એના કાકા બલ્લીને બહાર કાઢ્યાં.
એમનાં બહાર આવવાની સાથે વેક્સ વેગન જીપ હાલકડોલક થવા લાગી. એ ધડ વગરનું માથું બીજી તરફથી એમની સામે આવી અટ્ટહાસ્ય કરવા લાગ્યું.
મેક્સે ચીસો પાડવા મ્હોં ખોલ્યું જ હતું ત્યાં, એક હાથ કે જેના પરની પાંચેય આંગળીઓ અડધી કાપેલી હાલતમાં હતી. એ મેક્સનાં મ્હોંને બંધ કરવા લાગ્યો.
આટલું ભયાનક ને વિકરાળ રૂપ જોઈ મેક્સને ચક્કર આવવા લાગ્યા. એ મનોમન વાહે ગુરુને પ્રાર્થના કરવા લાગ્યો કે,
'મારે સીઆઈડી નથી થવું. હું ખૂબ મહેનત કરીને ભણીશ. ડ્રાઈવરી પણ નહીં કરું. કોઈ સાથે વેરઝેરમાં ય નહીં પડું. માફી આપી દ્યો મને.'
ધડ વગરનું એ માથું ને આંગળીઓ વગરનો એ પંજો બંન્નેવ કાકા- ભત્રીજા સામે હાથ જોડી ઉભું રહ્યું.
બલ્લીસિંઘ ને મેક્સ બંનેવ હેબતાઈ ગયેલા હતા જ. પણ, આ બે હાથ જોડીને ઊભેલી પ્રેતાત્મા કોણ અને કેમ! એનો જવાબ તેઓ શોધી ન શક્યા.
ત્યાં, બલ્લીસિંઘ દ્વારા સીઆઈડી ઓફિસર ચરણસિંઘને કરેલા ફોનને ફોલો કરતાં ચિત્તોડગઢનો એસઆઈ હિંમતસિંઘ એમની ટીમ સાથે એમ્બ્યુલન્સ લઈ એન.એચ 48 પર 'નરપત કી ખેરી' પાસેના ચૅકપોસ્ટ પર પહોંચી ગયા.
એમની પાછળ જ સી.આઈ.ડી ઑફિસર ચરણસિંઘ પણ 207 વજ્ર સાથે હાજર થઈ ગયા હતા.
અર્ધ બેહોશીની હાલતમાં બબડી રહેલ બલ્લીસિંઘ અને મેક્સને મેડિકલ ટ્રીટમેન્ટ માટે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા.
ચરણસિંઘે પોતાનાં તીરકમાન જેવાં કાળી ભમ્મર ભંવાઓ ચઢાવીને કૅથીનાં મૃતદેહ તરફ આંગળી ચીંધતા પૂછ્યું, ''આ સિવાયના બીજાં સાત ડેડબોડીઝ ક્યાં છે હિંમતસિંઘ?"
"સર, આશ્ચર્યની વાત છે કે, એ સાતેય ડેડબોડીઝનાં હેડ નથી મળ્યા. પણ, બૉડીનાં કેટલાંક પાર્ટ્સ સિક્કિમા ફાર્મ હાઉસની સામેનાં ખાલી મેદાનમાં મશરૂમ જેમ જમીનમાં અડધા દાટેલ મળી આવ્યાં. અને.."
"અને શું હિંમતસિંઘ? મિર્ચ મસાલા લગાવ્યા વગર સીધે સીધી વાત કરો. તમે ફિલ્મની સ્ટોરી નથી એક્સ્પ્લેન કરી રહ્યા. રિપોર્ટ આપી રહ્યા છો.
ડુ યૂ અન્ડરસ્ટેન્ડ વૉટ આઈ'એમ આસ્કિંગ અબાઉટ!?"
હિંમતસિંઘનો સઘળો ઉત્સાહ ત્યાં જ દફન થઈ ગયો. અને એણે પોતાની બહાદુરીનાં કિસ્સાઓ બાજુએ મૂકી દીધા. અને, જે બન્યું હતું એ ટૂંકમાં જણાવી દીધું.
ને, સલામ ઠોકી મનમાં જ બબડતો સાઈડ પર ઊભો રહી ગયો.
ચરણસિંઘને કડકાઇથી બોલવાની પોતાની રીતભાત પર એક ક્ષણ વિચાર જરૂરથી આવ્યો. પણ, હાલની પરિસ્થિતિ જોઈને લારાલપ્પા કરવાનો સમય નથી, એ ન સમજનારા પોતાનાં જુનિયર્સને શીખવવું ય એનું જ કામ હતું.
એમ ખુદને સાંત્વના આપતો ચરણસિંઘ પોતાની જીપ તરફ જવા નીકળ્યો. ત્યાં એની પૈની નજર ડ્રેગન આકારનાં સ્ટિકર પર ચોંટી ગઈ.
તાળો મળી ગયો હોય એમ સી.આઈ. ડી ઑફિસર ચરણસિંઘ વાયરલેસ પર કેટલીક સૂચનાઓ આપવા લાગ્યા. ને, થોડીવાર રહીને તેઓ પોતાની જીપમાં બેસી ડાબી તરફનાં રૂટ પર નીકળી ગયા.
ઑફિસર ચરણસિંઘનાં ગયા બાદ હિંમતસિંઘની ટીમે વેક્સ વેગન જીપ તાબામાં લીધી. ને, હવાલદાર બબન એને ટ્રેક્ટરની પાછળ ખેંચીને પુલીસ સ્ટેશન જવા નીકળ્યો.
હિંમતસિંઘને વેક્સ વેગન જીપ પર કોઈની છાયા દેખાણી. એણે ઈશારાથી પોતાનાં જુનિયરને જીપની છત પર જોવા કહ્યું.
જુનિયરને પણ એક ઓછાયો જીપની છત પર હાલતો દેખાયો. પણ, ઑફિસર ચરણસિંઘની હાજરીમાં કંઈપણ બોલવું એટલે સસ્પેનશન લેટરની લાગત હાથમાં સ્વીકારવા જેવું થાય.
એટલે, જીપને હવાલદાર બબનનાં હાથમાં સોંપી તેઓ ત્યાંથી વહેલી તકે રવાના થઈ ગયા.

^*^*^*^*^*^

ભરી દુનિયામાં એકલી હતી હેલિ. ભરો પૂર્યો પરિવાર હતો એનો. ચાચા-ચચી, મામા-મામી, મૌસા-મૌસી, એ સૌનાં છોકરાઓ. માં-બાપુ ને એમનાં બાપુજી. પણ, હેલિ માટે કોઈ નહોતું. કારણકે, એ એક છોકરી હતી. અને, મોર્ય પરિવારમાં છોકરીઓ માટે કોઈ સ્થાન નહોતું.
એટલે જ તો હેલિ, હોસ્ટેલમાં રહીને ભણી, મોટી થઈ. એના ફ્રેન્ડ્સ જ એની દુનિયા હતી.
એ દુનિયામાંથી જ એકે એની સાથે દગો કર્યો. કેમ?
કેમકે, એને એની સંપત્તિની, સૌંદર્યની ઈર્ષ્યા આવતી હતી. એને હેલિ થવું હતું. હેલિનું સ્થાન મેળવવું હતું.
પણ, એણે હેલિની એકલતા કેમ ન જોઈ! હેલિ થવું હતું તો, હેલિનું જીવન પણ તો જીવવું જોઈતું હતું ને! ખબર પડત, હેલિ થવું કેટલું અઘરું છે તે!
એકવાર કહ્યું હોત, કૅથી તેં મને, તને આખુંય આયુષ્ય આપી દીધું હોત! સંપત્તિ, ઐશ્વર્ય, આ સૌંદર્ય પણ. હેલિએ પોતાનાં બળી ગયેલા ચહેરા પર આંગળીઓ વગરની હથેળી ફેરવી.
પણ, એનું સાંભળવા ત્યાં કોઈજ નહોતું. કોઈ કરતાં કોઈજ નહીં.
અને, એણે ડાયનાસોરનાં ઢીંગલામાં છુપાવી રાખેલા નવે નવ ધડ વગરનાં માથા પોતાનાં કાંડા પર લટકાવ્યા.
ને વારાફરતી એમને હવામાં બોલ ઉછાળે એમ એક પછી એક ઉછાળવા લાગી. જગલર્સની જેમ.
પૂરું થયું આજે પ્રણ મારું..
રે જોગીડા...
તારા થકી થયેલ કમોત મારું..
રે જોગીડા...
મેં જો તારાં સૌ સાથીને રે..
તારી કંપની માટે, તારી પાસે જ
એક એક કરીને પહોંચાડી દીધાં..
રે જોગીડા,
જો તો ખરો, કેવાં રે
કીધાં એનાં હાલ...
હા... હા... હા..
હા... હા... હા... હા...
બસ, ઓળખી બતાવ સૌને..
માથા વગરનાં ધડને...
ટેટૂ વાળા હાથ-પગ, છાતી
ને, રૂપાળી સી જાંઘ ને..
રે જોગીડા...
હું થઈ આઝાદ...
તૂટ્યું રે સઘળું બંધન
ને મળી મને મુક્તિ...
રે જોગીડા...
®© તરંગ
03/11/22

★★★ મુક્તિબંધન ~ હૉરર સ્ટૉરી ★★★