My Diary - 2 in Gujarati Biography by Dr. Pruthvi Gohel books and stories PDF | મારી ડાયરી - 2

મારી ડાયરી - 2

કેન્સર સામેનો જંગ જીત્યો

મારી પ્રિય સખી ડાયરી,

આજે તો હું તને એક એવી સન્નારીની વાત કહેવાની છું કે, જેણે કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપીને એની સામેનો જંગ જીત્યો છે. ખરેખર મારી દ્રષ્ટિએ તો એમણે નારી તું નારાયણી એ કહેવતને ખરાં અર્થમાં સાર્થક કરી છે.

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં મને રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકેની નોકરી મળી ગઈ હતી. નોકરીના પહેલા દિવસે હું ખૂબ જ ખુશ હતી. એક નવો અનુભવ લેવા માટે હું એકદમ સજ્જ થઈ ગઈ હતી. મને ત્યાંના Multidisciplinary research unit માં નોકરી મળી હતી કે, જેમાં અલગ અલગ વિભાગના ડોક્ટરોએ રિસર્ચ કરવાનું હોય છે. અને અમારે એમના રીસર્ચમાં એમને મદદ કરવાની હોય છે. એના કારણે મારે અનેક ડોક્ટરોને મળવાનું થયું અને અલગ અલગ લોકોનો પરિચય થયો. જુદા જુદા વિભાગના પ્રોજેક્ટ અમારે ત્યાં આવતા રહેતા હતા.

એમાં એક દિવસની વાત છે. રેડીયોલોજી વિભાગનો એક પ્રોજેક્ટ અમારી પાસે આવ્યો. અમે રેડીયોલોજીના એ મેડમને એ પ્રોજેક્ટ માટે મળવા માટે ગયા. એ બ્રેસ્ટ કેન્સર પર એક પ્રોજેક્ટ કરવા માંગતા હતા.

એમની સાથેની એ મુલાકાત દરમિયાન અમને ખબર પડી કે, એ પોતે પણ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બનેલા હતા. હજુ થોડા સમય પહેલાં જ એમની ટ્રીટમેન્ટ પૂરી થઈ હતી. પરંતુ જ્યારે એમને ખબર પડી કે, એમને પ્રાયમરી સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે ત્યારે એમણે વિચાર્યું કે, આ વાત ઘરમાં કઈ રીતે કરવી? હું કે જે લોકોના બ્રેસ્ટ કેન્સરના ઈલાજ કરું છું અને મને પોતાને જ આ બીમારી લાગુ પડી છે! પરંતુ તેમણે હિંમત કરી અને પોતાના પતિને આ વાત કરી. એમના ઘરના લોકોએ એમની સાથે ખૂબ શાંતિ અને ધીરજથી કામ લીધું. પરિવારે એમને પુરી રીતે સહકાર આપ્યો. એ પછી એમણે બધી તપાસ કરાવી. અને એ પછી જે પણ સારવાર કરવાની હતી એ બધી લીધી. એમની કિમોથેરાપી, રેડીયોથેરાપી બધું જ પૂર્ણ થઈ ગયું પણ પોતાની કેન્સરની આ સારવાર દરમિયાન જ એમણે નક્કી કર્યું કે, મારા જેવી અનેક મહિલાઓ આ રોગથી પીડાય છે તો મારે આ માટે કંઈક તો કરવું જોઈએ. એટલે એમણે પોતાની આ રોગ સામેની લડત શરૂ કરી.

એમણે સામાન્ય ભાષામાં આ રોગ વિષે પુસ્તક લખ્યું કે જેમાં આ રોગ વિશેની માહિતી ગુજરાતીમાં આપી કે, જે સામાન્ય લોકો પણ સમજી શકે. અને પછી એમણે બધી મહિલાઓને આ રોગ વિષે જાગૃત કરવાનું કામ શરૂ કર્યુ. જ્યાં જ્યાં મહિલાઓની સંસ્થાઓ, યોગક્લાસમાં જતી મહિલાઓ, જેમના પતિઓ મોટાભાગે બહાર જ રહેતા હોય છે એવી આર્મી, નેવીના ઓફિસરોની પત્નીઓ વગેરે ઘણી બધી સ્ત્રીઓને આ રોગ વિશે સમજાવવાનું શરૂ કર્યું. કેટલીયે સ્ત્રીઓને ખબર જ નથી હોતી અને આ રોગ ગંભીર રીતે એમના શરીરમાં આકાર લઈ લેતો હોય છે. ત્યારે એમણે લોકોને આ રોગ વિશે સમજાવ્યુ કે, તમને જો બ્રેસ્ટમાં કોઈપણ પ્રકારની ગાંઠ જેવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બની શકે કે, તમારું કેન્સર પ્રાયમરી સ્ટેજમાં હોય અને એનો ઈલાજ શક્ય બને અને તમે તમારી બાકીની જિંદગી સામાન્ય રીતે જીવી શકો. જો મોડું થશે તો કેન્સરના કોષોને ફેલાતા વાર નથી લાગતી. અને તમે જીવનથી હારી પણ જાવ. પણ જો યોગ્ય સમયે સારવાર મળે તો આ રોગનો ઈલાજ સંપૂર્ણ રીતે શક્ય છે.

આ રીતે એમણે અનેક લોકોને સમજાવ્યું કે, કેન્સર એટલે કેન્સલ નહીં. અને હજુ પણ આજે પણ એમની આ લડત અવિરત રીતે ચાલુ જ છે. એમણે ખરા અર્થમાં લોકોને સમજાવ્યું કે, કેન્સર એટલે કેન્સલ નહીં.


Rate & Review

GIRISH AHIR

GIRISH AHIR 3 months ago

Dr. Pruthvi Gohel

Dr. Pruthvi Gohel Matrubharti Verified 3 months ago

Amit Pasawala

Amit Pasawala 3 months ago

Shah Panna ben

Shah Panna ben 3 months ago