My Diary - 6 books and stories free download online pdf in Gujarati

મારી ડાયરી - 6

મા તું નારાયણી

આજે ઘણાં સમય પછી ડાયરી લખવા બેઠી છું. ઘણાં સમયથી વિચારતી હતી કે, કોઈકને કોઈક દિવસ તો હું એના વિષે જરૂર લખીશ. પણ આજે તો આમ અચાનક જ મને એના વિશે લખવા માટેનો એ મોકો કુદરતે જાણે આપી જ દીધો છે. કોણ જાણે કઈ રીતે ઈશ્વર મારા મનની વાત કળી ગયો હશે! તો આ તક હું પણ શા માટે ગુમાવું? હું તો ઘણું ઘણું લખવા માંગુ છું પણ એના માટે શબ્દો તો પૂરાં પડવા જોઈએ ને? તને ખબર છે હું કોની વાત કરું છું?

મા તે મા બીજા બધાં વગડાના વા

જી હા! હું વાત કરું છું મારી મા ની. અને મા! મા શબ્દ જ કેવો છે નહીં! આમ તો આ એક જ અક્ષરનો શબ્દ છે પણ જાણે આ એક જ શબ્દમા દરેક બાળકની આખી દુનિયા સમાઈ ગયેલી હોય છે અને હું પણ કદાચ એવું જ એક સંતાન છું. મારા માટે પણ તો મારી મા જ મારી આ આખી દુનિયા છે. આ વખતે મારાં મનમાં જે વિચાર સ્ફૂર્યો છે ડાયરીમાં લખવા માટે એ પણ કેવો સરસ મજાનો છે. કેમ ખરું ને? આમ તો નારી તું નારાયણી એવી કહેવત છે પણ આજે મને એ કહેવત નારી તું નારાયણી ને બદલે મા તું નારાયણી એમ કહેવાનું મન થાય છે કે જે યથાર્થ ઠરે છે. આમ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ તો નારી તું નારાયણીની પહેલી શરૂઆત તો જે આપણને જીવન આપે છે, જેના ગર્ભ થકી આપણે આ સંસારમાં પ્રવેશીએ છીએ એવી એ જનેતાથી જ થાય છે ને! મા જ એ નારી છે કે, જેમાં આપણને લક્ષ્મી અને સરસ્વતીની છબિ દેખાય છે.


મને જન્મ આપનારી મારી જનેતા પણ સ્ત્રી અને એના ગર્ભ માંથી જન્મ લેનારી હું પણ એક સ્ત્રી જ. અમારો બંનેનો આ મા-દીકરીનો સંબંધ તો બિલકુલ અનેરો જ છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ તો નથી તેમ છતાં એક નાનકડો પ્રયાસ કરી રહી છું.


હું જ્યારે બારમાં સાયન્સની બોર્ડની પરીક્ષામાં પહેલી વખત નાપાસ થઈ ત્યારે હું મારો આત્મવિશ્વાસ બિલકુલ ગુમાવી ચૂકી હતી. એ વખતે મને લાગેલું કે, હવે જીવન તો અહીં જ પૂર્ણ થઈ જશે. મારૂં કેરીયર તો હવે બિલકુલ ખતમ જ થઈ ગયું છે અને હું લગભગ રોજ રડ્યા જ કરતી. ત્યારે મારી આવી હાલત જોઈને મારી મા એ મને કહ્યું, "બેટા! એકવાર નાપાસ થવાથી કંઈ જિંદગી પૂરી નથી થઈ જતી. જે પડે છે એ ચડે પણ છે. અને એ જ્યારે ચડે છે ત્યારે પોતે ફરી પડે નહીં એનું બરાબર ધ્યાન રાખે છે. કારણ કે, એ એકવખત ત્યાંથી પડી ચૂક્યો હોય છે એટલે એને રસ્તામાં આવનારા વિઘ્નોની ખબર હોય છે. એના પર એની નજર તરત જ પડી જાય છે. તું પણ થોડી વધુ મહેનત કરીશ તો જરૂર સારા માર્કસથી પાસ થઈ જઈશ."


એની આ વાતની મેં મારા હૃદયમાં બરાબર ગાંઠ વાળી લીધી અને હું વધુ મહેનત કરવા લાગી. અને મારી એ મહેનતનું પરિણામ મને ફળ્યું પણ ખરા. મેં ફરીથી પરીક્ષા આપી અને હું સારા માર્કસથી પાસ થઈ ગઈ.


એ દિવસે મને ખરા અર્થમાં સમજાયું કે, મારી મા એ જ મારા જીવનની નારાયણી છે. જે સ્ત્રી તમારા જીવનને તારે એને જ તો નારાયણી કહેવાય ને? અને મારા જીવનને તારનારી તો મારી મા જ છે માટે મારા માટે તો મારી મા એ જ મારી નારાયણી.