Ek Andhari Ratre - 9 in Gujarati Horror Stories by SUNIL ANJARIA books and stories PDF | એક અંધારી રાત્રે - 9

એક અંધારી રાત્રે - 9

9.

હું ચોંકી ગયો. હું સહેજ ડોકું નમાવું તો તેનાં ચીક બોન પર કીસ કરી શકું એટલી તે મારી નજીક હતી. પણ મને તેને કીસ કરવા કરતાં એક જોરદાર તમાચો મારી લેવાની ઈચ્છા થઈ આવી.

હું તેને કમરેથી પકડીને ઊભો હતો, તે મારા ખભે બે હાથ રાખી મને દાદરાના કઠેડા સાથે દબાવે ત્યાં લાઈટ આવી ગઈ એટલે હું દાદરાને ટેકે, તે મારે ટેકે હોય એટલી નજીક. આમ તો આ રોમેન્ટિક પોઝ કહેવાય. રાજકપૂરની ફિલ્મોનો લોગો હોય એવો.

તેણે ફરી ખડખડાટ મુક્ત હાસ્ય કર્યું.

"..., કેવી મઝા આવી?" તેણે મને નામથી સંબોધી પૂછ્યું.

"મઝા કેવી? હું તો ડરી ગયેલો. મને તારી પર ગુસ્સો આવે છે. તને આ દાદર પરથી ફેંકી દઉં એમ થાય છે." મેં રોષથી કહ્યું.

"મતલબ કે you enjoyed the thrill. લોકો હાઉસ ઓફ હોરર જેવી જગ્યાએ મોંઘી ટિકિટ ખર્ચીને જાય છે." તેણે કહ્યું.

તેની નીલી આંખો લુચ્ચું હસતી મારી સાવ નજીક હતી. તેના ગોરા, ભરેલા ગાલ જોવા મારે થોડું પાછળ હટવું પડ્યું.

"શું થ્રીલ! હજી હું માનતો નથી કે તું જીવતી જાગતી યુવાન સ્ત્રી છો. આટલું બધું ડરાવવાથી તને શું મળ્યું?" તેને પૂછતાં મેં તેની કમરેથી હાથ હટાવી લઈ તેના હાથો પર હાથ ફેરવ્યો. હજી હું ખાતરી કરવા માગતો હતો કે તે કોઈ સ્પિરિટ ફરીથી કામચલાઉ મનુષ્ય રૂપ લઈ ફરી મને ફસાવતો ન હોય.

"શું મળ્યું? મઝા. કોઈ નવી ગેઇમ રમવા જેવી."

"તમે કોઈ નાટકનાં કલાકાર નથી પણ ભૂત, વેમ્પાયર જે કહો તેનું પાત્ર બરાબર ભજવ્યું." મેં કહ્યું.

તેણે સ્મિત કર્યું અને કહ્યું "ખબર હતી."

તે છૂટી થઈ દાદર પર ચડી અને મને પાછળ આવવા કહ્યું.

"આવો. બાલ્કનીમાં બેસીએ. હવે ડરશો નહીં. હું સાચે સ્ત્રી છું. જુઓ, શરૂઆત તમે કરેલી એમ પૂછીને કે શું હું એક ડ્રેક્યુલા છું? યાદ કરો, મેં એમ પણ કહેલું કે તમે માનો તેમ. એટલે મને તરત મનમાં થયું કે મોકો છે આની મઝા લેવાનો."

"મને થાય છે કે તને પકડીને ઢીબી નાખું. આ બાલ્કનીમાંથી નીચે ફેંકી દઉં."

"કરી જુઓ. આ ઊભી. " કહેતાં તેણે બે હાથ પહોળા કર્યા. એની પાતળી કમર અને છાતીનો ઉભાર ધ્યાન ખેંચી રહ્યાં. ગુસ્સા સાથે પણ મારું ધ્યાન તેનાં કોઈ શોકેઇસમાંનાં મોડેલ જેવાં ફિગર પર ચોંટી ગયું.

"જવા દે હવે. થયું તે થયું. મારા શ્વાસ થંભી ગયેલા. હું એમ જ માનતો હતો પ્રેતાત્માને હાથે હું મરી રહ્યો છું. લાઈટ આવી, નહીં તો મારું હાર્ટ સાચે જ બેસી જાત. આવી મઝાક?"

આમ કહેતો હું બાલ્કનીમાં તેની સામે ઠંડી હવામાં બેઠો.

"તમે એ કહો …, તમને દર વખતે એમ કેમ લાગ્યું કે હું ભૂત છું?"

"પહેલાં માય ફેર લેડી, તારૂં નામ કહે."

કોણ જાણે, હું તેને તુંકારે કેમ બોલાવવા લાગ્યો. હું આટલું થયા પછી પણ તેની મિત્રતા ઈચ્છતો હતો? એમ તો તેણે પણ હવે મને મિ. … ને બદલે એક નામે સંબોધેલો ને!

"well, મારું નામ … છે. પહેલાં તો દિલ થી સોરી. તમને થયું હશે .."

"તું મને તુંકારે બોલાવી શકે છે. થ્રીલ કે જે કહે તે, તેમાંથી પસાર થયા પછી have we not come closer suddenly? We are friends now." મેં સામેથી પ્રસ્તાવ મૂકી દીધો.

"મને પણ પહેલી નજરે તું મળવા જેવો લાગ્યો એટલે જ આવવા દીધો. એટલે જ આ મસ્તી કરી. certainly we are friends."

તેણે હાથ મિલાવ્યો. આવી તક મુકાય? મેં હાથમાં લઈ સહેલાવ્યો અને મૂકી દીધો.

"તું આવી રીતે એકલી કેમ રહે છે? તેં કહેલું કે ક્યારથી એકલી છે તે તને પણ ખ્યાલ નથી રહ્યો."

"હું સાયકોલોજીમાં Ph.D. કરું છું અને … સ્કૂલમાં હાયરસેકન્ડરીમાં ટીચર છું. માણસોને જોતાં જ ઓળખી જાઉં છું. મારાં પેરંટ્સ હાલ દિલ્હી છે. પપ્પા જાણીતી કંપનીમાં જનરલ મેનેજર છે. હમણાં ત્યાં પોસ્ટીંગ હોઈ. મમ્મી તેમની સાથે છે. મારો જોબ અને Ph.D. ચાલુ હોઈ હું એકલી છું. અમારા બંગલામાં. આજુબાજુ આ પોશ લોકોની સોસાયટીમાં સહુ એકમેકને ઓળખે છે પણ ઘરો બંધ કરી બેઠાં હોય છે. પપ્પા દિલ્હીનાં ત્રણ વર્ષ ઉપરાંત અગાઉ ભોપાલ હતા એમ ખૂબ ટાઇમ ગયો હોઈ મેં કહ્યું કે ક્યારથી એકલી છું તે મને ખ્યાલ નથી."

"એક સમજાયું નહીં. તારો પડછાયો દેખાતો ન હતો જ્યારે તું મારી સામે ઊભેલી."

"સિમ્પલ. સાઈડમાંથી લાઈટ આવતી હતી. પાછળ મોટું ઝાડ કોઈ રાક્ષસ જેવું નહોતું દેખાતું? એની પાછળથી પ્રકાશ આવતો હતો. બીજી શેરીમાંથી કે આકાશનો. ઘરમાં લાઈટ નહોતી ને સાઈડમાં ડોરની તડમાંથી લાઈટ આવતી હતી."

તે ફરી ઊભી થઈ, રૂમની લાઈટ બાલ્કનીમાં જ ઊભી પગ પાસેની સ્વીચથી બંધ કરી. હવે સમજાયું. નીચે તે પેસેજમાં હતી તો રૂમની લાઈટ કેવી રીતે થઈ.

તે હાથ ફેલાવી ઊભી. નીચેથી અને બાજુએથી આવતી લાઇટમાં તે ફરી એકદમ ઊંચી લાગતી હતી. તેની આંખો ચળકતી હતી.

મેં ઉભા થઈ લાઈટ કરી અને કહ્યું "ચાલ. એ વાત પર તને એક કોફી બનાવી દઉં. " તેણે માદક સ્મિત આપ્યું.

ક્રમશ:

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 5 months ago

Darshana Jambusaria

Darshana Jambusaria 10 months ago

GIRISH AHIR

GIRISH AHIR 10 months ago

Sanjay Bodar

Sanjay Bodar 10 months ago

Vijay

Vijay 10 months ago