Ek Andhari Ratre - 10 - Last Part in Gujarati Horror Stories by SUNIL ANJARIA books and stories PDF | એક અંધારી રાત્રે - 10 - છેલ્લો ભાગ

એક અંધારી રાત્રે - 10 - છેલ્લો ભાગ

10.

"બીજી એક વાત પૂછું. એક વખત તારું શરીર અર્ધું દેખાયેલું. હવામાં હોય એવો ભાસ થયેલો. એક વાર મીણબત્તી હવામાં તરતી હોય તેમ લાગેલું. એનાથી હું ખૂબ ડરી ગયેલો. મારી શંકા દ્રઢ બનેલી કે હું.." મેં કિચનમાં જતાં પૂછ્યું.

"ડ્રેક્યુલા સાથે છું અને હમણાં તે મારા ગળે દાંત માંડી લોહી ગટક ગટક પીશે. એમ જ ને? વિચારીએ એવી દુનિયા દેખાય."

તેણે કહ્યું અને આગળ ચલાવ્યું -

"તું સૂતો હતો. સેન્ટર ટીપોય તારી આંખના લેવલે, વધુ નજીક હોઈ મોટી દેખાય. હું પડદા નજીક એટલે દૂર હોઈ ટીપોય કરતાં નાની ઈમેજ દેખાય. આગળ ટીપોય છે તે અંધારામાં દેખાયું નહિ હોય એટલે મારું ઉપરનું શરીર દેખાયું, પગ ટીપોય પાછળ હતા. મીણબત્તી લઈ હું મારાં માથાંથી ઊંચી રાખી દાદરો ઊતરતી હતી જેથી આખું ઘર દેખાય એટલે તને લાગ્યું કે તે હવામાં તરે છે જે મેં પકડેલી. કલીયર, માય ડીયર વોટ્સન?" તેણે ફરી ખડખડાટ હસતાં મારે ખભે ધબ્બો માર્યો.

એ છૂટ લે તો હું લઉં જ ને! મેં એની કમરે ચુંટી ખણી. તેણે મારા હાથ પર હળવો ધક્કો માર્યો અને કોફી મગમાં ભરી ટ્રે લઈ રૂમમાં ગઈ. હું પાછળ ગયો. તેણે સ્લાઈડિંગ ડોર હટાવી પડદા ખોલ્યા. હવે મેં લાઈટ કરી. નાઇટલેમ્પ થયો. હું બીજી સ્વીચ કરું ત્યાં તેણે જ કહ્યું કે રહેવા દો.

અમે કોફી વચ્ચે મૂકી બેઠાં.

"તારાં ભીનાં પગલાં કેમ ફ્લોર પર ઉઠ્યાં નહીં? જ્યારે મારા બૂટની છાપ તો પડી." મેં પૂછ્યું.

"હું ક્યાં ભીની થઈ જ હતી? બાજુમાંથી ગયેલી. ભીની હોઉં તો પગલાં પડે ને? લો મારા ગાઢ મિત્ર, એ ટુવાલથી જ ત્યાં પડેલાં તમારાં ગારા વાળાં પગલાં સાફ તો કરો!" કહેતાં તેણે ટુવાલ આપ્યો. હું હાથમાં લઉં ત્યાં કહે "રહેવા દો, મારા છુઈમુઈ મહેમાન!" ને તે ઊભી થઈ પગલાં પર પોતું કરવા લાગી.

"ડોન્ટ લાઈક ઈટ. હું ડરી ગયેલો એનાં કારણો હતાં. ઘણાં તેં સમજાવ્યાં. એ બધું એવું બનવા લાગેલું કે કોઈ પણ ડરી જાય." મેં બચાવ કર્યો .

"જેવી જેની કલ્પના ને વિચારોનું બેકગ્રાઉન્ડ. તમે સતત એવું વાંચો કે ચુડેલને પીઠ ન હોય, ભૂતની આંખો પલકતી ન હોય, ભૂત હવામાં ઉડે, લોહીથી તરસ છિપાવે - અને હનુમાનચાલીસા થી તે દૂર ભાગે. બધું ખોટી હોરર સ્ટોરીઓ વાંચી મનને તેની સાથે જોડી દેવાનું પરિણામ છે. મેં ક્યારેય ભૂત જોયું નથી. જે ન જોયું કે અનુભવ્યું હોય તેમાં માનતી નથી. તમને જે વધુ પડતું વાંચેલું તે તમારું મનો જગત થઈ ગયું અને ફેન્ટસી તમને વાસ્તવિક લાગી."

મેં હિંમત કરી તેનો હાથ મારા હાથમાં લીધો. તેણે હટાવ્યો નહીં.

"અત્યારે તું એટલી ઠંડી નથી. ત્યારે કેમ બરફ જેવી હતી!"

"ફરી એ જ, સાંભળેલું કે ભૂત ખૂબ ઠંડું હોય. હું પણ આ જ વરસાદમાં તમારા અર્ધા કલાક પહેલાં જ પલળતી આવેલી. એની અને આવીને પાવર ન હોઈ વગર ગીઝરે નહાઈ તેથી શરીર ઠંડુ હતું. તમને ગરમીની વધુ જરૂર હતી, મારો ટીશર્ટ પણ ભીનો હતો એટલે ગેસ પાસે મોકલ્યા. હું અગ્નિથી બીતું ભૂત નથી. ભૂત હોય તો બીવે કે નહીં એ ખબર નથી પણ હું નથી બીતી."

"અને હા. મારી પીઠ પર તો તમે હાથ વારંવાર મૂક્યો. તમને મારી પીઠ નથી કે હું ઊંઘી ચાલું છું તેમ લાગ્યું, ખરું? હું ડોક ફેરવું તો 135 અંશ ફરી શકે. વત્તા હું તમે શું કરો છો તે જોવા 45 અંશ ફરી. થાય ને સાવ 180 અંશ! મારું ડોકું પીઠ પર હોય તેવું?

…, મને ભૂતનો ડર ન લાગે, પણ કોઈ પણ સ્ત્રીને માણસ, પુરુષ જાતનો ડર લાગે. વાસના ભૂતાવળ થી પણ ભયાનક હોય છે. હું એકલી અને તમે સાથે - એટલે જોયું. તમે એ પરીક્ષામાં તો સો ટકા પાસ. સ્ત્રી ને જોઈ દાઢ ડળકી નહીં."

મારાં વખાણ સાંભળી હું શરમાઈ ગયો.

"બોલો, બીજું કાઈં જાણવું છે હું કેમ પ્રેત માયા લાગતી હતી એનું?" તે મારામાં આંખો ફેરવી પૂછી રહી.

હવે મેં જ કહ્યું. " અંધારી રાતે એકલી સ્ત્રી, મન ભય ક્રીએટ કરે તેવું આસપાસ, અને તારી મઝાક. બધાએ મળીને આ સીન સર્જેલો. સોરી. મને મઝા તો ન આવી, પણ આ એક વરસાદી અંધારી રાત મારાં જીવનમાં યાદગાર બની રહેશે."

હું ઉઠ્યો. ઘડિયાળમાં પાંચ વાગવા આવેલા. મેં તેની રજા લીધી. તે પણ ઉઠી.

"મારે પણ દૂધ લેવા આવવું છે. ચાલો."

તે વાળ સરખા કરતી બહાર આવી. અમે બાઈક ઊંચી કરી પાણી કાઢ્યું અને તે મારી પાછળ બેઠી.

તાજી હવામાં પવનવેગે મારું બાઈક જઈ રહ્યું હતું. તેનો હાથ પહેલાં પાછળ, પછી મારી કમરે હતો. અમારી વચ્ચે કોઈ અંતર રહ્યું નહોતું.

સવારનો મૃદુલ પવન અમારા ચહેરાઓ પર ગલીપચી કરતો હતો. ડરાવણી અંધારી રાત્રી પછી આશા અને પ્રેમનો સંચાર કરતો પ્રભાતનો મૃદુ પવન વાઈ રહ્યો હતો. મેં પાછળ જોયું. તે ઘટ્ટ કાળા વાળ ઉડતા હતા તે સરખા કરી રહી હતી. તેનું મુખ સ્મિત રેલાવી રહ્યું હતું. એ નીલી, મોટી આંખો હવે મારામાં ડરને સ્થાને પ્રેમ જગાવી રહી હતી.

(સમાપ્ત)

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 1 month ago

Jayana Tailor

Jayana Tailor 4 months ago

Nalini Patel

Nalini Patel 6 months ago

Ila Patel

Ila Patel 6 months ago

r patel

r patel 6 months ago