Varasdaar - 51 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 51

વારસદાર પ્રકરણ 51

કેતાનો ફરી આભાર માની મંથન સીધો સુંદરનગર પોતાના ઘરે જ આવી ગયો. સાંજના ૭ વાગી ગયા હતા.

" કેતાને મળીને આવ્યો. એ મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. મેં એને બહુ સમજાવી પરંતુ જીદ પકડીને બેઠી છે. એ સરોગેટ મધર બનવા માટે તૈયાર છે. હવે આપણે ડોક્ટરને એકવાર મળવું પડશે. તારીખ પણ લેવી પડશે." મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને અદિતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. એણે મનોમન કેતાનો આભાર માન્યો.

અદિતિએ પળનો પણ વિલંબ કર્યા વગર ડોક્ટરને ફોન કર્યો અને આવતી કાલની સવારે ૧૦ વાગ્યાની જ એપોઇન્ટમેન્ટ લઈ લીધી. જેથી મંથનને ઓફિસ જવાનું મોડું ના થાય.

મંથન અને અદિતિ ૧૦ વાગે ડૉક્ટર ચિતલેના ક્લિનિક ઉપર પહોંચી ગયાં.

સર.. જેનું તમે એબોર્શન કરેલું એ કેતા ઝવેરી સરોગેટ મધર બનવા માટે તૈયાર છે. તો હવે તમે મને આઇવીએફ માટેની ડેટ આપો. " અદિતિ બોલી.

" ચલો સરસ. અભિનંદન. સારું પાત્ર તમને મળી ગયું. તમારી પિરિયડની ડેટ કઈ આવે છે ? " ડોક્ટર બોલ્યા.

" આજે ૭ તારીખ થઈ છે. ૧૨ કે ૧૩ તારીખે પિરિયડ આવી જશે." અદિતિ બોલી.

" તો પછી આપણે ૨૪ તારીખ ફાઇનલ કરી દઈએ. તમને એક ઇન્જેક્શન લખી આપું છું. એ તમે અત્યારે જ લઈ આવો. આજે ઇન્જેક્શન આપવું પડશે. બીજું ઇન્જેક્શન ૧૪ તારીખે આવીને લઈ લેજો." ડોક્ટર બોલ્યા અને એમણે એક ઇન્જેક્શન લખી આપ્યું.

મેડિકલ સ્ટોર એ જ કોમ્પલેક્ષમાં હતો એટલે મંથન જઈને ઇન્જેક્શન લઈ આવ્યો. ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું.

૨૪ તારીખે તમારે બંનેને આવવું પડશે. કેતાબેન ને પણ લેતા આવજો. એમનું પણ ચેક અપ કરવું પડશે." ડોક્ટર બોલ્યા.

" ભલે સાહેબ " અદિતિ બોલી અને બંને જણાં બહાર નીકળી ગયાં.

અદિતિને સુંદરનગર ઉતારીને મંથન સીધો ઓફિસે ગયો.

ઘરે પહોંચ્યા પછી અદિતિએ કેતાને ફોન કર્યો.

" કેતાબેન અમે ડોક્ટર પાસે જઈ આવ્યાં. ડોક્ટરે ૨૪ તારીખ અમને આપી છે. એ દિવસે આઈવીએફ થશે. તમારે પણ એ દિવસે આવવું પડશે. તમારું પણ ચેક અપ થશે. જસ્ટ તમારી જાણ માટે ફોન કર્યો છે. તમે અમારી ચિંતા દૂર કરી દીધી. તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે." અદિતિ બોલી.

" વળી પાછી તમે ઉપકારની વાત કરી અદિતિબેન ? તમે મને શરમાવો નહીં. એબોર્શન થયા પછી લગ્ન કરીને કોઈનો પણ વિશ્વાસઘાત કરવાની મારી ઈચ્છા નથી. ભલે હું છાનું રાખું પરંતુ મારો આત્મા તો મને ડંખે. એટલે હું લગ્ન કરવા જ નથી માગતી. એટલા માટે જ મેં આ નિર્ણય લીધો છે. તમારા બંનેના સુખમાં હું નિમિત્ત બની એનો મને આનંદ છે." કેતા બોલી.

" તમારો સ્વભાવ મને બહુ જ ગમી ગયો. તે દિવસના મારા વર્તન બદલ હું તમારી માફી માગું છું. હવે તો આપણા સંબંધો ઘર જેવા થઈ ગયા. તમારું પોતાનું ઘર સમજીને અહીં આવતાં જતાં રહેજો. " અદિતિ બોલી.

" ભૂતકાળને ભૂલી જાઓ અદિતિબેન. અને તમારું બાળક મારા ઉદરમાં હશે એટલે મારે તો હવે આવવા જવાનું થવાનું જ છે. " કેતા હસીને બોલી.

મંથનના ઘરેથી પોતાના ઘરે આવી ત્યારે શીતલના મનમાં રાજન દેસાઈ છવાઈ ગયો હતો. નડિયાદમાં ગાળેલો ભૂતકાળ એને યાદ આવી ગયો હતો. પોતે રાજન તરફ ખેંચાઈ ગઈ હતી પરંતુ એનો કોઈ અણસાર રાજનને કે પોતાની ફ્રેન્ડ મિતાલીને પણ આવવા દીધો ન હતો.

હજુ અઠવાડિયા પહેલાં જ રાજન અચાનક એને ગાર્ડનમાં ભેગો થઈ ગયો હતો. એને કલ્પના પણ ન હતી કે વર્ષો પછી રાજન દેસાઈ ફરી આ રીતે મુંબઈમાં એને મળશે. એને જોઈને નડિયાદના દિવસો એને યાદ આવી ગયા હતા. અત્યારે પણ એ રૂપાળો જ લાગતો હતો. પોતાના કરતાં ચાર વર્ષ મોટો હતો પરંતુ મંથન સર પણ પોતાના કરતાં ચાર વર્ષ મોટા જ હતા ને ! એને કલ્પના જ ન હતી કે મંથન સર એના માટે રાજનની વાત કરશે !

મંથન સર પોતાના ભૂતકાળને જાણી ગયા હતા એ વાત એના માટે નવાઈ ભરી હતી. મંથન સરે કહ્યું છે એટલે રાજન દેસાઈ સાથે જ એનાં લગ્ન થશે એ વિશે એના મનમાં કોઈ શંકા ન હતી પરંતુ એને ચિંતા કેતાદીદી માટે હતી.

દીદીએ સરોગેટ મધર બનવાનો જે નિર્ણય લીધો હતો એ એને પરેશાન કરતો હતો. એના માટે તો આ એક મૂર્ખામી હતી અને જાણી જોઈને દીદી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યાં હતાં. એબોર્શન કરાવ્યું છે એ વાત પોતાના ઘર સિવાય અને મંથન સર સિવાય બીજું કોઈ જાણતું નથી. તો પછી એબોર્શનની કોને ખબર પડવાની હતી ?

કોઈ પણ સારો યુવાન દીદીને મળી શકે એમ હતો. મંથન સર હવે પરણેલા હતા તો પછી એમના માટે સતિ સાવિત્રી બનવાની ક્યાં જરૂર હતી ? પરંતુ કેતાદીદી મંથન સરને દિલથી ચાહતાં હતાં એટલે એ હવે નહીં માને એની એને પૂરેપૂરી ખાતરી હતી.

આ બાજુ મંથન પણ રાજન દેસાઈને શીતલ માટે કેવી રીતે તૈયાર કરવો એના વિચારોમાં હતો. શીતલનું મન તો જાણી લીધું હતું અને એ તો તૈયાર જ હતી એટલે હવે રાજન દેસાઈને જ સમજાવવો પડશે. ગુરુજીએ જ્યારે કહ્યું છે કે રાજન દેસાઈ માટે પૂર્વ જન્મનું પાત્ર એની સામે આવી ગયું છે ત્યારે મારે હવે રસ લઈને આ કામ કરવું પડશે.

શ્રીમંત પરિવારનો દીકરો છે. એ પણ કરોડપતિ છે. શીતલ પણ મારી સ્કીમોમાં લાખો રૂપિયા કમાય છે. પછી કાલની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કામમાં ગુરુજીએ કહ્યું છે તેમ મારે નિમિત્ત બનવું જોઈએ.

" રાજન ગિરનારમાં ગુરુજીએ શું કહ્યું હતું યાદ છે ? પૂર્વ જન્મમાં તું જેની પાછળ પાગલ હતો એ પાત્ર તારી સામે આવી ગયું છે. ગુરુજીની પોતાની પણ ઈચ્છા છે કે તારે હવે લગ્ન કરી લેવાં જોઈએ. આ બાબતમાં તેં શું વિચાર્યું પછી ?"

મંથને રાજન દેસાઈને શીતલ વિશે વાત કરવા બીજા દિવસે સવારે પોણા અગિયાર વાગે પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો.

" હા પણ પાત્ર મારી સામે આવવું જોઈએ ને ? ગુરુજીએ કહ્યું છે એટલે હું હવે ગંભીરતાથી વિચારીશ. " રાજન બોલ્યો.

"તું આખી દુનિયાનું જોઈ શકે છે. મારા વિશે પણ આટલું બધું કહી શકે છે. તો એ પાત્ર વિશે કેમ તને કંઈ ખ્યાલ નથી આવતો ? " મંથન બોલ્યો.

" કારણ કે મારા લગ્ન વિશે મેં ફોકસ કર્યું જ નથી. એ પાત્ર કયું હોઈ શકે એ વિશે હજુ સુધી મેં બિલકુલ વિચાર્યું નથી. સાવ સાચું કહું તો એકદમ અલગારી માણસ છું. તું પણ મને ઓળખી ગયો છે. ગુરુજીએ કહ્યું છે એટલે ગયા જન્મમાં કદાચ હું કોઈની પાછળ પાગલ હોઈશ. પણ આ જન્મમાં સ્ત્રીઓથી દુર જ રહ્યો છું. " રાજન બોલ્યો.

" તારી વાત સાચી છે પરંતુ હવે સમય પાકી ગયો છે. અને જ્યારે ગુરુજીએ જ આદેશ આપ્યો છે ત્યારે લગ્નના બંધનમાં તારે બંધાઈ જવું જોઈએ. " મંથન બોલ્યો.

" કોઈ પાત્ર સામે આવશે તો હું ચોક્કસ વિચારીશ. અત્યારે તો કોઈ છે જ નહીં." રાજન હસીને બોલ્યો.

" છે રાજન. તારી નજર સામે જ છે પરંતુ તું ઓળખી શક્યો નથી. ગુરુજીએ એનો ભેટો તારી સાથે કરાવી દીધો છે. એનું નામ છે શીતલ ઝવેરી !!" મંથન બોલ્યો.

" વ્હોટ !! "

" યેસ મિસ્ટર રાજન દેસાઈ. તને પણ એ ગમે છે પણ પ્રપોઝ કરવાની હિંમત નથી ચાલતી. રાઈટ ? " મંથન બોલ્યો.

" તને કોણે કહ્યું ? આઈ મીન તને કેવી રીતે ખબર પડી ? " રાજન આશ્ચર્યથી બોલ્યો.

" તારા સંગનો રંગ તો લાગે ને ભાઈ ! બોલ મારી વાત સાચી છે કે નહીં ? " મંથન બોલ્યો.

" હા સાચી છે. નડિયાદ હતો ત્યારથી ગમે છે. વર્ષો પછી અહીં ગાર્ડનમાં મળ્યો ત્યારે પણ હૃદય એક ધબકારો ચૂકી ગયું. પરંતુ એના મનને જાણ્યા વગર એકદમ આવી વાત કેવી રીતે કરી શકું. અને આમ પણ એ બાબતમાં થોડો શરમાળ પણ છું. " રાજન બોલ્યો.

" જેવી તારી હાલત છે એવી જ શીતલની હાલત છે. એ પણ તારા તરફ આકર્ષાઈ છે પણ દિલની વાત હોઠ ઉપર લાવી શકતી નથી. ગઈકાલે તારી વાત નીકળી હતી ત્યારે એણે મને કહ્યું. નડિયાદમાં તારા ઘરે આવતી હતી ત્યારથી એ તારા પ્રેમમાં છે. " મંથન બોલ્યો.

" શું વાત કરે છે તું ? આર યુ સીરીયસ ? " રાજન આશ્ચર્યથી બોલ્યો.

" બિલકુલ સિરિયસ. આવી મજાક થોડી હોય ? એટલા માટે તો મેં તને અહીં બોલાવ્યો છે કે વરરાજા હવે આગળ વધો. કન્યા તૈયાર છે. " મંથન હસીને બોલ્યો.

એટલામાં ઇન્ટરકોમમાં મંથનની સેક્રેટરી સુષ્માની રીંગ આવી. " સર કોઈ મિલને આયા હૈ. "

"ઉસકો વેઇટ કરને કો બોલો. મૈં એક મિટિંગ મેં બિઝી હું " મંથન બોલ્યો અને ફોન કટ કર્યો.

" તું આટલું બધું કહે છે તો પછી અમારી મીટીંગ પણ તું જ ગોઠવી દે. તારે જ બધું કરવું પડશે. હું સામેથી એને ફોન નહીં કરું. " રાજન બોલ્યો.

" તારે ફોન કરવાની જરૂર જ નહીં પડે રાજન. કન્યા જ વરમાળા લઈને તને પહેરાવવા અહીં આવી જશે ! " મંથન હસીને બોલ્યો.

" વ્હોટ ! તું એક પછી એક સરપ્રાઈઝ આપી રહ્યો છે મંથન. " રાજન આશ્ચર્યથી બોલ્યો.

"તું જો ટ્રેઇનમાં માલપૂડા અને ખીર ખવડાવી શકે તો શીતલ કેમ ના આવી શકે ? મનની શક્તિ !! તું જાદુગર છે તો હું પણ જાદુગર છું. "

મંથન ખડખડાટ હસ્યો અને એણે ઇન્ટરકોમમાં સેક્રેટરીને મહેમાનને અંદર મોકલવાનું કહ્યું. "અંદર ભેજો ઉનકો."

રાજનના આશ્ચર્ય વચ્ચે શીતલે મંથનની ચેમ્બરમાં પ્રવેશ કર્યો.

બંને એકબીજાને જોઈને ચમકી ગયાં. રાજનને કલ્પના પણ ન હતી કે ખરેખર શીતલ અત્યારે એને મળવા મંથનની ઓફિસમાં આવશે અને શીતલને પણ કલ્પના ન હતી કે રાજન દેસાઈ મંથન સરની ચેમ્બરમાં બેઠા હશે !

મંથને શીતલને એવું કહ્યું હતું કે એક ક્લાયન્ટ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના મોટા કામ માટે તારી મીટીંગ કરાવવાની છે તો તું બરાબર ૧૧:૩૦ વાગે મારી ઓફિસે પહોંચી જજે. અને હું મિટિંગમાં છું એટલે સીધી અંદર ના આવતી. બહાર વેઇટ કરજે.

શીતલ દસ મિનિટ પહેલાં જ કોમ્પ્લેક્સ માં આવી ગઈ હતી પરંતુ મંથન સરની સૂચના હતી એટલે એણે ૧૧;૩૦ વાગે ઓફિસમાં પ્રવેશ કર્યો.

મંથને તો રાજન દેસાઈ ને પોણા અગિયાર વાગે જ ઓફિસમાં બોલાવી લીધો હતો. સૌથી પહેલાં એને ભાવતો આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો અને એ પછી જ વાતો શરૂ કરી હતી.

" અરે તમે !! " રાજનને જોઈને શીતલ બોલી.

ક્લાયન્ટને મળવાનું હતું એટલે શીતલ એકદમ તૈયાર થઈને આવી હતી. શીતલ આમ પણ ઘણી ખૂબસૂરત હતી અને અત્યારે તો એકદમ મોડેલ જેવી લાગતી હતી. રાજન એને બસ જોઈ જ રહ્યો.

"ક્યાં ખોવાઈ ગયા ? હું તમને પૂછું છું." શીતલ ફરી બોલી.

" અરે આ મંથને મને બોલાવ્યો હતો. કેમ છે તું ? " રાજન હોશમાં આવ્યો એને બોલ્યો.

" અરે ભાઈ તમે લોકો શરમાઓ નહીં. તમારા દિલની વાત જો મને કરી શકો છો તો એકબીજાને કરો ને ! એટલા માટે તો તમને ભેગાં કર્યાં છે. " મંથન બોલ્યો.

" તારી હાજરીમાં અમારે દિલની વાતો કરવાની ? " રાજન બોલ્યો.

" આ મંથન સર બહુ નોટી છે હોં !" શીતલ રાજન સામે જોઈને બોલી.

" વર્ષોથી ઓળખું છું એને. અમે બંને કોલેજમાં સાથે જ હતા. એતો એની હાજરીમાં જ આપણને પ્રેમાલાપ કરવાનું કહેશે. " રાજન હસીને બોલ્યો.

"અરે તમે લોકો ચિંતા ના કરો. મારે કબાબમાં હડ્ડી બનવું નથી. લિંક રોડ ઉપર ઇનઓર્બીટ મોલમાં મહારાજા ભોગ રેસ્ટોરન્ટ છે. ત્યાં તમારા બંનેની લંચ માટેની બાર વાગ્યાની સીટ રિઝર્વ થઈ ગઈ છે બંને જણાં ઉપડો અને એકબીજાને કોળિયા ખવડાવો. ત્યાં મારી હાજરી ડિસ્ટર્બ નહીં કરે. " મંથન હસીને બોલ્યો.

" ખરેખર ગજબ છે તું મંથન. શીતલ કહે છે એમ નોટી પણ છે. " રાજન બોલ્યો.

" જેવો છું તેવો. તમે લોકો હવે જલ્દી નીકળો. સાડા અગિયાર વાગી ગયા છે. " મંથન બોલ્યો.

રાજન દેસાઈ તરત ઉભો થઈ ગયો. બાર વાગ્યે પહોંચવાનું હતું અને સાડા અગિયાર તો થઈ ગયા હતા.

" શીતલ એને હવે છોડતી નહીં. આવ્યો ત્યારથી તારા જ ગુણગાન ગાય છે. " મંથન હસીને બોલ્યો અને બંને જણા ચેમ્બરની બહાર નીકળી ગયાં.

ચાલો એક મોટું કામ પતી ગયું. શીતલ નો મારી સાથેનો થોડોઘણો ઋણાનુબંધ પણ પૂરો થઈ ગયો. કેતાના માથેથી એક જવાબદારી પણ ઓછી થઈ. ગુરુજીની ઈચ્છા રાજનના લગ્નમાં મને નિમિત્ત બનાવવાની હતી તો એ પણ પૂરી થઈ ગઈ.

એ લોકો નીકળી ગયા પછી મંથને અદિતિને ફોન લગાવ્યો.

" અદિતિ શીતલનું રાજન દેસાઈ સાથે ફિક્સ કરાવી દીધું. અત્યારે લંચ લેવા માટે બન્ને જણાં મહારાજા ભોગ રેસ્ટોરન્ટમાં ગયાં છે. " મંથન બોલ્યો.

" શું વાત કરો છો ! આટલું જલ્દી ? ચાલો કેતાબેનનું ટેન્શન ઓછું થઈ ગયું. તમે કેતાબેનને ફોન કર્યો ? " અદિતિએ પૂછ્યું.

" ના હવે કેતાને પણ ફોન કરી દઉં છું. રાજન પણ ઘણો ખુશ છે આજે. " મંથન બોલ્યો.

" બંને જણાં તમને આશીર્વાદ આપશે." અદિતિ હસીને બોલી.

અને એણે તરત કેતાને ફોન લગાવ્યો.

" શીતલને રાજનના ખીલે બાંધી દીધી છે. હવે એના લગ્નની ચિંતા તું છોડી દે. અત્યારે એ બંને લંચ લેવા માટે ગયાં છે. " મંથન બોલ્યો.

" વાઉ ! ગ્રેટ ન્યુઝ સર !! તમે આજે મારી મોટી ચિંતા દૂર કરી દીધી. " કેતા બોલી અને મંથને ફોન કટ કર્યો.

આ બાજુ મહારાજા ભોગમાં લંચ લેતાં લેતાં રાજન અને શીતલ પણ મંથનની જ વાતો કરતાં હતાં.

" થેન્કસ ટુ મંથન સર કે આજે આટલાં વર્ષ પછી મારા મનની ઈચ્છા પૂરી થઈ અને તમારી સાથે જોડાઈ ગઈ. મેં તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે તમારી મુલાકાત થશે. " શીતલ જમતાં જમતાં બોલી.

"છોકરીઓની બાબતમાં પહેલેથી જ હું ખૂબ શરમાળ છું. તેં પણ તારો પ્રેમ છૂપો રાખ્યો. તને જોઈ ત્યારથી જ મનમાં એક આકર્ષણ પેદા થઈ ગયું હતું પરંતુ હું તને કંઈ કહી શકતો ન હતો. તને ગાર્ડનમાં જોઈ ત્યારે પણ મારુ દિલ એક ધબકારો ચૂકી ગયું હતું. આજે પહેલી વાર તારી સામે દિલ ખોલીને એકરાર કરું છું." રાજન બોલ્યો.

" મંથન સર કેતા દીદીને ટ્રેનમાં ના મળ્યા હોત તો આપણાં લગ્ન ક્યારે પણ શક્ય ન હતાં. સર ની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. દીદી પહેલી વાર મુંબઈ જઈ રહ્યાં હતાં. દીદી એ રસ્તામાં સર ને એમની મૂંઝવણ કહી તો સરે પોતાનો સમય બગાડીને દીદીને હેલ્પ કરી.એ મૈત્રી સંબંધ આજ સુધી નિભાવ્યો અને બોરીવલીની એમની સ્કીમમાં અમને ફ્લેટ પણ અપાવ્યો." શીતલ બોલી.

" મંથનનું દિલ પહેલેથી જ ખૂબ જ ઉદાર છે. એ બીજાની તકલીફ જોઈ શકતો નથી." રાજન બોલ્યો.

" એ તો અનુભવ અમને લોકોને પણ થઈ ગયો છે. ચાલો હવે થોડાક રોમેન્ટિક બનો ડાર્લિંગ. આપણે પહેલીવાર આ રીતે મળી રહ્યાં છીએ. " શીતલ બોલી અને એણે પોતાની થાળીમાંથી એક ચમચી શિખંડ લઈને રાજનના મોંમાં મૂકી દીધો.

" આ મારા પ્રેમનો પહેલો કોળિયો !" શીતલ બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)