house entry in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | ગૃહપ્રવેશ

ગૃહપ્રવેશ

A beautiful mini novel.

Chapter 1

"મમ્મી, હવે કેટલી વાર છે?"

બે વર્ષમાં, આખરે માહીનો પ્રશ્ન બદલાયો. અત્યાર સુધી એમ પૂછતી.. "મમ્મી ઘરે કયારે જઇશું?"

મીનાક્ષીએ દીકરીના માથે હાથ ફેરવ્યો અને સ્મિત કરતાં કહ્યું, "હજી ઘણી વાર છે બેટા. જા નાનુને પૂછ કાંઇ કામ છે."

જયારે જયારે મીનાક્ષી માહી સામે જોતી, તો એને સદૈવ પોતાના નિર્ણય પર શંકા થતી. શું માહી એના ડેડીને મિસ કરી રહી હતી? શું એણે ઘર છોડીને ભૂલ કરી હતી? પણ એ વખતે આ જ ઠીક લાગ્યું હતું.

બારીની બહાર જોતા મીનાક્ષીને એના પિયરના ઘરનો છમ છમ લહેરાતો બગીચો દેખાણો. ઊંડો નિસાસો લેતા એની નજર ફરી હાથમાં પોતાની ડાયરી પર પડી. ઉત્સાહિત યુવાની અને મનોજનો પ્રેમ, આ બાબતોના લીધે જ, દસ વર્ષ પહેલા, એ પિતાનાં ઘરની જાહોજલાલી મૂકીને ખુશી ખુશી મનોજ સાથે પરણી ગઈ હતી. એ વખતે આ જ ઠીક લાગ્યું હતું.

મનોજ, મીનાક્ષીના પપ્પા જેટલો શ્રીમંત ન્હોતો. પણ મધ્યમ વર્ગ હોવા છતાંય, એ આત્મનિર્ભર અને સ્વમાની હતો. એની એક વાત મીનાક્ષીના દિલમાં ઘર કરી ગઈ હતી. મીનાક્ષીને આજે પણ એ દિવસ ગઈ કાલની જેમ યાદ હતો.

એ બંને એક કોફી હૉઉસમાં બેઠા હતા. મનોજે મીનાક્ષીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું,
"મીનું, મકાનમાંથી ઘર, દોસ્તમાંથી પ્રેમી અને સંતોષમાંથી ખુશી, ફક્ત આપણાથી બનશે, પૈસાથી નહીં. તારો સાથ હશે, તો ચટની રોટલો પણ છપન ભોગનો સ્વાદ આપશે. એટલું શું વિચારવાનું?"
મીનાક્ષી હંસી પડી. કાંઈ બોલે એ પહેલાં મનોજે એને બાથમાં લેતા કહ્યું,
"હું વચન આપું છું, તને હમેશા ખુશ રાખીશ. ચાલ, પરણી જઈએ."

માતાપિતાની એકની એક લાડકી, સોનેરી ચમચી સાથે જન્મેલી. પોતાના ઘરની રાજકુમારીનો હાથ
એક મામુલી વ્યક્તિને કેવી રીતે સોંપી દેવાય? પણ મમ્મી પપ્પા એ ફક્ત એની ખુશીને જોતા હાં પાડી હતી. આજે એ બધા નિર્ણય ઉપર પ્રશ્નચિહ્ન લાગી ગયા હતા.

આસું છલકાતા, મીનાક્ષીનું હ્ર્દય નમઃ થઈ ગયું . આંખો બંધ કરતા, મન ભૂતકાળ માં પ્રવાસ કરી ગયું.

--------૧૦ વર્ષ પહેલા--------

લગ્નના પહેલા ત્રણ વર્ષ એટલા સોનેરી હતા, કે મીનાક્ષી દરેક સમયે પ્રાર્થના કરતી કે કોઈની નજર ન લાગે. મનોજ એની કલ્પના કરતા પણ વધુ સારો અને પ્રેમાળ હતો. મીનાક્ષી પર કોઈ જાતની રોક ટોક કે બંધન ન હતું. એના વશમાં જેટલું હતું, તે મુજબ મનોજ મીનાક્ષીને સંપૂર્ણ રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. મોટા ઘરેથી આવેલી, પણ મીનાક્ષી ઘણી સમજદાર, સરળ અને સુલજેલી સ્ત્રી હતી.

મીનાક્ષીને ઘરમાં રહેવું વધુ ગમતું. એ ફેશન ડિઝાઈનર હતી. ઘરે બેસીને ડિઝાઇન બનાવતી અને મોટા મોટા બુટિકને વેચતી. પૈસા સંતોષકારક ન હતા, પણ આ રીતે એ પોતાનું કામ, ઘર અને મનોજ, બધાને પૂરો સમય આપી શકતી.

મનોજ આ વાતથી અજાણ ન હતો કે મીનાક્ષીના પિયરનું રહેન સહેન એના કરતાં વધારે ઉંચા દરજ્જા નું હતું. એ ઘણી વાર મીનાક્ષીને પૂછતો,
"મીનું, તું મારી સાથે ખુશ છે ને?"
અને મીનાક્ષી હંમેશા મનોજને ગળે લાગીને કહેતી,
"એટલી ખુશ, કે જેવી હું પહેલા ક્યારે પણ ન્હોતી."

Chapter 2

"મીનું, આ વખતે માહી ના ત્રીજા જન્મદિવસ પર એક શાનદાર પાર્ટી આપીશું."
"મનોજ, આટલો ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એ થોડી સમજદાર થશે, ત્યારે કરીશું."
પણ મનોજ ઘણો ઉત્સાહીત હતો અને માહી એની જાન હતી. "તું ખર્ચાની ફિકર ન કર. મારી દીકરી કાંઈ રાજકુમારીથી ઓછી છે? જન્મદિવસ તો ધૂમધામથી જ મનાવશું."

પાર્ટીમાં ઘર મહેમાનોથી ભરાઈ ગયું. કૅકેની સાથે મનોજે બધુજ બાહરથી મંગાવ્યું, જેથી મીનાક્ષીને કાંઈ તકલીફ ન થાય.
"મીનું, આ નરેશ છે. હાલમાં જ એણે અમારી ઓફિસ જોઈન કરી છે. નરેશ, મારી પત્ની, મીનાક્ષી, she's a fashion designer."
"Hello. Nice meeting you."

મીનાક્ષી એ દિવસે પહેલી વાર નરેશને મળી. શું ખબર હતી, કે એક મહેમાનને નહીં, પણ ગ્રહણ ને આમંત્રણ આપ્યું હતું.

* * * * *

"હેલો મીનું, આજે મને આવતા મોડું થશે. નરેશ સાથે એના કલ્બ જાઉં છું."

જ્યારે મનોજે આવો કોલ પહેલી વાર કર્યો, ત્યારે મીનાક્ષીને કાંઇ વાંધો ન હતો. પ્રેમથી બોલી,
"તમે આટલી મહેનત કરો છો. દોસ્તો સાથે થોડી આઉટિંગ તો થવી જોઈએ."
એ રાતે જ્યારે મનોજ ઘરે આવ્યો તો એણે ડ્રીંક લીધેલું હતું. મીનાક્ષીની આંખમાં નાપસંદગી જોતા, મનોજે પોતાની સફાઈ આપી,
"બધા સાથે બેઠા હતા અને મને પણ દબાણ કરી રહ્યા હતા. એટલે એક નાનો પેક લઈ લીધો."

પણ, એ પહેલી વાર છેલ્લી વાર ન રહી. પછી એક
નિયમિત ટેવ બની ગઈ. દરેક સપ્તાહના અંતે, શનિ રવિ મનોજ નરેશ સાથે કલ્બ જતો અને હંમેશા ડ્રિંક્સ લઇને આવતો. ઘણી વાર એટલો મોડો આવતો, કે ત્યાં સુધી માહી રાહ જોઈ જોઈને સુઈ જતી. મીનાક્ષીને આ વાત ખૂબ અખરવા લાગી.

એક દિવસ સવારે નાસ્તા ના ટેબલ પર, મીનાક્ષી બોલી, "મનોજ, મને તમને કાંઈ કહેવુ છે."
મનોજ નું ધ્યાન છાપા માં હતું. "હા બોલ, સાંભળું છું."
મીનાક્ષીને મનોજનું સંપૂર્ણ ધ્યાન જોઈતું હતું. એ ચૂપ રહી. થોડી મૌન સેકન્ડ પસાર થતા, મનોજને લાગ્યું કંઈક ગડબડ છે. એણે મીનાક્ષી સામે જોયું.
"બોલ શું વાત છે."
"મને તમારું પૂરું ધ્યાન જોઈએ છે."
મનોજે છાપું બંધ કરતા કહ્યું,
"ઓકે માઇ ડિયર. બોલ."
મીનાક્ષી એ ધીમેથી પોતાના મનની વાત કહેવાનો પ્રયત્ન કર્યો. "મનોજ, દોસ્તો સાથે સમય પસાર કરવો સારી વાત છે. મગજ ફ્રેશ થઈ જાય અને કામની થકાન ઉતરી જાય. પણ તમારું ડ્રિંક્સ લેવું અને મોડું આવવું મને નથી ગમતું. માહી પણ તમને ખુબ મિસ કરે છે."

મનોજ કાંઇ જવાબ આપે એ પહેલાં એનો ફૉન વાગ્યો. ઓફિસ થી એના મૅનેજરનો કોલ હતો.
"હેલો, ગુડ મોર્નિંગ સર...........જી સર. સરવૈયું તો મેં ગઈ કાલે જમા કરી નાખ્યું હતું."
થોડીક વાર મનોજ ફક્ત સાંભળતો રહ્યો. એના ચહેરાના હાવભાવ ટેન્શનમાં આવી ગયા.
"સોરી સર. મારાથી ભૂલ થઈ ગઈ. હું હમણાં ચેક કરીને ફરી મોકલું છું."

કલ્બ જવું, ડ્રિંક્સ, લેવું, ઘરે મોડું આવવું અને ઑફિસના કામમાં બેદરકારી. આ બધુ મનોજના
જીવનનો એક નિયમિત હિસ્સો બની ગયો.

Chapter 3

ઘરનો ખુશહાલ માહોલ બદલાય ગયો. મનોજની નવી રૂટીન અને ડ્રિંક્સની આદતમાં વધારો થતો ગયો. લગ્નના ચાર વર્ષ પછી મીનાક્ષીને વિશ્વાસ ન્હોતો બેસતો કે આ એ જ મનોજ હતો જે એને
કેટલાં પ્રેમ અને વચનોની સાથે આ ઘરમાં લાવ્યો હતો. મનોજ પાસે આવતો, પણ મીનાક્ષીનું મન અંદર થી ખૂબ રડતું. માહી સ્કૂલ જવા લાગી અને મનોજ એની સાથે બહુ ઓછો સમય પસાર કરતો.

ચાર વર્ષથી ઘરનો ખર્ચો મનોજની કમાણી પર ચાલતો હતો. મનોજ સદૈવ મીનાક્ષીને કહેતો,
"મીનું, તારા ડિઝાઇનિંગના પૈસા તું જમા કર. તને જેમ જોવે તેમ ખર્ચ કરજે. ફિક્સ ડિપોઝિટમાં રાખ કે પછી કંઈક સોનાની વસ્તુ લઇ લેજે."

પણ આજે ઑફિસ જતા પહેલા, મનોજે દરવાજામાંથી બૂમ પડતા કહ્યું,
"મીનું, પ્લીઝ જરા મેન્ટેનન્સ અને ઇલેકટ્રીક બિલ ભરી નાખીશ? આજે લાસ્ટ ડેટ છે. થેંક્સ ડિયર."
જવાબની રાહ જોયા વગર, એ ઑફિસ જતો રહ્યો.
પછી તો વગર કીધે એ મીનાક્ષીની જવાબદારી બની ગઈ. દર મહિને મનોજ એક નવો ખર્ચો મીનાક્ષીના માથે નાખી દેતો.

મનોજ હસમુખ અને શાંત સ્વાભાવનો હતો. પણ....
'હતો'. હવે એ પહેલાનો મનોજ ન્હોતો રહ્યો. એના કામમાં ઘણી બેદરકારી આવી ગઈ હતી. ઑફિસમાં બોસ એનાથી ખુશ ન હતા અને એ વાતનો ગુસ્સો મનોજ ઘરમાં કાઢતો.

જ્યારે મનોજ પહેલી વાર ડ્રિંક્સની બોટલ ઘરે લાવ્યો, તે વખતે મીનાક્ષીથી બોલ્યા વગર ન રહેવાયું,
"મનોજ પ્લીઝ! તમારી આ બધી અમને ન ગમતી આદતો ઘરની બહાર જ રાખો. આપણી એક દીકરી છે. શું વિચારશે તમારા બારામાં?"
"ઓહ કમ ઓન મીનુ, આ બધા જૂના જમાનાના વિચાર મુક હવે! હું ફક્ત એકાદ ડ્રીંક લઉં છું. હું આલ્કોહોલિક નથી."
"મનોજ, પહેલા તો તમે કયારેય એને હાથ પણ ન્હોતા લગાડતા. હવે શા માટે? આ બધું નથી સારું."
"મીનું, બદલાવને કબુલ કરતા શીખ. સમય બદલાય અને સમય સાથે આપણને પણ બદલાવવું જોઈએ."
"બદલાવ સારો પણ તો હોવો જોઈએ ને!"
"ઓ પ્લીઝ! લેક્ચર આપવાનું બંધ કર!"

જ્યારે વાત કરી જ રહ્યા હતા, તો મીનાક્ષી પાછળ ન હટી. "તમારું ઑફિસનું કામ કેવું ચાલે છે?"
મનોજના ચહેરાનો રંગ ઉતરી ગયો. એણે ગુસ્સામાં મીનાક્ષી સામે જોતા કહ્યું, "એ તારે ફિકર કરવાની જરૂર નથી."
"અગર દર બે દિવસે આમ જ તમારો મૅનેજર તમને ફોન કરીને વઢશે, તો મને ડર છે કયાંક તમને......."
"મીનું એ મારી માથાકૂટ છે. હું જોઈ લઈશ."
પણ મીનાક્ષી ચૂપ ન રહી. "અગર જોબ છૂટી ગઈ તો?"
મનોજ ઉતેજીત થતા ઉંચા સ્વરમાં બોલ્યો,
"ઊંધું શા માટે વિચારે છે. હમણાં ઘર ચાલી રહ્યું છે ને?"
મીનાક્ષી કાંઈ બોલે તે પહેલાં મનોજ નો ફોન વાગ્યો.
"હેલો, હાં નરેશ. બસ હું નીકળી રહ્યો છું."

પાછળ જોયા વગર, વિચાર્યા વગર, મનોજ મીનાક્ષીને રડતી અને હતાશ મૂકીને જતો રહ્યો.

Chapter 4

હવે માહી એ પણ એના ડેડી વગર રહેવાનું શીખી લીધું હતું. એ નવ વાગ્યામાં સુઈ જતી. પણ રોજ રાત્રે સુતા પહેલા કાંઈક મનોજની વાત કરતી,
"મમ્મી, આપણે ડેડીને કહેશું, આ સન્ડે આપણને ફરવા લઈ જાય.........."
"મમ્મી, સન્ડેના હું ડેડી સાથે મારો લેગો ટાવર બનાવીશ......."
"મમ્મી, આ વારતા તમે નહીં વાંચો. આ મને ડેડી સન્ડેના કહેશે."
એ સન્ડે ક્યારેક આવતો અને ક્યારેક નહીં.

મીનાક્ષી ની ફિકર વધતી ગઈ. મનોજની રાહ જોવાની એને ટેવ પડી ગઈ હતી. પુસ્તક વાંચે તો
કેટલું? ટીવી જોવે, ડિઝાઇન બનાવે, તો કેટલું?
આજે તો બાર વાગી ગયા. મનોજને ક્યારે પણ આટલું મોડું ન્હોતું થયું. એનો ફોન પણ બંધ હતો અને નરેશ ફોન ઉપાડી જ ન્હોતો રહ્યો.

અચાનક દરવાજો ખખડયો, પછી બે ત્રણ ઘંટડી એક સાથે વાગી. મનોજ પાસે ઘરની ચાવી હતી. આ કોણ હતું? બારણું ખોલતા જ મનોજ મીનાક્ષી પર ઢળી પડ્યો. જેમ તેમ આગળ ચાલતા સોફા પર લાંબો થઈ સુઈ ગયો. મીનાક્ષીનું હ્ર્દય નમઃ પડી ગયું, શ્વાસ ગળામાં અટકાઇ ગયો અને આસું રોકે ન્હોતા રોકાતા.

દુઃખ ના દબાવમાં એ આખી રાત ન સુઈ શકી. કેવા જીવનની કલ્પના કરી હતી અને આ બધું શું થઈ ગયું? સવારે જ્યારે બેડરૂમમાંથી બહાર આવી તો જોયું મનોજ બાલ્કનીમાં ઉભો હતો. મીનાક્ષી એટલી બધી ટૂટી ગઇ હતી કે એનામાં ગુસ્સો કરવાની કે ફરિયાદ કરવાની હિંમત ન્હોતી બચી. એ ચૂપચાપ મનોજની બાજુમાં જઈને ઉભી રહી ગઈ. ઘણી વાર સુધી એક ડરામણો સન્નાટો બંને વચ્ચે રહ્યો. પછી ધીમેથી મનોજ બોલ્યો,
"મારી જોબ છૂટી ગઈ."
મીનાક્ષી જાણતી હતી કે તે દોષિત મહેસુસ કરી રહ્યો હતો. મને ખબર હતી, એ કટાક્ષ કરવાનો કોઈ અર્થ ન્હોતો. મીનાક્ષી કાઇ પણ બોલ્યા વગર કિચનમાં જતી રહી

* * * * *

સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ દોષિત હોય, તો પોતાને કે પછી પોતાના હાલાતને બદલવાનો પ્રયાસ કરે. મીનાક્ષીએ સમજદારી બતાવી અને મનોજને થોડો સમય આપવો ઉચિત સમજ્યું. પણ પરિસ્થિતિ સુધરવાના બદલે વધુ બગડતી ગઈ. જ્યારે મનોજ બહાર જતો, તો મીનાક્ષી એમ ધારી લેતી કે કામથી કે પછી ઇન્ટરવ્યૂ આપવા જાય છે. પણ નહીં. મનોજ પીને આવતો અને સુઈ જતો. ઘરમાં પણ ખાલી બાટલીઓ પડી રહેતી.

જીવન કોઈના રોકાય ક્યારે રોકાણું છે? ઘર કેમ ચાલશે? મીનાક્ષીએ પાંચ વર્ષ માં ક્યારેય પોતાની તકલીફ પિયરમાં ન્હોતી જણાવી. એણે લવ મેરેજ કર્યા હતા અને એ વિચારીને માં બાપના ઘરથી નીકળી હતી કે હર હાલમાં નિભાવશે.

"મનોજ, આજે તમારી જોબ છૂટ્યાને ત્રણ મહીના થઈ ગયા. તમને નથી લાગતું કે ખાસ્સો લાંબો સમય વીતી ગયો છે?"
"સેનો લાંબો સમય?"
મીનાક્ષી ચોંકી ગઈ. આ કોઈ પૂછવાનો પ્રશ્ન હતો? તે ગુસ્સાને કાબુમાં રાખતા બોલી, "નવી જોબ માટે મહેનત કરો. ઘર કેમ ચાલશે? માહીની ફીઝ કેવી રીતે ભરીશું?"
પણ મનોજ જાણે બેશરમ થઈ ગયો હતો.
"તારા ડિઝાઇનિંગના પૈસા આવે છેને? થોડું વધુ કામ લઇલે. જોબ મળશે તો તારા બધા પૈસા પાછા આપી દઈશ."
"વાત એ છે જ નહી! જોબ ગોતશો તો મળશે. ઘરે કોઈ ઑફર આપવા નહીં આવે. અને પ્લીઝ પીવાનું બંધ કરો."
મનોજ ચિડાઈને ઉભો થયો અને ચીસ પાડતા કહ્યું,
"લેક્ચર આપવાનું બંધ કર! મને ખબર છે શું કરવું જોઇએ. તારી સલાહની જરૂર નથી."
એ દરવાજો પટકીને બહાર નીકળી ગયો.

એ દિવસે, વિખરતા સંબંધની શરૂઆત હતી.

Chapter 5

પછીના બે વર્ષ મીનાક્ષીના જીવનમાં આફતોથી ભરેલા હતા. મનોજને જોબ મળતી, પણ ટકતી નહીં. આત્મનિર્ભરતા અને સ્વમાન તો જાણે ક્યારે એની ગુણવંતા હતી જ નહીં. ઘરનો માહોલ તનાવપૂર્વક રહેવા લાગ્યો.

એક દિવસ જ્યારે મીનાક્ષી નહાઈને બાથરૂમમાંથી બહાર આવી તો ડ્રેસિંગ ટેબલ પર એની સોનાની ચેન ન્હોતી. ખૂબ શોધી, પણ ન મળી. મનોજ પણ અચાનક ઘરનીથી બહાર જતો રહ્યો હતો. રાત્રે જ્યારે જમવા બેઠા, તો મીનાક્ષીએ મનોજને પૂછ્યું,
"મારી સોનાની ચેન નથી દેખાતી. તમે જોઈ છે?"
મનોજ એક મિનિટ માટે ચૂપ થઈ ગયો. માથું ઉંચુ કર્યા વગર બોલ્યો,
"મને જરૂર હતી. તને પછી બીજી બનાવી આપીશ."
મીનાક્ષીના આશ્ચર્યની કોઈ સીમા ન રહી.
"બસ આ જ બાકી રહી ગયુ હતું? હવે તો હદ પાર થઈ ગઈ મનોજ! તમે આ કેવી રીતે કરી શકો છો?"

મનોજ પ્લેટ પટકતા ઉભો થયો અને મીનાક્ષીને જોરથી લાફો માર્યો. "તારી હદ પાર નહીં કર. એ ચેન મેં જ આપી હતી. મેં ચોરી કરી છે, એવું ચિત્રણ ઉભું નહિ કર."

મીનક્ષીની સમજની બહાર હતું કે એનું જીવન આટલી ખરાબ પરિસ્થિતિમાં શા માટે પરિવર્તિત થઈ ગયું. એ એકદમથી તૂટી ગઈ અને એની બહેનપણી નેહાની સામે રડી પડી.
"મારો એ પ્રેમાળ મનોજ ક્યાં જતો રહ્યો? એ શા માટે આટલો નિર્દય અને કઠોર થઈ ગયો છે? શું એને મારી અને માહીની ચિંતા નથી રહી? શું મારા આ દિવસો ક્યારેય નહીં સુધરે?"
નેહાને મનોજ કરતા મીનાક્ષી પર વધુ ગુસ્સો આવી રહ્યો હતો.
"એ જેવો થઈ ગયો છે તે તો છે. પણ તું શા માટે એની સાથે ગાડા ની જેમ બંધાયેલી છે? તું શિક્ષિત અને આત્મનિર્ભર છે. એ નક્કામાં માણસને છોડી કેમ નથી દેતી? આટલો ત્રાસ ભોગવવાની શું જરૂર છે?"

મીનાક્ષી એ આંસુ લૂછતાં ઊંડો શ્વાસ લીધો અને ના પાડતા માથું હલાવ્યું.
"નહીં નેહા. છોડવા માટે હું મનોજને એક મિનિટમાં મૂકી શકું છું. અને બહુ બહુ તો શું થશે? થોડા સમય સુધી મમ્મી પપ્પાના મેણા ટોણાં સાંભળવા પડશે."
"તો કેમ નથી કરતી? તને શું અટકાવી રહ્યું છે?"
મીનાક્ષીની આંખમાં ફરી આંસુ આવી ગયા.
"માહી. મને નથી જોઈતું કે માહી બાપના પ્રેમ વગર મોટી થાય."
નેહા ને વધુ ક્રોધ ચડ્યો. "આવો બાપ?!"
"નેહા પ્લીઝ! મને હજી આશા છે કે એક દિવસ મનોજ પાછો અમારી તરફ વળશે."
"મને નથી લાગતું મીનાક્ષી. આટલું સહન કરવું મૂર્ખતા છે."

પણ જ્યારે મનોજે માહી ઉપર હાથ ઉપાડ્યો ત્યારે મીનાક્ષીની બધી આશા મનમાં મરી ગઈ. માહીથી દોડતાં દોડતાં ભૂલેથી ગરમ ચહા મનોજ ઉપર
ઢોળાય ગઈ અને માહી પોતે પણ ડરી ગઈ. પણ મનોજ એના આવેશમાં આંધળો થઈ ગયો હતો.

બે દિવસ પછી, મનોજની ગેરહાજરીમાં, ડ્રેસિંગ ટેબલ પર પત્ર મૂકી, મીનાક્ષી માહીને લઈને પિયરે જતી રહી.

Chapter 6

એક મહિના સુધી મનોજ તરફથી કોઈ હરકત ન્હોતી થઈ. ન મળવા આવ્યો, ન ફૉન આવ્યો. મીનાક્ષીનું દુઃખ સીમા પાર કરી ગયું હતું. માહી સામે હસમુખ ચહેરાનો મુખોટો પહેરી રાખતી અને એકલામાં ખૂબ રડતી. એક જ સુખ હતું. મમ્મી પપ્પા એ તેના ઉપર કોઈ કટાક્ષ ન કર્યો, ઊલટાનું પ્રેમથી એનો સાથ આપ્યો.

એક સાંજે મનોજનો ફૉન આવ્યો,
"હેલ્લો."
"મીનું, શું તું ઘરે પાછી નથી આવવાની? શું આ જ તારો નિર્ણય છે?"
"તમે કહો, શું એ મારા ઉપર નિર્ભર છે?"
મનોજ ચૂપ થઈ ગયો અને ફૉન કટ કરી નાંખ્યો.

મીનાક્ષીની પીડા લાંબી ચાલી. એ દિવસ પછી મનોજના કોઈ સમાચાર ન્હોતા. માહી વારંવાર પૂછતી, "મમ્મી ઘરે કયારે જઇશું?"
મીનાક્ષી એને શું જવાબ આપતે? જવાબ તો દૂર, એનું પોતાનું મન હજાર શંકાઓમાં ગુંચવાયેલું હતું.

"મીનાક્ષી બેટા. ત્રણ મહિના થઈ ગયા. તને નથી લાગતું કે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે?"
મીનાક્ષી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પપ્પા એ એને બાથમાં લઇ લીધી. થોડીક વાર પછી જયારે મન હળવું થયું, ત્યારે મીનાક્ષી બોલી,
"પપ્પા આ એક બહું મોટી વાત છે. મારા કરતાં વધુ, મને માહીના વિશે વિચારવાનું છે. જો આજે મારાથી કાંઇ ખોટો નિર્ણય લેવાઇ ગયો, તો જીવન ભર પસ્તાવવું પડશે. હવે હું માહીને જવાબદાર છું."
એના પપ્પા ઉત્તેજિત થઈ ગયા.
"આ તારી મહાનતા છે, પણ ખરું જોતા, આ બધું મનોજે વિચારવું જોઈએ."
જ્યારે મીનાક્ષી મૌન રહી, તો પપ્પા આગળ બોલ્યા,
"જે માણસે પોતાની પત્ની અને દીકરીને ત્રણ મહિનાથી પાછળ ફરીને જોયું પણ ન હોય, એનાથી તને શું અપેક્ષા છે?"
મીનાક્ષી એ હાથ જોડીને પપ્પાને વિનંતી કરી.
"પપ્પા પ્લીઝ, મને થોડો સમય આપો. હું આ બારામાં વિચારીશ."

બીજા દિવસે સવારે મીનાક્ષીના નામે એક પરબિડીયું આવ્યું. મીનાક્ષીનું દિલ બેસી ગયું. ધ્રુજતા હાથે એણે કવર ખોલ્યુ. એની વાંચવાની હિમ્મત ન્હોતી થતી. શું આ પત્ર એના અને મનોજ વચ્ચેની છેલ્લી કડી હતી?
ડરતા ડરતા એણે વાંચવાનું શરૂ કર્યું.

"મારી વ્હાલી મીનું,

પ્રાર્થના કરું છું, કે હજી મને, તને મારી કહેવાનો અધિકાર બાકી છે. ભગવાન એ મુજ જેવા કૃતજ્
અને સ્વાર્થીને તારા જેવી સુંદર અને અતિ સુશીલ જીવનસંગીની આપી. જેની ન મેં કદર કરી અને જેના હું લાયક પણ નથી. તારી કિંમત અને આપણા સંબંધનું મહત્વ મને તારા ગયા પછી સમજાણું. મેં જીવનમાં ઘણી બધી ભૂલો કરી છે અને કેટલીએ
માફીના લાયક નથી. કલમ ઉપાડીને તને પત્ર લખતા મને આટલા મહિના એટલે લાગ્યા, કે આજે પણ તારો અને માહીનો સામનો કરવાની મારામાં હિમ્મત નથી. પણ હવે હું તમારા બંને વગર નથી રહી શકતો.

હું પોતાને તારા લાયક બનાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છું. મીનું, હું તારો ઘણો આભારી છું કે તે કોઈ ગંભીર અને નુક્સાનદાયક નિર્ણય નથી લીધો, જેના કારણે મને એક આશાની કિરણ દેખાય છે. પ્લીઝ મીનું, મારે તને મળવું છે."

મીનાક્ષીના ખુશીના આંસુ ન્હોતા રોકાઈ રહ્યા. પત્રને એટલી વાર વાંચ્યો કે મોઢે થઈ ગયો.

* * * * *

મનોજ પહેલાતીથી કોફી હૉઉસ માં રાહ જોઈ રહ્યો હતો. મીનાક્ષીને આવતા જોઈ, ઉભો થઇ ગયો. લાંબા સમય પછી એક ઠંડકનો એહસાસ થયો. મીનાક્ષીની સુંદરતાની કોઈ સરખામણી ન્હોતી. પણ આજે જેવી એ દેખાતી હતી, એ દુર્દશાનો મનોજ પોતે જવાબદાર હતો. પણ હવે મીનાક્ષીને અપનાવવાની એની પ્રબળ ઇચ્છા, શરમ કરતા વધારે હતી.

મીનાક્ષીને ગળે લગાડવાની તૃષ્ણાને દબાવતા, ફક્ત સ્મિત કરતાં બોલ્યો.
"હેલો મીનું. થેંક્સ ફોર કમિંગ."
"હું આવ્યા વગર નહિ રહી શકતે."
આ સાંભળીને મનોજનું મન હળવું થઈ ગયું. "બેસ."
કોફી ઓર્ડર કર્યા પછી મનોજે પહેલા પૂછ્યું,
"મારી માહી કેમ છે?"
"તમને ખૂબ યાદ કરે છે."
"અને તું?"
મીનાક્ષીની નજર નીચી થઈ ગઈ અને ધીમે થી બોલી, "હું પણ."

મનોજે મીનાક્ષીના બંને હાથ પોતાના હાથમાં લીધા અને આજીજી કરી.
"હું જેટલો આ ચાર મહિનામાં રડ્યો છું, એટલો આખી જિંદગીમાં નથી રડ્યો. ઘરની ખાલી દિવાલોનો સન્નાટો હવે સહન નથી થતો. હું દિલગીર છું મીનું. દરેક વસ્તુ માટે. પ્લીઝ મને માફ કર અને ઘરે પાછી આવી જા. હું વચન આપું છું, હવે બધું સારું થઈ જશે."

મીનાક્ષીની આંખ ભરાઈ આવી. ધીમેથી એણે મનોજના હાથ માંથી પોતાના હાથ અલગ કર્યા અને થોડીક વાર વિચારયા પછી બોલી,
"મનોજ, આઠ વર્ષ પહેલા હું તમારા વચનોના ભરોસે, મમ્મી પપ્પાનું ઘર મૂકીને તમારી જોડે ચાલી પડી હતી. અગર માહી નહીં હોત, તો કદાચ મેં આપણા ઘરની બહાર પગ નહીં મુક્યો હોત. પણ વાત હવે ફક્ત મારી નથી. હું સહન કરી ગઈ, પણ જો આવું કાંઇક ફરી થશે તો માહી જિંદગી ભર નહીં ભૂલે અને એ હું બિલકુલ નથી ઈચ્છતી."

મનોજે ફરી મીનાક્ષીના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ફરી વિનંતી કરી.
"મીનુ, હું તને વચન આપું છું કે ઈતિહાસનું પુનરાવર્તન નહીં થાય. હું એવું કાંઇ નહીં થવા દઇશ. મને એક બહુ સારી જોબ મળી ગઈ છે. અને તારી કસમ, મેં છેલ્લા બે મહિનાથી ડ્રિંક્સને હાથ પણ નથી લગાડ્યો."

મીનાક્ષી હામી ભરતા બોલી,
"આ સાંભળીને મને ખુશી થઈ મનોજ. પણ આ
પૂરતુ નથી. હવે તમારે તમારી જાતને સાબિત કરવો પડશે. ફક્ત મને નહીં, માહીને અને મમ્મી પપ્પાને પણ."
મનોજની ઉમ્મીદ અને ચિંતા બંને વધી ગઈ.
"શુ કરું બોલ. તું જે કહીશ, હું એ કરવા તૈયાર છું. બસ, તું અને માહી પાછા ઘરે આવી જાવ."
"થોડો સમય જવા દો. હમણાં આપણે જેમ છે, તેમજ રહીએ."
"મીનું પ્લીઝ, એમ નહીં કર."
"મનોજ, ફક્ત સમય સાથે તમે તમારી જાતને સાચો અને સારો સાબિત કરી શકશો. અને એ જરૂરી પણ છે."

Chapter 7

આજે એ વાતને બે વર્ષ થઈ ગયા હતા. આ લાંબો સમય એક પરીક્ષાની ઘડી હતી. કસોટી ફક્ત મનોજના ભરોસાની અને પરિશ્રમની ન્હોતી, પણ મીનાક્ષીના પ્રેમ અને ધિરજની પણ હતી. મહિનામાં એક વાર મીનાક્ષી, માહીને લઈને મનોજને મળવા જતી. હંમેશાં એ લોકો ઘરની બહાર જ મળતા. મનોજને એ વાતનો સંતોષ હતો કે મીનાક્ષીએ એને બીજો મોકો આપ્યો, અને માહી ને મળવાની રજા આપી. જયારે જયારે મનોજ, મીનાક્ષી અને માહીને મળતો, એનો પોતાની જાતને સારો સાબિત કરવાનો નિશ્ચય વધુ મજબૂત થઈ જતો. મનોજની મહેનત રંગ લાવી અને તેને નોકરીમાં પણ તરર્કકી મળી.
ડ્રિંક્સની ટેવ એક ભૂતકાળ બની ગઈ.

* * * * *

મીનાક્ષી એ સ્મિત સાથે ડાયરીમાં છેલ્લી બે લાઇન લખી.
"આજે મારી બધી પ્રતીક્ષા પુરી થઈ. આજે હું મારા પોતાના ઘરે જઈશ. આજે મારો સાચો ગૃહપ્રવેશ થશે. બસ આ વાટ જલ્દી ખતમ થાય!"

--------૧૫ વર્ષ પછી--------

માહી એના ડેડી ને ભેટી પડી અને આસું લૂછતાં બોલી,
"તમે વિશ્વના સૌથી શ્રેષ્ઠ પિતા છો. દરેક વસ્તુ માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને તારા પર ગર્વ છે."
મનોજની આંખ પહેલે થી નમઃ હતી. દીકરીને વળાવી રહ્યો હતો. દુઃખ તો થાવાનુ જ હતું. માહીના માથે હાથ ફેરવતા બોલ્યો,
"મહેશ ભલે મારો દીકરો છે, પણ તું હંમેશા મારી લાડકી રહીશ. કયારેય પણ ચિંતા ન કરતી. હું બેઠો છું. ભગવાન તને સદા ખુશ રાખે."

જ્યારે મીનાક્ષી એ માહીને બાથમાં લીધી તો એ ફરીથી રડી પડી.
"મમ્મી, મને ખુશી છે કે મારા લગ્ન તમારી સિલ્વર જ્યુબિલી વર્ષગાંઠના દિવસે જ થયા. આજે મારા જીવનની નવી શરૂઆત છે. ગૃહપ્રવેશ કરતાં
પહેલા મને તમને કંઈક કહેવું છે."
"હાં બેટા બોલ."
"મમ્મી, હું હંમેશા તમારી આભારી રહીશ, કે તમે
ડેડીને સેકન્ડ ચાન્સ આપ્યો. જો તમે એમ નહીં કરતે, તો આજે પ્રેમ અને સંબંધોના વિશે મારો દ્રષ્ટિકોણ કંઈક અલગ જ હોત. અને કદાચ, સુહાસ પણ મારી જિંદગી માં ન હોત. આઈ લવ યુ મમ્મી. થેંક યુ સો મચ."

રાત્રે બેડરૂમમાં મનોજે મીનાક્ષીને આલિંગન કરી અને કપાળે ચુંબન ભરતા કહ્યું,
"મીનું, તારી સબર, સમજદારી અને ત્યાગના કારણે
આપણું જીવન સાર્થક થઈ શક્યું."
મીનાક્ષી સ્મિત કરતાં મનોજ ના ગળામાં હાથ નાખતા બોલી,
"You were worth it. I love you Manoj."
"I love you too my darling. લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠ મુબારક."

શમીમ મર્ચન્ટ, મુંબઈ.

****************************************
Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=


Rate & Review

Jigna Pandya

Jigna Pandya 5 months ago

SHAMIM MERCHANT

SHAMIM MERCHANT Matrubharti Verified 5 months ago

જયારે જયારે મીનાક્ષી માહી સામે જોતી, તો એને સદૈવ પોતાના નિર્ણય પર શંકા થતી. શું માહી એના ડેડીને મિસ કરી રહી હતી? શું એણે ઘર છોડીને ભૂલ કરી હતી? પણ એ વખતે આ જ ઠીક લાગ્યું હતું. *An amazing mini novel* *© Shamim Merchant*

Asha Dave

Asha Dave 5 months ago

Heena Patel

Heena Patel 5 months ago