Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - હેપ્પી ન્યૂ યર

શીર્ષક : હેપ્પી ન્યુ યર
©લેખક : કમલેશ જોષી

એક મિત્રે કહ્યું: "મેં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીએ કેટલુંક ‘નવું’ કરવાનું લીસ્ટ બનાવેલું, જેમકે વહેલી સવારની એકાદ કલાક કુદરતના ખોળે વિતાવવી, ઉગતા સૂર્યને માણવો, મમ્મી-પપ્પાને હરિદ્વારની યાત્રા કરાવવી, કારને દરરોજ સાફ કરવી, દર બે દિવસે દાઢી કરી લેવી, રોજ બે મિત્રોને ફોન કરવા, અઠવાડિયે એક વાર ગાયને ઘાસ નાંખવું, જૂના શિક્ષકોને મળવા જવું વગેરે." એને એમાં સીત્તેર ટકા સફળતા મળેલી. તમે ગયા વર્ષે આવું કોઈ લીસ્ટ બનાવેલું? જો હા તો કેટલી સફળતા મળી? કેવો અનુભવ રહ્યો?

તમને આશ્ચર્ય થશે કે જીવનમાં કેટલુક ‘નવું’ તો રૂટિનની જેમ આવતું હોય છે, જાણે ‘જૂનું’ જ ન હોય એવી રીતે. એક મિત્રે કહ્યું, "લોકો ખોટા હેપ્પી ન્યુ યર, હેપ્પી ન્યુ યર કરતા હોય છે, એમાં નવું શું છે? આ વખતે ન્યુ યરનો પહેલો દિવસ રવિવાર છે. મેં ગયા રવિવારે પણ સવારે ગાંઠીયા, જલેબી, સંભારો ખાધા હતા અને આ રવિવારે પણ એ જ પ્રોગ્રામ છે, ગયા વર્ષના શિયાળામાં ઊંધિયું, અડદિયા અને ચીકી ફૂલ દાબ્યા હતા, ઉનાળામાં પંદરેક હજાર રૂપિયાની કેરી દાબી ગયા હતા અને ચોમાસામાં ભજીયા માણ્યા હતા. આ વર્ષે પણ એ જ બધા જલસા રિપીટ કરવાના છે, એમાં હેપ્પી ન્યુ યર શું કે હેપ્પી ઓલ્ડ યર શું? બધું રૂટિન છે. આખું વર્ષ ૨૦૨૨ લખવાની આદત હતી એ છોડવી પડશે અને ૨૦૨૩ લખવાની નવી આદત પાડવી પડશે, બીજું શું? એ સિવાય ત્રણસોને પાંસઠ દિવસ જે ગયા વર્ષે કર્યું, જે છેલ્લા દસ-વીસ કે ચાલીસ વર્ષથી કરીએ છીએ એ જ રિપીટ કર્યા કરીશું. નથીંગ ન્યુ, તો પછી હેપ્પી ન્યુ યર શાનું?"

નથીંગ ન્યુ. નવું વર્ષ પણ આપણા જીવનમાં એટલી બધી વાર આવી ગયું છે કે હવે ન્યુ યરનો ‘ચાર્મ’ નથી રહ્યો. દર મહિને બાર વખત પગાર મળે છે છતાં પહેલી નોકરીમાં મળેલા પહેલા પગાર જેવી મજા એમાં નથી આવતી. યાદ કરો, તમે કૉલેજ પૂરી કરી હતી અને કોઈ મિત્રે તમને કોઈ સ્કૂલ કે દુકાન કે ઓફિસમાં નોકરી અપાવી હતી. ત્રીસ દિવસ વીત્યા પછી ત્રીજી કે પાંચમી તારીખે તમને જિંદગીમાં પહેલી વખત પગાર મળ્યો હતો. ભલે એ રકમ કદાચ ત્રણસો-પાંચસો કે આઠસો રૂપિયા હતા, પરંતુ આજકાલ જે પંદર, પચ્ચીસ કે પચાસ હજાર દર મહિને તમારા ખાતામાં જમા થાય છે એના કરતા એ પહેલો પગાર મેળવવાનો અનુભવ તમને વધુ ‘હેપ્પી’ નહોતો કરી ગયો? પગારના આંકડા કરતા 'જિંદગીમાં પહેલો અને નવો અનુભવ’ વધુ ઈમ્પોર્ટન્ટ અને સેલીબ્રેટ કરવા જેવી બાબત છે. પહેલો પ્રેમ, પહેલી ગાડી, પહેલો આર્ટીકલ, પહેલી જોબ કે પહેલી ભૂલ આપણી અંદર બહુ ઊંડી છાપ છોડી જતા હોય છે.

એક મિત્રે કહ્યું : ફર્સ્ટ હંમેશા વધુ તીવ્ર હોય છે. ભાવતી વાનગીનું ફર્સ્ટ બાઈટ જેટલું સ્વાદિષ્ટ લાગે છે એટલું દસમું કે વીસમું નથી લાગતું. કોઈ મિત્ર કે સ્વજનને મળો ત્યારે પહેલી મિનિટ સુપર હેપ્પી જ જતી હોય છે. નવું શર્ટ કે નવા બુટ પહેલી વાર પહેરો ત્યારે જે અનેરી હેપ્પીનેસ મળે છે એ બે મહિના પછી પહેરતી વખતે નથી મળતી. એક્ઝામમાં ફર્સ્ટ પેપર જેટલું થ્રિલ પાંચમાં પેપર વખતે નથી અનુભવાતું. કોઈ ગીતની પહેલી પંક્તિ સાંભળીને જે મોજ આવે છે એ કદાચ ત્રીજી કે પાંચમી પંક્તિ સાંભળતી વખતે નથી આવતી. કોઈ જૉક પહેલી વાર જેટલો હસાવે એટલો બીજી કે ત્રીજી વાર હસાવતો નથી. ફર્સ્ટ હંમેશા વધુ તીવ્ર હોય છે.
મિત્રો આજે નવા વર્ષનો ફર્સ્ટ ડૅ છે. ત્રીજી કે પાંચમી કે પંદરમી તારીખે તો ૨૦૨૩નું વર્ષ પણ જૂનું અને રૂટિન થઈ જવાનું છે, પરંતુ પહેલી તારીખ સ્પેશીયલ ઈફેક્ટ વાળી હોય છે. આસપાસ નજર ફેરવશો તો એવી ઘણી બાબતો દેખાશે જેનો આપણે ‘ફર્સ્ટ ટાઈમ એક્સપિરીયન્સ’ કરવાનો બાકી છે. નવા વર્ષના ફર્સ્ટ દિવસે આવું ફર્સ્ટ ટાઈમર બાબતોનું લીસ્ટ બનાવીએ તો કેવું? આખું ‘યર’ તમે આવું કંઈક ને કંઈક ‘ન્યુ’ કરશો તો ખૂબ ‘હેપ્પી’ રહેશો એવું વિચારીને જ લોકો ‘હેપ્પી ન્યુ યર’ તો નહી કહેતા હોય?

- kamlesh_joshi_dir@yahoo.co.in