Dashavtar - 59 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 59

દશાવતાર - પ્રકરણ 59

          એને ખબર જ ન પડી કે થાક અને રાત ક્યારે એના મનને ઘેરી વળ્યા અને ક્યારે એ ઊંઘી ગયો પણ મધરાતે એક ખરાબ સપનાએ એને જગાડ્યો. એ સફાળો બેઠો થયો. એના શ્વાસ ઝડપી ચલતા હતા.

          સપનામાં પદ્મા એક ખંડેર ઇમારતમાં ફસાયેલી હતી. એ અને બીજી છોકરીઓ ભૂગર્ભમાં ફસાઈ હતી. ઇમારતની બહાર શૂન્યો શોર કરતાં હતા. જે લોકો પદ્મા સાથે દીવાલની પેલી તરફ ગયા હતા એ ભયભીત થઈને આમતેમ દોડતા હતા. ચારે તરફ અરાજકતા ફેલાયેલી હતી.

          સીડી ઉપર કોઈનો પગરવ સંભળાયો અને અંતે એક લોક યુવતી ભૂગર્ભમાં પ્રવેશી. એ પદ્મા અને બીજી શૂન્ય યુવતીઓને બચાવવા કોશિશ કરતી હતી. લોક યુવતીએ ભોંયરામાંથી છોકરીઓને છોડાવતી વખતે કહ્યું “નિર્ભય સિપાહીઓ શૂન્ય લોકોને મારી રહ્યા છે.”

          વિરાટ એ શબ્દો સાંભળીને સફાળો બેઠો થઈ ગયો હતો. એણે પોતાની જાતને કહ્યું - સપના સાચા નથી હોતા. જોકે એને ખબર નહોતી કે સપના એ ભવિષ્યનો સંકેત હોય છે.

          નિર્ભય શૂન્ય લોકોને મારી રહ્યા છે - આ શબ્દો એ ભૂલી શકે એમ નહોતો. ઠંડી રાતમાં પણ એને પરસેવો વળતો હતો. એ સમજી ગયો કે એ ફરી ઊંઘી નહીં શકે. એણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. એ એક ઝાડ નીચે બેસી ગયો. એનું મન પદ્મા વિશે વિચારતું હતું અને એની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. ચંદ્ર સીધો એની આંખોમાં ડોકિયું કરતો હોય એમ એની બંને આંખના ખૂણે એકઠા થયેલા આંસુ ચાંદનીમાં ચમકતાં હતા.

*

          સૂરજના કિરણ દીવાલને ઓળંગીને દક્ષીણમાં દાખલ થયા એ પહેલા વિરાટ ટેકરીઓ પાર કરી ચુક્યો હતો. આજે તાલીમનો પહેલો દિવસ હતો અને એ મોડો પાડવા માંગતો નહોતો.

          "આજે તમે શીખશો કેવી રીતે લડવું અને એના કરતા પણ મહત્વનું કેવી રીતે જીતવું." વજ્ર વિરાટ અને બીજા પંદર શૂન્ય યુવક યુવતીઓ સાથે તાલીમના મેદાનમાં ઊભો હતો. વિરાટે એ પંદર જ્ઞાની યુવક યુવતીઓ પસંદ કર્યા હતા જેમનાં હ્રદયમાં કારુ પ્રત્યે ભારોભાર રોષ હતો અને પોતાના લોકો માટે કંઈક કરી છૂટવાની જીદ્દ હતી. એમની સાથે એક નિર્ભય યુવતી હતી. એના માટે વજ્ર ખાસ હતો અને એ વજ્રને દીવાલની આ તરફ એકલો મોકલવા તૈયાર નહોતી.

          એનું નામ તારા હતું. એ પાંચ ફૂટ આઠ ઇંચ ઉંચી અને દેખાવડી હતી. એનો ચહેરો ઘઉંવર્ણો હતો. એની હડપચી બહાર હતી અને ગરદન લાંબી હતી. એના તમામ અંગો મજબૂત હતા. એ સંપૂર્ણપણે શસ્ત્રોથી સજ્જ હતી પરંતુ એમના પરિધાનમાં નહોતી. વજ્ર પણ એમના પરિધાનમાં નહોતો. એ બંને શૂન્યોના પરિધાનમાં હતા જે એમના શરીર પર વિચિત્ર લાગતો હતો.

          એ દીવાલની દક્ષીણમાં હતા જ્યાંથી પાણીની કેનાલ પૂરી થતી અને વપરાયા વગરનું પાણી વનરાજીને જીવન આપવા માટે મુક્ત બનીને વહેતું હતું. વર્ષોથી મુકત વહેતા ગંગાના પાણીએ ત્યાં એક નાનકડા જંગલને જન્મ આપ્યો હતો. એ જંગલ વચ્ચે ટેકરીઓથી ઘેરાયેલા ભાગમાં વૃક્ષો કાપીને એક ગુપ્ત મેદાન બનાવવામાં આવ્યું હતું. એ મેદાનનો ઉપયોગ ગુરુ જગમાલ અને એમના માણસો વરુઓને પાલતું બનાવવાની તાલીમ આપવા માટે કરતા હતા. આ જગા તાલીમ માટે શ્રેષ્ઠ હતી કારણ કે આ જગા દીવાલ પેલી તરફથી આવતા વેપારીઓ, એમના વચેટિયાઓ કે બીજા કોઈના પણ ધ્યાનમાં આવે એમ નહોતી.

          વિરાટ જાણતો હતો કે વજ્ર અને તારા એમને તાલીમ આપવા અને નિર્ભય જેવા બનાવવા માગે છે પરંતુ એ તાલીમ આટલી વહેલી શરુ કરશે એવી એને અપેક્ષા નહોતી. દીવાલની આ તરફ કોઈ પણ કામ કરતા પહેલા એની દિવસો સુધી ચર્ચાઓ કરવામાં આવતી જયારે વજ્ર અને તારાએ એમને પૂરી એક રાતનો પણ સમય આપ્યો નહોતો. શૂન્યોએ તાલીમ પહેલા એક બે દિવસના આરામની અપેક્ષા રાખી હતી. એ કલાકો સુધી આગગાડીમાં મુસાફરી કરીને આવ્યા હતા એટલે એમનું શરીર હજુ પણ થાકની અસર બહાર આવ્યું નહોતું.

          "આજની તાલીમને બે ભાગમાં વહેંચવામાં આવી છે - લડવું અને જીતવું." વજ્રએ કહ્યું.

          વિરાટે એના હાથમાં પકડેલા હથિયાર તરફ જોયું. એણે ક્યારેય પોતાના હાથમાં તલવારની અપેક્ષા રાખી નહોતી - નિર્ભયની વક્ર તલવાર. એ હથિયાર ભયાનક લાગતું હતું. દરેક શૂન્યને શસ્ત્રોનો ડર હતો.

          "પણ અમે સાચી તલવારથી કેવી રીતે લડી શકીએ?" સમ્રાટે કહ્યું, "અમે ઘાયલ થઈ શકીએ." એ જ્ઞાની યુવકોમાંથી એક હતો જે લખી અને વાંચી શતોક અને ગુરુ જગમાલ કહેતા કે એ દરેક બાબતમાં વિરાટ પછી બીજા નંબરે છે.

          વજ્રએ એના હાથમાં પકડેલી તલવાર સામે એકવાર નજર કરી અને બીજી જ પળે તલવારથી તારા પર હુમલો કર્યો. તારાએ એની તલવારથી વજ્રની તલાવરનો વાર રોક્યો. બંને તલવારો ટકરાઈ ત્યારે શૂન્યોએ આગના તણખા ખરતાં જોયા. બંને હથિયારો અથડાયાનો રણકાર એમના હ્રદયમાં ભયને જન્મ આપતો હતો.

          "ભયનો સામનો કરો." વજ્ર બોલ્યો, "તમે હવે શૂન્ય નથી. જે ક્ષણથી તમે તલવાર પકડી, તમે નિર્ભય છો. નિર્ભયની જેમ વર્તો અને તમે નિર્ભય બની જશો.”

          વિરાટે તલવાર ઉંચી કરી. એકવાર એણે વ્રજના કહ્યા પ્રમાણે ભયનો ત્યાગ કર્યો, એના હૃદયમાં નિર્ભયતા આપમેળે ઉભરવા લાગી. એને આશ્ચર્ય થયું કે પોતે તલવારથી આટલી બહાદુરી અનુભવી શકે છે - માત્ર એને હાથમાં પકડવાથી પોતે નિર્ભય શી રીતે થઈ શકે? આખું જીવન શૂન્ય તરીકે જીવ્યા પછી એના માટે તલવાર પકડવી મુશ્કેલ હોવી જોઈએ પરંતુ એમ નહોતું. એની પકડ મજબૂત હતી. એના હાથમાં તલવાર જોતા કોઈ કહી શકે એમ નહોતું કે એણે પહેલીવાર તલવાર પકડી હશે. એના હાથ ઓજારો પકડવા નહીં પણ તલવાર પકડવા બન્યા હોય એમ લાગતું હતું.

          "સાંભળો, મારા શૂન્ય ભાઈઓ... પાટનગરમાં રહેતા એક માણસે પોતાને ભગવાન જાહેર કર્યો અને એણે બધાને વિભાજિત કર્યા પણ હકીકતમાં એ વિભાજન ભગવાને નથી કર્યું. મને ખબર નથી કે ભગવાન છે કે નહીં પરંતુ જે માણસ લોકોને જૂથોમાં વહેંચે છે એ ભગવાન ન હોઈ શકે. ભગવાનનું કામ એક કરવાનું છે. આ ક્ષણથી આપણે બધા મનુષ્ય છીએ, કોઈ શૂન્ય નથી, કોઈ નિર્ભય નથી કે કોઈ દેવતા નથી. આપણે માણસ છીએ અને આપણે માણસની જેમ કામ કરીશું.” વજ્ર જરા અટક્યો અને જ્ઞાનીઓ પર એક નજર ફેરવી, "અને તમે જાણો છો કે માણસ શું કરે છે?"

          કોઈએ જવાબ ન આપ્યો.

          "માણસ લડે છે." એનો અવાજ ભારે અને તીક્ષ્ણ હતો, "અને જ્યાં સુધી મંદિરનો નાશ ન થાય ત્યાં સુધી આપણે લડીશું."

          "આજે કદાચ તમારી પહેલી લડાઈ છે પણ છેલ્લી નહીં." તારાએ કહ્યું, "તમારે બને એટલી ઝડપથી લડતા શીખવું પડશે."

          "એ સારું બોલે છે." કજરીએ નીલાકાને હળવી કોણી મારી. એ બંને સારા મિત્રો હતા અને એટલે જ કજરી તાલીમમાં જોડાઈ હતી. એની કોણીએ નીલાકાના સ્નાયુઓ પર કજરીના અંદાજ કરતાં વધુ અસર કરી. એના સ્નાયુઓમાં દુખાવો થવા લાગ્યો.

          "તારી વાત સાચી છે.” નીલાકાએ કહ્યું.

          વિરાટને પદ્મા યાદ આવી. એ આગગાડીમાં હશે. એની ઇચ્છા હતી કે પોતે પદ્માને ત્યાં જતી અટકાવી શકે પણ એ હવે કંઈ કરી શકે એમ નહોતો. બીજી જ ક્ષણે વજ્રએ એમને બે જૂથમાં વહેંચી દીધા. એણે શૂન્યોના કુલ આઠ સંઘ બનાવ્યા અને નવમો સંઘ વજ્ર અને તારા હતા.

સંઘ - 1: પવન અને સુબોધ. 

સંઘ - 2: નીલાકા અને સરજુ. 

સંઘ - 3: કરિણ્યા અને દક્ષા. 

સંઘ - 4: આગમ અને બુધીલ. 

સંઘ - 5: વિરાટ અને સમ્રાટ. 

સંઘ – 6: કાસી અને ગતિકા. 

સંઘ – 7: દેવીકા અને ઉદિતા. 

સંઘ: 8: અંગદ અને મેહુ. 

સંઘ 9: વજ્ર અને તારા

          વજ્ર અને તારા બંનેએ તાલીમ આપવાનીની શરૂઆત કરી. કેવી રીતે વાર કરવો? કેવી રીતે વાર રોકવો? લડાઈમાં છળકપટ ક્યારે કરવું? વિરોધીની ચાલ કઈ રીતે સમજવી? તલવારને રોકવા શું કરવું? એ બધું બંનેએ શૂન્યોને પ્રત્યક્ષ કરી બતાવ્યું. એ શૂન્યોને તલવારની લડાઈ વિશે દરેક વિગતો આપતા હતા પરંતુ શૂન્યો માટે એ સમજવું મુશ્કેલ હતું કારણ કે એમણે જીવનમાં પહેલીવાર તલવારને સ્પર્શ કર્યો હતો

          બે કલાકની તલવારબાજી પછી વજ્રએ કહ્યું, "લડવા કરતા પણ મહત્વનું એ છે કે કેવી રીતે જીતવું?" એણે ફરી એકવાર તમામ સંઘ પર નજર ફેરવી, “જીતવું તલવારો પર નિર્ભર નથી. તલવારથી તમે વિજેતા ન બની શકો. જીતવા માટે તમારે તમારા પોતાના શરીરને હથિયાર બનાવવું પડે. હવે તમે શીખશો કે કોઈ પણ હથિયાર વિના તમારા દુશ્મનનો સામનો કેવી રીતે કરવો.”

          વિરાટ અને સમ્રાટ મેદાનમાં એકબીજાની સામે ઊભા રહ્યા. વજ્રએ એમને શીખવ્યું એમ એ લડાઈની સ્થિતિમાં ઊભા હતા. એ એકબીજા સામે જ જોઈને એક વર્તુળ ફર્યા. સમ્રાટ લગભગ છ ફૂટ ઊંચો હતો. વિરાટે એના કદાવર શરીર સામે જોયું અને એને સમજાયું કે એની સામે લડવું મુશ્કેલ છે.

          જોકે વિરાટની ધારણા ખોટી પડી. લડાઈ લાંબો સમય ચાલી નહીં. સમ્રાટનો પહેલો ફટકો એના જડબાં પર વાગ્યો અને એ પછી તરત જ એનો બીજો ફટકો એના લમણાં પર વાગ્યો. વિરાટના માથામાં એક પળ માટે કઈંક થયું અને એની આંખો સામે પાટનગરનું એ મંદિર દેખાવા લાગ્યું. એણે સમ્રાટને ઊંચકીને નીચે પછાડ્યો. એવું લાગતું હતું જાણે એના શરીરમાં સમ્રાટ કરતાં દસ ગણી શક્તિ હતી. વિરાટને આશ્ચર્ય થયું કે આટલી બધી શક્તિ ક્યાંથી આવી. એને એ ક્ષણ યાદ આવી જ્યારે એણે ગુસ્સામાં ત્રણ નિર્ભયને પછાડી દીધા હતા. જ્યારે હું ગુસ્સામાં હોઉં ત્યારે મને શું થાય છે? મારા ક્રોધથી મારી શક્તિ કેવી રીતે વધી શકે? એણે વિચાર્યું પણ એની પાસે કોઈ જવાબ નહોતો.

          એ પછી વિરાટ બીજા સંઘ વચ્ચેનું દંગલ જોવા લાગ્યો. બીજા દંગલની લડાઈનો અંત પણ એના ધર્યા કરતા તદ્દન અલગ જ આવ્યો. નીલાકાએ સરજુના ચહેરા પર જોરથી મુક્કો માર્યો અને સરજુએ બમણા જોરનો વળતો પ્રહાર કર્યો. નીલાકાએ ચહેરા આગળ બંને હાથ લાવીને સરજુનો મુક્કો રોક્યો. વિરાટને આશ્ચર્ય થયું કે એ કેટલા ઝડપથી શીખી રહ્યા છે. એ બધા જ્ઞાની યુવક યુવતીઓ હતા. એમના માટે વાંચન અને લેખન શીખવું સરળ હતું એ જ રીતે લડવું પણ સરળ હતું. એમને જરૂર હતી તો બસ તાલીમની કારણ કે એમને લડાઈનો કોઈ અનુભવ નહોતો. બાકી બાળપણથી જ સતત શ્રમને કારણે દરેક શૂન્યનું શરીર મજબૂત હતું.

          કરિણ્યા ભારે અને મજબૂત દેખાતી હતી જ્યારે દક્ષા બાળક જેવી લાગતી હતી. એમની વચ્ચેની લડાઈ અયોગ્ય હતી પણ ફરીથી વિરાટની ધારણા ખોટી ઠરી.  એમના શરીર જોઈને એણે લગાવેલો અંદાજ કામ ન લાગ્યો. કરિણ્યા એના કદને કારણે ધીમી હતી જ્યારે દક્ષા નાના અંગો ધરાવતી હતી એટલે એના કરતાં ઝડપી અને ચપળ હતી. એણે કરિણ્યાના પગમાં પોતાનો પગ ભરાવ્યો અને કરિણ્યાને જમીન પર પછાડી. કરિણ્યા ફરી ઊભી ન થઈ શકી. એને ઊભા થવામાં દક્ષાએ મદદ કરી. વિરાટને એ વાતનો ગર્વ હતો કે જ્ઞાની શૂન્યોમાં ખેલદિલીની ભાવના પણ હતી.

          આગમ અને બુધીલ વચ્ચેની લડાઈ છેલ્લી ઘડી સુધી ચાલી હતી. બંને મજબૂત અને ઝડપી હતા પણ બુધીલ વધુ ચપળ હતો. એ દીવાલની આ તરફ દોડવીર તરીકે ઓળખાતો. એ પંચ માટે કામ કરતો. ખોરાક અથવા કોઈ પણ જરૂરી સામગ્રીના બદલામાં એ પંચ માટે સંદેશાવાહકનું કામ કરતો. આમ તો સંદેશાવાહક તરીકે દરેક શૂન્ય બાળક એક વર્ષ સેવા આપતું પણ રાતના સમયે કે દૂર સંદેશો મોકલવા માટે પંચે બુધીલને રોકેલો હતો. એ દીવાલની આ તરફના દરેક અગત્યના સંદેશા પહોંચાડતો.

          બુધીલની દોડવાની આદતે એને લડાઈમાં મદદ કરી. એણે અંગદની અપેક્ષા કરતાં વધુ ઝડપથી અંગદની આસપાસ ચક્કર લગાવ્યું અને એ અંગદના દરેક મુક્કામાંથી છટકી ગયો. અંતે એણે અંગદને જમીન દોસ્ત કરી દીધો. એમની લડાઈ બાકીના તમામ સંઘો કરતાં લાંબી ચાલી હતી. બુધીલ એટલો તેજ હતો કે અંગદ માટે એને આંતરાવો મુશ્કેલ હતું. એને આંતરવાની કોશિશમાં અંગદ હાંફી ગયો હતો. વિરાટને થયું કે કદાચ અંગદ કૃષિ બજાર કે કાળા બજારને બદલે જંગલમાં વધારે સમય વિતાવતો હોત તો એ દંગલનું પરિણામ અલગ આવ્યું હોત.

          સંઘો વચ્ચેના દંગલ પછી વજ્ર અને તારાએ એમને ઘણી સૂચનાઓ આપી. એમણે એમને એમની નબળાઈઓથી રૂબરૂ કરાવ્યા. પણ એ વિરાટને એની નબળાઈ ન કહી શક્યા કારણ કે એણે માત્ર એક પળમાં જ વિરોધીને પછાડી દીધો હતો. એમને એની લડાઈનું બહુ અવલોકન કરવા નહોતું મળ્યું. વિરાટને પણ એની નબળાઈ શું હશે એ વિચાર આવતો હતો. એ પોતાની નબળાઈ જાણવા માંગતો હતો.

          પવન અને સુબોધ સિવાય કોઈને શારીરિક ઈજાઓ થઈ નહોતી. પવને સુબોધના પડખામાં લાત મારી હતી. સુબોધે આંસુઓ રોકવા માટે દાંત ભીંસવા પડ્યા હતા. પવનની બીજી લાત એની પાંસળીમાં વાગી હતી. શૂન્યો માટે એ લડાઈ ભયાનક હતી પણ એ જાણતા હતા કે એમને લડતા શીખવાની જરૂર છે કારણ કે એ હવે શૂન્ય નહોતા.

          “બસ કર...” પવને ત્રીજી વાર લાત મારવા માટે પગ ઉચો કર્યો અને સુબોધે કહ્યું. પવને એનો પગ રોકી લીધો. "બસ કર... હું હાર સ્વીકારું છું." એ ખાંસવા લાગ્યો હતો.

ક્રમશઃ

Rate & Review

Heena Suchak

Heena Suchak 5 months ago

Deepaji Darji

Deepaji Darji 6 months ago

Ashwin Manaki

Ashwin Manaki 7 months ago

Patel Vijay

Patel Vijay 7 months ago

Roma Trivedi

Roma Trivedi 7 months ago