Dashavatar - 58 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 58

          જે ક્ષણે આગગાડી દીવાલની આ તરફ પ્રવેશી પરત મુસાફરી કરતાં શૂન્યો ઉત્સાહિત થઈ ગયા પરંતુ કોઈએ એ ઉત્સાહ વ્યક્ત ન કર્યો કારણ કે એ આગગાડીમાં એમને શિષ્ટાચાર સાથે વર્તવું ફરજીયાત હતું. એ બધા લાંબા સમય પછી ઘરે પાછા ફર્યા હતા છતાં પણ એમને આગગાડીમાં બૂમો પાડવાની કે ખુશી વ્યક્ત કરવાની પરવાનગી નહોતી.

          આગગાડીમાં અને દીવાલની પેલી તરફ એ કેદી જેવા હતા. એવા કેદીઓ જે લોખંડની સાંકળોમાં નહીં પણ ભયની સાંકળોમાં જકડાયેલા હતા. આગગાડી સ્ટેશનમાં દાખલ થઈ અને નિર્ભય સિપાહીઓએ કારના દરવાજા ખોલ્યા એટલે શૂન્યો એક પછી એક હરોળમાં ગૌણ ગૃહમાં દાખલ થયા અને સ્ટેશનના પાછળના દરવાજા તરફ આગળ વધ્યા.

           આગગાડીમાં સવાર થવા આવતા શૂન્યો આગળના દરવાજેથી સ્ટેશનમાં દાખલ થતાં અને પ્રમુખ ગૃહમાં રાહ જોતા જયારે પાછા ફરતાં શૂન્યો ગૌણ ગૃહમાં ઉતરતા અને પાછળના દરવાજેથી અર્ધવેરાન પ્રદેશના રસ્તે ઘર તરફ રવાના થતાં. આ વ્યવસ્થા એ માટે રાખવામાં આવી હતી જેથી ક્યારેય આવતા અને જતા શૂન્યો ભેગા ન થાય અને કોઈ બળવો ન ફાટી નીકળે. પાછા આવતા શૂન્યો સાથે ઘણી લાશો જોવા મળતી અને એ જોઈ ત્યાં જવા તૈયાર થયેલા શૂન્યો ભડકી જાય એ ડરને લીધે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભલે શૂન્યોએ સદીઓથી માથું નહોતું ઉચક્યું છતાં કારુ ક્યારેય કોઈ કામમાં એક પણ છેડો ઢીલો ન રાખતો.

           એક નવી સફર - નવા મજૂરો - નવા બાંધકામ અને નવા ચહેરાઓનો સમય થઈ ગયો હતો. સ્ટેશન પર એમને એકબીજાને જોવાની મંજૂરી નહોતી. નવા મજૂરો આગળના દરવાજેથી પ્રવેશ કરતા અને જૂના પાછળના દરવાજેથી નીકળતા. એમણે આ વ્યવસ્થા શા માટે ગોઠવી છે એ કોઈને ખબર નહોતી. જોકે હવે વિરાટ અને જ્ઞાની યુવક યુવતીઓ જાણતા હતા કે એ ક્યારેય વધારે ભીડ થવા ન દેતા કેમકે એમને બળવાનો ભય હતો.

           સ્ટેશન બહાર નીકળતાં જ એ લોકો મુક્ત હતા. હવે એ એકલા હતા. આ એમની જન્મભૂમી હતી. આ એ ભૂમિ હતી જ્યાં એ સુરક્ષિત હતા - જ્યાં એ પોતાના ઘરની અનુભૂતિ કરતા હતા. પરંતુ વિરાટ અને એના લોકોના હ્રદયમાં પાછા ફર્યાનો કોઈ આનંદ નહોતો. સ્ટેશન બહાર નીકળ્યા પછી એમને અવાજ કરવાની, આનંદ વ્યક્ત કરવાની છૂટ હતી છતાં કોઈએ એમ ન કર્યું. પહેલીવાર ત્યાં જઈને પાછા ફરેલા યુવક યુવતીઓએ પણ ખુશીથી બૂમો ન પાડી. વિરાટ એનું કારણ જાણતો હતો. એમણે દીવાલની પેલી તરફ પોતાના લોકો ગુમાવ્યા હતા - પાંચ લોકો વીજળીના તોફાનમાં - બે લોકો સુરંગમાં અને સુરતા - એ સુરતાને યાદ કરવા નહોતો માંગતો કેમકે એ યાદ એને અંદરથી સાપની જેમ ડંખ મારતી હતી.

           શૂન્યોના ચહેરા લાગણીહીન હતા પણ હવે વિરાટ સમજી ગયો હતો કે એના લોકો લાગણીહીન નહોતા. શૂન્યોમાં લાગણીઓ હતી. એ વિચારતા હતા કે જ્યારે મૃત લોકોના પરિવારજનો એમના પ્રિયજનો વિશે પૂછશે ત્યારે એ શું કહેશે અને એટલે જ બધાના ચહેરા ઉતરી ગયા હતા. એની આંખોમાં જીવતા પાછા ફર્યાના આનંદ કરતા જે લોકો જીવતા પાછા ન ફરી શક્યા એમના મૃત્યુનું દુખ વધારે હતું. શૂન્યો હજુ માનવ હતા.

           એ લોકો અર્ધવેરાન વિસ્તારમાંથી પસાર થયા. એ વિસ્તારના બીજા છેડે વિરાટે શૂન્ય લોકોની ભીડ એકઠી થયેલી જોઈ. મોટાભાગ લોકોના હાથમાં ફાનસ હતા. એવું લાગતું હતું કે આકાશમાં નહીં પણ પૃથ્વી પર હજારો તારાઓ ઝળહળી રહ્યા છે. છતાં અંધકારને દૂર કરવા માટે પ્રકાશ પૂરતો નહોતો એટલે એમના ચહેરા દેખાતા નહોતા. જોકે વિરાટ અંધકારમાં પણ જોઈ શકતો હતો. એમના ચહેરા પર આશા અને ભય બંને હતા. એક તરફ એમને આશા હતી કે એમના પરિવારના સભ્યો સાથે કંઈ ખરાબ નહીં થયું હોય તો બીજી તરફ એમને ભય હતો કે એમના પરિવારના સભ્યો સાથે કઈંક ખરાબ થયું હશે. દીવાલની પેલી તરફથી પાછા ફરતા શૂન્યોના પરિવાર એમની રાહ જોતા રાતના અંધકારમાં ફાનસ લઈને ઊભા હતા. જોકે હજુ એમના અને પરિવારના સભ્યો વચ્ચે અર્ધવેરાન પ્રદેશ અડચણ બનીને ઊભો હતો જે પાર કરતા અડધો કલાક જેટલો સમય લાગે એ નક્કી હતું.

          વિરાટ એના લોકો શું પ્રશ્નો પૂછશે એ જાણતો હતો. એ એમને જવાબ આપવા માટે માનસિક તૈયારી કરવા લાગ્યો.

          એ લોકો રાહ જોતી ભીડની નજીક પહોંચ્યા એ સાથે જ દોડીને એમના પરિવારને ભેટવા લાગ્યા. વિરાટની મા અને દક્ષા વિરાટ પાસે દોડી આવ્યા. એની માએ એને ગળે લાગાવ્યો. માની આંખોમાં આંસુ અને ચહેરા પર ખુશી હતી.  દીવાલની આ તરફ એ સૌથી અમુલ્ય અને આનંદની ક્ષણ હતી - જ્યારે દીવાલની પેલી તરફ ગયેલો પરિવારનો કોઈ સભ્ય સાજો નરવો પાછો ફરે ત્યારે લોકો પ્રલય પહેલાના દયાળુ ઈશ્વરનો પાડ માનતા.

          દક્ષાએ એના હાથ વિરાટ અને એની માની આસપાસ વીંટાળ્યા અને બંનેને આલિંગનમાં જકડી લીધા. થોડીવાર માટે એ કંઈ ન બોલ્યા. દક્ષા અને અનુજા રડતા હતા. વિરાટ પણ પોતાની જાતને રોકી ન શક્યો. એને ખબર નહોતી કે એ શા માટે રડે છે? શું હું મારા પરિવાર સાથે છું એટલે રડું છું? એણે વિચાર્યું - ના. એ રડતો હતો કારણ કે એના કેટલાક લોકો દીવાલની પેલી તરફ જ રહી ગયા હતા. એ રડતો હતો કારણ કે સુરતાની મા અનુજા જેમ એના બાળકને ફરી ક્યારેય ગળે નહોતી લગાવી શકવાની. સુરતાની મા ક્યાં હશે?

          એ સુરતાને શોધતી હશે?

          એના પિતા એનો મૃતદેહ કેવી રીતે બતાવશે? તમારી પત્નીને એ કહેવું સહેલું નથી હોતું કે હું આપણી દીકરી સાથે ગયો હતો પણ હું એનો મૃતદેહ પણ પાછો લાવી શક્યો નથી.

          "મને લાગે છે કે હું સાજો નરવો આવ્યો એની કોઈને પડી જ નથી." નીરદે માદીકરાને લાગણીના પુર બહાર તાણી લાવવા કહ્યું.

          "કેમ નહીં?" અનુજા નીરદને બાજી પડી.

          અનુજા અને દક્ષા જરા ખસ્યા કે તરત જ કૃપા કૂદીને વિરાટને બાજી પડી અને વિરાટના ગળા ફરતે હાથ વીંટાળી દીધા. એ હજુ નાની હતી એટલે જ્યારે પણ એ એને ભેટતી ત્યારે કૂદીને એને વળગી પડતી. કૃપાએ વિરાટના ગાલ પર ચુંબન કર્યું.

          "મને કહે તેં ત્યાં શું જોયું?" કૃપાએ પૂછ્યું, “હું રાહ જોઈ રહી છું કે હું ક્યારે અઢાર વર્ષની થઈશ. મારે દીવાલની પેલી તરફ શું છે એ જોવું છે.”

          વિરાટ એને કહેવા માંગતો હતો કે ત્યાં જોવા લાયક કંઈ નથી અને તારે ત્યાં ન જવું જોઈએ. ત્યાં કોઈએ ન જવું જોઈએ પણ એ કઈ બોલી ન શકયો.

          "હું પહેલા જઈશ અને પછી તારો વારો આવશે." દક્ષાએ કહ્યું.

          એકાએક દક્ષાની નજર વિરાટની આંખો પર પડી. એ એક પળમાં વિરાટની આંખોમાં ડોકિયું કરતી ઉદાસીને કળી ગઈ.

          પરિવાર સાથે મિલનની પળો માણ્યા પછી એ ઝૂંપડીઓ તરફ ચાલવા લાગ્યા ત્યારે વિરાટે કૃપાને દીવાલની પેલી તરફ જોયેલી બધી બાબતો કહી. હકીકતમાં એણે ત્યાની સારી બાબતો જ કહી હતી. એણે ત્યાં જે ભયાનક દૃશ્ય જોયા હતા એ બાબતે એક શબ્દ પણ ન કહ્યો. કૃપા હજુ હકીકત સાંભળવા માટે ખૂબ નાની હતી. એ હકીકત ભલભલા યુવાન વયના શૂન્યોનું પણ કાળજું કંપાવી નાંખતી.

          કૃપા ત્યાની સારી સારી વાતો સાંભળી સંતોષ પામી હોય એમ એની મા પાસે દોડી ગઈ. એ પછી દક્ષાએ વિરાટને પૂછ્યું, "કેટલા મૃતદેહો આવ્યા આ વખતે?" 

          "આઠ લોકો."  વિરાટે કહ્યું, "પણ મૃતદેહો સાત જ છે."

          "અને આઠમો મૃતદેહ?"

          "એને ત્યાં જ દફનાવવામાં આવ્યો."

          "કેમ?"

          "દેવતાએ એક છોકરી પર બળાત્કાર કર્યો હતો અને અમને એનો મૃતદેહ લેવાની મંજૂરી નહોતી." વિરાટે કહ્યું, “નિર્ભય સિપાહીઓએ એને ત્યાં જ જમીનમાં દાટી દીધો.”

          "એ કોણ હતી?" દક્ષાએ પૂછ્યું, એની આંખો ઝળઝળિયાં હતા.

          “સુરતા...” એટલું બોલતા જ એ રડવા લાગ્યો, “મેં અને મારા પિતાએ એને સલામતીનું વચન આપ્યું હતું પણ અમે એના માટે કંઈ કરી ન શક્યા.”

          "કોઈ કઈ કરી શકતું નથી." દક્ષા બોલી, "તું એ જાણે જ છે, વિરાટ."

          "મારાથી કારુની ગુલામી નથી થાય એમ." વિરાટના અવાજમાં ગુસ્સો હતો, "હવે નહીં."

          દક્ષાએ અજાણી વ્યક્તિની જેમ એની સામે જોયું "દીવાલની પેલી તરફ અકસ્માત થાય છે." એણે કહ્યું પણ વિરાટ કંઈ બોલ્યો નહી.

          "સાંભળ." એણે એના ખભા પર હાથ મુક્યો, "તું મને સાંભળે છે?"

          વિરાટે હકારમાં માથું હલાવ્યું, "હા."

          "અકસ્માત એ શૂન્યો માટે સામાન્ય ઘટના છે."  

          "એ અકસ્માત નહોતો." વિરાટે કહ્યું, "એ હત્યા હતી - એક નિર્દય હત્યા."  એ મુશ્કેલીથી દૂર રહેવા માટે બીજાની જેમ એ હત્યાને અકસ્માત નામ આપવા તૈયાર નહોતો. બંને થોડીવાર ચુપચાપ ચાલતા રહ્યા. દક્ષાની આંખો જમીન પર જાણે કઈંક શોધતી હતી.

          "આપણે કશું કરી શકીએ એમ નથી."

          “આ વખતે આપણે કરીશું. આપણે પોતાના લોકોને હવે મરતા જોઈ શકીએ એમ નથી. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણને બચાવવા કોઈ નહીં આવે. પરિણામ શું આવશે એનાથી કોઈ ફરક નથી પડતો. ભલે એ લોકો બગાવત માટે આપણી સાથે ગમે તે કરે પણ આપણે લડવું તો પડશે જ.” વિરાટે કહ્યું, "અને આપણે લડીશું."

          "તું ગુસ્સામાં છે." દક્ષાએ કહ્યું, "આપણે મરેલા લોકોને પાછા ન લાવી શકીએ. જે ચાલ્યા ગયા એમને ભૂલી જવામાં જ સૌની ભલાઈ છે. કોઈ ઉતાવળું પગલું ન ભરીશ, વિરાટ."

          "હવે સમય આવી ગયો છે, દક્ષા." એણે કહ્યું.

          "હું તારી સાથે સહમત છું." દક્ષા અટકી ગઈ, "પણ આપણી પાસે લડવા માટે કંઈ નથી. નિર્ભય સિપાહીઓ મજબૂત અને ચપળ છે. આપણે એમને હરાવી શકીએ એમ નથી. આપણે એવા સિપાહીઓ સામે કઈ રીતે લડી શકીએ જેમને લડવાની તાલીમ મળેલી છે? એ બધા પ્રશિક્ષિત છે. એ બધા લડવાની કળા જાણે છે.  એમની પાસે તલવારો, છરીઓ અને ધાતુના તીર છે. આપણે એમની સામે ટકી શકીએ એમ નથી. શું તું નથી જાણતો કે દરેક નિર્ભય એક મિનિટમાં દસ તીર ચલાવી શકે છે?  એ આંખના પલકારામાં આપણને મારી શકે.” દક્ષાએ પૂછ્યું, “શું તને નથી ખબર કે નિર્ભય સિપાહીઓ શબ્દવેધી કળા જાણે છે?”

          “હું જાણું છું કે એ લોકો શું કરી શકે છે અને એમની પાસે શું છે. હું એ પણ જાણું છું કે આપણે એમને હરાવી શકીએ એમ નથી." વિરાટે કબુલ્યું, "તું જે કહે એ હું માનું છું પણ જો એમાંથી અડધા સિપાહીઓ આપણી સાથે હોય તો?" એના ચહેરા તરફ જોતા એણે ઉમેર્યું, "જો નિર્ભય સિપાહીઓ આપણને લડવાની તાલીમ આપે તો?"

          "આ તું શું કહે છે?" દક્ષાને આશ્ચર્ય થયું, "શું એ સાચે જ આપણો સાથ આપશે?"

          "હા." વિરાટે કહ્યું, "બે નિર્ભય આગગાડી સાથે દીવાલની આ તરફ આવ્યા છે."

          "એ મને કેમ ન દેખાયા?"

          "એ શૂન્યોના પરિધાનમાં છે."

          "હવે એ ક્યાં છે?"

          “એ મારા પિતા સાથે છે. મારા પિતા એમને ગુરુ જગમાલની ઝૂંપડીએ લઈ ગયા છે.”

          "કેમ ત્યાં?"

          "ગુરુ જગમાલને મળવા." વિરાટે જવાબ આપ્યો, "જે લડવા માટે તૈયાર છે એ બધાને એ તાલીમ આપશે પણ આપણે એ ગુપ્ત રીતે કરવું પડશે."

          "તો કદાચ આપણે જીતી શકીએ." એના અવાજમાં ઉત્સાહ આવ્યો.

          "આપણે જીતીશું." વિરાટને ખાતરી નહોતી પણ એણે કહ્યું કારણ કે જો એણે પહેલેથી જ હાર માની લીધી હોય તો એ કોઈને લડવાનું કેવી રીતે કહી શકે. અને પ્રયત્ન કર્યા વિના હાર માની લેવી એ એનો સ્વભાવ નહોતો. એ પ્રયત્ન કર્યા વગર હાર માનવા તૈયાર નહોતો. જીતવાની તક ભલે ઓછી હોય છતાં મુકાબલો કર્યા વિના હાર માનવી એ કાયરનું કામ છે.

          "તો પછી આપણે કારુની ગુલામીથી આઝાદ થઈશું?" દક્ષાએ પૂછ્યું.

          "હા, આપણે પ્રયત્ન કરવો જોઈએ." વિરાટ સહેજ અટક્યો અને ઉમેર્યું, "હું ઇચ્છું છું કે તું પણ આ તાલીમમાં જોડાય." એણે ફરી સહેજ અટકીને પૂછ્યું "તું તૈયાર છે?"

          "હું તૈયાર છું. હું વાંચન અને લેખનમાં તારી સાથે હતી અને તું જે કરે એ બધામાં હું તારી સાથે છું." દક્ષા સહેજ પણ ખચકાટ વગર બોલી.

          "આભાર, દક્ષા." એણે કહ્યું.

          દક્ષાએ દૂર જોયું. એના લોકો ચંદ્રના ફિક્કા ઉજાસમાં ફીક્કા ચહેરે આગળ વધી રહ્યા હતા. વિરાટ ઉદાસ હતો. હાડકાં થીજાવી નાખે એવી ઠંડી રાત હતી. હવામાં જેમ દિવસે રેતીના કણ ઉડતાં રહેતા એમ રાતે હવામાં બરફના કણ તરતા હતા. આકાશ સ્વચ્છ અને વાદળરહિત હતું.  તારાઓ દૂર અને નિસ્તેજ દેખાતા હતા પરંતુ ચંદ્ર રોજ કરતાં વધુ નજીક દેખાતો હતો. જંગલના સુંદર સફેદ ફૂલોની જેમ ચાંદી જેવા કિરણોથી અર્ધવેરાન પ્રદેશને ચમકાવતો હતો. ઝૂંપડીની છતો ચાંદનીથી રંગાઈને સ્વર્ગીય લાગતી હતી. તેમ છતાં પ્રસંગોપાત ઘુવડના અવાજ સાંભળી વિરાટ ગભરાતો હતો. એ અવાજ એને કારુની યાદ અપાવતો હતો.

          પંદર મિનિટ પછી એ વિરાટની ઝૂંપડીના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે વિરાટે મૌન તોડ્યું, "હું પદ્માની ઝૂંપડીએ જઈ આવું."

          દક્ષાએ જવાબ ન આપ્યો.

          "હું….."

          "તારે ઘરે જવું જોઈએ."

          "કેમ?" એણે પૂછ્યું.

          "બહુ મોડું થઈ ગયું છે." દક્ષાએ એની આંખોમાં ન જોયું, "તું થાકી પણ ગયો છે. તારે આરામ કરવો જોઈએ.”

          "મારે બસ એને જોવી છે," વિરાટે કહ્યું, "મારી માને કહેજે કે રાતનું ભોજન તૈયાર થાય એ પહેલા હું આવી જઈશ."

          એ પદ્માની ઝૂંપડી તરફ જતી શેરી તરફ વળ્યો.

          “વિરાટ.” દક્ષાએ એનો હાથ પકડ્યો.

          "શું?"

          એક સેકન્ડ માટે એને એમ થયું જાણે દક્ષા રડે છે. વિરાટને લાગ્યું કે કંઈક થયું છે જે દક્ષા એનાથી છુપાવી રહી છે.

          "પદ્માને કઈ થયું છે?" એણે પૂછ્યું, “પાણીની કેનાલ પર કોઈ અકસ્માત?”

          એ ચૂપ રહી.

          "શું થયું છે?" એણે ફરી પૂછ્યું.

          દક્ષાએ એનો હાથ છોડ્યો અને બોલી, "એ અહીં નથી." અને પછી ઉમેર્યું, "એ આગગાડીમાં છે... એ દીવાલની પેલી તરફ જઈ રહી છે."

          વિરાટ કશું બોલ્યો નહીં. એની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા.

 *

          એને ભૂખ ન હોવા છતાં એણે ભોજન લીધું કારણ કે એ એની માને નિરાશ કરવા માંગતો નહોતો. એ મહિનાઓ પછી પરિવાર સાથે ખાવાની ના પાડવાની હિંમત ન કરી શક્યો.

          એ સુવા ગયો. એ બેચેન હતો. એ સૂઈ ન શક્યો. એ મનમાંથી પદ્માના વિચારોને દૂર ન કરી શક્યો. એણે આંખો બંધ કરી અને મનને સુન્ન કરવા કોશિશ કરવા લાગ્યો કેમકે પદ્મા સાથે દીવાલની પેલી તરફ સુરતા જેવી દુર્ઘટના થશે એ વિચાર એનો પીછો છોડતો નહોતો. એનામાં એ વિચારનો સામનો કરવાની શક્તિ નહોતી. એ પોતાના જ મન સામે લાચાર હતો.

ક્રમશઃ