College campus - 61 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 61

"કૉલેજ કેમ્પસ"ભાગ-61
અને છેલ્લે છેલ્લે નાનીમા પાસેથી વિદાય લેતી વખતે પરી પોતાના આંસુ લૂછતાં લૂછતાં નાનીમાને કહેવા લાગી કે, "જોજેને નાનીમા હું એવું ભણીશ ને કે મારી મોમની દવા હું જ કરીશ અને તેને હું કોમામાંથી બહાર કાઢીને જ રહીશ."
નાનીમા: હા બેટા, તારી મોમને સાજી કરવાની તારી જે ચાહ છે તેને લીધે જ આ ઉપરવાળો છે ને તે તને ચોક્કસ મદદ કરશે (અને નાનીમા દિવાલ ઉપર ટીંગાળેલા ક્રૃષ્ણની સામે આંગળી ચીંધી રહ્યા હતા અને બોલી રહ્યા હતા) બેટા આપણી ઈચ્છા જરૂર પૂરી થશે બેટા આ ઉપરવાળાની સાથે સાથે મારા પણ તને આશીર્વાદ છે.

અને પછી પરીનું ફ્લાઈટ ટેકઓવર થાય છે અને તે તેને બેંગ્લોર પહોંચાડી દે છે જ્યાં તેનાં મોમ, ડેડ અને કવિશા તેની રાહ જોતાં બેઠા છે. તેના ડેડ અને કવિશા તેને એરપોર્ટ ઉપર લેવા માટે આવે છે.

પરીનું ફ્લાઈટ લેન્ડ થાય છે ઘણાંબધાં લાંબા સમય બાદ પરી બેંગ્લોર પાછી ફરી હોય તેવો તેને અહેસાસ થાય છે. નાનીમાનો અઢળક પ્રેમ અને પોતાની મોમ માધુરીને સાજી કરવાની તડપ અને ઉપરવાળાના આશિર્વાદ તેને પોતાની કામિયાબીમાં મદદ કરશે તેવો તેને વિશ્વાસ છે.

પરી પોતાનું લગેજ લઈને બહાર આવે છે અને તેના સેલફોનમાં રીંગ વાગે છે..દી ક્યાં છે તું હજી દેખાતી નથી...કવિશા પોતાની બહેન પરીને મળવા માટે ઉતાવળી થઇ રહી છે.
પરી: આ બાજુ લેફ્ટ સાઈડ જો આ રહી હું..
કવિશા: ઓહ, આઈ એમ કમીંગ..
અને કવિશા દોડતી પોતાની બહેન પરીને પીકઅપ કરવા માટે જાય છે અને તેને જોતાં જ તેને ભેટી પડે છે. બંને બહેનો વર્ષો પછી મળી હોય તેમ તેમને લાગે છે. એટલામાં પાછળથી શિવાંગ આવે છે અને બોલે છે કે, હવે તમારું બંનેનું ભેટવાનું પૂરું થયું હોય તો આપણે ઘરે જઈશું? તમારી મોમ આપણી રાહ જોતી બેઠી હશે અને ત્રણેય જણાં ખુશી ખુશી પોતાના ઘરે જાય છે. ઘરે આવતાં જ ક્રીશા પણ પોતાની પરીને ભેટી પડે છે અને ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ તેને પંપાળવા લાગે છે. " મોમ, થોડી ભૂખ લાગી છે કંઈક જમવાનું બનાવેલું હોય તો આપોને.." પરી પોતાની મોમ પાસે જમવાનું માંગે છે અને કવિશા પોતાની વ્હાલી સીસ પરી પાસે પોતાની ગીફ્ટ માંગે છે.
કવિશા: દી, મારા માટે તું શું લાવી તે કહેને..
ક્રીશા: હવે તેને શાંતિથી બેસવા તો દે
કવિશા: ના દીદી મારા માટે શું લાવી તે પહેલાં હું જોઈશ પછી બીજી વાત.
પરી: અરે સોરી યાર, હું ભૂલી જ ગઈ આ વખતે હું તારા માટે કંઈ નથી લાવી.
કવિશા થોડી નારાજ થઈ જાય છે અને પોતાનું મોં ફુલાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે.
ક્રીશા પરી માટે ગરમાગરમ રવા ઈડલી લાવે છે અને કવિશાને રિસાયેલી જતાં જોઈને બોલે છે કે, " આ હજુ નાની ને નાની જ રહી ગઈ છે, મોટી નથી થઈ. " અને બધા જ હસી પડે છે.
પરી કવિશાની પાછળ પાછળ તેના રૂમમાં જાય છે અને તેને મનાવવાની કોશિશ કરતાં કહે છે કે, "તારા માટે જોરદાર ગીફ્ટ લાવી છું ચાલ બતાવું."અને બંને બહેનો ખુશી ખુશી ડ્રોઈંગ રૂમમાં આવે છે.
પરી કવિશા માટે લાવેલી ટીશર્ટો તેને બતાવે છે અને કવિશા તે હાથમાં લઈને પોતાની વ્હાલી બહેન પરીને ભેટી પડે છે અને તેને કહે છે કે, "થેન્ક યુ દી, યુ આર માય ગ્રેટ દીદી..પણ તમારે હવે મને આમ એકલી મૂકીને ક્યાંય નહીં જતાં રહેવાનું મને તમારા વગર બિલકુલ ગમતું નથી.." અને ક્રીશા તેમજ શિવાંગ પોતાની બંને દીકરીઓ વચ્ચેનો પ્રેમ જોઈને ખુશ થઈ જાય છે. પરી થોડું જમીને પોતાના રૂમમાં આરામ કરવા માટે જાય છે અને સાથે સાથે કવિશા પણ જાય છે. બંને બહેનો પોતાના બેડમાં લંબી તાણે છે અને કવિશા પરીને પૂછે છે કે, "દી આટલા બધા દિવસ તે ત્યાં શું કર્યું તને ત્યાં એકલી એકલી ને ગમતું હતું ?"
કવિશાએ આ પ્રશ્ન પૂછ્યો કે તરત જ પરીની નજર સમક્ષ નાનીમા અને નાનીમાનું ઘર બંને તરવરી રહ્યાં અને તે કંઈક વિચારી રહી હોય તેમ અમદાવાદ પોતાના નાનીમા પાસે પહોંચી ગઈ અને કવિશાને કહેવા લાગી કે, " હા, નાનીમા આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે તું બીલીવ જ નહીં કરે તે તને જ્યારે એક્સપીરીયન્સ થશે ને ત્યારે જ તને ખબર પડશે. તેમને એકલા મૂકીને મને અહીંયા આવવાનું મન જ નહોતું થતું"
કવિશા: તો તેમને તમારે સાથે જ લઈ આવવા જોઈએને?
પરી: હા, મેં એમને ખૂબ કહ્યું પણ તે માધુરી મોમને મૂકીને અહીં બેંગ્લોર આવવા તૈયાર નથી.
કવિશા: ઓહ, એ વાત પણ સાચી
અને બંને બહેનોની વચ્ચે આ મીઠી ચર્ચા ચાલી રહી હતી ને ત્યાં જ પરીના સેલફોનમાં રીંગ વાગી પરીએ જોયું કે કોનો ફોન છે અને તે ફોન લઈને.."એક મિનિટ હું આવું" એટલું બોલીને બાલ્કનીમાં ચાલી ગઈ.

કોણ હશે ફોન ઉપર? પરી તેની સાથે વાત કરશે? કવિશા આ બાબતે તેને કંઈ પૂછશે? પરી તેને શું રીપ્લાય આપશે? જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/23