Wave of laughter - 77 books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૭૭

હું મને જ મળું તો બસ છે..!

 

વધેલી ઉમરથી નાખુશ ના બન રસમંજન

હજી પણ ઈશ્ક જીવે છે, ને શૈશવ અધૂરું છે

ના, પ્રેમલા-પ્રેમલી વિષેના કોઈ ફટાકા આપણે ફોડવા નથી, આમ પણ વીતેલા મૂહર્તને ધ્યાનમાં લેવા, એટલે ટોળું ભાગી ગયા પછી ગોળીબાર કર્યા બરાબર ગણાય..! આ તો ઉમરનો ઓડકાર આવ્યો ને, થયું કે, લાવ ને થોડીક ચોપળી-ચોપળી ફીલોફોફી sorry ફિલોસોફી ઠોકું..! નેતા થવા માટે ભાષણ ઝીંકવા પડે, એમ લેખકનો થપ્પો લગાવવા માટે, આવી ‘ફીલોફોફી’ પણ કરવી પડે. બાકી વાત તો વધતી ઉમરના વરતારાની છે હંઅઅકે..? આ નાતાલમાં પોણો-સો વર્ષનું ખેદાન-મેદાન થશે દોસ્ત..! ગમે એટલી ફેંએએફેંફેં કરો, બરાડા પાડો, ચીહાળા પાડો, ચઢતી ઉમરે તો હિમાલય પણ ચઢી જવાય, પણ ઉતરતી ઉમરે ઘરનું એક એક પગથીયું પણ એક-એક ગીરનાર જેવું લાગે..! હાંફાઆઆ-હાંફાઆઆ થઇ જવાય મેરે લાલ.! અડધી કાંઠીએ ઉમરના પાનિયા ફાટ્યા પછી, તો શ્વાસ પણ ટાંગ ઉંચી કરી દે..! આપણા કહ્યાસર નહિ રહે. હવે શ્વાસ લેવા માટે કંઈ માણસ કંઈ થોડો ભાડે રખાય..? શેર- બજારની માફક વ્હીલ-ચેર ઉપર જ ઊંચા-નીચા થયા કરવાનું. જાણે કમજોરીનું નામ કેજરીવાલ..!

ઉમર પણ વાઈફ જેવી છે એવું તો નહિ કહેવાય, નહિ તો મારા એકને લીધે જગતભરની ‘વાઇફો’ ને અન્યાય થાય. પણ, ઉમર ક્યારેય મારી તરફદારી કરતી નથી. ઉમર સાથે ગમે એટલા સુંવાળા સંબંધ રાખો, તો પણ આપણી નહિ થાય. વખતે એવી આડી ફાટે કે, ચાહમાં બોળેલા બિસ્કીટ પણ ખવડાવે, ને ગ્લુકોઝના બાટલા સાથે ભાઈબંધી પણ કરાવે. છુપાવો કે નહિ છુપાવો, સમય આવે ત્યારે ઉમર ફણગો તો કાઢે જ..! જેમ અફવા અને ભગવાન જાહેરમાં દેખાતા નથી, એમ ઉમર જાહેરમાં દેખાતી નથી, પણ દેખાડી ઘણું બધું જાય..! પછી ભલે એ દેહ હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સંબંધ હોય..! જ્યારે યુવાનીને લૂણો લાગે, ત્યારે ઉમર સ્વૈરવિહારી બની જાય. માપમાં જ નહિ રહે..! શરીરને સૌંદર્યવાન બતાવવા, ભલે મોંઘામૂલના, લપેળા લગાવો, પણ એકવાર ઉમરનો અસ્તાચળ આવે એટલે ભીંડો કાઢે..! વાત પણ સાચી ને ભગવાને બનાવેલો માણસ ભગવાનની ડીઝાઈનમાં ફેરફાર કરે તો થોડું ગમે..? ઈશ્વરે આપેલા ‘બ્યુટીફીકેશન’ માં કોઈ છેડછાડ કરે તો નરી ઘૃષ્ટતા જ કહેવાય ને..? બચપણ-યુવાની અને ઘડપણને ત્રણ વિભાગમાં ભગવાને એટલે વહેંચેલી કે, સમયે-સમયે બધાં ઉપર એમનું નિયમન રહે. આંખ ઉપર ચશ્માના ‘MASK’ આવી જાય, મોંઢામાં નકલી ફર્નીચર આવી જાય, કાનમાં સાંભળવાના દટ્ટા આવી જાય, ટણક મારતાં ઘૂંટણીએ પાટા આવી જાય, વાળમાં ‘ડાય’ આવી જાય તો માનવું કે, ઉપરવાળાએ હવે આપણા દેહમાં રેડ પાડવા માંડી છે. એને દૈવિક નોટીશ પણ કહી શકાય..!

એક વાત છે, ‘ઉમર-દર્શન’ વગર અનુભવનો માંડવો જોવા મળતો નથી. આવો નજારો જોવા માટે પણ ઉમરના વરતારા જોઈએ. અનુભવના મોતી મેળવવા માટે તો છાંયડામાંથી બહાર નીકળી, તડકામાં ઉમરને ઓગાળવી પડે. તો જ અનુભવીની મહોર લાગે. શું કહો છો રતનજી...! જીવેલા જીવતરની ‘BALANCE SHEET’ એટલે વૃદ્ધાવસ્થા. વધતી ઉમરના સરવાળામાં કેટલાંય સ્વજનોને ખોયાનો આઘાત હોય, મિલન અને મુલાકાતો હોય, નવા સંબંધોના સાંધણ હોય, પોતે પાળેલા સાપોનાં ડંખો હોય, અને જંગલી પ્રાણીઓ સાથે સંવર્ધિત થયેલા પ્રેમના ઝરણા હોય..! અનુભવના મોતી એમને એમ હાથમાં આવતા નથી મામૂ..! જીવતાં જીવત પાધડીનો વળ હાથમાં આવે એ ઉમરનું સરવૈયું છે..! ઉમરના કામણને નજર અંદાજ કરાય જ નહિ. ઉમર વધે જીવતરનો નકશો બદલાય. ભારતના નકશા જેવો ચહેરો આફ્રિકાના જંગલ જેવો લાગવા માંડે. આવું થાય ત્યારે માનવું કે, ઉમરે કરવટ બદલી છે. ભગવાન બાલકૃષ્ણ જેવી મુખની મસોટી કંસ જેવી થઇ જાય તો માનવું કે, ઉમર હાથમાંથી છટકી છે. આંખ-કાન-ગળું-હાથ-પગ-પેટ-ચામડી વગેરેનાં દર્દો ડોકટરના સરનામાં શોધાવવા માંડે તો માનવું કે, ઉમરની છેલ્લી ઓવર ચાલુ થઇ ગઈ છે ‘હેર-ડાય’ કરવાથી લીલાલહેર આવતી નથી, લીલાલહેર માટે તો હસતાં રહેવું પડે. યુવાન હોવાનો દેખાડો કરાય, પણ સનાતન સત્ય વિમુખ થતું નથી. વર્ષગાંઠની ઉજવણી તો ઓછાં થયેલા વર્ષના દર્દને ઢાંકવાનું ઢાંકણ છે. કુદરતનું સંવિધાન તો એવું કહે છે કે, વિશ્વાસઘાત અને ઉમર એકવાર વધ્યા પછી ઘટતાં નથી. ગમે એટલાં ઊંચા ચઢો, ગુમાવેલો વિશ્વાસ અને વિતાવેલી ઉમર ફરી સ્થાપન થતી નથી. વધતી ઉમરનું અભિમાન રખાય, પણ સ્વ-રૂપ ઉપર ભરોસો નહિ રખાય. રૂપ ઉપરનું અભિમાન પણ નાશવંત છે. જે દિવસે રૂપ ઉપર અભિમાન આવે તે દિવસે જૂની ફિલ્મની ‘હીરો-હિરોઈન’ ને જોઈ લેવાની. આપમેળે અભિમાનનો પરપોટો ફૂટી જશે. સાચી વાત તો એ છે કે, માણસ ઉપર ઉમરનો અધિકાર છે, પણ ઉમર ઉપર માણસનો કોઈ અધિકાર નથી. માણસે તો માત્ર ભોગવટો કરવાનો. બાકી સંચાલનની લગામ તો હરિના હાથમાં હોય. ધારો કે, ઉમરની વધઘટ કરવાના હવાલા જો માણસ પાસે હોત તો, નામદાર કોર્ટની માફક મરવા માટે પણ તારીખ પે તારીખ પડી હોત..! અને ઉમરના ચોપડા પણ CA પાસે ઓડીટ કરાવવા પડ્યા હોત તે અલગ..! પછી તો, સહિયારી ઘાલમેલમાં ઉમરની વધ-ઘટ કરવાના અરસ-પરસ જલશા પણ પડી ગયા હોત.!

રતનજીએ એંશી વર્ષની ઉમરે પણ વાળને સફેદી આવવા દીધી નથી. કાળા કામ ભલે નથી કર્યા, પણ વાળને કાળા વધારે કરેલા. રતનજી વાળને કાળા કરે, ને એનો બચુડો વાળને સફેદ કરે. મેં પૂછ્યું, ‘ બચુડા, તું કેમ તારા વાળને સફેદ કરે છે..?’ મને કહે, ‘ અંકલ...! ઘરમાં એકાદ તો વડીલ જોઈએ ને..? ‘ એના કપાળમાં કાંદા ફોડે..!

ટાલ જ્યારે વાળનો ગૃહ-ત્યાગ કરે, દેવાનંદ જેવી ચાલમાં ગાબડા પડવા માંડે, માશૂકાને બદલે વોલેટમાં દેવી-દેવતાના ફોટાઓના ફોટાઓનો ભરાવો થવા માંડે ત્યારે માનવું કે, પાઘડીનો વળ હવે નજીકમાં છે. યુવાનીના રૂટની બસ બંધ થવા માંડી છે. ઉમર વધે એટલે શાંતિલાલ પણ અશાંત થવા માંડે. માણસ ચીડિયો થવા માંડે. જેને ડીયર-ડાર્લિંગ-હની કે જાનૂ...થી પંપાળી હોય, એ હની જ એને હન્ટરવાળી લાગવા માંડે..! જાત ઉપરથી વિશ્વાસનું ઉઠમણું થવા માંડે. હાથમાં અરીસો પકડીને છાશવારે ખાતરી કરતો રહે કે, ‘હું જેવો છું તેવો જ છું, કે પછી તિરાડ પડવા માંડી છે?‘ ભૈઈઈઇ...પોતાની સેલ્ફી પોતે જ લેવાની હોય, સેલ્ફી લેવા માણસ ભાડે નહિ કરાય..! સેલ્ફી લેવામાં તો ક્ષણનો પણ સમય નહિ લાગે, પણ ઈમેજ બનાવવામાં પેઢી પણ ચાલી જાય..!

શ્રીશ્રી ભગાના ઉમરની જેવી ૭૫ મી ઘંટડી વાગી, એટલે હલબલી ઉઠ્યો. મને કહે, ‘હજી તો હું ખુદને જ મળ્યો નથી, અને કેલેન્ડરના પાનિયા ક્યાં ફરી ગયા, એની ખબર શુદ્ધાં ના પડી. સાલા ૧૦૦ માં હવે ૨૫ જ બાકી રહ્યા..!’ એનું ચોપળું ભેજું હજી માનવા તૈયાર થયું નથી કે, હવે મારે ઢીંગલા રમવાના નથી, પણ ઢીંગલા સમેટવાના છે. મારે ઉછેરની જરૂર નથી, પણ ઉછળવાનું બંધ કરવાની નોબત આવી છે. હવે હું હાલરડાં વગર સુઈ શકું છું, ને જીવતી ઢીંગલી સાથે ‘ડેટિંગ’ કરી શકું છું. ઝભલા ટોપીવાળું ટાબેરીયું નથી, પણ ‘ટોપચી’ બનીને ફરી શકું છું. ધેટ્સ ઇટ્ટ..!

લાસ્ટ ધ બોલ

તમારા શરીરની નસે નસમાં સંગીત ભરેલું છે, બોસ...!

તમને કેવી રીતે ખબર પડી?

તમે ઊંઘો છો ત્યારે સંગીત નસકોરાં વાટે બહાર બહુ નીકળે છે, એટલે..!

તારા કપાળમાં કાંદા ફોડું?