Vasudha - Vasuma - 93 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-93

પકલાએ કહ્યું “અહીંથી અંધારામાં કોતરમાં વધારે ઊંડા ઉતરવામાં જોખમ છે. અહીં એરૃ, નાગ, વીંછી કેટલાય નિશાચર જંગલી જાનવરો હશે બહુ જોખમ છે.”

કાળીયાએ કહ્યું “મારું ધારીયું કળીયાળી ડાંગ બધુ છે ડરવાનું શું ? અંધારામાં એરૃ નાગથીજ સાચવાનુ છે એ લોકો દેખાશે નહીં ક્યાંય પગ પડી ગયો તો કરડશે.”

ત્યાં મગનો બોલ્યો “એરૂ આભડે તો મને મંત્ર આવડે છે ઝેર ઉતારી દઇશ મેં ઘણાનાં ઝેર ઉતાર્યા છે”. ત્યાં કાળીયો બોલ્યો “એય મંત્ર વાળી કરડેજ શું કામ ? અહીંથી સવાર પડે પહેલાં વાસદથી આગળ વડોદરા જતા રહીશું ક્યાંક મંદિરમાં કે એવી એકાંકી જગ્યાએ આશરો લઇશું.”

રમણો કહે “બધાએ એક પછી એક ઊંધવાનું બીજા ચોકી કરતાં જાગશે. સવાર પડે પહેલાં અહીંથી ઊચાળા ભરી લેવાં પડશે. પેલો પોલીસ પટેલ બહુ હુશિયાર છે એ જાણે છે કે ગુનો કરીને બધાં મહીસાગરનાં ભેખડો અને કોતરોમાંજ ઉતરી જાય છે”.

પકલો કહે ”વિશ્વામીત્રી નદીનાં કાંઠે ઘણાં મંદીરો છે ક્યાંક તો છૂપાવાની જગ્યા મળી જશે ત્યાં એકજ વાતનો ખતરો છે વિશ્વામિત્રીમાં મગર ખૂબ છે. કોઇ કોળીયો ના કરી લે.”

કાળીયો કહે “ક્યારનાં એરૂ, નાગ, વીંછી, નિશાચર હવે મગરની વાતો કરી ડરાવો છો કેમ ? આપણે ક્યાં વિશ્વામિત્રીનાં પાણીમાં જવું છે કે છુપાવુ છે ?”

રમણો કહે “આ કોતરોમાંથી વિશ્વામિત્રીનાં પાણીમાં થઇનેજ વડોદરાનાં કાંઢે જવાશે જરા વિચાર કરજે સામે આવવાનું હોય એનાં વિચાર તો કરવા પડેને..પણ ધારીયુ અને બીજા હથિયાર છે ચિંતા નથી.”

કાળીઓ કહે “રમણા અને પકલા તમે કલાક સૂઇ જાવ મારે ફૂંકવી પડશે. પકલાએ બીડી સીગરેટ બાકસ પાન બધું આપ્યુ. પકલો કહે “મારું માથું પકડાયું છે હું સૂઇ જઊ છું” રમણો પણ બબડતો સૂઇ ગયો.

****************

સરલાએ વસુધાને પૂછ્યું “તેં રાજલને કાનમાં શું કીધું ?” વસુધાએ કહ્યું “સરલાબેન તમે તબીયત સાચવો તમારે હવે છેલ્લા દિવસ જાય છે ભાવેશકુમાર પણ નથી અમારી જવાબદારી છે.” ભાનુબહેન અને પાર્વતીબેને આ બધુ સાંભળ્યુ એ લોકોએ કહ્યું “વસુધા આરામ કર અત્યારે પણ સરલાની ચિંતા કરે છે”. દિવાળીફોઇ કહે “હું આકુ અંદર છે હું એની પાસે જઊં છું એ આ બધી ભીડ જોઇનેજ ગભરાઇ ગઇ છે માંડ સૂઇ ગઇ છે.”

વસુધાએ કહ્યું “હું ગત રાત્રીની પીડા ભૂલી નથી શકતી મારું હળાહળ અપમાન થયું છે. એ યાદ આવતાં આવતાં મારુ લોહી ગરમ થઇ જાય છે કંપારી આવી જાય છે. તમે પણ આરામ કરો હું આનો બદલો એવો લઇશ કે કોઇ કરમચંડાળ કદી કોઇ સ્ત્રીની સામે જોઇ નહીં શકે.”

રાજલ વસુધાને સાંભળી રહી હતી એની આંખમાં રોષ હતો. પણ ચૂપ હતી. વસુધાએ સરલાને સમજાવી અંદર આકુની સાથે સૂવા મોકલી. ભાનુબેન અને પાર્વતીબેન ત્યાથી ઉઠી અંદર ઓરડામાં ગયાં.

વસુધા અને રાજલ એકલાં પડ્યાં. વસુધાની નજીક - આવીને રાજલે કહ્યું “હું પાપાને (લખુકાકાને) વાત કરીશ બધી મારાં મયંકની મજબૂરી છે કે આમાં મદદ નહીં કરી શકે પણ જ્યારથી જાણ્યુ છે ત્યારથી એવો ગુસ્સામાં છે કે..” એમ કહેતાં આંખમાં પાણી આવી ગયાં.. “વસુધા તને તો ખબરજ છે મારી શું દશા થઇ હતી અને એનાં કારણે મયંકને...”

વસુધાએ કહ્યું “મને બધી ખબર છે તારી ઇજ્જત બચાવવા જતાં મયંકે એક પગ ખોયો છે પણ એનો તને અને એમને કેટલો રોબ છે મને પણ જ્યારે સાંભળ્યુ ત્યારે મયંક માટે માન થઇ આવેલુ પણ પણ નરાધમોએ એનો પગ નકામો કરી નાંખેલો.”

વસુધાએ કહ્યું “મેં કહ્યું છે એ તારે લખુકાકા અને પોલીસ પટેલને કહેવાનું છે બાકીનું હું ફોડી લઇશ તારે કે લખુકાકાએ કોઇ જોખમ નથી સેવાનું રાજુ તારે તો સાથમાં મયંક છે મારાં તો પીતાંબર મને એકલી મૂકી.. આ શરીર મારાં માટે શ્રાપ બની ગયુ છે બધાને મારી ચિંતા છે મારી ચિંતા કરતાં મારી જુવાનીનો ડર છે પણ હું એવું કરીશ કે...”

*********

પકલો અને રમણો થોડીવારમાં દેશી પીને નસ્કોરાં બોલાવતાં ઘસઘસાટ ઊંધી ગયાં. રાત્રીની બિહામણી શાંતિમાં એ લોકોનાં નસ્કોરાં સ્પષ્ટ સંભળાતાં હતાં. કાળીયાએ સીગરેટ સળગાવી અને ફૂંકવા માંડી. એને બરાબર નશો ચઢેલો એની આંખ ઊંધવાની જગ્યાએ વધુ જાગૃત હતી મોટાં મોટાં ડોળા કાઢી અંધારામાં જોયા કરતો હતો.

કાળીયાએ મગનાને બીડીની ગડી -બાકસ એનાં તરફ ફેકતાં કહ્યું “બીડી ફૂંક શાંતિથી પણ ઊંધતો નહીં..” મગનો કહે “મને તો બીલકુલ ઊંઘ નથી આવતી લાવો. બીડી.. પણ પહેલાં એક પોટલી આપોને ચિંતામાં મને ચઢીજ નથી.”

કાળીયો ગંદુ હસ્યો અને એક પોટલી મગના તરફ ફેકી.. સીગરેટ પીતાં પીતાં એક પોટલી એણે પીવા માંડી. બંન્ને જણાં પોટલી પી રહેલાં સાથે સાથે બીડી ફૂંકી રહેલાં.

મગનો ક્યારનો કાળીયા સામે ધારી ધારીને જોઇ રહેલો. એણે પોટલી પુરી કરીને કહ્યું “કાળીયા લાવ તારાં પગ દબાવી આપું કાયમ તારા પૈસાનું ખાઊં છું પીવું છું આમ સેવા કરીને તારું ઋણ તો ઉતારું મારી પાસે પૈસા તો છે નહીં.. લાવ.”

કાળીયાએ ધારિયું અને ડાંગ બાજુમાં મૂકી હતી એ હવે પોટલી પીધા પછી બરાબર નશામાં હતો એણે કહ્યું ‘ચાલ દબાવ મસ્ત દબાવજો હાં ઉપરથી પૈસા આપીશ.” એમ કહીને ખંધુ હસ્યો.

મગનો કાળીયાની સાવ નજીક રસક્યો એણે કાળીયાનાં બંન્ને પગની વચ્ચે બેસી ગયો એનાં પગ દબાવવા માંડ્યા... એ કાળીયાને પગ દબાવી મજા કરાવી રહેલો આરામ આપી રહેલો.

કાળીયાએ બેઉ પગ પહોળા કરીને કહ્યું “દબાવ બરાબર આરામ થવો જોઇએ.” એમ કહીને ઝાડને અઢેલીને બેસી ગયો. મગનો પગ દબાવી રહેલો મગનાએ જોયું કાળીયાને હવે નીંદર આવવા લાગી છે એણે પગ દબાવ્યા કર્યા. થોડીવારમાં કાળીયો ઘસઘસાટ સૂઇ ગયો. મગનો હળવેથી ઉભો થયો એણે કાળીયાની, ડાંગ અને ધારીયું લીધુ અને....

વધુ આવતા અંકે - પ્રકરણ-94