Krushnayan - Book Review books and stories free download online pdf in Gujarati

કૃષ્ણાયન - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- કૃષ્ણાયન

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતા કાજલ ઓઝા વૈદ્યનો જન્મ 29 સપ્ટેમ્બર, 1966ના રોજ મુંબઈમાં થયો છે. કાજલ ઓઝા વૈદ્ય નવલકથાઓની સાથે સાથે ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહ પણ પ્રકાશિત કરી ચૂક્યા છે. તેમણે અંગ્રેજી અને સંસ્કૃતમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. લખવાની સાથે સાથે કાજલ ઓઝા વૈદ્ય અભિનય, એન્કર, મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં જ તેમનું નવું નાટક એકલા ચાલો રે શરૂ થયું છે. કાજલ ઓઝા વૈદ્ય સંદેશ, ગુજરાત ડેઇલી, લોકસત્તા-જનસત્તા, ઈન્ડિયન એકસપ્રેસ, મુંબઇ, અભિયાન, સમકાલીન, સંભવ, ચિત્રલેખા, કોકટેલ ઝિંદગી જેવા સંખ્યાબંધ જાણીતા પબ્લિકેશન્સમાં લખી ચૂક્યા છે. સાત વર્ષમાં, તેમના ૪૫થી વધુ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે. તમામ પુસ્તકોની ચારથી વધુ આવૃત્તિઓ થઈ છે. તેમની ‘કૃષ્ણાયન’ નવલકથા તો અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત થઈ ચૂકી છે. ગુજરાતી દૂરદર્શન પર કાજલ ઔઝા વૈદ્ય લિખિત 'એક ડાળના પંખી’ ટેલિવિઝન સિરિયલના ૧૭૦૦ એપિસોડ થયા છે. જે ગુજરાતી સિરિયલનો રેકોર્ડ છે. એમની લખેલી સિરિયલો, ‘મોટી બા’ અને ‘છુટાછેડા’ ગુજરાતી ટેલિવિઝન પર સુપરહિટ પુરવાર થઈ છે. ગુજરાત યુનિવસિટીમાં માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કમ્યુનિકેશનના ડિપાર્ટમેન્ટમાં તેમણે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ક્રિએટિવ રાઈટિંગ પણ ભણાવ્યું છે. કાજલ ઓઝા વૈદ્ય અત્યાર સુધીમાં કૃષ્ણાયન, છલ, મધ્યબિંદુ, મૌનરાગ, પારિજાતનું પરોઢ, પૂર્ણ અપૂર્ણ, લીલું સગપણ લોહીનું, પોતપોતાની પાનખર, એક સાંજને સરનામે, તારા વિનાના શહેરમાં, દરિયો એક તરસનો, સત્ય અસત્ય, શુક્ર-મંગળ, સન્નાટાનું સરનામું, તારા ચહેરાની લગોલગ, પ્રેમ પત્ર, યોગ વિયોગ, જેવી નવલકથાઓ લખી ચૂક્યા છે. આ ઉપરાંત સાવકા, ગુરુબ્રહ્મા, ડૉક્ટર તમે પણ, યુંગ ચિંગ, પરફેક્ટ હસબન્ડ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે તથા દિકરી તો પારકી થાપણ કહેવાય, સપ્તપદી જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : કૃષ્ણાયન

લેખિકા : કાજલ ઓઝા વૈદ્ય

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 275 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 260

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક અને ઉત્સુકતા સર્જક છે. આભૂષણોથી સજ્જ શ્રી કૃષ્ણનું શ્રીપાદ, તેની પ્રતિકૃતિ, તુલસીદલ અને મોરપીંછ આ પુસ્તકની કથા વિશે વાચકને સવિશેષ સૂચન કરે છે. આ પગલું માનવીય જીવનનું અંતિમ ચરણ અને બ્રહ્મત્વનું પહેલું ચરણ છે એવો ગૂઢાર્થ પણ સ્પષ્ટ સમજાય છે. બેક કવરપેજ પર પુસ્તકનો જ કેટલોક અંશ, સ્ત્રીઓની લાક્ષણિકતાઓ વિશે લેખિકાનું ઉદ્બોધન છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

"એક રાધા એક મીરા, એક પ્રેમદિવાની એક દર્દદિવાની" ગીતમાં ભલે સ્ત્રીઓની દિવાનગી દર્શાવી હોય, પણ આ પુસ્તકમાં કૃષ્ણના જીવનમાં આવેલી સ્ત્રીઓ માટે કૃષ્ણની દિવાનગી, તેમને ગુમાવવાથી કૃષ્ણને થતી પીડા સ-રસ, સ-સંવાદ વર્ણિત છે. કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ - રાધા, રુકિમણી અને દ્રૌપદી - પ્રેયસી, પત્ની અને મિત્ર - માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાના મનની વાત કરે છે. આ અંગ્રેજી, મરાઠી, હિન્દી ભાષામાં અનુવાદિત થયેલી અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચૂકેલી ધબકતી નવલકથા છે. આ પુસ્તક કૃષ્ણના દેવત્વને વ્યક્ત કરે છે. એવું લાગે છે કે જાણે તે આપણી સાથે સીધી વાત કરે છે. મારી દ્રષ્ટિએ આ માત્ર પુસ્તક નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની ખૂબ જ સાચી હૃદયસ્પર્શી વાર્તા છે. લેખિકાએ હિન્દુ ધર્મના એક સૌથી રસપ્રદ પાત્રના જીવન વિશે લેખિતમાં ખૂબ જ નવીન અભિગમનો ઉપયોગ કર્યો છે. કૃષ્ણ વિશે ઘણું બધું પહેલેથી લખાયેલું છે છતાં તે આ પુસ્તકને અજોડ બનાવે છે.

 

શીર્ષક:-

'કૃષ્ણાયન' શબ્દમાં 'અયન' સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય પ્રયાણ. ભૌગોલિક દ્રષ્ટિકોણથી અયન એટલે દક્ષિણાયન કે ઉત્તરાયન આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ તાત્વિક રીતે આ શબ્દનો અર્થ થાય મોક્ષ. મોક્ષ એટલે તમારી ને મારી ભાષામાં મૃત્યુ. હા, અહીં કૃષ્ણના મૃત્યુના સમયની વાત છે એટલે આ શીર્ષક સાચું. પણ મોક્ષ એટલે તો અજ્ઞાનમાંથી નિવૃત્તિ અને બ્રહ્મત્વની પ્રાપ્તિ. અહીં કૃષ્ણાયન એટલે કૃષ્ણને થતા બ્રહ્મત્વની કથા.

કૃષ્ણ સાથે તો સૌને જોડાવું ગમે. (વડાપ્રધાન સાથે ફોટો પડાવવો‌ કે ચા-પાણીના વ્યવહાર રાખવા કોને ન ગમે?) પણ કૃષ્ણને જેની સાથે જોડાવાનું મન થાય, એ જોડાણમાં રહી ગયેલી ત્રુટિઓ પ્રત્યે અંતિમ સમયે મન, મસ્તિષ્ક જે ખેદ અનુભવે તેની કથા એટલે કૃષ્ણાયન. આમ, વાર્તા સાથે આ શીર્ષક પૂરેપૂરું સંબદ્ધ છે.

 

પાત્રરચના:-

જેની મૂર્તિ આપણે મંદિરમાં રાખીએ એ કૃષ્ણ અહીં પાત્ર સ્વરૂપે સદેહે ઉપસ્થિત છે. અહીં રાધાકૃષ્ણની લવસ્ટોરી નથી, અહીં હમ સાથ સાથ હૈ કે વિવાહની જેમ કૃષ્ણ અને રુક્મિણીની સુપરહિટ ગોલ્ડન ફેમિલી લાઇફ (ગૃહસ્થ જીવન) નથી, અહીં સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી કૃષ્ણ ને દ્રૌપદીની શ્રેષ્ઠ મિત્રતા નથી, અહીં તો છે ત્રિવેણી સંગમ પર મૃત્યુના દ્વારે સૂતેલા કૃષ્ણની રાધા, દ્રૌપદી ને રુક્મિણી પ્રત્યેની ભાવત્રિવેણી. આમ, પાત્ર રચના માટે તો પુરાણકારોને દંડવત વંદન. એ પાત્રોને આ રીતે આપણા near and dear બનાવવા માટે કાજલ ઓઝા વૈદ્યને હેટ્સ ઓફ.

સંવાદો/વર્ણન:-

કૃષ્ણની યાદોમાં રહેલા, પૂર્વે થયેલા દ્રૌપદી, રાધા ને રુક્મિણી સાથેના સંવાદો આપણને એ દૃશ્યમાં લઈ જવા સક્ષમ હોય એવા છે. વર્ણન એટલું રસપ્રચુર કે કુરૂક્ષેત્રનું યુદ્ધ કે યમુના કિનારો આપણને પુસ્તકના પાનાંમાં દેખાવા લાગે.

એકબીજા સાથે ભેળસેળ થઈ જતા દૃશ્યોમાં કૃષ્ણને દ્રૌપદી સાથેની અંતિમ મુલાકાત યાદ આવે છે. ખૂબ ખચકાટ સાથે મહાપ્રયત્ને બોલી શકી હતી દ્રૌપદી, “તમે આપેલું સધળું હું તમને અર્પણ કરું છું, તમે ન આપેલું પણ તમને જ અર્પું છું.” આ આખા પુસ્તકનો ખૂબ પ્રસિદ્ધ અને મજેદાર સંવાદ છે.

 

લેખનશૈલી:- 

કાજલ ઓઝા વૈદ્યની લેખનશૈલી ખૂબ સરળ છતાં વાચકના હૃદયને સીધી સ્પર્શી જાય એટલી તીક્ષ્ણ છે. પૌરાણિક પાત્રો હોવાથી પૌરાણિક ભાષાની છાંટ અહીં જોવા મળે છે. એકીબેઠકે વંચાય એટલી રસસભર કથા એટલે કૃષ્ણાયન.

વિશેષ મૂલ્યાંકન:-

'કૃષ્ણાયન'ના લેખિકા કાજલ ઓઝા વૈદ્ય લખે છે કે રાધા, દ્રૌપદી અને રુક્મિણી કૃષ્ણ વિશે શું માનતી એવું કુતુહુલ એમને હંમેશા રહેતું અને એ કુતુહલથી પ્રેરાઈને થયેલું સર્જન એટલે કૃષ્ણાયન.

હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતું. તે સ્થળે કૃષ્ણ તેમના અંતિમ શ્વાસ લે છે અને મહાસંહારની વચ્ચે જેણે પોતાનું અવિનાશીપણું વિશ્વને સમજાવ્યું હતું એ ઈશ્વર કે ઈશ્વરનો માનવ અવતાર પોતાના અંતિમ સમયે ખૂબ વિચલિત થઈ જાય છે. ધ્યાનસ્થ થઈને વિદાય લેવાનો તેમનો પ્રયાસ વિફળ થાય છે. શું રોકી રહ્યું હતું કૃષ્ણને? બંધ આંખે પણ સ્મૃતિપટ પર આવતાં દૃશ્યો અને વ્યક્તિઓ – મા યશોદાનો તેમના મથુરાગમન વખતેનો વિલાપ, મા ગાંધારીનો શ્રાપ, મા કુંતીની નારાજગી અને દ્રૌપદી. અગ્નિની જ્વાળા સમી બે તેજ આંખો જાણે સાધુત્વની કક્ષાએ નિસ્પૃહ થઈને ભગવા રંગની બની હોય એમ લાગ્યું હતું કૃષ્ણને. દ્રૌપદી માટે કૃષ્ણ તેના સર્વસ્વ હતા. સ્વયંવર વખતે સમગ્ર આર્યવતના શ્રેષ્ઠ પુરુષની ઝંખના કરતી દ્રૌપદીના મનમાં માધવની જ કલ્પના હશે ! હીરો કે સુપરહીરોનો ક્રશ કંઈ આજકાલથી નથી, એ વખતથી ચાલ્યો આવે છે.

આઠ પટરાણીઓ હોવા છતાં રુક્મિણીને કૃષ્ણ માત્ર પોતાના અંગત વ્યક્તિ જ લાગતા. પરંતુ માધવ કોઈ એક વ્યક્તિના નહોતા. એનો આ મનોભાવ તો કેટલાય લોકોની લાગણીને મળતો આવતો. તમામ કૃષ્ણમય, કૃષ્ણ સમર્પિત વ્યક્તિઓ સાથે જાણે એ પોતાનું ખૂબ અંગત – ખૂબ મૂલ્યવાન વહેંચતી હોય એમ જ લાગતું હશે રુક્મિણીને ! એક સામાન્ય પત્ની તરીકે એની ઝંખના વધુ પડતી તો નહોતી જ.

રાધા પણ ક્યાં ભૂલાવી શકી હતી કૃષ્ણને? આટલાં વર્ષેય નહિ. એની પુત્રવધુ શુભ્રાને એ “શ્યામા” કહીને બોલાવતી – એના શ્યામને યાદ કરીને જ તો !! મહાસંગ્રામની વચ્ચે પણ ક્યારેક કૃષ્ણનું હૃદય ગોકુળમાં પહોંચી જતું – રાધા પાસે. કૃષ્ણથી આગળ રાધાનું નામ એ યુગમાં પણ દેવાતું ને આ યુગમાં પણ દેવાય છે.

કૃષ્ણને અંતિમ સમયે અપાર પીડા થતી હતી. તેમને થતું આ ત્રણેયને મેં શું આપ્યું? માનવી તરીકે પૃથ્વી પર અવતરેલા ઈશ્વરને પણ માનવીય લાગણીઓની પીડા ભોગવવી પડતી હોય છે. તેમને દુઃખી કરી, મનમાં કેટલાય પ્રશ્નો સહિત અસંતુષ્ટ મૂકી કૃષ્ણને મુક્તિ મળત ખરી? આ દ્વંદ્વ, આ વિષાદ, આ ભાવત્રિવેણી, કૃષ્ણની આવી કેટલીયે અંગત પળોને લેખિકાએ આ પુસ્તક નવલકથા સ્વરૂપે સચોટ વર્ણવી છે.

મુખવાસ:- ઈશ્વરત્વ અને માનવત્વ વચ્ચેનો મનોસંઘર્ષ, મૃત્યુના દ્વારે ઉભા રહી જીવનનું પુન: નીરીક્ષણ એટલે કૃષ્ણાયન.