Old fashioned soul books and stories free download online pdf in Gujarati

ગામડાનું જીવન

જુના જમાનાની જાન
🍀 જુના જમાનાની જાન 🍀

આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ.......

એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે ઘોડા ઉંટ નો ઉપયોગ થતો, અને માલસામાન લઈ જવા લાવવા બળદનો ઉપયોગ થતો, સામાન્ય રીતે બળદ ગામડાના જીવન સાથે વણાઈ ગયેલું એક અંગ બની ગયેલું.

કેમ કે ખેતી કરવા જેહોં(શાંતિળું) બળદથી હાલતું અને જ્યારે મોલ ઉગીને વઢાય પછી માલ ખળામાં લઈ જવા માટે પણ એ જ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું, અને માલ તૈયાર થઈ ગયા બાદ શાહુકારને ત્યાં પહોંચાડવા માટે પણ એજ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું.

ખાસ જ્યારે કોઈની જાન જોડવાની હોય ત્યારે તો ગાડા વાળાના ઘીકેળા થઈ જતાં, બે દિવસ અગાઉથી ગ્રીસ લાવીને એના ભારે પયડામાં પુરી દેવાતું અને બળદ નો સજાવવાનો સામાન તો બધો ઘરમાજ પડ્યો હોય, જાનમાં જવાની આગલી રાત્રે બળદને કિલો જેવો ગોળ ખવડાવી દેવાતો અને ચાર પુળો કરીને ગાડું રાત્રેજ સજાવી દેવાતું,

મળસ્કે વરરાજાની ફોઈ દેકારો મચાવી દે કે હેય બારા નેકરો નકે અહીંજ બપોર પાડશો અને હમચુડાની શરૂઆત થાય, અને સૌથી વધુ સુંદર સજાવેલું ગાડું હોય એમાં વરરાજો બેસે, ગમે તેમ તોય એક દિવસનોતો રાજા ખરોને ભાઈ.
જાનમાં લઈ જવાની પરવાનગી મળી હોય એટલા માણસોની એકમાં સાત જણના હિસાબે ગણતરી કરીને ગાડા મંગાવવામાં આવતાં.

એના ચલાવનારો તો સિગરેટ પીતો હોય અને ડચકારો બોલેને પરોણાની આર નો ઘોદો પૂંઠમાં વાગે એટલે બળદ લાંબા થાય અને ગાડું પાછળ ઢસેડાતું જાય.

ગામ બારા નીકળીને મારગ મોકળો આવે એટલે થોડી હરીફાઈ થઈ જાય, મોટી ઉંમરના લોકો ઉલળી ઉલળી ને પડતા થાય અને કકળાટ વધી જાય પછી હરીફાઈ રોકાય.
બળદના પૂછડાના નજીક ડામચો(ગાડાની કારપેટ) કટ મારેલો હોય ત્યા ગાડાના ભંડારિયાના સપોર્ટ માટે એક આડુ લાકડુ મુકેલ હોય તે તે વખતના વરરાજાનુ ફૂટરેસ્ટ, પગ મૂકીને બેસી શકાય.

વરરાજા સાથે એક અણવર હોય અને બાકી બીજી બધી જાનડીઓ લગ્ન ગીતો ગાતી હોય.
અણવર વરરાજાને બળદ પોદળો કરીને વરરાજાનુ પાટલૂન ના બગાડે તેનુ ધ્યાન રાખવા અવાર નવાર સુચના આપતો જાય.
વરરાજાને પરણવા કરતા પોદળાથી પાટલુન સાચવવાનુ ભારે ટેન્સન રાખવું પડતું પડતુ,
માથે તેલ નાખવાનો નવો નવો રિવાજ અંગ્રેજો ઘાલીને ગયેલા, વરની મા દીકરાનો વટ પડે તેવા છૂપા હેતુસર વધારે પડતુ તેલ નાખી દેતી.

ઉનાળાના લગ્ન હોય ધોમ ધખતો તાપ હોય માથામાથી નીકળતા પરસેવામાં તેલ ભેળું થાય અને એ મિશ્રિત રેલા નીતરીને ગરદને ઉતરતા હોય તેમા કાચા રસ્તાની બળદના પગ વડે ઉડેલી ધૂળ ભળતી હોય મસ્ત મજાના મેલના પોપડા જામતા જાય.

વરરાજા નો બુશર્ટનો કોલર તો કાળા રંગે રંગાઈ જાય.
મોડે મોડે અણવરને કંઈ અણસાર આવતા તેને એક ખેસ જેવુ કપડુ ઓઢાડી દે, આ ખેસીયું ગરમીમા અકળામણ ઉભી કરે વરરાજો ઘડી ઘડી ફગાવી દે.પણ અણવર ખૂબ તકેદારી રાખે.
વેવાઈના ગામની બહાર વરરાજાની વહેલ
ઉભી રહે એની પાછળ બધા ગાડાની લેન ઉભી રહે.
જાણે જંગના મેદાનેથી સીધા વેવાઈને ઘેર લગનમાં આવી ગયા હોય એવા ધૂળધાણી જાનૈયાના ડોળ હોય.
વરરાજાને નીચે ઉતારીને ધણા સમયથી બંધ ઘરના સામાનને જેમ બહાર કાઢીને ઝાપટીને ઘૂળ ઉડાડે એમ અણવર અને વરરાજાની ભાભી તૈયાર કરતા હોય.
પણ તેલના અને પરસેવાના મિશ્ર ડાઘાનો તો શું ઈલાજ હોય, સાથે પાણી લીધા હોય તો રાજાને મુખે થોડું પ્રક્ષાલન થાય,(પખાળવું)

બે ચાર દોઢ ડાહ્યા પોતાનો વગર માંગ્યો મત આપી પ્રયાણનો સિગ્નલ આપતા હોય..
એ સમયે વરરાજાને ટોપી પહેરવાનો ધારો હતો પણ ટોપી મેલી ના થાય એ બીકે સાસરે પહોંચીનેજ પહેરાવાતી.
ટોપી પણ પોતાનો વટ પાડતી હોય એમ અન્ય કપડાથી અલગ પડીને ટોપી ચોખ્ખી દેખાતી હોય.
આમ જાન વેવાઈને ગામ પહોચતી વેવાઈના ગામને પાદર પહોચો એટલે જાન આવ્યાની ખબર ગામના છોકરા વેવાઈને ઘેર ખબર આપતા હોય.

વાળંદ એક મોટુ પાથરણુ(મોદ)લાવીને પાથરતા હોય, વરરાજા માટે એક ગાદલુ પણ આવી જાય.
ભાગોળે કોઈ ધરમશાળાની પરશાળ કે ઝાડના છાયે કે નિશાળના ચોગાનમાં પાથરણા પથરાય.
વેવાઈ સહ કુટુંબ સહૂ જાનૈયાને સત્કારવા આવે.
થોડીવાર થાય એટલે પીત્તળના ઘડા ભરી ખાંડના પાણી આવી જાય વાળંદ નાના પીત્તળના ગ્લાસમા ભરી સહુ જાનૈયાને પીવડાવતા હોય.

પાછળને પાછળ વરરાજાના સામૈયા થતા હોય,માડવા પક્ષની બાઈઓ ગાતી હોય.

"ક્યાંથી આયવો ઓલો વિલાયતી વાદરો ક્યાંથી આયવો
કાઢી મૂકો રે કાઢી મૂકો,વિલાયતી
વાદરો ક્યાંથી આયવો" જેવા ફટાણા ચાલુ થઈ જાય.
જાન હવે ગાજતે વાજતે ઉતારે જતી હોય, રસ્તામાં ઢોલી જેટલા બને એટલા પરાણે રોકીને એવા ઢોલ ધબકાવે કે ના છૂટકે વરરાજા પર ઘોર કરવી પડે.

ઉતારે આખા ગામના માંગેલા ખાટલા હારબંધ પાથર્યા હોય.
મેલાઘેલા વરરાજા હાથમાં ફૂલોનો ગુચ્છો લઈને આગળ આગળ ચાલ્યા જતા હોય.
કોક ઉતાવળીયાને અડવીતરા આગળ જઈ સારા ખાટલા બોટતા હોય.

રાતના પરણેતર પહેલા પંગતે જમણવાર હોય,અજવાળે અજવાળે જમણવાર પતાવવાની ઉતાવળ હોય.
પેટ્રોમેક્ષના અજવાળા થતા હોય,વિજળી તો ભાગ્યે જ દેખાય મોટા ગામડામા જ જોવા મળતી હોય.
જમણવાર માડ પત્યો ન પત્યો હોયને વાળંદ ઢોલી સાથે છાબ દેવા જવાનો કોલ દેવા આવતા હોય.
અંધારી શેરીઓમાં પેટ્રોમેક્ષના અજવાળે
વેવાઈ વહુના દરદાગીના અને સાડીઓ ભરી સભાએ દેતા હોય તેના ય વધામણા થતા હોય.
થોડીવારે ઉતારે પરણવાની વર્ધી દેવા વાળંદ ઢોલી સાથે પધારતા હોયને હરખપદુડા વરરાજા ચોખ્ખી ટોપીને મેંલા કપડે લગ્નમંડપ તરફ પ્રયાણ કરે.

વેવાઇને ઘરને નાકે વરરાજા પોંખાય, અણવર વરરાજાના કાનમાં સાસુ નાક ના ખેચે એ બાબતે ચેતવતો હોય તોય સાસુ નાક ખેચી નાખતા હોયને કન્યા પક્ષ તરફથી વિજયઘોષ થતો હોય.

દોઢ ડાહ્યા વરના જોડા(બુટ)સાચવવા અણવરને સુચન કરતા હોય છતા ય સાળીઓ યેનકેન પ્રકારે અણવરને વાતે ચઢાવી જોડા છુપાવી દેતી હોય.
એના તોડ થતા હોય, વરરાજા ભારે શરમાતા હોય, હસ્તમેળાપ વખતે બેઉના હાથ ધ્રુજતા હોય.
ફેરા ફરતા છેલ્લે ફેરે પહેલા બેસવાની હોડે કન્યા જીતી જતી હોય.

કેમ કે તેની બેનપણીઓ વરરાજાને આડે પડતી હોય,શરમાળ વરરાજા ધક્કા ખાઈને હારી જતો હોય.
માડ માડ લગ્ન પુરા થતા હોય, સવારે વહેલા વરરાજા પાછા એ જ બળદના પુંછડા
પાછળ ગાડે ચડીને એવી રીતે બેસતા હોય જાણે ઈડરીયો ગઢ જીત્યા હોય.

હવે પાટલૂન બગડવાની કોઈ બીક નથી કેમ કે બગડવામા કંઈજ બાકીયે રહ્યું નથી ને?
રંગે ચંગે ધૂળને ગોટે ગોટા હરખે હરખે,વરરાજાની મનની મલકાઈએ, જાન પાછી ઘેર તરફ આવતી મંડાય,
"નાની સી કોયલ શીદને સોહામણી,
આવો જી આવો અમારા દેશ રે..."
"ચઢ ચઢ લાડી ચઢ રે દેખાડુ તારા સાસરા"
વર વધૂ મનમા મલકાતા હોય, ફળિયાના નાકે વરવધૂ પોખાતા હોય.

ગામની ડોસીઓ,વહૂઓને દીકરીઓ નવવધૂ નિહાળવા પડાપડી કરતા હોય,ધોળી છે,કાળી છે,ઉચી છે,નીચી છે,આમ વાતો થતી હોય.
આમ જાન આવ્યે વરવધૂ કંકુના પાણીની તાસમા રૂપિયો શોધવાની રમત રમતા હોયને જે જીતશે તેનુ ઘરમા ચાલશે તેવુ ગોરબાપા પોરો ચઢાવતા હોય.
વર જીતે વહૂનો હૂરિયો બોલાતોહોય.
વહૂ જીતે વરની હત્તારી બોલાતી હોય,
અવસર પત્યાની નિશાનીએ ઉકરડી ઉઠાડાતી
હોય,ફાનસના પાખા અજવાળે મધુરજની માણાતી હોય.
વગર સગવડને વગર આડંબરે,હળવા દિલે,હરખની હેલીએ પાર પડતા હોય..