જીવનનો આવો પણ રાગ હતો
પાંચ છ દાયકા પહેલા નુ ગામડું
➖➖➖➖➖🕉️➖➖➖➖➖
પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ જોવા મળતો. સાયકલ પણ નહિ, દવાખાના માટે બીજે ગામ ચાલીને જવું પડતું. ઘંટી અને કરિયાણાની દુકાન પણ ના હોય, હટાણું કરવાય બીજે ગામ ચાલતા જતા. શહેરમાં ઘોડાગાડીનો જમાનો હતો- મુંબઇ ઉત્તર ગુજરાતીઓને પરદેશ જેવું લાગતું. મુંબઇમાં મજૂરી કરવા ગયેલા લોકો માળામાં રહે. એ માળામાં ઘણાં કુટુમ્બો સાથે રહેતા. કુટુમ્બમેળો જામે. બૈરાં ચાલીમાં ભેગાં થઇ ગામગપાટા મારે. શાક સમારે. ગાજ-બટન કરે કે ફાટેલાં કપડાં હાથથી સાંધે.
ગામમાંય મજૂરી જ કરવાની. વરસાદી ખેતી. બધો આધાર આકાશ ઉપર. શ્રમનો મહિમા. હાડકાં હલાવવાં પડે. મજૂરી કરવી પડે. નહિ તો રોટલો આઘો રહે. તાવ આવે તો તુલસીના ઉકાળે જતો રહેતો. હાથેપગે શરીરે નાનું મોટું વાગે તો હળદર ચોપડી દેવાતી. ગુવારનું પાન લસોટી ચોપડી દેવાતું. સ્ત્રીઓની સુવાવડો ઘરે જ થતી, સુવાવડ કરાવનારી દાયણને દૈયણ કહેવામાં આવતી.
મોટા ભાગે કેસ સફળ થઇ જતા. શાક પાંદડું દાણાથી ખરીદવાનું રહેતું. સાટે - હાટે મળે એટલે દાણાની તુલનામાં શાક બરાબર વેચાય... વજન શેર - બશેરમાં હતું. અડધી ના વેચાય તો અડધા દાણા કાઢી લે પછી શાક તોલાય.. ખાંડ-મોરસ કહેવાતી એનું ચલણ ઓછું. ગૉળ જ ઘરના કેન્દ્રમાં. ગૉળનું દડબું ચોકલેટ, બિસ્કીટ જે ગણો તે.. ગોળની કાંકરીથી રડતું છોકરું છાનું રહી જતું.
ગૉળની કાંકરીથી સારા સમાચાર સાંભળી મોં મીઠુ કરાવાતું. છોકરો પાસ થાય તો ગોળ વ્હેંચતા.. ધરમી માણસના મૃત્યુ પછી ગામ જમતું. નિશાળ જમાડાતી.. બ્રાહ્મણો જમતા.. નાત જમતી.. કોક જીવતચરાય કરતું... છોકરાને નિશાળે મૂકવા જવાનોય મહિમા. ગૉળધાણા વ્હેંચાય. નિશાળમાંય ગૉળ વ્હેંચાય.. તાર આવે તો ફાળ પડી જતી. ટપાલનુંય કુતૂહલ.
ત્યારે સરેરાશ માણસોની કમાણી ટૂંકી.. રૂપિયો ગાલ્લાના પૈડા જેવો લાગે. લોકો સાદુ જીવે.. સાદુ ખાય. જરૂરિયાતોય ઓછી. બે જોડ કપડાં તો ઘણાં ગણાય. કમાણી નહિવત હોય એટલે ખરચો કરવાની બધાની હિંમત નહિ. દેવું થવાનો ડર લાગે. મોજશોખ મર્યાદિત પણ દિલ મોટાં. રોજ સવાર પડે ને આંગણે અભ્યાગતો આવે. માગનારા હોય જ.
બ્રાહ્મણ આવે. પૂજારી આવે. ડોસાં ડગરાંય આવે.. છોકરાંને કૂખમાં લઇ બાઇઓય આવે. સાધુ બ્રાહ્મણ આવે સંન્યાસી પણ હોય. તિથિ વાર બોલે.. આશિષ આપે.. હાથની રેખાઓ જુએ.. સાચી પડે કે ના પડે બોલે રાખે.. ભાગ્યશાળીને બદલે ભાયગશાળી છે એમ જ કહે.. એકાદશી, પૂનમે ખાસ આવે.. પુણ્ય કમાવાની ટેલ નાખે.. ખભે ઝોળી હોય એ ઝોળીમાં આટો નાખે. બાજરી-ઘઉનો આટો જુદો રાખે. ક્યારેક ભૂલથી ભેગોય થઇ જાય. દાણા આપીએ તો અલગ રાખે. દર બુધવારે કરવા.. 'દીવો આપો' એમ કહે એટલે ઘી આપવાનું રહેતું. ક્યારેક ઘુઘરિયાળો બાવો ટન ટન ટન ટન ઘુઘરો વગાડતો આવે. પગ ઊંચા નીચા કર્યા કરે.. અવાજ ચાલુ ને ચાલુ રહે એમ એના પગ નર્તન કર્યા જ કરે- શરીર ઉપર રાખ ચોળી હોય એક પંચિયું હોય.
બસ ઘુઘરો કમરે બાંધી બે પગ વચ્ચે સરકે - ખખડે - રણકે. તેલિયો બાવો તેલ લઇ જાય. ટોકરિયો બાવો હાથમાં કમંડળ રાખતો. એ કમંડળમાં લોટ લઇ લેતો. કાવડ લઇને પણ કોઇ બાવો આવે.. કાવડ શ્રવણ લઇને ફરતો હતો.. એમાં માબાપને બેસાડી જાતરા કરાવેલી.. એ કાવડનો અર્થ એ બાવાની કાવડમાંથી જાણવા મળતો. કોઇક સાધુ સાકરિયા આપે. છોકરાં સાકરિયાની લાલચે તેની પાછળ પાછળ ગામમાં ફરે.
ઘરે ઘરે રોટલા ચૂલે થાય ત્યારે પ્રથમ ચાનકી તો કૂતરાની થતી. ગાય માટે 'ગૌગ્રાસ' કરવાનો - કાઢવાનો પણ રિવાજ. ખાધા પહેલાં ધૂપ કરવાનો. નાળમાં દેવતા લઇ ઉપર ભાત-ગોળ-ઘી ધરાવવાનાં... અગ્નિદેવને પહોંચાડવાની આવી પ્રથા હતી. ઘરે ઘરે આવા યજ્ઞાો થતા.
લાજમર્યાદા અને મોભાવભાનો એ વખત હતો. મલાજો જળવાતો.. હદબહાર કોઇ જતું નહિ.. વડીલ સામે અમુક હદથી વધારે ના બોલાય. સાધુ સામે જિદ ના કરાય.. મોટાઓની સામે ના બોલાય. ગુરુને અને મોટાંને પગે લગાય.. સાસુ-સસરાની આગળ મોં ખુલ્લુ ન રખાય. માભામાં રહેવાય. સ્ત્રીથી મરજાદ સચવાય. વડીલોની હાજરીમાં ઘરવાળા સામે જીભાજોડી ના થાય. એની લાજ પણ કાઢવી પડે. પુરુષોની હાજરીમાં મોટે અવાજે ના બોલાય. ઘરમાંય માથેથી સાડીનો છેડો હેઠે ના પડે એ સાચવવું પડતું.
વખતસર રસોઇ કરવી પડે અને ભાયડા ઘરમાં વસ્તુ લાવે ના લાવે તો કોઇને કોઇ રીતે સ્ત્રીઓ ઘર સાચવી લેતી. કૂવેથી પાણી ખેંચવું પડે... ગાળીને પીવાનું.. માટલા માથે ઉપાડી પાણી પાણિયારે લવાતું... આજે તો ઉપર લખેલું કોઇને ખોટુ કે વધારે પડતું ય લાગે, પણ પાંચ દાયકા પૂર્વે આ જ જીવન હતું