Vasudha - Vasuma - 103 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-103

વસુધાએ પીતાંબરની માતા એની સાસુ ભાનુબહેનનાં આકરા વેણ સાંભળ્યા પછી બરાબરનો જવાબ આપીને શેરીમાં જવા નીકળી ગઇ. એનાં ગયાં પછી વસુધાની માતા પાર્વતીબેનથી સહેવાયું નહીં એમણે બરાબર જવાબ આપ્યા પછી સ્પષ્ટ કહી દીધું કે અમે બપોર પછી વસુ અને આકુનેલઇને અમારા ગામ જતા રહીશું. વસુ હવે અહીં નહીં રહે.

ભાનુબહેનથી બોલતાં તો બોલાઇ ગયું... પણ પછી ભાન પડ્યું કે મારી જીભ ખોટી કચરાઇ ગઇ વસુધા અને વેવણ બંન્નેને ખરાબ લાગ્યુ છે તીર ભાથાથી છૂટી ગયું હવે પાછું લેવાય એમ નહોતું ત્યાં સરલાએ જોરથી ચીસ પાડી... “વસુ... વસુ...”.

સરલાની ચીસ સાંભળી અત્યાર સુધી બધું સાંભળી રહેલાં દિવાળીફોઇ ઉભા થઇને સરલા પાસે દોડ્યાં ઓસરીમાં હીંચકે બેઠેલો ભાવેશ ઉઠીને દોડ્યો ને ભાનુબહેન પણ દોડ્યાં. પાર્વતીબેન ત્યાંજ બેસી રહ્યાં.

સરલાએ કહ્યું “માં.. વસુ કયાં છે ? વસુધાને બોલાવ મને પ્રસવપીડા ઉપડી છે મારાંથી સહન થતું નથી.” ભાનુબેને ભાવેશકુમારને કહ્યું “સરલાને પીડા ઉપડી છે એને તાત્કાલીક દવાખાને લઇ જવી પડશે.”

ભાવેશે કહ્યું વસુધા આવે એટલે લઇ જઇએ સરલાને વસુધા વિના નહીં ફાવે દિવાળીફોઇને કહ્યું “અમે અનુભવી છીએ હું સાથે છું ને ? વસુધા હમણાંજ શેરીમાં ગઇ છે. એ પાછળથી આવી જશે તમે ગાડી કાઢો અમે લોકો સાથે આવી જઇએ છીએ”.

સરલાએ પીડા સાથે કહ્યું “ના... ના.. વસુધા વિના હું નહીં જાઉં વસુને બોલાવો”. ભાનુબહેને કહ્યું “સરલા આ તારી માં તારી સાથે આવે છે.. ફોઇ છે આટલાં અનુભવી વસુધા પાછળથી આવી જશે.”

સરલાએ કહ્યું “વસુધા વિના હું ખાટલેથી પગ નીચે નહીં મૂકું ભલે સુવાવડ અહીંજ થઇ જાય”. ભાનુબેન અકળાયા એમણે કહ્યું “કુમાર શેરીમાં જઇને વસુધા એનાં પાપા બધાને બોલાવી લાવો હું સરલાની પાસે બેઠી છું એ જીદ્દી નહીં માને.”

ભાવેશકુમારે કહ્યું “હાં હું હમણાં જ બાઇક પર જઇને આવુ છું બોલાવી લાવુ છું બધાને તમે ધ્યાન રાખજો.” એમ કહી બાઇકને કીક મારી નીકળ્યો.

ભાવેશ શેરીમાં જવા નીકળ્યો..... અહીં શેરીમાં ગામનાં બધાંજ માણસો રોડની બેઉ બાજુ કીડીયારાની જેમ ઉભરાયા હતાં... ઘર ઘર ખબર પહોંચી ગઇ હતી કે પેલા હરામખોરોને પોલીસ હાથકડી અને દોરડા બાંધી ગામમાં ફેરવાનાં છે.

વસુધા ત્યાં પહોચી ત્યારે રાજલની સાથે લઘુકાકા મયંક, કરસન તો હતાંજ અને વસુધાનાં કહેવાથી દુધમંડળીનાં સભ્યો, એની ડેરીમાં સાથે કામ કરતી બહેનો છોકરીઓ ભાવના, રશ્મી, કાશીઆહીર, રમીલા, બુધો, બકુલ, મહેસ, નીતાબેન, બધાં હાજર હતાં.

પોલીસ પટેલ આ નરાધમોને લઇને ગામમાં ફેરવવાના એ વાત વાયુવેગે ગામમાં અને આજુબાજુનાં ગામોમાં પણ પ્રસરી ગઇ હતી ગામનાં ખેડૂતમિત્ર, સેવક ત્થા મંડળીનાં બધાં કાર્યકરો હાજર હતાં.

ત્યાં પોલીસ પટેલની વાન આવી... વાન આવીને ઉભી રહી એમાંથી પોલીસ પટેલ - હવાલદાર પછી લોહીલુહાણ થયેલો કાળીયો હાથકડી અને દોરડું બાંધેલો એને ઉતારવો પડ્યો એનાંથી ચલાતું નહોતું એનું આખુ શરીર લોહીથી ખદબદતું હતું બધાં ગામ લોકોએ એને જોઇનેજ હુરીયો બોલાવ્યો.

નાની છોકરીઓ અને વસુધાની પલટન બધી છોકરીઓએ કાળીયાનાં નામનાં છાજીયાં લીધાં અને એનાં તરફ પત્થર મારવાનાં ચાલુ કર્યા. આટલો ઘાયલ તો હતો જ અને એક પત્થર સીધો એનાં કપાળ પર આવ્યો એ ઓય કરતો નીચે બેસી ગયો.

પાછળને પાછળ પકલો અને રમણો ઉતર્યા ગામ લોકોએ ત્રણેને પત્થર મારવા માંડ્યા બધાં લોકો ઉશ્કેરાયેલાં હતાં. પોલીસ પટેલે થોડો વખત બધાને પત્થર મારવા દીધાં પછી શેરીની વચ્ચે વચ્ચ કાળીયાને અને રમણા પકલાને ઉભા કર્યા અને બુલંદ અવાજે બોલ્યાં.. “ગામ લોકો આ ત્રણે નરાધમ સેતાનો આ ગામનાંજ છે અને ગામની બહેન દીકીરીઓની લાજ લૂંટવા પ્રયત્ન કર્યો એમનું અપમાન કર્યું છોકરીઓનું સાચું ઘરેણુંજ ઇજ્જત છે જે લૂંટવા આણે પ્રયાસ કરેલો સાલો મહીસાગરનાં કોતરનાં બીહડમાં સંતાઇ ગયેલો.”

“અમે પકડવા ગયા તો ત્યાં એમણે દેશી દારૂ ખૂબ પીધેલો હથિયારો રાખેલાં.. સાથે સાથે ગાંજો મળી આવ્યો છે. હું અને મારી ટુકડી પકડવા ગયા ત્યારે અમને જોઇનેજ ભાગ્યાં. રાત્રીનાં અંધકારમાં અમે પડકારેલાં અને એમની પાછળ દોડ્યાં કોતરોમાંથી આ નીચ લોકો હાઇવે પર રોડ પર દોડવા માંડ્યા અને અંધારામાં આવેશમાં બચવા માટે દોડાદોડ કરતાં ટ્રક સાથે અથડાયો આખુ શરીર એનું લોહીલુહાણ થઇ ગયું અને બચાવવા દોડ્યાં... હોશ રહ્યાં નથી છતાં એની ગરમી ઓછી નથી થઇ એટલે ગામમાં ફેરવી દાખલો બેસાડવા માટે લાવ્યાં છીએ”.

પોલીસ પટેલને સાંભળ્યાં પછી રાજલ, ભાવના રમીલા અને ખાસ કાશી આહીર જેનો કાળીયા સાથે વિવાહ થવાનો હતો એ આગળ આવી અને જમીન પરથી ધૂળની મઠી ભરીને કાળીયાની આંખમાં નાંખી બોલી... “બાપેય ગુનેગાર અને એનો છોકરો કપૂત... સાલા તારાં જેવાને પરણું એનાં કરતાં કુંવારી રહ્યું એજ સારું..” કાળીઓ કશુ બોલી નહોતો રહ્યો એણે આંખો નીચી કરી દીધી.

ત્યાં વસુધા આવીને બોલી "કાશી આવાં નીચ લોકો લગ્ન નથી કરતાં.. લાજ લૂંટે છે એમનાં સંસ્કારજ નીચનાં પેટનાં છે એને જણનારી આજે લજવાતી હશે” એમ કહીને કાળીયાને જોરથી લાત મારીને બોલી.. “તારો કોર્ટમાં કેસ ચાલવા દે તને હું જીવનભર જેલમાંથી બહાર નહીં નીકળવા દઊં.”

“તેં મારી લાજ-ઇજ્જત પર હાથ નાંખ્યો હતોને એ હાથજ તારાં નહીં રહે” એમ કહી આહીર કાશી પાસેથી ડાંગ લઇને બેઉ હાથ પર જોરથી મારી પેલો ચીસ પાડી ગયો.

ત્યાં પોલીસ પટેલે કહ્યું “દીકરી હવે એ જીવવાને લાયક નથી રહ્યો અને હું એને મરવા નહીં દઊ જેલમાં વર્ષો સડતો તડપતો રહે એવું કરીશ... ચિંતા ના કર એને ગામ આખાં સામે સબક મળી ગયો છે.” દૂર ઉભેલાં ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇની આંખો ભીંજાઇ ગઇ હતી... વસુધા માટે છાતી ફુલતી હતી ત્યાં ભાવેશની બૂમ પડી.. “પાપા... વસુધા... પહેલાં અહીં આવો....”



વધુ આવતા અંકે - પ્રકરણ-104