Prarambh - 39 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 39

પ્રારંભ પ્રકરણ 39

કેતન પોતાની પાસે સમય હોવાથી ગોરેગાંવ દિંડોશી માં આવેલા રુચિના દબાણ થયેલા પ્લૉટ ઉપર ચક્કર મારવા આવ્યો હતો.

ચક્કર મારીને એ પ્લૉટની બરાબર સામે આવેલી એક નાનકડી હોટલના બાંકડા ઉપર બેઠો હતો. ત્યાં એણે દૂરથી ધીમે ધીમે બાઈક ઉપર આવી રહેલા જયદેવને જોયો અને એ ચમક્યો.

આ વિસ્તારનો રોડ થોડો અંદર પડતો હતો અને ખાસ ટ્રાફિક પોલીસ ચેકિંગ થતું નહીં એટલે એણે હેલ્મેટ હજુ માથા ઉપર પહેર્યું ન હતું. નહીં તો જયદેવ આગળ નીકળી જાત તો પણ પોતે એને ઓળખી ના શકત !

" અરે જયદેવ...." જેવો જયદેવ નજીક આવ્યો કે તરત કેતને સહેજ આગળ આવીને બૂમ પાડી.

જયદેવે કેતનને જોઈને તરત જ બાઈકને સાઈડમાં લીધી અને ઉભી રાખી. એ કેતનને જોઈને ખરેખર ખુશ થઈ ગયો.

" અરે કેતન તું ? અને અહીંયાં આ હોટલ પાસે કેવી રીતે ? " જયદેવે કેતન સાથે હાથ મિલાવતાં આશ્ચર્યથી પૂછ્યું.

"એ બધી લાંબી વાર્તા છે અને અહીં નહીં થઈ શકે. તું તારી વાત કર. અત્યારે ક્યાંથી આવી રહ્યો છે ? અને આજકાલ શું કરે છે ?" કેતન બોલ્યો.

" હું તો અહીં ફિલ્મસિટી સ્ટુડિયો થી આવી રહ્યો છું અને ત્યાં જુદી જુદી સિરીયલોમાં મારું શૂટિંગ ચાલતું હોય છે. નાના-મોટા રોલ કરું છું. એક સિરિયલમાં તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરેલું છે. તું સિરિયલો જોતો નથી લાગતો નહીં તો આ સવાલ પૂછ્યો ના હોત. " જયદેવ બોલ્યો.

જયદેવ ઠાકર અને કેતન સુરતની કોલેજમાં સાથે જ ભણેલા. પહેલેથી જ જયદેવને નાટકોમાં રસ હતો અને સુરતની કોલેજમાં કોઈપણ નાટક ભજવાય એમાં જયદેવ ઠાકર હોય જ ! એ સિરિયલોમાં કામ કરે છે એ કેતનને ખબર ન હતી. ખરેખર કેતન સીરીયલો ક્યારે પણ જોતો નહીં.

" તેં તો ઘણી પ્રગતિ કરી મુંબઈ આવીને ! " કેતન બોલ્યો.

" બસ દાલ રોટી નીકળે છે. હજુ તો હું સ્ટ્રગલ કરું છું એમ કહું તો પણ ખોટું નથી. " જયદેવ બોલ્યો.

" અત્યારે ક્યાં રહે છે ? લગન બગન થઈ ગયાં કે નહીં ? પેલી નૈસર્ગીના ચક્કરમાં તું હતો. એની સાથે જ લગ્ન કર્યાં ?" કેતને હસીને પૂછ્યું.

" અરે ના રે ના. નૈસર્ગી તો ક્યારની છૂટી ગઈ. ફિલ્મસિટીમાંથી જ એક પ્રેમાળ છોકરી મળી ગઈ. મતલબ સીરીયલમાં કામ કરતાં કરતાં પ્રિયંકા સાથે પ્રેમ થઈ ગયો અને અત્યારે એ મારી પત્ની છે. હું ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સીરીયલમાં કામ કરતો હતો અને એ પણ એ બે સીરીયલમાં નાના મોટા રોલ કરતી હતી. અત્યારે પણ અમારા બંનેનું કામ ચાલુ જ છે. અત્યારે હું બીજી સિરીયલોમાં કામ કરું છું. ક્યારેક દિયરના તો ક્યારેક પ્રેમીના રોલ ! આ મુંબઈ છે ભાઈ. અહીં એકની કમાણીથી ઘર ના ચાલે. " જયદેવ બોલ્યો.

" અને હા હું દિંડોશી મ્હાડાના ફ્લેટમાં રહું છું. સીરીયલના શૂટિંગ માટે ગમે ત્યારે જવાનું હોય એટલે નજીકમાં જ મારે મકાન લેવું પડ્યું. ચાલ મારા ઘરે. અત્યારે પ્રિયંકા ઘરે જ હશે. તારી ઓળખાણ કરાવું. " જયદેવ બોલ્યો.

" ફરી ક્યારેક આવીશ. હવે રાત પડવા આવી છે અને મારે પાર્લા પહોંચવાનું છે. " કેતન બોલ્યો.

" અચ્છા તો તું પાર્લા રહે છે ? " જયદેવ બોલ્યો.

" અત્યારે તો ભાઈના ઘરે આવ્યો છું. હજુ મુંબઈ શિફ્ટ થયો નથી. પરંતુ દિવાળી પહેલાં પાર્લામાં જ શિફ્ટ થઈ જઈશ. એક ફ્લેટ પણ લઈ લીધો છે" કેતન બોલ્યો. એણે જામનગરની કોઈ ચર્ચા ના કરી.

" ચાલો બહુ સરસ. તારો મોબાઈલ નંબર મને આપી દે. આપણે એક બીજાના કોન્ટેક્ટમાં રહીશું. પણ મને હજુ પણ સમજાતું નથી કે તું અહીં એકલો કેમ બેઠો છે ? અહીં વાત કરી શકાય એમ નથી ? " જયદેવને ખૂબ જ કુતૂહલ હતું.

બંનેએ એકબીજાના મોબાઈલ સેવ કરી લીધા.

" હવે એક કામ કર. હું ચાના પૈસા ચૂકવી દઉં પછી મારી ગાડીમાં બેસીને વાત કરીએ. " કેતન બોલ્યો.

" પૈસા ચૂકવવાના રહેવા દે. ભાઉ મને ઓળખે છે. " કહીને જયદેવ ગલ્લા પાસે ગયો.

" ભાઉ યે મેરા દોસ્ત હૈ. મેરા હી ઇન્તજાર કરતા થા. પૈસા મત લેના. "
જયદેવ બોલ્યો.

" કાહી હરકત નાહીં " ભાઉ બોલ્યો.

" તું આ હોટેલવાળાને કેવી રીતે ઓળખે છે ? " જયદેવ નજીક આવ્યો એટલે કેતને પૂછ્યું.

"અરે સવારે જતાં આવતાં ક્યારેક ક્યારેક ચાની ઈચ્છા થાય તો અહીં ચા પી લઉં છું. બે વર્ષનો સંબંધ છે એટલે મને સારી રીતે ઓળખે છે. અને ભાઉ ચા પણ ખરેખર બહુ જ સારી બનાવે છે. " જયદેવ બોલ્યો.

" હા એ તો પીધા પછી મને પણ લાગ્યું કે ચા ખરેખર સરસ હતી !" કેતને કહ્યું.

" તારી ગાડી ક્યાં છે ? " જયદેવ બોલ્યો. કારણકે હોટલની આજુબાજુ કોઈ ગાડી ન હતી.

"મારી પાછળ પાછળ આવ." કહીને કેતન ચાલવા લાગ્યો. લગભગ ૧૦૦ મીટર દૂર કેતને પોતાની ગાડી ઉભી રાખી હતી. જયદેવ પણ પોતાની બાઈક ઉપર ધીમે ધીમે કેતનની પાછળ આવ્યો.

કેતન દરવાજો ખોલીને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો અને બાઈકને સાઈડમાં પાર્ક કરીને બાજુની સીટ ઉપર જયદેવ બેઠો.

"હવે માંડીને મને બધી વાત કર. કારણ કે તારા જેવો અબજોપતિ માણસ અહીં આવીને એક બાંકડા ઉપર ચા પીએ એ કલ્પના જ હું કરી શકતો નથી. " જયદેવ બોલ્યો.

" જો જયદેવ... હોટલની સામે જે ઝુંપડપટ્ટી છે એ પ્લૉટ મારી એક મિત્રનો છે. હજુ હમણાં જ એની ઓળખાણ થઈ છે. ૨૫ વર્ષથી એનું ફેમિલી અમેરિકા રહેતું હતું એનો લાભ લઈને અહીં આટલી મોટી ઝૂંપડપટ્ટી ગેરકાયદે બની ગઈ. આ આખું દબાણ ખાલી કરાવી હું અને રુચિ પાર્ટનરશિપમાં અહીં બે ત્રણ રેસીડેન્સીયલ ટાવરો બનાવવા માગીએ છીએ. ૬૦૦૦ વાર ચોરસ જગ્યા છે. પ્લૉટની ઓનરશીપના બધા જ પેપર્સ રુચિ પાસે છે. " કેતન બોલી રહ્યો હતો.

"હવે આટલાં બધા મકાનો ખાલી કરાવવાં એ કોઈ નાનીસુની વાત નથી. એના માટે અંદર રહેતાં કેટલાંક મોટાં માથાંને પકડવાં પડે અને એમાં મને છ નામ મળ્યાં છે. આ લોકો ઝુંપડપટ્ટી ખાલી કરાવવાનો દાવો કરે છે અને મોટી રકમ માંગે છે. " કેતન બોલ્યો અને એણે રુચિનો વોટસઅપ ખોલીને જયદેવને વંચાવ્યો.

જયદેવે બધાં નામ વાંચી લીધાં. જેમાંથી ત્રણ જણને એ ઓળખતો હતો. રાજુ લંગડો, તુકારામ સાવંત અને લલ્લન પાંડે.

રાજુ લંગડો ફિલ્મ સિટીમાં બહુ મોટા પાયે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરતો હતો અને તે જયદેવને પણ વ્યક્તિગત રીતે ઓળખતો હતો. જયદેવ પણ એની પાસેથી જ ઘરે લઈ જવા માટે વાઇન લેતો હતો. રાત દિવસ કામ કરનારા ઘણીવાર વાઇનનું સેવન કરતા હોય છે.

તુકારામ સાવંત પૈસાના વ્યવહાર કરતો હતો અને ફિલ્મ સીટી સ્ટુડિયો નો નાનો સ્ટાફ ઘણી વાર એની પાસેથી વ્યાજે પૈસા લેતો હતો. કેટલાક કર્મચારીઓ પોસ્ટ ઓફિસમાં પોતાની બચત તુકારામ દ્વારા કરતા હતા. તુકારામ બધાનો હિસાબ પોતાના લેપટોપમાં રાખતો હતો. જયદેવે પણ એક રીકરીંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલે દર મહિને તુકારામ એની પાસે ફોન કરીને આવતો હતો. આ રીતે એનો પણ તુકારામ સાથે સંબંધ હતો.

" તારી વાત સાચી છે કેતન. આ બધા જ લોકો આમ જોઈએ તો માથાભારે જ છે છતાં જગતમાં કોઈ પણ કામ પૈસા વેરતાં અશક્ય નથી. તેં રાજુ લંગડાનો અને તુકારામનો પરિચય તો બરાબર આપ્યો છે પરંતુ રુચિએ લલ્લન પાંડેનો પરિચય અધૂરો આપ્યો છે. કાં તો એને પૂરેપૂરી ખબર નથી અથવા અત્યારે તને જણાવ્યું નથી. મારી પાસે જે માહિતી છે એ હું તને આપું છું. " જયદેવ બોલ્યો.

" લલ્લન પાંડે ખંધો રાજકારણી છે. પાટલી બદલું છે. પહેલા એ કોંગ્રેસનો કાર્યકર હતો પછી કોંગ્રેસનાં વળતાં પાણી થયાં એટલે એ શિવસેનામાં જોડાઈ ગયો. જો કે એ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે એનો ભારે દબદબો અને આવક પણ વધારે હતી. શિવસેનામાં જોડાઈ ગયા પછી એની પોલિટિકલ આવક ઓછી થઈ ગઈ છે. " જયદેવ વિગતવાર વાત કરી રહ્યો હતો.

" દરેક ઇલેક્શન વખતે એ ઉમેદવાર પાસેથી ઝૂંપડપટ્ટીના બધા મત એની પાર્ટીને અપાવવા માટે તગડા પૈસા ખંખેરે છે. લોકોનું કોઈપણ કામ હોય તો એ કરાવી આપે છે. ગેરકાયદેસર મકાનો છે એટલે મ્યુનિસિપાલિટી ના દબાણવાળાઓને પણ હફતા આપે છે અને એ પૈસા મકાન માલિકો તેમજ ભાડુઆતો પાસેથી વસૂલે છે." જયદેવ લલ્લનનો પરિચય આપી રહ્યો હતો.

"અમુક ત્રણ ચાર મકાનોમાં કુટણખાનાં પણ ચાલે છે તો ત્યાંથી પણ એ પૈસા વસૂલે છે. એમાંથી થોડા પૈસા એ દિલાવરખાનને પણ આપે છે."

" સૌથી અગત્યની વાત એ છે કે આજથી ૨૦ વર્ષ પહેલાં કોંગ્રેસના શાસનમાં લલ્લન આ એરિયાના કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો ત્યારે આ ગેરકાયદે ઝૂંપડપટ્ટી લલ્લન પાંડેએ જ ઉભી કરેલી." જયદેવ કેતનને આખી વાત સમજાવી રહ્યો હતો.

" એ પોતે રાજકારણની સાથે સાથે લેબર કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરે છે અને મોટી મોટી બિલ્ડીંગોમાં પોતાના લેબરો મોકલે છે. એણે પોતે શરૂઆતમાં કોર્પોરેશનમાં જઈ પોતાની વગ થી પ્લૉટના ૭ ૧૨ ના ઉતારામાં પોતાનું નામ ઘુસાડી દીધું અને પ્લોટમાં કોંગ્રેસ પક્ષ અને પોલીસની છત્રછાયામાં આઠ દસ પાકાં મકાનો ચણી દીધાં અને ખોટા દસ્તાવેજો બનાવી વેચી પણ માર્યાં." જયદેવ બોલ્યો.

" એ પછી એ પતરાંનાં છાપરાં અને સિમેન્ટ વગરની ઈંટોની દીવાલો વાળાં કાચાં મકાનો પણ બનાવતો ગયો. એ મકાનો વેચતો ગયો અને ભાડે પણ આપતો ગયો. પોતાના લેબરોને પણ આ ઝુંપડપટ્ટીમાં મકાનો ભાડે આપતો ગયો. ૨૦ વર્ષમાં તો આખી ઝૂંપડપટ્ટી વસી ગઈ. ભાડે આપેલાં તમામ મકાનોની ભાડાની બધી આવક આ પાંડે ઉઘરાવે છે. કારણ કે એણે જ બધા પૈસા રોક્યા છે. ૪૦ જેટલાં પાક્કા મકાનો અને ૭૫ જેટલાં કાચાં મકાનો એણે અહીં બનાવ્યાં. " જયદેવ બોલ્યો.

" આ ઝૂંપડપટ્ટી લલ્લન પાંડે માટે દૂઝણી ગાય જેવી છે. દર મહિને બેઠી આવક એને મળે છે એટલે જ્યાં સુધી લલ્લન તૈયાર ના થાય ત્યાં સુધી આ પ્લૉટનું એક પણ મકાન ખાલી ના થાય" જયદેવ બોલી રહ્યો હતો.

" ૭ ૧૨ ના ઉતારામાં પણ લલ્લન પાંડે નું નામ હોવાથી ખાલી કરાવવા માટે કોર્ટ કેસ કરવો પડે તો એમાં પણ વર્ષો જાય. એટલે હું રાજુ લંગડા સાથે અને તુકારામ સાથે તારી મીટીંગ તો કરાવી દઉં. અને એ લોકો કદાચ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા તૈયાર પણ થાય છતાં આ બધી વાતો એકડા વગરના મીંડા જેવી છે. કારણકે એ લોકોએ પણ આ
લલ્લન ને જ સૌથી પહેલાં પકડવો પડે." જયદેવે કેતનને ઘણી બધી અગત્યની માહિતી આપી.

" ખરેખર સાચું કહું તો ઈશ્વરે જ મને તારી પાસે આજે મોકલ્યો છે. તારી અને મારી મુલાકાત યોગાનુયોગ બિલકુલ નથી. મારા ગુરુજીએ જ આજે અહીં આવવાની મને પ્રેરણા આપી છે અને આશીર્વાદ આપ્યા છે." કેતન ઉપર જોઈને બોલ્યો.

" હું મુંબઈ આવેલો જ છું તો પ્લીઝ ગમે તેમ કરીને આવતીકાલે લલ્લન પાંડે સાથે મારી મુલાકાત કરાવી દે. કાલે શૂટિંગ કેન્સલ કરી દે. તને પણ આ પ્લૉટમાંથી તગડા પૈસા મળશે. કારણ કે તું પણ નિમિત્ત બન્યો છે અને મને હેલ્પ કરી રહ્યો છે. લલ્લન સાથે મીટીંગ થઈ જાય પછી પેલા બે વ્યક્તિઓને પણ આપણે ચોક્કસ મળીશું. " કેતન બોલ્યો.

"તો પછી એક કામ કરીએ. અત્યારે સાત વાગ્યા આવ્યા છે. લલ્લન અત્યારે ઘરે જ હશે. મારી પાસે એનો નંબર છે હું એને વાત કરી જોઉં. જો મુલાકાત થઈ શકતી હોય તો અત્યારે જ વાત થઈ જાય. એ અહીં ઝૂંપડપટ્ટી માં નથી રહેતો. અહીંથી એકાદ બે કિલોમીટર દૂર આરે કોલોની રોડ ઉપર એક શાનદાર ફ્લેટમાં રહે છે. " જયદેવ બોલ્યો.

" તો તો બહુ સારું તું ફોન લગાવ. " કેતન બોલ્યો અને એણે આંખો બંધ કરીને ગુરુજીનું સ્મરણ કર્યું.

" અરે પાંડેજી મૈ જયદેવ ઠાકર ફિલ્મ સિટી સે . પેહચાના ? " જયદેવ બોલ્યો.

" અરે એક્ટર સાહેબ આપકો કૌન નહી પહેચાનતા ! બોલીએ ક્યા સેવા હૈ ? " લલ્લન બોલ્યો.

" મેરા એક દોસ્ત આયા હૈ. વો અભી આપસે મિલના ચાહતા હૈ. આપ ઘર પર હો ક્યા ? " જયદેવ બોલ્યો.

" હાં આ જાઈએ. " લલ્લન બોલ્યો અને ફોન કટ કર્યો.

" હું બાઈક લઇ લઉં છું. પાંડે ઘરે જ છે અત્યારે. તું પાછળ પાછળ ગાડી લઈને આવ. " કહીને જયદેવ નીચે ઉતરી ગયો.

એ હેલ્મેટ પહેરીને બાઈક ઉપર બેસી ગયો. કેતને એની પાછળ ને પાછળ ગાડી લીધી. લગભગ બે કિલોમીટર દૂર એક ટાવરના કમ્પાઉન્ડમાં જયદેવે બાઈક વાળી. કેતને પણ એની પાછળ પાછળ ગાડીને અંદર લીધી પણ સિક્યુરિટી વાળાએ ગાડી ઉભી રખાવી.

" પાંડે સાહેબ" કેતન બોલ્યો.

પેલો ખસી ગયો અને આગળ કોમન પાર્કિંગ તરફ જવાનો ઈશારો કર્યો. કેતને ગાડીને એ બાજુ લઈ જઈને પાર્ક કરી.

ગાડીમાંથી ઉતરીને એ જયદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યો. લિફ્ટ આગળ જઈને જયદેવે ત્રીજા માળનું બટન દબાવ્યું.

ત્રીજા માળે ફ્લેટની બહાર જ લલ્લન પાંડેની મોટી નેમ પ્લેટ હતી. જયદેવે ડોરબેલ વગાડ્યો. ઘરના નોકરે દરવાજો ખોલ્યો. બન્નેએ અંદર પ્રવેશ કર્યો. ફૂલ એ.સી ચાલુ હતું. લિવિંગ રૂમમાં જ એક સોફા ઉપર લલ્લન પાંડે બેઠો હતો. દેખાવ ઉપરથી જ એ ખંધો રાજકારણી લાગતો હતો. શિયાળ જેવી એની આંખો હતી. ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભો અને આંખે સોનેરી ફ્રેમના ચશ્મા. ઝભ્ભો હમણાં જ બદલ્યો હોય એવું લાગતું હતું કારણ કે ઘરમાં જ કોઈ આવી રીતે કડક સફેદ ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભામાં ના બેસે !!

" પધારીએ એક્ટર સાહેબ. અરે પલ્લવી દેખો કોન આયા હૈ ? " લલ્લને અંદર જોઈને એની પત્નીને બૂમ પાડી.

થોડીવારમાં એની પત્ની પલ્લવી બહાર આવી અને જયદેવ ઠાકરને જોઈને ખમચાઈ ગઈ. એણે બે હાથ જોડ્યા. એ ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી.

" નમસ્તે ભાઈસા'બ ! આપકી સીરીયલ મેં હંમેશા દેખતી હું. બહોત બઢિયા અભિનય કરતે હો આપ." પલ્લવી બોલી.

" અરે કુછ ઠંડા વંડા ભેજો. આજ પહેલી બાર હમારે ઘર આયે હૈ " પાંડે બોલ્યો.

" જી ભેજતી હું. " કહીને પલ્લવી જલ્દી જલ્દી અંદર સરકી ગઈ. કારણ કે એને આવડા મોટા એક્ટર સાથે વાત કરતાં સંકોચ થતો હતો.

" બોલીએ સર જી. ક્યા સેવા હૈ ?" લલ્લન કેતનની સામે જોઈને બોલ્યો.

" બાત ઐસી હે પાંડેજી કિ મેરા યે દોસ્ત આપકા વો ઝોપડપટ્ટીવાલા જો બડા પ્લૉટ દિંડોશીમેં હૈ વો ખરીદના ચાહતા હૈ. સારે મકાન ખાલી કરવાકે પ્લૉટ ચાહીયે ! આપ બસ ખાલી કરવાનેકી કિંમત બોલો." કેતનના બદલે જયદેવ બોલ્યો.

"પાંડેજી પૈસા કમાને કા બહોત બડા ચાન્સ મેં આપકો દે રહા હું. ઐસા ચાન્સ બાર બાર નસીબમેં નહી આતા. કરોડો રૂપિયે આપકો મિલ સકતે હૈ. મેં એકદમ સીરીયસ હું ઔર સીધા આપકે પાસ આયા હું. જીસકો જીતના ચાહિયે ઇતના આપ બાંટ દેના. બાકીકા મુનાફા આપકા. આખિર મકાન તો સબ આપકે હી બનાયે હુએ હૈ ના !! " જયદેવે પોતાની વાત પૂરી કરી.

"ઔર અગર મેં યે પ્લૉટ ના દું તો ? બહોત લોગ આ ચુકે હૈ પ્લૉટ ખરીદને કો." પાંડે ઠંડા કલેજે બોલ્યો. એનો અવાજ થોડો બદલાઈ ગયો હતો.

" તો આપકી મરજી પાંડે જી. હમારી કોઈ જબરદસ્તી તો હૈ નહીં. તગડે પૈસે આપકો મિલ રહે હૈં તો આપકો સીધા મિલને ચલા આયા. " જયદેવ બોલ્યો.

આ બધી ચર્ચા દરમિયાન કેતન લલ્લન પાંડેની સામે તાકી રહ્યો હતો અને બે-ચાર મિનિટના ધ્યાનમાં ઊંડા ઉતરી એણે પાંડે વિશે ઘણું બધું જોઈ લીધું હતું.

"પાંડે સાહેબ સબ તૈયારી કે સાથ મૈં યહાં આયા હું. ૨૦ સાલ પહેલે જબ આપ કોર્પોરેટર બને થે તબ ૭ ૧૨ કે ઉતારે મેં લક્ષ્મીચંદ મખીજા કા નામ થા ! આપકી નજર યે ખાલી પ્લૉટ પર થી જો પાંચ છ સાલ સે ઐસે હી ખાલી પડા થા ઓર વહાં કચરે કા બડા ઢેર બના થા. આપને તપાસ કી તો પતા ચલા કી યે કોઈ સિંધી કા પ્લૉટ હૈ જો હમેશા કે લિયે અમેરિકા ચલા ગયા હૈ." કેતન પાંડેની નજરની સામે નજર મીલાવીને વાત કરતો હતો

"આપને નગરપાલિકામેં એસ્ટેટ વિભાગમેં સતીશ મોરે કો પકડા. આપ ઉસ વક્ત કોર્પોરેટર થે. આપકા કહા કૌન ટાલ સકતા થા ? આપને અચ્છે પૈસે સતીશકો દિયે. સતીશને રજીસ્ટર મેં પ્લૉટકે સર્વે નંબરમેં આપકા નામ ભી લક્ષ્મીચંદ કે સાથ જોડ દિયા. મુકુંદ કાલકર નામ કે એક નોટરીકો પૈસા દે કર ફર્જી પાવર ઓફ એટર્ની ભી બના દી જિસ પે આપને લક્ષ્મીચંદ કી જૂઠી સાઈન ભી કર દી. " કેતન બોલતો હતો.

" ફીર આપને વો પ્લોટ સાફ કરવાયા ઓર રોડ સાઈડકી કમ્પાઉન્ડ વોલ તુડવા દી. મકાન બનાને કા કામ ચાલુ કર દિયા. યે પૂરા રેકોર્ડ મેરે પાસ હૈ. સતીશકા ઔર મુકુંદકા એડ્રેસ ભી મેરે પાસ હૈ. જો પોલીસ ઇન્સ્પેક્ટરને ઈસ કામમેં આપકો મદદ કી થી વો સાળુકે કા પતા ભી મેરે પાસ હૈ. મૈં યે ક્રિમીનલ કેસ સીધા હાઇકોર્ટ મેં કરુંગા ઔર સબ કો એક સાથ ઘસીટુંગા. મુંબઈ કા સબસે બડા ઓર મેંહગા વકીલ મૈંને પકડા હૈ. એક મહિનેમેં ફૈસલા આ જાયેગા ઔર સબ અંદર જાયેંગે. પ્લૉટ તો ખાલી કરના હી પડેગા ઔર વો ભી ખાલી હાથ ! બહેતર હૈ જો પૈસે ચાહિયે વો લે લો ઔર જેલ જાને સે બચ જાઓ." કેતન સહેજ ઉશ્કેરાઈને બોલ્યો.

લલ્લન પાંડેને એ.સી માં પણ પરસેવો વળી ગયો અને જયદેવ ઠાકર તો કેતનને બસ જોઈ જ રહ્યો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)