Bus tu kahish ae karish - 3 books and stories free download online pdf in Gujarati

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૩)

"બસ તું કહીશ એ કરીશ"


(ભાગ-૩)
પતિ પત્નીની ખટમીઠી વાતો વખતે એક ફોન આવે છે.
જે કોઈ રેખાનો હોય છે..

પ્રભાવ અને પ્રભાવિકા પૌંઆનો નાસ્તો કરે છે..

હવે આગળ..

પ્રભાવિકા:-" પછી તમે જીવનનું રહસ્ય શોધ્યું?"

પ્રભાવ:-" પહેલા મને કહે તું કોઈ રેખા કે ઈશિતાને ઓળખે છે?"

પ્રભાવિકા હસી પડી.
" ભાવિકના પેન્ટના ખીસ્સામાંથી ફોટો નીકળ્યો હતો એ કદાચ ઈશિતા હોઈ શકે.જો એ ફોટો ધોવાઈ ના ગયો હોત તો મને ઈશિતાનો ચહેરો જોવા મળતો.છોકરાની પસંદગી ખબર પડતી."

પ્રભાવ:-"એટલે બંન્ને ને સાથે જોયા છે એમ ને!"

પ્રભાવિકા:-" મેં એમ ક્યાં કહ્યું! હા..પણ મને યાદ છે એક દિવસ.."

પ્રભાવ:-" શું એક દિવસ? જલ્દી કહે આપણા દિકરાની જીંદગીનો સવાલ છે.જો એને પસંદ હોય તો મારી હા જ છે. તું હા કહે કે ના..પણ હું લાલુની જ તરફેણ કરીશ."

પ્રભાવિકા:-"આમ આકરા ના થાવ. પાછું ઉશ્કેરાટમાં બીપી હાઈ થઈ જશે.ને પછી તાવ આવશે.મારે વગર કામની દોડાદોડી થશે. આરામ થી... આરામ થી વાતો કરો.આપણે ક્યાં ગાડી પકડવાની છે!"

પ્રભાવ:-" શું આરામ કરું.આ વાત જાણી એટલે એક રીતે ટેન્શન અને બીજી બાજુ ખુશી પણ થાય છે. પણ રેખાને તું મળી છે?"

પ્રભાવિકા:-" તમારી સાથે કઈ રેખાએ વાત કરી એ ખબર નથી.પણ હવે ફોન હું જ ઉપાડીશ. હું શું કહું છું.એક દિવસ તમે નહોતા ત્યારે આપણો ભાવિક એની બાઈક પર આવ્યો હતો. સાથે એક છોકરી હતી."

પ્રભાવ:-" પ્રભા...પ્રભા.. હવે તું મને કહે છે? કેટલા દિવસ પહેલાની વાત છે. તેં એ છોકરીનું નામ પુછ્યુ હતું?.ભાવિક સાથે કેમ આવી હતી? આખી મજા મારી દીધી. હવે શું બીજી છોકરી જોવાનો શું ફાયદો? મારી તો મહેનત બેકાર જવાની છે.પછી શું થયું હતું એ વિગતવાર કહે. હવે આવું બધું હોય તો મને કહી દેવાનું. બહુ ખાનગી રાખે છે. જો હું બધું કહું છું કે નહીં. તું કહે એ પ્રમાણે પણ કરું જ છું.પણ આપણા ભાવિકના બાબતે હું નહીં ચલાવી લઉં. એને પણ એની મરજી મુજબ જીવવું હોય કે નહીં. બધા મારા જેવા સીધા સાદા પત્ની વ્રતધારી ના હોય."

પ્રભા:-" બહુ બોલ બોલ કરી લીધું. હવે મારી વાતો સાંભળો. મને લાગે છે કે હવે તો તમારી બડબડ સાંભળીને બહેરી થઈ જવાની. હા તો ભાવિક એક છોકરી સાથે આવ્યો હતો. પુછ્યુ તો કહ્યું કે એ છોકરીની સ્કુટી બગડી છે એટલે રીપેરીંગ કરવા આપી છે.એક કલાક થશે.એટલે આપણા ઘરે લેતો આવ્યો.
છોકરીનું નામ પુછ્યુ તો ઈશા કે એવું કંઈ નામ હતું.આપણા ભાવિકની ફ્રેન્ડ છે.એટલે કદાચ એ છોકરીનો ફોટો હશે જે ધોવાઈ ગયો હશે. કદાચ ફોનવાળી રેખા ઈશિતા નામની છોકરીની મમ્મી કે મોટીબહેન કે માસી પણ હોય."

પ્રભાવ:-" તો એમ કહે ને! તું તો ધારાવાહિક વાર્તાની જેમ બોલે છે.સો હપ્તા સુધી વાર્તા ખેંચે ત્યાં સુધી વાંચતા રહેવાનું પણ તું પહેલા શું બોલી ગઈ એ પણ હું ભૂલી ગયો. એટલે જ હું ન્યૂઝ પેપરમાં આવતી ધારાવાહિક વાંચતો જ નથી. કેટલું બધું યાદ કરવાનું. પાછું આપણે દર સપ્તાહે યાદોનું સરનામું શોધવાનું.
એના કારણે બીજા કટાર લેખો વંચાતા નથી. તું કહે છે એ ટુંકમાં હું સમજી ગયો. પણ શું સમજ્યો એ પણ સમજવું પડશે. હે ભગવાન,આ જીંદગી કેટલી complicated બનાવી છે. આના કરતાં જીંદગીનો મોહ છોડીને મંદિરમાં બેસી ગયો હોત તો સારું થાત. પ્રભા..પ્રભા.. જીંદગી આસાન બનાવ.જલ્દી લાલુને પરણાવી દે એટલે હું રેવાના કાંઠે આશ્રમમાં જતો રહું."

પ્રભા:-" તમે પણ હવે પહેલા જેવા થતા જાવ છો.આ પહેલા પણ તમે બાવા બનવાની ધમકી આપી હતી.આ તો તમને સમજાવી સમજાવીને સાચવ્યા.અને આપણા લાલુનો જન્મ થયો. ઈશ્વરે આપણને એક સુંદર કાનુડો આપ્યો છે.આપણે એની સાથે જ જીવવાનું છે.તમને ખબર છે આ દુનિયા કેવી છે? તમને તો અનુભવ છે.ખરી વખતે જ તમારા સગાંસંબંધીઓએ સાથ છોડી દીધો હતો. એટલે આપણે તો આપણા લાલુ સાથે જ જીવન પસાર કરવાનું છે. હું શું કહું છું એ સમજ પડે છે ને!"

પ્રભાવ:-" હા..હા.. હું સમજી ગયો. મને હવે જીવનનું રહસ્ય ખબર પડવા માંડી છે.જીવન એક મોહમાયા છે.
હે બાલિકે.એટલે દુનિયાનો મોહ છોડતા જવાનો. જિંદગી આતી હૈ, જિંદગી ચલી જાતી હૈ. બીચ મેં બસ જાતા હૈ મેરે જૈસા હિન્દુસ્તાની. ઓહોહો થોડા થોડા હિન્દી આવડતા ગયા. આ હિન્દી ફિલ્મોનો કમાલ છે. જિંદગી કા સાર ઈતના હૈ કિ લાલુને જલ્દી પરણાવી દે એટલે પત્યું. તું મારા ઘરે અને હું... હું... જવાનું ક્યાં? મારા ઘરે જ.બસ હવે તું કહીશ એ કરીશ."

એ વખતે લેન્ડલાઇન ફોન રણક્યો.
પ્રભાવિકા ફોન ઉપાડવા ગઈ.પણ રીંગ બંધ થઈ ગઈ.
પ્રભાવિકા એ ફોન ઉપાડીને ચેક કર્યો.
બોલી:-"ઓહ્.. આમાં તો ઘરરર..અવાજ આવે છે. ચોક્કસ ફોન બગડી ગયો છે.તમને જીવનનું રહસ્ય ખબર પડી.પણ આ ડબ્બાનુ કંઈક કરો. મને લાગે છે કે કીટી પાર્ટીમાં આવતી હતી એ રેખાનો જ ફોન હશે. મેં એને મારો મોબાઈલ નંબર આપેલો છે છતાં લેન્ડલાઇન પર ફોન કરતી હશે? લોકો કેટલા બધા ગરીબ બની ગયા છે? ઘરના વાઇફાઇથી નેટ ચલાવે છે.પણ મોબાઈલ કોલના રિચાર્જ કરાવતા જ નહીં હોય. કીટી પાર્ટીમાં તો બનીઠનીને આવે છે.હા..યાદ આવ્યું.એણે કહ્યું હતું કે એની સીસ્ટરની એક ડોટર છે.એના માટે યોગ્ય હસબંડ શોધે છે.કદાચ એ જ હશે."

પ્રભાવે આંખો ઝીણી કરીને પ્રભા સામે જોયું.
બોલ્યો:-" હવે રહી રહીને બોલે છે. એ વખતે જ ના કહેવાય કે અમારા ઘરમાં યોગ્ય ઉમેદવાર છે પણ યોગ્ય હસબંડ નથી. સોરી..સોરી..જીભ ફિસલ જાતી હૈ. અરે હસબંડ તો લગ્ન કરે એ પછી બને.યોગ્ય મુરતિયો કહેવાય.આ બધા ગરબડ ગોટાળા તો અંગ્રેજી મિડિયમના લીધે પણ થતાં હોય છે. મને તારી એ રેખાનો ફોન નંબર આપ.તારાથી મોબાઈલ પર વાત ના થતી હોય તો હું વાત કરું.આપણા લાલુ..અરે.. ભાવિકના ભવિષ્યનો સવાલ છે."

પ્રભા:-" હવે રહેવા તમે.રેખા નામ આવે એટલે તરત જ દોડી આવો છો.તમે કંઈ અમિતાભ નથી હો!ને રેખાનો મોબાઈલ નંબર તમને કેમ આપું? એણે કદી મારા મોબાઇલ પર ફોન કર્યો નથી.પછી હું શું કામ ફોન કરું? હા કોઈક દિવસે એ લેન્ડલાઇન પર ફોન કરે છે.અમારી અડધો કલાક વાતો ચાલે છે."

પ્રભાવ:-" હેં.. મને ખબર જ નથી.પણ તું ક્યારે વાતો કરે છે? અડધો કલાક વાતો કરે ને મને ખબર ના હોય?"

એ વખતે લેન્ડલાઇન લાઈન ફોનની રીંગ વાગી.
પ્રભાવ:-" જલ્દી ઉપાડ.પાછો બંધ થશે.તારી રેખા જ હશે."

પ્રભાવ મનમાં....
હે ભગવાન..આ શંકાશીલ પત્નીનું શું કરવાનું. પડ્યું પાનું નિભાવી લેવાનું એવું દિલ કહે છે..એ જેમ મને ચલાવી લે છે એમ જ..

પ્રભાવિકા:-" પાછું મનમાં કંઈક રમત ચાલુ કરી.ફોન ઉપાડુ છું."

પ્રભાવિકા એ ફોન ઉપાડ્યો.
" હેલ્લો.. હેલ્લો.. હેં બીએસએનએલ સર્વીસ? શું કહ્યું તમે? બરાબર સંભળાતું નથી. હેં રીપેરીંગ ચાલે છે એટલે આવું થાય છે! સારું સારું ભાઈ પણ એક વખત અમારો ફોન ચેક કરી જજો. વારંવાર બંધ થઈ જાય છે.આ વખતે અમે બોણી આપી છે એ ખબર હશે જ. સારું સારું."

પ્રભાવ:-" શું કહ્યું ટેલિફોન અધિકારી એ?"

પ્રભા:-" રીપેરીંગ કામ ચાલુ છે.ગમે ત્યારે આવ જા થશે."

પ્રભાવ:-" ઓ બીએસએનએલ વિનંતી કરીએ તને, જલ્દી કરો રીપેરીંગ કામ,તને આપેલી બોણીના આપું હું સોગંદ,ફરી ફરી આવું ના કરો,એક કોલનો છે ઈંતેજાર. અરજન્ટ કામ આવ્યું છે, એટલે પુરા કરજો કામ."

પ્રભા:-" લાગે છે કે હવે મારે જ મારા મોબાઇલથી રેખાને ફોન કરવો પડશે.મારી ઈજ્જત જવાની છે. મારું નાક નીચું રહેવાનું.પણ તમારું માન સન્માન જળવાય એટલે કોલ કરું છું.તમે કહો છો એટલે જ ફોન કરું છું.આપણા લાલુના ભવિષ્યનો સવાલ છે. એ રેખાએ મને કહ્યું જ હતું કે તું પહેલો કોલ કરીશ તો જ એ કોલ કરશે. શું માણસો છે દુનિયામાં. બધાને પોતાનો ઈગો છે."

( ભાગ-૪ માં પ્રભાવિકા એની કીટી પાર્ટી સખીને ફોન કરશે? પ્રભાના લેન્ડલાઇન પર આવેલો કોલ કોનો હશે? વાંચતા રહેજો અને હસતા રહેજો.)

- Kaushik Dave