Bus tu kahish ae karish - 6 books and stories free download online pdf in Gujarati

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૬)

"બસ તું કહીશ એ કરીશ"


(ભાગ-૬)

પ્રભા પર એની સખી રેખાનો ફોન આવે છે. સાંજે રેખા પ્રભાના ઘરે આવવાની હોય છે. પ્રભાવ બહાર આંટો મારીને આવે છે.પણ સો રૂપિયા ખર્ચ કરીને આવે છે.પ્રભા એ માટે પુછે છે..
હવે આગળ..

પ્રભાવ:- "મારો મિત્ર પન્નુ પેજર મળી ગયો હતો.એ મારો જુનો મિત્ર છે."

પ્રભા:-" હા પણ તમે નાસ્તો કરીને ગયા હતા તો રૂપિયા મિત્રો પાછળ વાપરવા માટે લેતા ગયા હતા! હવે પાંચસોની નોટ મારા પાકિટમાં મુકો. પણ તમે સો રૂપિયા શેમાં વાપર્યા?"

પ્રભાવ:- "પણ પહેલા મને કહે કે સાંજે કોણ આવવાનું છે? કોને શુકનના આપવાના છે? મને પુછ્યા વગર ભાવિકનું નક્કી કરવાનું નથી."

પ્રભા હસતા હસતા બોલી:-" મારી સખી રેખાનો ફોન આવ્યો હતો."

પ્રભાવ:-" ઓહ્..રેખાનો ફોન! આખરે આવ્યો ખરો. શું કહેતી હતી?

પ્રભા:-" ઓહ્ એમાં આટલો ઉતાવળા કેમ થાવ છો? રેખા સાંજે આવવાની છે.કદાચ સાથે એની ભાણી ઈશિતાને સાથે લાવશે એવું કહ્યું તો છે.ખરેખર આવે તો સારું. હું તો હરખપદુડી થઈ ગઈ છું. પણ આ સારું નહીં.મારે પણ થોડી ધીરજ રાખવાની જરૂર છે.એટલે કહું છું કે ભાવિકને ફોન કરો કે એ સાંજે ઘરે જલ્દી આવે."

પ્રભાન:-"ઓકે ઓકે. તું જે કહીશ એ કરીશ."

પ્રભા:-" હા..પણ ઉભા રહો. હમણાં ના કરો. પહેલા મારા સવાલનો જવાબ આપો.તમને વાત ઉડાડતા સારું આવડે છે."

પ્રભાવ:-" અરે મેં કોઈ વાત ના કરી હોય એવું બને જ નહીં. મને જલદી ફોન કરવા દે."

પ્રભા:-" પહેલા મને કહો કે આ પન્નુ પેજર કોણ છે? સો રૂપિયા ક્યાં વાપરી આવ્યા? મેં તમારા માટે જમવાનું બનાવ્યું છે એ બગાડવાનું છે? પેટ ભરીને નાસ્તો કર્યો હશે!"

પ્રભાવ:-" એમ વાત કર ને! હું બજારમાં નાસ્તો કરું તો પણ તને દુઃખ થાય છે. પન્નુ પેજર મારો એક જુનો મિત્ર છે. હું આંટો મારવા નીકળ્યો હતો ત્યારે એ મળી ગયો હતો. પણ એનું નામ પન્નાલાલ મારવાડી છે. પણ એ ગુજરાતી છે.એ ચિંગુસ મારવાડી છે એટલે અમે એનું નામ પન્નાલાલ મારવાડી પાડી દીધું હતું. જે જમાનામાં મોબાઈલ નહોતો એ જમાનામાં એ પેજર વાપરીને અમારી સામે પોતાનો વટ પાડતો હતો.ધીરે ધીરે એને અમે પન્નુ પેજર કહેવા લાગ્યા."

પ્રભા:-" તમે તો કથા કરવા લાગ્યા. રૂપિયા ક્યાં વાપર્યા એ કહો.મને એ જાણવામાં રસ છે."

પ્રભાવ:-" પન્નુ મળી ગયો.એ કહે બહુ વખતે આપણે મળ્યા છીએ તો એ મને નાસ્તો કરાવવા માંગતો હતો. મેં ના પાડી.તો કહે કે પૌંઆ ખાધા હશે.પચી પણ ગયા હશે.એમ બોલીને મને નાસ્તાની લારી પર લઈ ગયો. એણે મેંદુવડા મંગાવ્યા.મારા માટે ઈડલી."

પ્રભા:-" પણ રૂપિયા તો એણે જ આપ્યા હોય ને!"

પ્રભાવ:-" તું બહુ ઉતાવળી છે. પુરી વાત તો સાંભળ. મેં ઈડલીના વખાણ કર્યા.તો એણે પણ ઈડલી ખાધી. મારું પેટ ભરાઈ ગયું હતું એટલે વધુ ખાધું નહીં.જ્યારે રૂપિયા આપવાના થયા ત્યારે એણે એના ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકિટ પણ નહોતું ને રૂપિયા પણ નહોતા‌ એણે મારી પાસેથી ઉછીના સો રૂપિયા માંગ્યા. મેં આપી દીધા. લારી વાળાએ ત્રીસ રૂપિયા પાછા આપ્યા.એ એણે પાસે રાખી લીધા. કહ્યું કે ઉછીના સો‌ રૂપિયા લીધા છે.જ્યારે મળીશું ત્યારે પાછા આપીશ. જો ના મળીએ તો તેં નાસ્તો કરાવ્યો છે એવું માની લેવાનું. મિત્ર પાછળ આટલું તો કરવું પડે."

પ્રભા:-" આવા ને આવા તમારા મિત્રો છે.તમને ટોપી આપીને જતો રહ્યો.સાથે ત્રીસ રૂપિયા રોકડા લેતો ગયો. હવે એક પાંચસોની નોટ મારા પાકિટમાં મુકી દો."

પ્રભાવ:-" હા..હાં.. મુકું છું. તું કહીશ એ કરીશ.પણ તું કહે કે રેખા કેટલા વાગે આવવાની છે.એની ઈશિતાનો ફોટો મોકલ્યો? રેખાને શું ભાવે છે એ ફટાફટ કહે તો હું લેતો આવીશ.આપણા ભાવિકની જીવનનો સવાલ છે.એક તો છોકરીઓ ઓછી છે એટલે આપણે ત્વરિત નિર્ણય લેવો પડશે..સોરી..સોરી..ભાવિકે નિર્ણય લેવો પડશે."

પ્રભા:-" હવે ટાયલાવેડા રહેવા દો.એ આવશે એની અનુકૂળ સમયે પણ આવશે ચોક્કસ.પણ જો રાખી પણ આવી ગઈ તો..તો.."

પ્રભાવ:-" એમાં શું? આપણને ચોઈસ મળશે.પણ જો એ છોકરીઓ ભાવિકને ઈન્ટરવ્યુમાં ગુંચવી દેશે તો! મારા જેવો સાવ સીધો છે.કંઈ જ ખબર પડતી નથી. તું એને સમજાવજે."

પ્રભા:-" હા..આપણો ભાવિક સીધો છે.એ વાતોમાં ગુંચવાઈ જવાનો એવું લાગે છે.પણ વાંધો નહીં.રાખી તો મારી ખાસ સહેલી છે.છેવટે એ એની અસિતા માટે તૈયાર થઈ જશે.હવે જલ્દી ભાવિકને ફોન કરો.પછી મને જ વાત કરવા દેજો.તમે તો દર વખતે બાફો છો."

પ્રભાવ:-" પણ આમ મને ના કહે. હું ભાવિકને ફોન કરું છું. પણ શું કહું?"

પ્રભા:-" તમને તો કશું આવડતું નથી.કોઈ મહેમાન આવે તો તમારે ચુપ જ રહેવાનું છે.લાવ હું જ ફોન કરું."

પ્રભાવ:-" અરે પણ હું ફોન કરું છું."

આમ બોલીને પ્રભાવે ભાવિકને ફોન કર્યો.
પણ ભાવિકે ફોન ઉપાડ્યો નહીં.
બીજી વખત ફોન કર્યો પણ એણે ફોન ઉપાડ્યો નહીં.

પ્રભાવ:-" ભાવિકે ફોન ઉપાડ્યો નથી. એને કામ આવી ગયું હશે.આજકાલ તો ઓફિસમાં કામ પણ વધી ગયું છે.એટલે સાંજે ઘરે આવે ત્યારે થાકી ગયેલો દેખાતો હોય છે. હું એને મેસેજ કરું છું."

આમ બોલીને પ્રભાવે ભાવિકને મેસેજ કર્યો.

પણ એનો જવાબ આવ્યો નહીં.

પ્રભા:-" સારું સારું. હવે તમે જમવાના છો કે પછી મારું જમવાનું બગાડવાનું છે? બાર વાગી ગયા છે.મારે કામકાજ પણ પતી ગયું છે.મને ભૂખ લાગી છે."

પ્રભાવે ઓડકાર ખાધો.
બોલ્યો:-" હું હમણાં જમીશ નહીં.એક કલાક પછી જમીશ. તું તારે જમી લે."

પ્રભા:-"એમ કંઈ ચાલતું હશે. તમે જમો નહીં ને હું જમવા બેસું એ મને ગમે નહીં. કોળીયો ઉતરે નહીં."

પ્રભાવ:-" સારું.પણ તેં રાખી વિશે મને કહ્યું નહીં.અસિતા કેટલું ભણી છે? રાખી ક્યાં રહે છે? એના હસબંડનું નામ શું છે? તારી કોલેજ વખતની સખી છે પણ હાલમાં એનો સ્વભાવ અને એ શું કરે છે એ તને ખબર છે?"

પ્રભા:-" તમે તો બહુ લપ કરો છો.બહુ પુછ પુછ કરો છો એટલે કહું છું.આપણા ઘરે મહેમાન તરીકે આવશે એટલે તમને જાણ હોવી જરૂરી છે.રાખી અને હું કોલેજ સમયની સખીઓ છીએ. કોલેજની એ ઐશ્વર્યા રાય હતી."

પ્રભાવ:-" હવે ઓછું ફેંક....એ જમાનામાં ઐશ્વર્યા રાય ક્યાં હતી!"

પ્રભા:-" આ તમને ઉદાહરણ આપું છું.હા તો એને કોલેજમાં ડ્રીમ ગર્લ હેમા કહેતા હતા.એ કોલેજમાં બધી એક્ટીવીટીમાં ભાગ લેતી હતી. અમારી કોલેજમાં એક હીરો જેવો હતો મહેશ'બટુકબાબુ'.એની સાથે રાખીને બહુ બનતું હતું. કોલેજમાં એ બંનેની જોડી જામતી હતી.એક નાટકમાં બંને સાથે હતા ત્યારથી બંનેની મિત્રતા થઈ હતી.મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. એ નાટકમાં મહેશે બટુકબાબુનો રોલ કર્યો હતો એટલે એને બટુકબાબુ તરીકે પણ ઓળખતા હતા."

પ્રભાવ:-" એક મીનીટ..એક મીનીટ. તેં નાટકમાં ભાગ લીધો હતો?"

પ્રભા:-" હોવે.એ નાટકમાં હું હેમા ઉર્ફે રાખીની સખી હતી એટલે મહેશ સાથે પણ મારી મિત્રતા થઈ હતી."

પ્રભાવ:-" તારા પાત્ર સામે કોઈ હીરો હતો કે એમ જ પાત્ર હતું!"

પ્રભા:-" તમે તો બહુ શંકાશીલ છો. હું તમને તમારો ભૂતકાળ પુંછું છું! મને ખબર છે તમે કોલેજમાં કેટલા ખેલ કર્યા છે? હાં મારા રોલ સામે એક સાઈડ હીરો હતો અમીત મોહંતી. મને એનો રોલ ગમતો હતો."
પ્રભાવ:-" એટલે રાખી સાથે મહેશ અને તું અમીત સાથે..તો તો તને જયા જ કહેતા હશે!"

પ્રભા:-" હા, કોલેજમાં મને જયા જ કહેતા હતા.પણ તમને તો મારી કદર જ નથી."

પ્રભાવ:-" હવે એ વાત છોડ. પછી રાખીનું પ્રકરણ ક્યાં સુધી ચાલ્યું? રાખી મહેશ સાથે પરણી હતી? રાખી સાથે એનો વર પણ આવવાનો છે? તારી પાસે બંનેના ફોટાઓ છે?"
( ભાગ-૭ માં પ્રભાવના સવાલોના જવાબ પ્રભા શું આપશે? રાખીનો વર મહેશ' બટુકબાબુ' હશે! ભાવિકનો ફોન આવશે?
સાંજે રેખા આવશે ત્યારે શું થશે? વાંચતા રહેજો હસતા રહેજો.)
- કૌશિક દવે