Kalmsh - 15 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 15

ઈરાને નવાઈ ન લાગી વિવાનનું ઘર જોઈને. નવાઈ લાગવા જેવું હતું પણ શું? એક સમયે વિના કોઈ બજેટ સજાવ્યું હતું તે પણ સુરુચિપૂર્ણ હતું. હવે હાઈ ફાઈ બજેટ સાથે સજાવાયું હોય એમ લાગી રહ્યું હતું.

વૈભવશાળી બિલ્ડિંગના પંદરમે માળે આવેલા ફ્લેટમાંથી બહારનો નઝારો નજરે પડતો હતો. સાંજ થઇ રહી હતી. બારીમાંથી નજરે પડતો સમુદ્ર સૂર્યના સાથી બનવું હોય તેમ કેસરીયા રંગે રંગાઈ ચુક્યો હતો. ચુસ્તરીતે બંધ બારીઓ પર વહેતી હવા ટકોરા કરીને પોતાની હાજરી નોંધાવી રહી હતી. વાતાવરણમાં એરકંડિશનરની હળવી ઘરઘરાટી સિવાય કોઈ રવ નહોતો. ફ્લેટ બખૂબીથી સજાવાયો હતો. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ સાથે કોન્ટ્રાસ્ટ જમાવતાં સી ગ્રીન કલરના કર્ટન્સ લાઈફ સાઈઝ વિન્ડો પરથી બહારની દુનિયા ઉજાગર કરાવવી હોય તેમ ખુલ્લા હતા. કોલોનિયલ ફર્નિચર વિવાનના ટેસ્ટનો પરિચય આપતું હતું. દીવાલો પર ખ્યાતનામ આર્ટિસ્ટના મોંઘા પેઈન્ટિંગ્સથી શોભતી હતી. સોફા પર શોભતા કલરફુલ કુશન્સ , પર્શિયન કાર્પેટ, બોહેમિયન વાઝમાં સજાવેલી તાજાં ફૂલની સજાવટ.

ઘરમાં રહેલી એક એક ચીજ વિવાનના બદલાઈ ગયેલા વ્યક્તિત્વ પર ગવાહી આપતી હતી. સાદગી સાથે ઐશ્વર્યની પરિભાષા હળવી રીતે સ્પર્શી રહી હતી. ઘરની સજાવટમાં એક નાજુક સ્પર્શ છલકતો હતો. વિવાન કોઈક સાથે ..?

વિવાન કોઈ સાથે રિલેશનશિપમાં હોય એવું તો ક્યાંય વાંચ્યું નહોતું પણ શું ખબર ? ઈરાને પોતાની કલ્પના પર જરા ચીડ ઉપજી. ધારો કે એ કોઈ સાથે રિલેશનશિપમાં હોય તો પણ શું ? એને ક્યાં કોઈ દ્રોહ કર્યો હતો ?

ઈરાને વધુ રાહ ન જવી પડી. લાઈબ્રેરીનું બારણું ખુલ્યું અને વિવાન બહાર આવતો દેખાયો.

સાત વર્ષમાં વિવાન સમૂળગો બદલાઈ ગયો હતો. નહોતી બદલાઈ તેની અસ્તવ્યસ્ત વાળ રાખવાની સ્ટાઇલ. વધારેલી ફ્રેન્ચ કટ દાઢી એને શોભતી હતી. વજન પણ ખાસ્સું વધ્યું હતું. ગોલ્ડન રીમલેસ ચશ્મા હવે એની નવી ઓળખ હતા. એક સમયે દુબળો પાતળો લાગતો વિવાન હવે નિયમિત જીમની મુલાકાત લેતો હશે એમ એના સુદ્રઢ શરીરના કટ પરથી લાગતું હતું.

હેન્ડલૂમનો કુર્તો અને જીન્સ ઓળખ હતી વિવાનની. તેની બદલે વિવાન સજ્જ હતો વ્હાઇટ શર્ટ અને જીન્સમાં , એનું વ્હાઇટ શર્ટ ઇજિપ્શિયન કોટનમાંથી બન્યું હોય તેવું પ્રભાવશાળી હતું.
હવે એ નજીક આવી ચૂક્યો હતો. ઇરા એની સાથે હાથ મિલાવવા ઉભી થઇ.

પાસે આવતાં જ વિવાનના કપાળ પર રેખાઓ ઉપસી આવી. હા, ઈરાનું અનુમાન સાચું હતું. ઈરાને જોઈને ઉપસેલી એ રેખા પાસે આવતા વધુ જોરથી તણાયેલી લાગી.

'હેલો વિવાન.....' ઇરા માત્ર હલો બોલી હતી ને વિવાનનો ગંભીર ચહેરો હળવો થઇ ગયો .

'ઇરા.... તું ...?' હજી એના અવાજમાં બેશુમાર ખુશી હતી સાથે આશ્ચર્ય હતું : તો મને કહેવામાં આવેલું કે કોઈ મેગેઝીનની... તો તે મજાક કરી એમ ને ?..'

'ઓહ નો , વિવાન , ફ્રેન્કલી સ્પીકિંગ મજાક તો નહોતી કરી પણ મને થયું કે મારું નામ આપીશ ને તું મને મળવા ન માંગે તો ?' ઇરાએ સાચું કારણ છુપાવવું યોગ્ય ન માન્યું.

'અરે? એ શું વાત થઇ ? હું તને ન મળું ? શા માટે ? ' વિવાને ઈરાની આંખમાં આંખ પરોવીને પૂછ્યું , એના પ્રશ્નમાં સાચુકલું આશ્ચર્ય હતું.

'સર, ટી, કોફી ? સેક્રેટરી ઉદયે પાસે આવીને હળવેથી પૂછ્યું.

' ઇરા. હજી કોફી પીએ છે કે પસંદગી બદલાઈ ગઈ છે ?' વિવાને પૂછ્યું.

' પસંદગી બદલાવા માટે સાત વર્ષ બહુ નાનો સમયગાળો છે એમ નથી લાગતું વિવાન ?' ઇરાએ સામે પ્રશ્ન કર્યો.

'ઉદય, બે કોફી કહે પણ ઇરા ડીનર મારી સાથે કરશે , કેમ ઇરા , વાંધો નથી ને ? કે પછી બીજો કોઈ પ્રોગ્રામ છે ?'

વિવાને સાહજીકતાથી પૂછ્યું હતું. જૂની મિત્ર મળી હોવાની ખુશીથી એની આંખના ખૂણાં ચમકી રહ્યા હતા.

ઉદય ત્યાંથી ગયો એ સાથે જ ઇરાએ વાતચીતનો દોર હાથમાં લઇ લીધો.
'ખરેખર તો હું તારી સાથે ઝગડો કરવા આવી હતી હું વિવાન પણ તે મારાં ગુસ્સા પર ઠંડુ પાણી રેડી દીધું.

ઇરાએ કહેતી વખતે નજર વિવાનના ચહેરા પર સ્થિર રાખી હતી.
એ વિવાનના ચહેરા પર બદલાતાં હાવભાવ જોઈ રહી હતી.

'મને હતું જ કે જો તે બુક વાંચી હશે તો તું મને મળવાનો પ્રયત્ન તો જરૂર કરશે .' વિવાન સપાટ સ્વરે બોલ્યો.

'એટલે ? તું જાણે છે કે હું શા માટે અહીં આવી છું ?'

'બિલકુલ ઇરા, એવું ન હોતે તો તેં હજી મળવાની દરકાર ન લીધી હોતે ને !!' વિવાન ઈરાની સામે તાકી રહ્યો હતો.

'મળવાની દરકાર તો તેં પણ ક્યાં કરી ? તેં કદી કોઈ ફોર્માલિટી વિનાનો મેઈલ લખ્યો ? કદી એક ફોનકોલ કર્યો ? ઈરાના અવાજમાં હળવી રીસ હતી.

'ઇરા, તું પણ જાણે છે કે આપણે કેવા સંજોગોમાં છૂટાં પડ્યા હતા. મને તો મારી મજબૂરી રોકતી હતી પણ તને કોણ રોકતું હતું ? તે પણ એક પ્રયત્ન ન કર્યો મારી સાથે સંપર્કમાં રહેવાનો? '
વિવાનનો સ્વર નીચો હતો પણ તેમાં વજન હતું. ઇરા જાણે એ બોજ હેઠળ ભીંસાઈ ગઈ. એ વાત તો સાચી હતી પોતે પણ વિવાનને ન તો એક અંગત કહી શકાય મેઈલ લખી હતી ન એક કોલ કે એક મેસેજ મોકલ્યો હતો.

'માન્યું કે ભૂલ મારી હતી પણ વિવાન જે વાત આપણી વચ્ચે અધૂરી છૂટી ગઈ હતી તેને તે સેલેબલ બનાવી દીધી ?' ઇરાએ વિવાન સામે જોઈને સીધું જ પૂછી લીધું.

'કઈ વાત ઇરા ? ' વિવાને એવી નિર્દોષતાથી પૂછ્યું કે ઈરાને જરા હસવું આવી ગયું.

વાત ગંભીર કરવા આવી હતી અને પોતે પહેલા જ પાણી પાણી થઇ ગઈ ? ઈરાને પોતાની જાત પર ગુસ્સો આવ્યો.

'આપણી વચ્ચે એવું તો કંઈ બન્યું જ નહોતું , ન મેં ક્યારેય કહ્યું ન તેં ક્યારેય કળવા દીધું તો એ વાત તારા પુસ્તકને પાને કઇ રીતે ચઢી ગઈ ?'

'તે એ લખતા પહેલા મારી સાથે વાત કરવી પણ જરૂરી ન સમજી ? અને એ પણ કોઈ કાલ્પનિક નામ સાથે નહીં , મામાજીના , મારા મારા સાચા નામ સાથે તારી બાયોગ્રાફી ઉલ્લેખ કર્યો છે તે. તને એકવાર પણ એમ ન થયું કે આ માટે તારે મારી પરમિશન લેવી રહી ?'

વિવાન એ સાંભળીને અવાચક રહી ગયો હોય એમ લાગ્યું. ઉત્તર આપવા એના હોઠ અધખુલ્લાં રહ્યા કારણકે ઉદય કોફીના કપ સાથેની ટ્રે લઈને હોલમાં દાખલ થઇ ચૂક્યો હતો.
ઉદયે ટ્રે મૂકીને વિવાન સામે જોઈ રહ્યો.
વિવાને કોફીનો એક કપ લઇ ઇરા સામે ધર્યો.

થેન્ક યુ બોલીને ઇરા કપ હાથમાં લે એ પહેલા ઉદયે કૂકીઝ ભરેલી પ્લેટ આગળ ધરી.
થેન્ક યુ કહેતી હોય તેમ ઇરાએ એક હાથ ઊંચો કર્યો. એના મનમાં હતું કે ઉદય અહીંથી જાય તો સારું.
બે ચાર મિનિટ વિવાન સાથે વાતચીત કરીને ઉદય વિદાય થયો એટલે વિવાને વાતનો દોર ફરી હાથમાં લીધો.

'ઓહ, તો તું માત્ર એ માટે આવી છે ઇરા ? મને થયું કે ....' વિવાને વાક્યને અધૂરું મૂકી દીધું. એનો અર્થ ઇરા ચાહે તે ઘટાવી શકતી હતી.

'વેલ , માત્ર એ માટે તો નહિ પણ...' જૂઠું બોલતા ઇરાની જીભ થોથવાઈ ગઈ હોય એમ ચૂપ થઇ ગઈ.

'તને સાચે એવું લાગે છે કે તારા કે પ્રોફેસર સાહેબના નામ સાથે હું કોઈ રમત કરી શકું ?
ઇરા, તું ગઈ પછી જિંદગીમાં એટલા રંગ જોયા જેની મેં કલ્પના નહોતી કરી. ' વિવાનના અવાજમાં સચ્ચાઈનો રણકો ઇરા અનુભવી શકી.

'તારી પાસે સમય તો છે ને હાથ પર ઇરા? '

'મારી પાસે ગણતરીના દિવસો છે વિવાન. હું એ જ પ્રમાણે પ્લાન કરીને આવી હતી.' ઈરાના જવાબથી વિવાનનો ચહેરો ઝંખવાયો.

'લગભગ પૂરી જિંદગી એકલો રહ્યો છું. એકલતા મને માફક આવી ગઈ હતી જ્યાં સુધી આપણે મળ્યા નહોતા. પણ, સાચું કહું તો તારું અચાનક ચાલી જવું મને ભારે વસમું લાગ્યું હતું ' વિવાન નિખાલસ કબૂલાત કરતો હોય તેમ બોલ્યો.

થોડીવાર માટે વાતાવરણમાં ચુપકીદી પ્રવર્તી રહી. ઇરાએ સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે પોતાની વિવાન સાથેની મુલાકાત આવી કોઈ વાત રહેશે.
જે વાત વિવાન ક્યારેય ન કરી એની જબાન પર આવતી હોય એમ લાગી રહ્યું હતું.

કદાચ એટલે કે હવે વિવાન સાત વર્ષ પૂર્વેનો વિવાન ન હતો. રાંક, બિચારો, ઓશિયાળો, બીજાના આશ્રય પર નભતો એક સંઘર્ષ કરતો નવયુવાન.

સાત વર્ષમાં યમુનામાં કેટલાય નીર વહી ગયા હતા. હવે ઇરા સામે હતો એક સમર્થ નામાંકિત લેખક. જેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તર પર હતી. ન તો એને કોઈના સહારાની ચિંતા હતી ન કોઈ લાગણીભર્યા સંવાદની.

'ઇરા, તું એમ સમજતી હોય કે મેં તારું નામ મારી નામના કે સેલિંગ સ્ટ્રેટેજી માટે વાપર્યું છે તો તું મને હજી ઓળખી જ નથી શકી એમ હું માની લઉં ?' વિવાનના વિધાને ઈરાને વિચાર કરતા મૂકી દીધી.

'તો પછી ક્યાં ઉદ્દેશથી એમ થયું છે ? ' ઇરાનો પ્રશ્ન સમજી શકાય એવો હતો.

થોડીવાર બંને મૌન રહ્યા.

'હું શું કહું ઇરા ? હું જે કહીશ તે સાચું જ કહીશ પણ તું એને માનીશ ખરી ?'

'કેમ નહીં ? કોઈ શંકા છે ?' ઇરાએ ત્વરિત ઉત્તર આપ્યો.

'હા, શંકા એટલે કારણે છે કે તે જે ધારી લીધું જેને માટે તું અહીં આવી છે એ જાણ્યા પછી મને લાગે છે કે હું સત્ય હકીકત કહીશ તો પણ કદાચ તને એ માનવામાં નહીં આવે.

'આટલી બધી ગૂંચ ઉભી કરવા કરતા કહે તો ખરો' .

'ઇરા , વિવાને એક ઊંડો શ્વાસ લઇ કહ્યું : મારે એ કહેવું છે કે આ બાયોગ્રાફી મેં લખી જ નથી , તો ? '

' વોટ નોનસેન્સ !!, વિવાન મેં કદીય તને કોઈ દિવસ તર્કવિહીન વાતો કરતાં જોયો નથી. આજે તું પોતે એમ કહે છે કે તારી બાયોગ્રાફી તે લખી નથી ? તો એ લખી કોણે ? પબ્લિશ કરી કોણે ? અને એથી સૌથી મોટી વાત તો એ છે કે આ બધું તારી જાણ વિના થયું હોય ને તું હજી એમને કોર્ટમાં ઘસડી નથી ગયો ? '

'એ જ પ્રોસિજર ચાલુ છે ઇરા , પણ હકીકત એ છે કે આ બાયોગ્રાફી મેં નથી લખી. અલબત્ત, પબ્લિશ કરનાર પણ મારા પબ્લિશર જ છે. એને આ મેટર ઇમેઇલ પર મળી જેમ સાધારણ સંજોગમાં મળે છે તેમ. પણ ન તો મેં એ મોકલી છે , ન હું એ વિષે જાણું છું.'
વિવાન બોલતો જતો હતો એને ઇરા પૂરી તન્મયતાથી સાંભળી રહી હતી.
વિવાન કદી જૂઠું બોલતો નહોતો એ ખ્યાલ તો હતો પણ તેની આ વાત માનવી કઈ રીતે?

પૂનાના આ વર્ષો દરમિયાન વધેલી આત્મીયતા તો વિવાન ઇરાએ બંનેએ પોતાની જાત સાથે છુપાવી હતી. મામાજી કદાચ વધતી જતી નિકટતા પામી શક્ય હશે પણ એ તો આ દુનિયામાં હતા નહીં. બાકી રહી મા જે અવગત હતી આ પરિસ્થિતિથી. આ ચાર સિવાય પૂનામાં થયેલા ઘટનાક્રમ વિષે કોઈ જાણતું નહોતું અને સૌથી મોટી વાત તો એ હતી વિવાનના બાળપણ વિષે ! એ તો કોઈ જાણતું જાણતું ન હતું તો પછી આ કઈ રીતે શક્ય બને ?

ઇરા અવાચક થઈને વિવાનનો ચહેરો તાકતી રહી. પોતે આવી હતી વિવાન સાથે ઝગડો કરવા પણ આખી પરિસ્થિતિએ તો યુ ટર્ન લઇ લીધો હતો.

બંને ચૂપ હતા. થોડી ક્ષણ સુધી શું બોલવું બંનેને સમજાયું નહીં.
અચાનક વિવાનનો મોબાઈલ ફોન રણક્યો.

પીનડ્રોપ શાંતિ વચ્ચે મોબાઈલમાં સામેથી આવતો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. કોઈક સત્તાવાહી અવાજ હશે એવી કલ્પના થઇ શકતી હતી.

'સર, મારી પાસે ડીટેલ છે. નાણાં કેમેઇન આઇલેન્ડના ખાતામાં મારા પબ્લિશરે જમા કરાવ્યા હતા. 'વિવાને સામેથી પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું.
થોડી વાતચીત પછી ફોન પરનો વાર્તાલાપ પૂરો થયો.

;એક્સક્યુઝ મી ઇરા. જરા મારા પબ્લિશર સાથે વાત કરી લઉં? '

'શ્યોર ' ઇરાએ બાજુની પેપર બાસ્કેટમાંથી એક મેગેઝીન ઉઠાવી પણ ફેરવવા માંડ્યા.

વિવાન પબ્લીશર ગોસ્વામી સાથે વાત કરવામાં ગૂંથાયો. ઇરાએ નોંધ્યું કે ધારતે તો વિવાન બીજા રૂમમાં જઈને વાત કરી શક્યો હોતે પણ એને ઈરાની હાજરીમાં જ વાત કરવી બહેતર સમજી. કદાચ એ પોતાની નિર્દોષતાનો પુરાવો આપવા માંગતો હશે ?

ફોન પત્યો પછી વિવાને પોતાના ચશ્મા ઉતારી ચહેરા પર હાથ ફેરવ્યો. જાણે રિફ્રેશ થવાની કવાયત કરતો હોય તેમ.

'શું વાત છે વિવાન , ચાહે તો મને કહી શકે છે ' ઈરા ન ચાહવા છતાં બોલી ઉઠી.

'ઇરા, હું સાચે જ બહુ મૂંઝાઈ ગયો છું. '
'કારણ કે બાયોગ્રાફીના નાણાં તારા પબ્લિશરે પેલા ધૂતારાને કેમેન આઇલેન્ડના અકાઉન્ટમાં ચૂકવી દીધા છે એમ ને ?'

'ઓહ , એ વાત તો છે જ પણ એથી એક મોટી વાત છે.જેનો ડર વધુ છે.' વિવાનના ચહેરા પર ચિંતાની લકીર ઉપસી આવી હતી.

'જેને મારી જિંદગીના પૂર્વાર્ધની આ વિગતો મેળવી છે એની પાસે મારા ઉત્તરાર્ધની વિગતો હોવાની જ. એ જો જાહેરમાં આવી તો મારા મારી નામના એક મિનિટમાં રોળાઈ જશે...' વિવાન ડાબા હાથની હથેળી કપાળ પર ઘસતાં બોલ્યો.

ઇરા તાજ્જુબીથી એને તાકી રહી. : એવું તો શું હતું ઉત્તરાર્ધમાં કે વિવાન આમ ડરી જાય ?

ક્રમશ: