Shamanani Shodhama - 13 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 13

          એ માર્ચનો બીજો દિવસ હતો. મુંબઈ જેવા સમશીતોષ્ણ બંદરમાં ગરમી કે ઠંડી એકેયનો અનુભવ થતો નહોતો. પ્લેટફોર્મ પરની વિવિધ ડીજીટલ સ્ક્રીન અલગ અલગ ટ્રેનના નામ એરાઈવલ-ડીપાર્ચર સમય સાથે બતાવતી હતી. દરેક સ્ક્રીન વારે ઘડીએ એક કોમન ચીજ બતાવી રહી હતી એ હતો સમય - 12:10 પી.એમ.

          ટ્રેનની મુસાફરી પહેલીવાર મુસાફરી કરતા માણસ માટે હંમશા ત્રાસદાયક અને કંટાળાજનક હોય છે. આધારણ માણસ જે એક સ્થળેથી બીજા સ્થળે કોઈ શુભ અશુભ પ્રસંગમાં જતો હોય એના માટે મુસાફરી બોરિંગ હોઈ શકે પણ એજન્ટ મલિક જેવા માણસ માટે એ મુસાફરી જરા પણ કંટાળાજનક નથી હોતી.

          જે માણસ એક મિશન ખાતર એક વર્ષ કાળ કોટડીમાં વિતાવી શકતો હોય એ માણસ કદાચ કંટાળા અને ત્રાસ જેવા શબ્દોથી અપરિચિત હતો એમ કહેવામાં કશું ખોટું નહોતું.

          રોજની જેમ બાંદ્રા સ્ટેશન પર લોકોની ભીડ હતી. સ્ક્રીનમાં લીલી લાલ લાઈટો ઝબુકતી હતી. ટ્રેન ડીપાર્ટ થાય એ પહેલા મોટા ભાગના કોમ્યુટર ગમે એમ કરી એમાં જગ્યા મેળવી લેવા પડા પડી કરી ટ્રેનમાં ચડતા હતા પણ એજન્ટ મલિકને એવી કોઈ ઉતાવળ નહોતી. એ આરામથી ટ્રેનને અઢેલીને એની સિગારેટનો આનંદ માણતો હતો. સિગારેટના ધુમાડામાં પોતાની યોજનાને નિહાળતો હોય એમ એ પોતાના મોમાંથી નીકળતા ધુમાડાથી બનતી નાનકડી રીંગોને જોતો હતો.

          એજન્ટના ચહેરા પર કોઈ ભાવ નહોતા. કદાચ એને ખબર નહોતી કે એ  સ્ટેશનને છેલ્લી વાર જોઈ રહ્યો હતો. બાંદ્રા તો  શું એ દુનિયાના કોઈ પણ સ્ટેશનને હવે જોઈ શકવાનો નહોતો. એ ટ્રેન એના માટે મુસાફરીનું સાધન નહી પણ મોતનું સ્થળ નક્કી થવાની હતી.

          બાંદ્રા-ચંડીગઢ એક્સપ્રેસની વ્હીસલ એના વિચારોને તોડી શકી નહોતી પણ એજન્ટ એ જ ટ્રેનને અઢેલી ઉભો હતો એટલે ટ્રેનના પૈડા સરક્યા ત્યારે એ વિચારોમાંથી બહાર આવ્યો. સિગારેટનું ઠુંઠું ફેંકીને મલિક સ્લીપર કોચના S-5 કંપાર્ટમેન્ટમાં ચડ્યો અને પોતાની સીટ પર ગોઠવાયો. એને ટીકીટ મળી ગઈ હતી પણ એ જરાક ખિન્ન હતો કેમકે એની ટીકીટ એના માટે અજાણ્યા એવા ઉત્તર ગુજરાતના પાલનપુર નામના કોઈ શહેરથી કપાઈ ગઈ હતી.

          મલિકે બાંદ્રા-ચંડીગઢ માટે બચેલી છેલ્લી એક ટીકીટ તત્કાળ બુકિંગમાં માંગી હતી પણ કદાચ એ એક સેકંડ મોડો પડ્યો હતો. કોઈએ પાલનપુરથી ટીકીટ માટે માંગણી કરી હશે એટલે એની ટીકીટ બાંદ્રા-પાલનપુર પ્રિન્ટ થઈને નીકળી. કોઈએ ત્યાં પણ એની જેમ જ તત્કાળ ટીકીટ નાખી હતી પણ એ ટીકીટ માંગનાર મલિક કરતાં એકાદ સેકંડ વહેલો હતો.

          ટ્રેન હજુ પૂરી ગતિ મેળવે એ પહેલા એક લુઝ બ્લેક ટી-શર્ટ અને એવા જ લુઝ કોટન પેન્ટ પહેરેલ માણસ એ જ કમ્પાર્ટમેન્ટના વેસ્ટર્ન ટોઇલેટમાંથી બહાર નીકળ્યો.

          એ વ્યક્તિ દેખાવ પરથી વિદેશી પ્રવાસી લાગતો હતો. માથામાં મીલીટરી હેર એટલે કે અરધા ઇંચના વાળ અને ગળામાં લટકતા ક્રોસનું લોકેટ એના ખ્રિસ્તી હોવાનો પુરાવો આપતું હતું.

          એજન્ટ મલિકે એ વિદેશીને પોતાની તરફ આવતા જોયો. વિદેશી મલિકની બાજુમાં સીટ પર ગોઠવાયો. બંને એક જ બર્થ પર હતા.

          ભલે લોકો કહે છે કે વિદેશીઓ ઓછું બોલવાનું પસંદ કરે છે પણ એ માણસ આવતા જ ચાલુ થઇ ગયો, “એક્સક્યુઝ મી જેન્ટલમેન, કેન યુ સ્પીક ઈંગ્લીશ?”

          “યસ..” એજન્ટ મલિકે જવાબ આપ્યો. એજન્ટ એ સમયે ફોર્મલ બ્લેક શર્ટ અને બ્લેક ટેઈલર-મેઈડ પાટલુનમાં હતો, એણે આંખો પર નંબરના ચશ્માં ચડાવેલ હતા. એના દેખાવ પરથી લાગતું હતું કે એ કોઈ વેપારી કે શિક્ષકનો અભિનય કરવા જઈ હતો.

          “માયસેલ્ફ સેમ ફ્રોમ લોસ એન્જલ્સ.” વિદેશી લાગતા પ્રવાસીએ મર્માળ હસીને કહ્યું.

          “નાઈસ ટુ મિટ યુ. આઈ એમ કિસન.” એજન્ટ મલિકે કહ્યું. એના માટે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવી એ બોરિંગ કામ હતું પણ જો તે એવું ન કરે તો આસપાસના લોકોના ધ્યાનમાં એક અકડું વ્યક્તિ તરીકે આવી જાય અને મલિકનો પહેલો નિયમ હતો બને ત્યાં સુધી કોઈના ધ્યાનમાં આવે એવી કોઈ અજુગતી હરકત ન કરવી.

          “આઈ એમ ગોઇંગ ટુ માઉન્ટ... ઈટ વોઝ માય ડ્રીમ ફ્રોમ બોયહુડ ટુ સી ઇન્ડિયા.” સેમ બહુ બોલકણો હોય એમ લાગતું હતું.

          “નાઈસ, ઇન્જોય ધ લાસ્ટ ટુર, સાયમન.” મલિક એની તરફ જોઈ હસ્યો. એ જ સમયે બંનેની આંખોમાં એક અજબ ચમક દેખાઈ. કોઈ લોઢા સાથે લોઢું અથડાય અને જે તણખા ખરે એવા જ તણખા બંનેની આંખોમાં દેખાવા મળ્યા.

          પણ મલિકનો હાથ પોતાની પિસ્તોલ સુધી પહોચે એ પહેલા સાયમનનું વિદેશી ખંજર એના પેટમાં ઉતરી ચુક્યું હતું, “સોરી, લાસ્ટ ટુર બટ નોટ માઈન, યોર્સ જેન્ટલમેન.” દાંત કચકચાવીને સાયમને ખંજર ઉપર જોર આપ્યું ત્યારે મલિકના ગળામાંથી જીણી ચિચિયારી નીકળી ગઈ.  

          મલિકે સાયમનનું ખંજર નોધ્યા બાદ જ એને સાયમન કહી સંબોધ્યો હતો પણ એણે સાયમન વિશે જે અંદાજ લગાવ્યો એના કરતા સાયમન વધુ ઝડપી નીકળ્યો. કોણ કહે છે પિસ્તોલ જ શ્રેષ્ઠ હથિયાર છે. સાયમન જેવા પ્રોફેશનલ કિલરના હાથમાં ગમે એ હથિયાર શ્રેષ્ઠ બની જતું હોય છે. મલિકે પોતાની પિસ્તોલ બહાર નીકાળી પણ સાયમને તેનો એ હાથ પકડી લીધો. ડબ્બામાં એકદમ અફડા તફડી મચી ગઈ. લોકો ત્યાંથી ભાગ્યા પણ ચાલુ ટ્રેને એમાંથી બહાર કુદી જવું એમના માટે શકય નહોતું માટે દરેક જણ પેન્ટ્રી કાર તરફ દોડ્યા.

          એક પળ બાદ એ આખો ડબ્બો સાયમન અને એજન્ટ મલિકનો હતો. તેઓ ડબ્બામાં ગમે એ કરી શકે એમ હતા. જોકે એમને લડવા સિવાય અન્ય કોઈ કામ ન હતું. લડવું એ બંને માટે મનપસંદ કામ હતું! એજન્ટે ટ્રીગર દબાવ્યું. ગન ફાયર થઇ પણ બુલેટ વેસ્ટ ગઈ. જ્યાં સુધી એ પોતાના હાથને સાયમનની પકડમાંથી છોડાવી ન લે ત્યાં સુધી છોડેલી ગોળીઓનો કોઈ અર્થ નહોતો. બંને વચ્ચે એ પિસ્તોલ મેળવવા માટે જાણે દ્રંદ-યુદ્ધ જામ્યું હતું. સાયમને બીજા હાથથી એજન્ટનું ગળું પકડ્યું. એજન્ટ મલિક પોતે સાયમન વડે બહાર ફેકાઈ ન જાય એ માટે લોવર બર્થના પાટિયા પર પગ મૂકી ઉંચો થયો અને એ સાથે જ એના ગળા પરની સાયમનની પકડ છૂટી ગઈ પણ એ સાથે એના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ.

          સાયમન ચીલ ઝડપે પિસ્તોલ લેવા નીચે જુક્યો પણ મલિકે ડબ્બાની છતમાં લાગેલ ત્રણમાંથી વચ્ચેના ફેનને ઉખાડી લીધો અને બીજી જ પળે એ ફેન સાયમનના માથા સાથે ટકરાયો. ફેનની જાળી વળી ગઈ અને પાંખિયાં સુધી વળી ગયા. કદાચ એ ફટકો કોઈ પણ માણસ માટે જાન લેવા સાબિત થઇ શકે એમ હતો પણ સાયમને ક્યારેય પોતાની જાતને માણસ સમજી જ ક્યાં હતી? એ પોતાને જાનવર સમજતો હતો અને એના વિચારો મુજબ એનામાં દરેક ગુણ જાનવરના જ હતા.

          બર્થ પર પગ મૂકી ઊંચા થયેલ એજન્ટનો પેટનો ભાગ સાયમનની નજર સામે હતો. એની નજર હજુ એજન્ટના પેટનમાં ખુતેલ પોતાની છરી પર ગઈ. એણે એ છરી ખેચી કાઢી અને ફરી જ્યાંથી નીકાળ્યું હતું ત્યાં જ આસપાસ ક્યાંક પેટમાં છરી હુલાવી દીધી. એ ક્રુરતા હતી...! કમકમાટી ભર્યું દ્રશ્ય હતું.

          મલિક સમજી ગયો કે હવે બચવું શકય નહોતું. એણે આખરી મરણીયો પ્રયાસ કરતા અપર બર્થને લટકતી ચેઈન પકડી લોકમાંથી છુટી કરી સાયમનના ગળા આસપાસ વીંટાળી દીધી.

          ચોક એન્ડ નોકના માસ્ટર દાવ ખેલતા ખેલાડી માટે પણ એ ચેઈનનું ચોકિંગ અસહ્ય હતું પણ સાયમન એમ આસાનીથી મરે એમાંનો ન હતો. એણે પોતાના બંને પગને ઝાટકા સાથે ઉછાળ્યા અને એજન્ટ સાથે એ જમીન પર પછડાયો કેમકે એ સમયે મલિકના હાથની પકડ ચેઈન પરથી છૂટી ગઈ.

          મલિકે ફ્લોર પર પડી પોતાની ગન લેવા કુદકો માર્યો. એ કુદીને ગન લેવામાં સફળ રહ્યો. એણે ગન હાથમાં લીધી. એ સાયમન તરફ ફર્યો ત્યારે સાયમનના હાથ પણ ખાલી નહોતા. એમાં રશિયન બનાવટની પોઈન્ટ ટ્વેન્ટી ટુ કેલીબર પિસ્તોલ હતી.

          સાયમને ટ્રીગર દબાવ્યું. એ જ ક્ષણે પેન્ટ્રી કારમાંથી કોઈએ ચેઈન ખેચી હશે જેથી ટ્રેન એક ઝાટકા સાથે ઉભી રહી. સાયમન સંતુલન ગુમાવી બેઠો અને મલિક પણ એક તરફ નમી ગયો. કદાચ એ મલિક માટે સારું હતું કેમકે જે બુલેટ એના હ્રદયને વીંધીને નીકળી જવાની હતી એ બુલેટ એના ખભામાં ઉતરી ગઈ.

          મલિકની સાયલેન્સર પિસ્તોલમાંથી પણ ઉપરા ઉપરી ત્રણ બુલેટ નીકળી જે સાયમન જેવા જાનવર માટે પણ પુરતી હતી.

          સાયમન લોહી લુહાણ હાલતમાં હજુ લોવર બર્થના ટેકે પોતાની જાતને બેઠી રાખવામાં સફળ રહ્યો હતો. એ વિદેશી જાનવરમાં ઘણું જોર હતું. મલિકે ફરી ટ્રીગર દબાવ્યું પણ ગન ખાલી હતી. ત્રણ ગોળીઓ ઝપાઝપી દરમિયાન વપરાઈ ગઈ હતી અને બાકીની ત્રણ સાયમનના શરીરમાં આરામ કરતી હતી. સાયમન મહામહેનતે પોતાના ગનવાળા હાથને ઉંચો કરવાનો પ્રયાસ કરતો હતો. એ કામ એના માટે મુશ્કેલ હતું.

          મલિક સમજી ગયો. એ સમય રાહ જોવાનો નહોતો. એણે ક્મ્પાર્ટમેન્ટના દરવાજા તરફ કુદકો લગાવ્યો. એ એની જિંદગીની લોન્ગેસ્ટ લીપ હતી. એ સીધો જ દરવાજા બહાર નીકળી ગયો પણ એ જ સમયે સાયમનની ગોળી એની પીઠમાં ઉતરી ગઈ.

          “ગો ટુ હેલ....” મોઢામાં ભેગું થયેલું થુંક અને લોહી થુકતા સાયમન બરાડ્યો.

          એ ટ્રેન, એ દિવસ મલિક માટે લકી હતી કે અન-લકી એ કહેવું મુશ્કેલ હતું કેમકે એ ટ્રેનમાંથી કુદ્યો ત્યારે S-5નો લેફ્ટ સાઈડ ડોર બ્રીજ ઉપર આવીને અટક્યો હતો. એ બ્રીજ નીચેની નદીમાં હજુ પાણી હતું અને મલિકને સો ફૂટ નીચે જમીન પર પછડાવાને બદલે પાણીમાં પટકાયો હતો.

          સાયમન લટકતી ચેઈન પકડીને ઉભો થયો પણ તે જ સમયે ડબ્બામાં દાખલ થયેલ ભારતીય રેલ ગાર્ડે પરિસ્થિતિને સમજ્યા વગર એને વીંધી નાખ્યો.

ક્રમશ: