Kalmsh - 17 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 17


'વિવાન , હવે તો તારે મને કહેવું જ રહ્યું...' ઇરાએ વિવાનના રૂમની ગેલેરીમાં રહેલી સ્વિંગ ચેર પર જમાવતાં કહ્યું.

વિવાને ગેલેરીમાં નાનો સરખો બગીચો બનાવ્યો હતો. સ્વિંગ ચેરની સામે કરેલી સીટિંગ અરેન્જમેન્ટ અને નીચે પડેલા રંગબેરંગી કુશન્સ જોઈને ઈરાને પળવાર માટે વિવાનનું પૂનામાં નહિવત બજેટમાં સજાવેલું ઘર યાદ આવી ગયું. વિવાન પણ ઇરાની સામે ગોઠવાયો પણ અચાનક જ કંઈક યાદ આવ્યું હોય તેમ ઉભો થઇ ક્લોઝેટ પાસે પહોંચ્યો.

'હા , મન તો થાય છે કે મનનો તમામ ભાર અત્યારે હળવો કરી નાખું ,પણ...' વિવાને ત્યાંથી જ ઉભા ઉભા ઈરાને કહ્યું.

'પણ શું ...? વિવાન એવી શું વાત છે જે તને રોકી રહી છે ? ઇરાસ્વિં ગ ચેરને પગથી હળવી ઠેસ મારી ઝુલાવી રહી હતી.

વિવાન સામે ખુલ્લા પડેલા ડ્રોઅરમાંથી બે ચાર પુસ્તકો બહાર કાઢી રહ્યો હતો.

' ઓ.. હેલો મિસ્ટર શ્રીવાસ્તવ , હું તમારી સાથે વાત કરી રહી છું....' ઇરાએ જરા જોરથી કહ્યું.

' એ જ કરી રહ્યો છું. વિવાને ઊંડો શ્વાસ લઈને કહ્યું : તને પૂરેપૂરી વાત કરવાની હિંમત ભેગી કરી રહ્યો છું.

ઈરાને અચરજ તો થયું પણ તેને કળાવા ન દીધું : આખરે એવી તો શું વાત હતી કે એ વિવાનને આટલો પરેશાન કરી રહી હતી.

'આ જો ..' પાસે આવીને વિવાને ડ્રૉઅરમાંથી કાઢેલા થોડાં પુસ્તકો ઈરાના હાથમાં મૂકી દીધા . ઇરા હાથમાં આવેલા પુસ્તકોને અચરજથી જોતી રહી. પુસ્તકના મુખપૃષ્ઠ પરથી ખ્યાલ આવી જતો હતો કે એ ક્યા વિષયના પુસ્તક હશે. લેખક હતા મન્મથ શર્મા. નામ પહેલાં કદી સાંભળ્યું હોય એવું યાદ ન આવ્યું ઈરાને. પ્રકાશન સંસ્થાનું પણ નામ જાણીતું નહોતું.

'આ તો .... આ તો ... પોર્નોગ્રાફી ... ? ઇરા આગળ વધુ બોલી ન શકી. છતાં એને થોડાં પાનાં ઉથલાવ્યા. પછી કંઈક ક્ષોભથી એને પુસ્તકો સામે રાખેલા નાના ટેબલ પર મૂકી દીધા.

'આ જ કબૂલાત કરવાની હતી.. ' વિવાને નજર નીચી રાખીને કહ્યું.

'ફોર ગોડ્ઝ સેક ડોન્ટ ટેલ મી કે આ પુસ્તકો તે લખ્યા છે. 'ઇરાએ મનની વાત વાંચી લીધી હોય તેમ કહ્યું.

' યેસ , યુ ગેસ્ડ ઈટ રાઈટ,ઇરા , આ પુસ્તકોનો લેખક મન્મથ શર્મા અન્ય કોઈ નહીં અને હું જ છું. આ વાત હું અને આ પુસ્તકના પબ્લિશર સિવાય કોઈ જાણતું નથી.

'ઓહ...' એક અચરજભર્યો ઉદગાર ઈરાના હોઠથી સરી પડ્યો : વિવાન, આવું કરવાની કોઈ જરૂર? ન તો ઈરાના અવાજમાં કોઈ રોષ હતો ન અચરજ. એકદમ સાહજિકરીતે પૂછપરછ કરી રહી હોય તેવી લાગણી અનુભવી વિવાને.

વિવાને તો મનોમન ધારી લીધું હતું કે આ જોઈને ઇરા સ્તબ્ધ થઇ જશે. એની આરપાર વીંધી નાખતી તીક્ષ્ણ નજરથી જોયા કરશે. એક શબ્દ બોલ્યા વિના પોતાનો ઠંડો રોષ જતાવી કદાચ કહેશે કે , મને હોટેલ પર જવું છે. એમનું તો કશું ન થયું. બલ્કે ઇરાએ એક પરિપક્વ માનુનીની જેમ પરિસ્થિતિ સંભાળી લીધી. ન કોઈ રોષ, ન તિરસ્કાર ન કોઈ અવહેલના.

'ઇરા , તું જે ચાહે તે સજા ફરમાવી શકે છે. પણ, મારી જિંદગીનો આ ભાગ તારાથી છૂપો નહોતો રાખવો. હા, જો આપણે મળ્યા જ ન હોત તો વાત અલગ હોતે પણ હું નથી ઈચ્છતો કે તું ફક્ત મારી નામનાથી મને જાણે. તારે મારા સંઘર્ષની આ બાજુ જાણી લેવી પણ એટલી જ જરૂરી છે. ' ઈરાના સમજદારીભર્યા વર્તને વિવાનના દિલને ખાસ્સી રાહત પહોંચાડી હતી.

ગેલેરીમાં સ્વિંગ ચેરની સામે રહેલાં સોફા પર વિવાને જમાવ્યું.

દરિયા પરથી વહીને આવતી હવામાં બાફ સાથે ખારાશ પણ ભળેલી હતી. છતાં એ બંનેમાંથી કોઈએ ન અનુભવી.

'સાચું કહું તો મને થતું હતું કે આ વાત જાણીને તું નારાજ તો જરૂર થઇ જઈશ. કદાચ અત્યારે જ હોટેલ જવાની જીદ કરીશ. પણ, મને લાગે છે કે ઇરા આપણે બંને ઉંમરના એ મુકામને વટાવી ચૂક્યા છીએ જ્યાં સમજદારીને બદલે અપરિપક્વતા વધુ હોય. ' વિવાનના સ્વર વધુ નીચો થયો.

'હા વિવાન , એ વર્ષો વહી ગયા. ' ઇરાએ સહમત થવું પડ્યું. સાથે માથું પણ ધુણાવ્યું.

'પણ, ઇરા , તેં મને પૂછ્યું નહીં કે આવું મેં શું કામ કર્યું ?' વિવાનનો આંખોમાં તાજ્જુબી હતી.

'હા, મેં ન પૂછ્યું કારણ કે મને ખાતરી છે કે તું હમણાં એ રાઝ જાતે જ ખોલી નાખવાનો છે , તો પછી ....' ઇરા ફિક્કું હસી.

'ક્યાંથી શરુ કરું ? દરેક વ્યક્તિને નસીબ એવો સાથ નથી આપતું કે અતીત વાગોળવાની લિજ્જત માણી શકે. વિવાને ગાળું ખોંખાર્યું ને સિલ્વર કેસમાંથી સિગરેટ બહાર કાઢી : આઈ હોપ યુ ડોન્ટ માઈન્ડ..

'વિવાન , હું યુએસ ગઈ ત્યાં સુધી તો સ્મોક નહોતો કરતો રાઈટ? આ ગંદી આદત ક્યારથી કેળવી ? ગંદા પુસ્તકો લખવા માટે ? ઇરાના પોઇન્ટ બ્લેન્ક સવાલ સામે વિવાન જરા ઓછ્પાઈ ગયો.

'સાચું કહું ઇરા? કદાચ તું યુએસ ન ગઈ હોતે તો સ્મોકિંગ ક્યારેય શરુ ન થયું હોત , તારું અચાનક ચાલી જવું મને એવી માનસિક પરિસ્થિતિમાં મૂકી ગયું કે મારી પાસે મારા વિચારો વહેંચવા પણ કોઈ ન રહ્યું.. '

વિવાને સિગરેટના બે ઊંડા કશ ભર્યાં , જાણે પોતાની જાતને કોઈ અણગમતી વાત કહેવા તૈયાર કરતો હોય !

'ઇરા, કદાચ તને ખ્યાલ પણ નહીં હોય કે તારું જવું મારા માટે કેવું પીડાભર્યું બની રહ્યું હતું. એક તરફ પ્રોફેસર સાહેબની એક્ઝિટ તો તાજી જ હતી અને તેમાં વળી તારું આમ અચાનક ચાલી જવું... એવું લાગ્યું કે જાણે સહરાના ધગધગતાં રણમાં હું એકલો પડી ગયો છું. વિના કોઈ વડીલ, વિના કોઈ દોસ્ત અને તેમાં એક માત્ર સહારો હતું મારું કામ.

ઈરાના ચહેરા પર એક નજર કરી વિવાને જોઈ લીધું કે ઇરા તેની વાત સાંભળે છે કે નહીં. ઇરા એકચિત્તે સાંભળી રહી હતી વિવાનને. એ વાત તો હકીકત હતી કે યુએસ જવાની થ્રિલ તો હતી પણ વિવાનનો સાથ છૂટી જશે એ વાતે પોતાને પણ કેવી અજંપાભરી રાતો આપી હતી. દિલ અને દિમાગ વચ્ચે ચાલી રહેલા તુમુલ યુદ્ધમાં આખરે વિજય તો દિમાગનો થયો હતો. કેમ ન થાય ? મામાજી અને મા બંનેના સ્વપ્ન હતા , પોતાની મહેચ્છાઓ હતી ને સામે શરુ થતી આખી જિંદગી. તે વખતે યુએસ જવું એકમાત્ર સાચો નિર્ણય હતો.

'ક્યાં ખોવાઈ ગઈ ઇરા?' વિવાનનો અવાજ કાને પડતાં ઇરા ધ્યાનભંગ થઇ.

'અરે સાંભળી રહી છું. ગો ઓન .... વચ્ચે મને પણ વિચાર આવી ગયો એ દિવસનો જયારે મેં તને ફોન કરીને કહ્યું હતું કે હું યુએસ જાઉં છું. ખરેખર તો મારે તને અગાઉથી કહેવું જોઈતું હતું પણ બધું એટલું અચાનક થઇ ગયું કે.... ઈરાના કથનમાં ગુનાહિતતા પ્રગટ થઇ રહી હતી.

'ના રે ના , ઇરા , આપણે બંને એ વખતે જૂદા જ વર્ગમાં વહેંચવા માટે મળ્યા હતા. તું પૂના રહી પણ ગઈ હોતે તો ત્યાં તારું કોઈ ભવિષ્ય નહોતું , જેમ પ્રોફેસર સાહેબ વિના મારું ...' વિવાનના સ્વરમાં નિસાસો હતો. 'તું શું ગઈ મારા સારા દિવસો લેતી ગઈ. પ્રોફેસર સાહેબ હતા ત્યારે ત્રિપાઠી સાહેબે સારો બ્રેક આપ્યો. ત્યારે સારું લખવાની એક તક મળી હતી. એ કામ પૂર જોશમાં ચાલતું હતું. એમાં એવા નાણાં તો નહોતા મળતાં કે રાતોરાત માલેતુજાર બની શકાય પણ નાણાં સાથે નામ શોહરત મળી રહ્યા હતા. '

'તો પછી આ પોર્નોગ્રાફીના ચક્કર કઈ રીતે ચાલુ થયા ?' ઇરાનો સીધોસટ સવાલ વિવાનને સન્ન કરી ગયો.

'એ જ કહેવા માટે તો તને રોકી રાખી ઇરા; વિવાન ધીમા અવાજે બોલતો રહ્યો : પ્રોફેસર સાહેબ ત્રિપાઠીજીના દોસ્ત હતા એટલે કે પછી ખરેખર મારા કામની કદર કરતા હતા એટલે પણ એમને મને સાચવ્યો.
મારી ગાડી પૂરપાટ ચાલતી હતી. પૈસા નિયમિત મળતાં હતા. એક દિવસ ત્રિપાઠીના મુનીમજીનો સવારની પહોરમાં ફોન આવ્યો. ત્રિપાઠીનું બ્લડ પ્રેશર હાઈ થઇ જવાથી એમને અચાનક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હું એમને મળવા રોજ હોસ્પિટલ પણ જતો. એ સારા થઈને ઘરે પાછા તો આવ્યા પણ વહીવટમાં તેમની ભૂમિકા નહિવત થતી ગઈ. દિવસે દિવસે મને તકલીફ થવા લાગી. મને ન સમયસર નાણાં મળતા કે ન કામ. ત્રિપાઠીની ઓફિસમાં જાણે રામરાજ્ય થઇ ગયું.માણસો પોતપોતાની રીતે વહીવટ ચલાવતા હતા પણ ખાટલે મોટી ખોડ એ હતી કે ત્રિપાઠીએ જ એક મોટી ભૂલ કરી હતી બધું પોતાના હાથમાં રાખીને. નીચેના કોઈ સ્ટાફને હુકમ વિના કામ કરવાની આદત જ ન પડી. દિવસે દિવસે પ્રકાશન બેસવા લાગ્યું. એકવાર હું ત્રિપાઠીને મળવા તેમને ઘરે ગયો ત્યારે તેમના એકમાત્ર પુત્રની સાથે મળવાનું થયું. વાતચીતમાં તો સજ્જન લાગ્યો. અમેરિકાથી ડિગ્રી લઈને આવેલા પુત્રને પિતાનો આમ જૂનવાણી ઢબે ચાલતા બિઝનેસમાં મુદ્દલે રસ નહોતો.ત્રિપાઠી હોસ્પિટલથી પાછા ભલે આવ્યા પણ હાઈ બ્લડ પ્રેશરને કારણે આવેલા સ્ટ્રોકે તેમને શારીરિક અને માનસિકરીતે તોડી નાખ્યા હતા. એક દિવસ ત્રિપાઠીએ મને જણાવ્યું કે હવે પેઢીનું કામકાજ તેમનો ફોરેન રિટર્ન દીકરો અનંગ જોવાનો છે. ત્યારે તો હું ખુશ થયેલો કે હવે નવા વિષયો ને નવા રંગરૂપ અને આયામને સ્થાન મળશે પણ મારા આ સોનેરી ખ્યાલ પહેલે દિવસે જ ભાંગીને ભુક્કો થઇ ગયા.

વાત કરતી વખતે વિવાન ભૂતકાળમાં ઝાંકી રહ્યો હતો. પોતાની હડપચી પર હથેળી ટેકવી , મટકું માર્યા વિના તલ્લીન થઈને ઇરા વિવાની વાત સાંભળી રહી હતી.

'એક દિવસ અનંગનો મને ફોન આવ્યો મને ઓફિસ આવીને મળવા જણાવ્યું. એક લાંબા અંતરાલ પછી મને થયું કે ગ્રહણ છૂટ્યું હવે ફરી લખવાની શરૂઆત થશે.હું હોંશભેર ત્રિપાઠીની ઓફિસે પહોંચી ગયો. જોયું તો ઓફિસમાં ઘણાં નવા ચહેરાં આમતેમ દોડાદોડ કરતા જણાયા . મુનીમજી તો ક્યાંય જણાતાં જ નહોતા. કોઈ પ્યુને પછી મને જણાવ્યું કે તેમની છુટ્ટી થઇ ગઈ છે. જેટલો જૂનો સ્ટાફ હતો એમના લગભગ તમામને વોલિયન્ટરી રિટાયરમેન્ટ આપી દેવાયું હતું, એની જગ્યા લીધી હતી તરવરિયા યુવાનોએ. જો કે સમય સાથે કદમ મિલાવીને ચાલવું કોઈ ખોટી વાત નહોતી પણ હું જયારે અનંગને મળવા કેબિનમાં ગયો ત્યારે મારા માટે એક ઓફર રેડી હતી. અનંગ બોલવામાં તો બહુ મીઠો હતો. ભાષા પણ કોર્પોરેટ જગતની વાપરતો રહેતો. ગ્રોથ , સ્ટ્રેટેજી , પ્રોડક્ટ અને પ્રોફિટ એના પ્રિય શબ્દ હતા.
મને બહુ સન્માનથી આવકાર્યો.
'તો તમે જ છો વિવાન શ્રીવાસ્તવને ? કલાસિકસનું કામ જુઓ છો ને !! '
મેં જવાબમાં માથું ધુણાવ્યું.
'તમને ખબર છે કે ક્લાસિકમાં જરૂરી એવા ઇલસ્ટ્રેશન અને આર્ટવર્કનું કોસ્ટીંગ ?'ગોલ્ડન રીમલેસ ચશ્મામાંથી અનંગ સામેનાને માપતો રહેતો હોય એમ હંમેશ બોલતો .

'એ તો મને કઈ રીતે ખબર હોય ? મારું કામ માત્ર લખવાનું છે. ' મારે જે સૂઝે એ જવાબ આપ્યા વિના છૂટકો નહોતો.
'એક્ઝેટલી , એ જ વાત છે. તમને ખબર નથી કે તમારા લખાણ જેટલો જ કે પછી ક્યારેક એથી વધુ ખર્ચ આર્ટવર્કમાં લાગે છે અને આપણી વેચાણકિંમત શું છે ? એની પર પ્રોફિટ માર્જિન શું છે ?'

'હું સમજી ગયો હતો અનંગની વાતના હાર્દને. ' એનો કહેવાનો ભાવાર્થ એ હતો કે આ ક્લાસિક બૂક્સ સામે નફો માંડ સાંઠ ટકા છે.

પણ સર તમે સમજો આ સંસ્કાર વાંચન છે. જેની સાથે આવતીકાલના નાગરિકો તૈયાર થઇ રહ્યા છે. આ પ્રપોઝલને માત્ર બિઝનેસ તરીકે જોવી યોગ્ય નથી.


' આખા દેશમાં આદર્શ નાગરિકો બનાવવાનો ઠેકો માત્ર ત્રિપાઠી એન્ડ સન્સે લીધો છે ? એમ કહો છો વિવાન ? ' અનંગના ધારદાર પ્રશ્ને મને નિરુત્તર કરી નાખ્યો હતો.

તમને ખબર હોવી જોઈએ કે આજકાલ શું વેચાય છે ! જો ન ખબર હોય તો કહું કે આખી દુનિયામાં આજે માત્ર ત્રણ શ્રેણીના પુસ્તકો ગરમાગરમ ભજીયાની જેમ ઉપડે છે. એક તો છે કૂકિંગની રેસિપી બીજા છે તંદુરસ્તીના પુસ્તકો અને ત્રીજા છે સેક્સ વિષે. ટૂંકમાં વેચાય છે માત્ર ફૂડ, હેલ્થ એન્ડ સેક્સ. હવે મારી પ્રપોઝલ સાંભળી લો. પચાસ સાંઠ ટકાના ધંધામાં મને કોઈ રસ નથી. મારે અઢીસો ટકા છૂટે એવો બિઝનેસ જોઈએ છે અને એ માટે ન જરૂર હોય આર્ટવર્કની કે જાહેરખબરની. એ તો ફૂટપાથ પર મૂકો કે બુક ફેરમાં , ઉપડે જ ઉપડે. હવે તમે મને કહો આ માટે તમે તૈયાર છો કે નહીં ?

'અને તે એની વાત માની લીધી ? એમ જ ને ? ઇરાના સ્વરમાં હળવો ઉશ્કેરાટ હતો.

'પહેલાં ત્રણ દિવસ તો વિચારમાં કાઢ્યા ઇરા, મેં અનંગને જણાવ્યું હતું કે વિચારીને જવાબ આપીશ.જવાબમાં અનંગ લુચ્ચું હસ્યું પણ હતો. હા , જરૂર વિચારી લો. પણ મારી પાસે ઝાઝો સમય નથી. આ તો તમે અમારા જ લેખક એટલે તમને પહેલા ચાન્સ આપ્યો બાકી સેક્સ વિષે તો કોઈ પણ લખી શકે. એ કોઈ રોકેટ સાયન્સ થોડું છે ?

ત્રણ દિવસ સતત મનોમંથન કર્યા પછી આ કપરો નિર્ણય લેવો પડ્યો. એક તો માથેથી પ્રોફેસર સાહેબનું છત્ર ચાલી ગયું હતું. ટ્યુશનો કરતે તો પણ એટલી કમાણી શક્ય નહોતી બાકી રહી વાત નૈતિક મૂલ્યોની. તો ઇરા , જયારે ઘરનું ભાડું ચઢી ગયું હોય, પેટમાં આગ હોય ત્યારે નૈતિક મૂલ્યોને પીગળી જતા વાર નથી લગતી. તે વખતે પહેલીવાર મને થયેલું કે સારું છે ઇરા અહીં નથી નહીંતર એને શું જવાબ આપત ?

ક્રમશ :











--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com