RETRO NI METRO - 25 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 25

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો , ગીતો ભરી મજેદાર સફર તમને કરાવવા માટે....
તો friends તમારા કલ્પના ચક્ષુઓ ને કામે લગાડો અને યાદ કરો એક સરસ મજાના વરઘોડાને.... સુંદર રંગબેરંગી ચમકદાર વસ્ત્રોથી સજ્જ બેન્ડ ના કલાકારો કયું ગીત લગ્નના માંડવે પહોંચતા જ શરૂ કરે છે? તરત જ ગીતના શબ્દો આવી ગયાને....
"बहारों फूल बरसाओ
मेरा महबूब आया है - (२)
हवाओं रागिनी गाओ
मेरा महबूब आया है - (२)"
"સુરજ" ફિલ્મનાં આ ગીતે એવી ધૂમ મચાવી કે 1966 નો શ્રેષ્ઠ ગીતકાર નો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હસરત જયપુરી ને. અને હવે તમે સમજી જ ગયા હશો કે રેટ્રોની મેટ્રો હસરત જયપુરી ની રચનાઓથી સજ્જ છે
૧૫મી એપ્રિલ ૧૯૬૦ના રોજ હસરત જયપુરી ના પુત્ર નો જન્મ થયો. રાજેશ ખન્ના અને એમની દીકરી ટ્વિંકલ ની જન્મ તારીખ જેમ એક જ છે તે જ રીતે ગીતકાર હસરત અને તેમના પુત્ર ની જન્મતારીખ પણ એક જ એટલે કે ૧૫મી એપ્રિલ... દીકરાને પહેલીવાર જોતા જ હસરત ના હોઠે શબ્દો આવ્યા "ચશ્મે બદ્દુર" એટલે કે કોઈની નજર ન લાગે અથવા બુરી નજર તારાથી દૂર રહે... દીકરાનો જન્મ થયો એ દિવસોમાં પ્રસાદ પ્રોડક્શનની ફિલ્મ"સસુરાલ" માટે ગીતકાર હસરત જયપુરી(જેમનું મૂળ નામ છે ઈકબાલ હુસેન) ગીતો લખતા હતા એટલે દીકરાને જોયા પછી જે શબ્દો સૌથી પહેલા એમના મુખમાંથી સર્યા તે શબ્દો લઈને એમણે ગીત લખ્યું "તેરી પ્યારી પ્યારી સુરત કો કિસી કી નજર ના લગે ચશ્મે બદ્દુર.હસરતે આ ગીતમાં ખૂબીપૂર્વક "ચશ્મે બદ્દુર" શબ્દ મુક્યો. પણ ગીત સાંભળીને ફિલ્મ ના હિરો રાજેન્દ્રકુમાર એ પૂછ્યું "ચશ્મે બદ્દુર" થોડો અઘરો શબ્દ છે શું લોકો એનો અર્થ સમજશે? જો કે નિર્માતા દિગ્દર્શક સંગીત નિર્દેશક સૌની સાથે ચર્ચા વિચારણા કરતા લાગ્યુ કે ફિલ્મના હિરોઈન બી.સરોજાદેવી માટે આ શબ્દ પરફેક્ટ છે એટલે એ શબ્દ ગીતમાં જેમનો તેમ જ રહ્યો. પછી તો આ ગીત એટલું લોકપ્રિય થયું કે ચારે તરફ એની જ ચર્ચા થતી હતી અને "ચશ્મે બદુર" શબ્દ તો એ ગીત ની હાઈલાઈટ બની ગયો.
આપણે જેમને પ્રણય ગીતોના શાયર તરીકે ઓળખીએ છીએ તે હસરત જયપુરી.. જયપુરમાં તેમના મોસાળમાં ઉછર્યા.... તેમના નાનાજીની ખાનદાની હવેલી ની સામે એક મકાનમાં રહેતી હતી રાધા. રાધા એક ખુબસુરત છોકરી હતી જે રોજ સવારે વાળ સૂકવવા માટે પોતાની અગાસી માં આવે અને ફિદા હુસેનના દોહિત્ર ઈકબાલ હુસેન એટલે કે હસરત તેના પર ફિદા થઇ જતા. વાળ સૂકવતી રાધા ની છબી મન પર એવી અંકિત થઈ કે વર્ષો પછી સુહાગન ફિલ્મ માટે તેમણે સંગીતકાર મદન મોહનને ગીત લખી આપ્યું
"तू मेरे सामने है,तेरी जुल्फे है खुली
तेरा आँचल है ढला,मैं भला होश में कैसे रहूँ"
અને મહમ્મદ રફીના જાદુઈ અવાજનો ગીતને એવો સ્પર્શ થયો કે સાંભળનાર કહી ઊઠે "मैं भला होश में कैसे रहूँ...."
રાધા ના પ્રેમ માં પાગલ યુવાન હસરતે પછી તો રાધા ને કવિતાના સ્વરૂપે જ એક પ્રેમ પત્ર પણ લખ્યો. સામાજિક બંધનોને કારણે એ પત્ર પ્રેમિકાને હસરત જી આપી ન શક્યા, પણ વર્ષો પછી રાજ કપૂરે ફિલ્મ સંગમ બનાવી ત્યારે હસરત ના આ લાગણીભર્યા પ્રેમ પત્ર માટે રાજ કપૂરે ખાસ સિચ્યુએશન ફિલ્મમાં મૂકી એટલું જ નહીં ફિલ્મની નાયિકા ને પણ નામ આપ્યું "રાધા". એ લિરીકલ લવ લેટર એટલે
मेहरबां लिखूँ,हसीना लिखूँ या दिलरुबा लिखूँ
हैरान हूँ के आपको इस खत में क्या लिखूँ
ये मेरा प्रेम पत्र पढ़कर,के तुम नाराज़ ना होना
के तुम मेरी ज़िन्दगी हो,के तुम मेरी बंदगी हो
જયપુરમાં બસ કંડકટર તરીકે નોકરી કરતા ઈકબાલ હુસેન મુશાયરામાં હસરત નામે શાયરી કરે... એવા જ એક મુશાયરામાં ઓડિયન્સમાં હતા પૃથ્વીરાજ કપૂર. તેમણે હસરત ને કહ્યું કે તમે મારા પુત્ર રાજ કપૂરને મળો. જ્યારે હસરત જયપુરી રાજ કપૂર ને મળવા ગયા ત્યારે રાજ કપૂરે કહ્યું તમે પાપાજી ને ગમેલી તે રચના મને સંભળાવો અને હઝરતે સંભળાવી તેમની મશહૂર રચના "મજદૂર કી લાશ". રાજ કપૂર એ વખતે ફિલ્મ"બરસાત"નું નિર્માણ કરતા હતા અને એમને જરૂર હતી રોમેન્ટિક ગીત ની એટલે રાજ કપૂરે તેમને કોઈ રોમેન્ટિક ગીત આપવા જણાવ્યું અને શાયર હસરતે લખી આપ્યું"जिया बेकरार है, छाई बहार है... आजा मोरे बालमा, तेरा इंतजार है ..
सूरज देखे, चंदा देखे सब देखे हम तरसे हो
सब देखे हम तरसे...." શંકર-જયકિશનની કારકિર્દીનું આ પહેલું ગીત.બરસાત માં રાજ કપૂરે હસરત ની સાથે સાથે શૈલેન્દ્રને પણ ગીતકાર તરીકે બ્રેક આપ્યો અને આમ રાજ કપૂર કેમ્પમાં શંકર,જયકિશન, હસરત અને શૈલેન્દ્ર નો પ્રવેશ એક સાથે થયો અને રેટ્રો ના ચાહકોને લાગી ગયો જેકપોટ.શંકર-જયકિશન સાથે હસરત અને શૈલેન્દ્ર જોડાયા પછી ફિલ્મના શિર્ષકગીત મોટેભાગે શૈલેન્દ્ર લખતા તેમ મનાય છે ,શરૂઆતની ફિલ્મો માટે કદાચ આ સાચુ હશે પણ આખો રેકોર્ડ તપાસીએ તો સમજાય છે કે હસરત જયપુરી એ પણ અનાડી, કનૈયા ,આસ કા પંછી, હમરાહી ,એપ્રિલ ફૂલ, હરિયાલી ઓર રાસ્તા જેવી ઘણી ફિલ્મોમાં શિર્ષકગીત લખ્યાં છે. ક્યારેક તો એવું બન્યું છે કે એક જ ફિલ્મ માટે હસરત અને શૈલેન્દ્ર બંને એ ટાઈટલ સોંગ્સ લખ્યા હોય. એવી એક ફિલ્મ એટલે અનાડી જેને માટે શૈલેન્દ્રએ શીર્ષક ગીત લખ્યું
"सब कुछ सीखा हमने ना सीखी होशियारी
सच है दुनियावालों कि हम हैं अनाड़ी... "તો રોમેન્ટિક શાયર હઝરત એ લખ્યું
"वो चाँद खिला, वो तारे हँसे
ये रात अजब मतवाली है
समझने वाले समझ गये हैं
ना समझे, ना समझे वो अनाड़ी हैं...."
ફિલ્મ હરિયાલી ઓર રસ્તા માટે શૈલેન્દ્ર એ લખ્યું
"बोल मेरी तकदीर में क्या है
मेरे हमसफ़र अब तो बता,
जीवन के दो पहलू है
हरियाली और रास्ता"
અને હસરત જયપુરી એ લખ્યું
"ये हरियाली और ये रास्ता..
इन राहों पर तेरा-मेरा जीवन भर का वास्ता..."
એક વખત સંગીતકાર જયકિશન સાથે હસરત પેરિસ ગયેલા ત્યાં એક રેસ્ટોરન્ટ માં તેઓ બેઠા હતા. એક ડાન્સર ચમકદાર ટીલડીઓ વાળા વસ્ત્રો પહેરીને નૃત્ય કરતા કરતા તેમની પાસે આવી તેમના ટેબલ પાસે થોડુ મૃત્ય કરીને ત્યાંથી સ્ટેજ તરફ આગળ વધી એને જતાં જોઈ શાયર હસરતના મોંમાંથી શબ્દો સરી પડ્યા "બદન પે સિતારે લપેટે હુએ ઓ જાને તમન્ના કિધર જા રહી હો... જરા પાસ આવો તો ચૈન આ જાયે" જયકિશને પેરિસથી પાછા આવ્યા પછી આ મુખડા પરથી આખું ગીત લખાવ્યું અને ફિલ્મ પ્રિન્સ નું મહમદ રફી એ ગાયેલું એ ગીત શમ્મી કપૂર સ્ટાઇલ ના ડાન્સ માટેનું ટ્રેડમાર્ક સોંગ બની ગયું.પેરિસની રેસ્ટોરન્ટ હોય કે મુંબઈની હોટલ,હસરત કોઈપણ જગ્યાએ શાયરી નું સર્જન કરી શકતા. ચર્ચગેટ ની એક રેસ્ટોરન્ટમાં જયકિશન અને બીજા મિત્રો સાથે હસરત લગભગ રોજ જતા.આ હોટલમાં એક ઈરાની છોકરી વારંવાર "ઉફ યુમ્મા"શબ્દ બોલતી.જિજ્ઞાસાવશ હસરતે તેનો અર્થ શું થાય ? એમ પૂછ્યું એટલે ખબર પડી કે તેનો અર્થ "બહુ સરસ"એવો થાય છે. બસ પછી તો તરત જ રેસ્ટોરન્ટના ટેબલ પર જ હસરતે લખી નાખ્યું એક યુગલગીત "ये आँखें, उफ़ युम्मा,ये सूरत,उफ़ युम्मा!
प्यार क्यूँ ना होगा, ये अदायें,उफ़ युम्मा!
ये मौसम, उफ़ युम्मा,ये धड़कन, उफ़ युम्मा!
कैसे दिल को रोकूँ, कोइ थामें, उफ़ युम्मा!
જે ફિલ્મ "જબ પ્યાર કિસી સે હોતા હે" માં લેવાયું.
હવે આપણે એક એવું ગીત યાદ કરીએ જે આપણને આપણા બાળપણ ની યાદ અપાવે. નાના બાળકોને પ્રિય એવા ઉખાણા હસરતે "શ્રી ૪૨૦" ફિલ્મના એક ગીતમાં સરસ રીતે વણી લીધા.બાળકોને ભણાવતી ટીચર નરગીસ એક પછી એક ઉખાણા પૂછે અને બાળકો તેનો ઉકેલ શોધે છે. યાદ આવ્યું ને એ ગીત?જી હા... "ઇચક દાના બીચક દાના..."આ ગીત જ્યારે લખાઈ ને તૈયાર થયું ત્યારે તો તેના શબ્દો કોઈને સમજાયા નહોતા પણ જ્યારે સંગીત સાથે ગીત તૈયાર થયું ત્યારે તે ભારે અસરકારક બની ગયું.યાદ કરો આ ગીત જ્યારે પહેલી વાર સાંભળ્યું હતું ત્યારે તમે ઉખાણા નો કેવો આનંદ અનુભવ્યો હતો?
"हरी थी मन भरी थी, लाख मोती जड़ी थी
राजा जी के बाग़ में दुशाला ओढ़े खड़ी थी
कच्चे-पक्के बाल हैं उसके मुखड़ा है सुहाना
ईचक दाना...बोलो क्या? बोलो बोलो
बुड्ढी !!
भुट्टा !!"
વાહ હસરત જયપુરી ની કલ્પના તો જુઓ,
મકાઈના દાણા તેમને મોતી જેવા લાગ્યા અને મકાઈ ની ઉપર નું રેશમી દોરા જેવું આવરણ રેશમી શાલ જેવું લાગ્યું.
તુમ મુજે યુ ભુલાના પાઓગે ,જબ કભી ભી સુનોગે ગીત મેરે ,સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે...
ખરેખર સાથે સાથે ગણગણવાનું મન થાય તેવા ઘણા મધુર અર્થપૂર્ણ ગીતોના સર્જક હસરત જયપુરી જીવનના અંત સુધી ગીતો લખતા રહ્યા.૧૭ મી સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધો તે પહેલા છઠ્ઠી સપ્ટેમ્બર 1999ના રોજ તેમણે "રુહ કા સફર" નામે એક રચના લખી.
"જમીન સે દૂર દૂર હું, યે કોન સા મકામ હૈ?
અજીબ હી સહર હૈ યે ,અજીબ હી શામ હૈ,
જમીન સે દૂર દૂર હું, ફલક કે આસપાસ હું
ઉસ ખુદા એ પાક કો ,અબ મેરા સલામ હૈ."
"जाने कहाँ गए वो दिन,कहते थे तेरी राह में
नज़रों को हम बिछाएंगे,चाहे कहीं भी तुम रहो
चाहेंगे तुमको उम्र भर तुमको ना भूल पाएंगे... "
આવા સરસ,રોમેન્ટિક,અર્થપૂર્ણ અને ગણગણવા ગમે તેવા ગીતો ના શાયર હસરત જયપુરી ને આપણે યાદ કર્યા "રેટ્રોની મેટ્રો" સફર માં. આવા જ કોઈ ફિલ્મ નાં સર્જક કે કલાકારની વાત સાથે ફરી મળીશું માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.